ભૌગોલિક ઉપરાંત જિનેટિક કારણ પણ છે ઑલિમ્પિક્સમાં ભારતને ઓછા મેડલ મળવાનું

19 August, 2012 07:37 AM IST  | 

ભૌગોલિક ઉપરાંત જિનેટિક કારણ પણ છે ઑલિમ્પિક્સમાં ભારતને ઓછા મેડલ મળવાનું

આવું કેમ? આના અનેક ખુલાસા કરવામાં આવે છે; જેમ કે ક્રિકેટઘેલછા, સ્કૂલોમાં મેદાનોનો અભાવ, સરકારની ઉદાસીનતા, ખેલસંસ્થાઓ પર રાજકારણીઓનો અંકુશ, એમાં ચાલતું રાજકારણ, ઘરમાં બેસીને ભણવામાં આગળ નીકળી જવાની પ્રજામાં જોવા મળતી માનસિકતા વગેરે-વગેરે. આ ઉપરાંત વધુ અસરકારક એક કારણ ભૌગોલિક અને ભૌગોલિકતાને કારણે જિનેટિક પણ છે એની અહીં વાત કરવી છે.

આ પરિબળ સમજવા માટે નજર સામે વિશ્વનો નકશો રાખો. ભારતની ઉત્તરની ટોચેથી વિશ્વના નકશા પર આડી રેખા ખેંચો. એવી જ એક આડી રેખા ભારતના દક્ષિણના છેડાને પકડીને ખેંચો. આમાં કેટલા દેશો આવે છે એની યાદી બનાવો અને પછી તપાસી જુઓ કે આમાંના દેશોને કેટલા મેડલ્સ મળ્યાં છે. આ પટ્ટામાં આવતો એકમાત્ર ઈરાન એવો દેશ છે જેને બે આંકડામાં ૧૨ ચંદ્રક મળ્યાં છે જેમાં ચાર સુવર્ણ છે. આ સિવાયના આ પટ્ટામાં પડતા બધા જ દેશોની હાલત ભારત જેવી જ કંગાળ છે.

ભારત અને ભારતની લાઇનમાં પડતા દેશો કર્કરેખામાં આવે છે જેની આબોહવા એની ઉપર અને નીચે આવેલા દેશોની તુલનામાં સાનુકૂળ છે. હવે એ તો દેખીતી વાત છે કે પ્રતિકૂળ આબોહવામાં શરીર કસાયેલું હોય અને આબોહવા જો વધારે પ્રતિકૂળ હોય તો શરીર વધારે કસાયેલું હોવાનું. ઑલિમ્પિક્સના મેડલ્સના ટેબલ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે વધારે પ્રતિકૂળ આબોહવા ધરાવનારા શીત કટિબંધના અને ઉષ્ણ કટિબંધના દેશો મેદાન મારી ગયા છે.

કર્કરેખાના દેશોની પ્રજાના શરીરનું બંધારણ ભૌગોલિક-વાંશિક કારણોથી નબળું છે એ હકીકત હોવા છતાંય એનાથી સમાધાન મેળવવાની જરૂર નથી. જેમાં કસાયેલા શરીરની જરૂર પડતી નથી એવી ઘણી રમત છે જ્યાં ભારત સારો દેખાવ કરી શકે છે. આ માટે પ્રારંભમાં બતાવેલાં કારણો દૂર કરવાની જરૂર છે, પરંતુ આપણે ખુશ છીએ. ખુશ એટલા માટે છીએ કે પાકિસ્તાનને ૨૦૧૨ની ઑલિમ્પિક્સમાં એક પણ મેડલ મળ્યો નથી. પાકિસ્તાનનું ખાતું કોરું છે એટલે આપણા છ એકે હજારા છે. ખેલદિલી વિના ખેલમાં વિજય નથી મળતો.