વિલાસરાવમાં એક રાજકારણીના તમામ ગુણ હતા, પણ વહીવટકર્તા તરીકે તેઓ સફળ નહોતા થયા

19 August, 2012 07:41 AM IST  | 

વિલાસરાવમાં એક રાજકારણીના તમામ ગુણ હતા, પણ વહીવટકર્તા તરીકે તેઓ સફળ નહોતા થયા

દોઢ વર્ષ પહેલાં હેપેટાઇટિસ-બીના જીવલેણ જીવાણુએ તેમના શરીરમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે પહેલાં તેમનું લિવર અને પછી તેમનાં બીજાં અંગો રોગગ્રસ્ત થઈ ગયાં હતાં અને છેલ્લે-છેલ્લે કામ કરતાં અટકી ગયાં હતાં. એકસાથે વળગેલી અનેક બીમારીઓને કારણે વિલાસરાવ દેશમુખનું ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું.

 

વિલાસરાવ દેશમુખ સદાબહાર નેતા હતા. તેમના ચહેરા પર પ્રસન્નતા સિવાય બીજા કોઈ ભાવ કોઈએ નહીં જોયા હોય. યશવંતરાવ ચવાણ અને શરદ પવાર પછી વિલાસરાવ મહારાષ્ટ્રના ત્રીજા એવા નેતા હતા જે મહારાષ્ટ્રને સાંગોપાંગ ઓળખતા હતા. મહારાષ્ટ્રની દરેક તાસીરની તેમને જાણ હતી. તેમના રાજકીય હરીફ શરદ પવારે એક વાર વિલાસરાવ દેશમુખ માટે એમ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની સૌથી વધુ લાયકાત વિલાસરાવ ધરાવે છે, કારણ કે તેઓ મહારાષ્ટ્રને સૌથી વધુ જાણે છે.

વિડંબના અ છે કે વિલાસરાવ દેશમુખને બે વખત મળીને કુલ આઠ વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની તક મળી હતી જેમાં તેઓ કોઈ અસાધારણ કામગીરી નહોતા કરી શક્યા. આનું એક કારણ કદાચ એ હતું કે તેઓ રાજકારણ સિવાય અન્ય બાબતોમાં રસ ધરાવતા હતા અને એમાં ફિલ્મો અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી મુખ્ય હતાં. ૨૦૦૮માં તેમણે હાસ્યાસ્પદ સંજોગોમાં મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું હતું એનું કારણ પણ તેમનો ફિલ્મવાળાઓ સાથેનો ઘરોબો હતો. ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં આતંકવાદીઓએ મુંબઈમાં તાજમહલ હોટેલ અને અન્ય સ્થળોએ હુમલા કર્યા એ પછી વિલાસરાવ દેશમુખ તેમના અભિનેતાપુત્ર અને ફિલ્મ-પ્રોડ્યુસર અને ડિરેક્ટર રામગોપાલ વર્માને લઈને તાજ હોટેલ પર ગયા હતા. રામગોપાલ વર્માનો હેતુ આતંકવાદી હુમલાગ્રસ્ત હોટેલનો લોકાલ (ઘટનાસ્થળ) જોવાનો હતો અને મુખ્ય પ્રધાને તેમને સાથે લઈને તેમને મદદ કરી હતી. લોહીલુહાણ મુંબઈને ફિલ્મી નજરે જોવા જેવી બધિરતા મુખ્ય પ્રધાન બતાવી શકે એ અક્ષમ્ય ઘટના હતી. એ ઘટના પછી તેમની એટલીબધી ટીકા થઈ હતી કે સોનિયા ગાંધીએ તેમને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. ૨૦૧૧ના જાન્યુઆરી મહિનામાં તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા હતા, જેમાં પણ તેઓ ખાસ કોઈ કામગીરી નહોતા કરી શક્યા.

મૈત્રી તેમનો ગુણ હતો. દરેક પક્ષમાં તેમના મિત્રો હતા. જેમને હૅન્ડલ કરવા મુશ્કેલ છે તે અણ્ણા હઝારે સાથે પણ તેમનો મીઠો સંબંધ હતો. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં અણ્ણા હઝારેના ઉપવાસ વખતે અણ્ણાને મનાવીને રસ્તો કાઢવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું. એ વખતે વિષ્ટિકાર તરીકે વિલાસરાવને અણ્ણા પાસે મોકલવાનું સૂચન શરદ પવારનું હતું. શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો વિલાસરાવની સેવા પહેલા જ દિવસે લેવામાં આવી હોત તો પરિસ્થિતિ હાથબહાર જાત જ નહીં અને સરકારની આબરૂ જળવાઈ રહી હોત.

વિલાસરાવ દેશમુખ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ થયા છે. આદર્શકૌભાંડ અને સુભાષ ઘઈને ફિલ્મસિટીમાં ૨૦ એકર જમીન આપવાનું પ્રકરણ તાજાં છે. ફિલ્મસિટી પ્રકરણમાં મુંબઈની અદાલતે તેમની આકરી ટીકા કરી હતી અને આદર્શકૌભાંડમાં અદાલતમાં કેસ ચાલી રહ્યો છે.

વિલાસરાવ દેશમુખમાં રાજકારણીમાં હોવા જોઈતા બધા જ ગુણ હોવા છતાં એક વહીવટકર્તા તરીકે તેઓ સફળ નહોતા થયા એ તેમના જીવનની શોકાંતિકા છે.