અનોખી નૌકા બનાવો અને ઝંપલાવો પાણીમાં

26 August, 2012 09:14 AM IST  | 

અનોખી નૌકા બનાવો અને ઝંપલાવો પાણીમાં


સેજલ પટેલ

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો

ભલે છીન લો મુઝસે મેરી જવાની

મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન

વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની

વરસાદી મોસમમાં સિમેન્ટ-કૉન્ક્રીટના જંગલ સમા મુંબઈ શહેરમાં અનેક વાર જગજિત સિંહના ઘેરા અવાજમાં ગવાયેલી આ ગઝલ યાદ આવે ત્યારે બચપન કી યાદેં તાજા થઈ જાય છે.

ભાગ્યે જ કોઈ વીરલો એવો હશે જેણે બચપણમાં કાગળની હોડી બનાવીને ગલીઓમાં ભરાયેલા ખાબોચિયામાં વહેતી નહીં મૂકી હોય. હવે મોટા થયા પછી એ ક્રીએટિવિટીનું સુખ મિસ કરતા હો તો દુખી થવાની જરૂર નથી. તમારી આ મુરાદ મન ભરીને પૂરી શકો એ માટેનું પ્લૅટફૉર્મ વિદેશોમાં મળી રહે એમ છે. ફ્લોરિડાના કી લાગોર્ ટાપુ પર, ઇંગ્લૅન્ડના પિટ્સબર્ગમાં અને અલાસ્કાના ફેરબૅન્કમાં ક્રીએટિવિટી અને ઍડ્વેન્ચર બન્નેને જલસો પડી જાય એવી રેસ યોજાય છે. દર વર્ષે જુલાઈના એન્ડ અને ઑગસ્ટની શરૂઆતમાં યોજાતી આ રેસમાં કન્ડિશન એક જ હોય છે કે તમે બનાવેલી નૌકા હોમ-મેડ હોવી જોઈએ, ફૅક્ટરી-મેડ નહીં.

જુલાઈના છેલ્લા વીકમાં પિટ્સબર્ગમાં ‘ઍનિથિંગ ધૅટ ફ્લોટ્સ’ નામની બોટરેસ યોજાઈ ગઈ. એ રેસમાં પાણીમાં નૅચરલી જ તરી શકે એવી ઘરમાં વપરાતી હાથવગી ચીજોનો ઉપયોગ કરીને હોડી બનાવવાની અને હા, એ હોડીમાં જાતે બેસીને અડધો કિલોમીટર જેટલું હંકારવાની પણ ખરી. પિટ્સબર્ગમાં તો છેલ્લાં પાંચ-સાત વરસથી જ આ રેસ શરૂ થઈ છે, પરંતુ આ કૉન્સેપ્ટના શ્રીગણેશાય નમ: થયેલા ૧૯૮૦ની આસપાસ ફ્લોરિડાના કી લાગોર્ ટાપુ પર. દસથી પંદર હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વારંવાર પૂર આવતું હોવાથી પાણીનો પ્રવાહ વધી જાય ત્યારે કેવી ચીજોના સહારે તરી જવું એ વિશે બાળકોને શીખવવામાં આવતું. રમત-રમતમાં જ કોણ સૌથી સારી હોડી બનાવે છે એની હોડ શરૂ થઈ. આ નાની વાતને ૧૯૮૦માં મોટું સ્વરૂપ મળ્યું. માત્ર આ ટાપુના જ નહીં, ફ્લોરિડાના લોકોએ પણ આ રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને જોતજોતામાં આ રેસ એક વૈશ્વિક આકર્ષણ બની ગઈ. હવે દર ઑગસ્ટ મહિનામાં આખી દુનિયામાંથી રેસરસિયાઓ આવે છે, અનોખી અને હટકે એવી નૌકાઓ બનાવે છે ને હોડમાં ઊતરે છે. ફ્લોરિડાના ટાપુ પર આ રેસ ૧૭-૧૮ ઑગસ્ટે જ યોજાઈ ગઈ.

આ રેસનો એક જ રૂલ છે કે નૌકા હોમ-મેડ હોવી જોઈએ. બાકી બધી જ છૂટ. તમારી ક્રીએટિવિટી જ્યાં પહોંચાડે એ કરી શકો. સૌથી ક્રીએટિવ અને હટકે એવી કાલ્પનિક શક્તિ દાખવનારને પ્રાઇઝ મળે. સૌથી ઓછા ખર્ચમાં સૌથી લાંબું અંતર કાપે એવી નાવડીને પણ પ્રાઇઝ મળે. મોટા ભાગે પીવીસી પાઇપ, કેરોસીન-તેલનાં ખાલી ગૅલનિયાં, ખાલી પ્લાસ્ટિક બૉટલ્સ, મોટાં બૅરલ્સ વગેરે જે હાથમાં આવે એ ચીજોથી લોકો હોડી બનાવે. એક કપલે તો માત્ર દોઢ-બે લિટરનાં ખાલી ગૅલનિયાં એકબીજા સાથે ચોંટાડીને એના પર જ બેઠક જમાવી દીધેલી. હાથમાં પણ પ્લાસ્ટિકનાં જ હલેસાં વાપરેલાં. તો ચાર માણસોની એક ટીમે વીસ લિટરનાં મોટાં ગૅલન્સ ભેગાં કરી એના પર પાતળું પ્લાયવુડ મૂકીને મજાનો તરાપો બનાવી દીધો. જોકે બીજું એક કપલ તો પોતાના ઘરનું બાથટબ જ ઉપાડી લાવ્યું ને એના પર હલેસાં લઈને રેસમાં નીકળી પડ્યું. ચાર હલકીફૂલકી છોકરીઓએ ચાલાકી વાપરી. મોટા બે-ચાર થેલા ભરીને પ્લાસ્ટિકનો હલકો કચરો અને સૉફ્ટ ડ્રિન્ક્સની થોડીક બૉટલ્સને એવી રીતે ભેગી કરી કે એના પર બેસીને તે આરામથી પાણીમાં તરવા પણ લાગી. એક અતિ ચતુર મહાનુભાવે તો પોતાના શરીર પર જ થમોર્કૉલ લગાવી દીધું ને પાણીમાં સૂઈ ગયો. લો બોલો, ડુબાય પણ નહીં અને શરીર સિવાય બીજી કોઈ હોડીની જરૂર પણ નહીં! એક બાઇકરસિયાએ ડૂબે નહીં એવી બાઇક તૈયાર કરેલી. ટાયરને હવાચુસ્ત કરી નાખ્યાં અને એની આસપાસ એવી રીતે ખાલી ગૅલન ગોઠવી દીધાં કે બાઇક પર બેઠાં-બેઠાં હલેસાં મારતો તે ઠેઠ ફિનિશ-લાઇન સુધી પહોંચી પણ ગયો.

અલાસ્કાના સૌથી મોટા શહેર ફેરબૅન્ક્સમાં પણ આવી જ કોઈ પણ ચીજ લઈને જાતમહેનતે નાવડી બનાવીને પાણીમાં ખાબકવાની સ્પર્ધા થાય છે: એનું નામ છે રેડ ગ્રીન રીગેટા. આ સ્પર્ધામાં પણ હોડી તો હોમ-મેડ જ હોવી જોઈએ, પણ એમાં ઓછામાં ઓછી ચીજ વાપરવાને બદલે સૌથી આકર્ષક અને રંગબેરંગી નાવ બનાવવા પર વધુ પ્રાધાન્ય છે. આ રેસ પણ અલાસ્કામાં જુલાઈ મહિનાના અંતમાં યોજાઈ ગઈ. અહીં કેટલીક તસવીરો રજૂ કરી છે એ જોઈને લાગશે કે લોકોની સર્જનાત્મકતાને જાણે છૂટો દોર મળી ગયો છે. કોઈકે રંગબેરંગી ફુગ્ગાઓનો ઉપયોગ કરીને નૈયા બનાવી છે તો હવાથી ભરેલો ઘરનો સોફો ઉપાડી લાવ્યું છે. એક ટીમે માછલી શેપનાં બલૂન્સ બનાવીને એના પર સહેલ આદરી છે તો કોઈક બે જુદાં-જુદાં બૅરલ્સ પર માંચડો બનાવીને એના પર પાણીમાં પડ્યું છે. એક ટ%પે તો રબરની પ્લેટ પર ઊભી કરેલી પોતાની નાવ પર લાઇવ મ્યુઝિક વગાડીને મનોરંજન પણ પીરસ્યું. થમોર્કૉલ બૉક્સ બનાવીને એની ચોક્કસ ગોઠવણ કરીને તરાપો બનાવવાની કે પછી તૂટેલી ગાડીને પ્લાસ્ટિકના તરાપા પર ઉપાડીને જાણે કાર તરતી હોવાનો ભાસ પેદા કરવાની સર્જનાત્મકતા પણ અહીં દેખાઈ.

લગભગ અડધો માઇલ એટલે કે આશરે ૮૦૦ મીટર જેટલું અંતર જે સૌથી ઝડપથી કાપે એ વિનર બને. જોકે આમાં ઝડપ કરતાંય વધુ અગત્યનું છે તમારી બનાવેલી હોડી રેસની અંતિમ રેખા સુધી પહોંચે એ. હલકીફૂલકી હોડીઓ હવાની એક લહેરખીમાં દિશાભાન ભૂલીને ફંટાઈ જાય અને આસપાસના તરાપાઓને અથડાઈ પડે તો ઍક્સિડન્ટ પણ થાય. જોકે આવું થાય ત્યારેય લોકો એકબીજા પર પાણીની છોળો ઉડાડીને આનંદ માણવાનું નથી ચૂકતા. આ રેસમાં તો હારી જાઓ તોય પ્રાઇઝ મળે છે, કેમ કે જેની હોડી સૌથી પહેલી જળમય થઈ જાય તે પણ હાર્ડ લક પ્રાઇઝનો હકદાર બને.

છેને મજેદાર? તો અત્યારથી હટકે હોડી બનાવવાનું વિચારવા લાગો ને આવતા વર્ષે આ સ્પર્ધામાં નામ નોંધાવી દેજો.

પુડિંગની નૌકાઓની રેસ

નૉર્થ ઇંગ્લૅન્ડના બ્રેવબી શહેર પાસે આવેલા બૉબ તળાવમાં દર વર્ષે એકદમ હટકે રેસ થાય છે. આ રેસમાં બધા પુડિંગની બનેલી નૌકા લઈને સ્પર્ધામાં ઊતરે છે. પુડિંગ એટલે પુડિંગ આકારની નહીં, રિયલ પુડિંગની જ. આવી હોડી બનાવવા માટે બે કોથળા લોટ, પચાસ ઈંડાં, બારેક લિટર જેટલું દૂધ અને પાણી વપરાય. રીતસરની રોટલીના લોટની જેમ કણક બાંધીને એનું મોટું પુડિંગ બેક કરીને તૈયાર કરવામાં આવે ને એના પર વૉટરપ્રૂફ યૉટ વાર્નિશ લગાવો એટલે પુડિંગ નૌકા તૈયાર.

આ સ્પર્ધામાં હોડીમાં એક જ માણસ બેસી શકે. જોકે એ પણ છેક ફિનિશ-લાઇન સુધી પહોંચી શકે કે કેમ એ શંકા હોય. હોડી પાણીમાં ઓગળી જાય એ પહેલાં જે રેખા પાર કરે તે જીતે.