સમાજની મોટી કરુણતા એ છે કે હવે સંતાનો નહીં પણ વારસદારો જન્મે છે

26 August, 2012 09:13 AM IST  | 

સમાજની મોટી કરુણતા એ છે કે હવે સંતાનો નહીં પણ વારસદારો જન્મે છે

સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

જીવનની ત્રણ અવસ્થાઓ ત્રણ અવતાર સાથે જોડાયેલી છે. બાળપણ ક્રિષ્ન જેવું હોવું જોઈએ. એટલે જ તો દરેક મા - ચાહે કૂબામાં રહેતી હોય કે કરોડના બંગલામાં - પોતાના નાનકડા બાળકને ‘મારો લાલો - મારો કાનુડો’ કહીને લાડ લડાવે છે.

સાઠ વરસના કોઈના દાદા કે બાપુજીને કાનુડો કહેવાય? (હોય તોય ન કહેવાય.) આમ બાળપણ એ નટખટ કાનુડા જેવું જ ઉત્તમ લાગે. જુવાની મર્યાદાપુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ અને બુઢાપો નિ:સ્પૃહી શિવ-ભોળાનાથ જેવો હોવો જોઈએ.

સંતાનો તમારી પાસેથી તિજોરીની ચાવી આંચકી લે એ પહેલાં તમારે એ ચાવી અને વહીવટ સંતાનોને હસતા મોઢે આપી દેવાં જોઈએ. જોકે સમાજની એક મોટી કરુણતા એ પણ છે કે હવે સંતાનો નથી જન્મતાં, વારસદારો જન્મે છે.

જન્માષ્ટમીની રાતે હિંમતદાદાએ પોતાના જન્મની વાત માંડી...

‘સાંઈ, મારા જન્મ વખતે પણ બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા હતા. મારું મોસાળ નદીના સામા કાંઠે જ્યાં હું જન્મ્યો’તો, પણ જન્મતાંવેંત મારી તબિયત સારી નહોતી એટલે મારા બાપુજી પણ મને મામાના ઘરેથી સૂંડલામાં ઉપાડીને નદી ટપીને મને લાવ્યા હતા. ગામઆખાને તો જાણે એમ જ થ્યું’તું કે હિસ્ટરી રિપીટ થઈ, આપણા ગામમાં ફરી કાનુડો જન્મ્યો છે. મારા બાપાની સંૂડલા ઉપાડવાની અને મારી એમાં સૂતા રહેવાની હિંમત જોઈને મારી ફોઈબાએ મારું નામ હરખથી હિંમત રાખ્યું’તું.’

સોસાયટીવાળા આ ‘હિંમતાખ્યાન’ રસપૂર્વક સાંભળતા હતા ત્યાં મેં વચ્ચેથી ટોક્યા, ‘દાદા, એટલે જ તમને રાસલીલાની ટેવ આ ગઈઢે ગઢપણ પણ ગઈ નથી! રાખો રાખો દાદા, હવે ફોગટ ફિશિયારી ન ઝીંકો. ક્રિષ્નભગવાને કાળીનાગ નાથ્યો હતો ને તમે અળસિયું જોઈને ફાટી પડો છો. કાનુડો મધુર બંસરી બજાવતો હતો ને તમને સાંબેલું પણ વગાડતાં નથી આવડતું. માધવે દ્રૌપદીનાં ચીર પૂર્યા’તાં ને તમે શાંતિકાકીને મહિને એક અઢીસો રૂપિયાવાળી સાડી માંડ-માંડ અપાવી શક્યા છો (ને એ પણ ગુજરી બજારમાંથી...). ગોવિંદે જીવનભર લીલાઓ કરી’તી ને તમે આજીવન ખીલા જ ઉપાડ્યા છે. બાંકેબિહારીને સોળ હજાર રાણીઓ હતી ને તમારું શાંતિકાકી સાથે માંડ-માંડ સગપણ થ્યું’તું (અને એ પણ વૈકલ્પિક યોગમાં! આને કોઈ દેતું નો’તું ને ઓને કોઈ લેતું નો’તું...).’

મારી આ નૉન-સ્ટૉપ

વન-લાઇનર સિક્સરોથી ખુદ દાદા સાથે અમે બધા ખડખડાટ હસી પડ્યા. હિમાદાદા શરીરથી વૃદ્ધ છે પણ માનસિક રીતે ખૂબ તંદુરસ્ત છે, કારણ ઈ ‘પોતાની જાત પર હસી શકે છે.’ આ એક જ દાદાનો પ્લસ પૉઇન્ટ છે.

ત્યાં સોસાયટીમાંથી કોઈએ ટમકું મૂક્યું, ‘હિમાદાદા, ધારો કે તમે શ્રીક્રિષ્ન હોત તો? વિચાર તો કરો કે તમારે પણ સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ હોત તો?’

દાદાએ ઊંડો શ્વાસ લઈને ખોંખારો ખાધો. ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મળી ગ્યો હોય એવી રોનક આવી મોઢા પર ને હિમાદાદા ઉવાચ:

‘હું જો કાનુડો હોત તો બેટા રુક્મિણી તરીકે તો તારી શાંતિકાકી જ હોત, પણ સાલુ સોળ હજાર પટરાણી હોત તો મારે રૅશનકાર્ડના માથાદીઠ પાંચસો ગ્રામ તેલ-કેરોસીન કે ખાંડ લેવા ખટારા લઈને કરિયાણાની દુકાન જવું પડત. સોળ હજાર રાણિયું સાચવવા વલ્ર્ડ ટ્રેડ સેન્ટર જેવડો લાંબો ટઈડ જેવડો એકદંડિયો મહેલ બનાવવો પડત. ઘરનાં જ બ્યુટીપાર્લર ખોલવાં પડત અને સોળ હજાર બેગમોનાં બચ્ચાંઓને સાચવવા ઘરની જ આંગણવાડી ને હાઈ સ્કૂલો, કૉલેજો બનાવવી પડત. વળી બધાંય માટે બિસ્કિટ, ચૉકલેટ અને દૂધની ડિમાન્ડ પહોંચી વળવા ઘરની જ ફૅક્ટરિયું ખોલવી પડત. વળી રાણીઓનાં સગાંવહાલાં અને વેવાઈવેલાના રોકાણ માટે

નોખાં-નોખાં સર્કિટ-હાઉસ કે હોટલું બનાવવી પડત! બાપ રે... બેટા! ધન્યવાદ છે ક્રિષ્નને, આપણે આ કળિયુગમાં એક ઘરવાળીથી ત્રાહિમામ્ થઈ જઈએ છીએ ને એ કાનુડો એટલે જ ભગવાન ગણાતો હશે કે ઈ તેની આસપાસના સૌને સુખી રાખી શકતો હતો! કાનુડો તો ભગવાન હતો. ઈ સોળ હજાર એકસોઆઠનું લાલનપાલન કરી શકતો હતો, પણ હું જો ક્રિષ્ન હોત તો સોળ હજાર રાણિયુંને ખવડાવત શું? અરે ખવડાવવાની ક્યાં દ્યો છો, હું શું ખાતો હોત?

હિમાદાદાના આ વિચારે અમને પણ વિચારતા કરી મૂક્યા ને ત્યાં ઘરમાંથી શાંતિકાકીની સાવરણીનો ઘા દાદા પર આવ્યો, ‘શું બોલ્યા? તમે મારાથી ત્રાહિમામ્ છો એમ?’

ને આખો ડાયરો એક સેકન્ડમાં અલાઉદ્દીનના જીનની જેમ ગાયબ થઈ ગયો. તમેય ભાગો, નહીંતર તમનેય લાગી જાશે!