શરીરનો સાઇલન્ટ સેનાપતિ

19 August, 2012 07:36 AM IST  | 

શરીરનો સાઇલન્ટ સેનાપતિ

સેજલ પટેલ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રના સાયન્સ અને ટેક્નૉલૉજી પ્રધાન વિલાસરાવ દેશમુખ છેલ્લા પંદર મહિનાથી લિવરની તકલીફથી પીડાતા હતા. ગયા અઠવાડિયે

લિવર-ટ્રાન્સપ્લાન્ટ માટે સમયસર લિવરદાતા ન મળવાથી તેમનું અવસાન થયું. ભારતમાં દર વર્ષે લગભગ ૩૦,૦૦૦ લોકોને લિવર-ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય છે, પણ હકીકતમાં થાય છે માત્ર ૩૫૦થી ૪૦૦. દરેક હૉસ્પિટલમાં આવા લિવરની રાહ જોતા કેટલાય દરદીઓ હોય છે જે લિવરની રાહમાં જ દમ તોડે છે.

આપણે ત્યાં શરીરના આ અત્યંત અગત્યના અવયવના સ્વાસ્થ્ય માટે જોઈએ એટલી જાગૃતિ નથી. એમાંય સ્કૂલમાં હતા ત્યારથી આપણે શીખ્યા છીએ કે લિવર તો આપમેળે રિપેર થઈ જાય છે. તો પછી લિવર સેલ્ફ-રિપૅરિંગ કેમ નહીં કરી લેતું હોય? એનું કારણ છે, લિવરના સ્વાસ્થ્યની મોટા ભાગના લોકો અવગણના કરે છે. લિવર કેટલું અગત્યનું છે અને આપણા શરીરના સાઇલન્ટ સેનાપતિ જેવું શું કામ કરે છે એનો અંદાજ આવે એ જરૂરી છે.

ધારો કે તમને પૂછવામાં આવે કે શરીરનું સૌથી અગત્યનું અંગ કયું? તો મોટા ભાગના લોકો કહેશે હૃદય, મગજ કે ફેફસાં. આ જવાબ ૧૦૦ ટકા ખોટો નથી, પરંતુ ૧૦૦ ટકા સાચો પણ નથી. હૃદય, મગજ કે ફેફસાં થોડીક ક્ષણો માટે પણ કામ કરતાં અટકે તો જીવન ત્યાં જ આટોપાઈ જાય. પણ આ વાઇટલ ઑર્ગન્સ સતત યોગ્ય રીતે કામ કરતાં રહે એ માટે કોણ કાર્યરત હોય છે? આપણે જે ખાઈએ છીએ એમાંથી પોષક તkવો શરીરના આ અવયવો સુધી પહોંચાડવા કોણ કામ કરે છે? આખા શરીરને શુદ્ધ ઑક્સિજન પહોંચાડતા લોહીમાંથી ઝેરી તkવો ગાળવાનું કામ કોણ કરે છે? અરે, આપણે માંદા પડીએ ત્યારે જે દવાઓ લઈએ છીએ એમાંથી જરૂરી કેમિકલ્સ સ્વીકારીને શરીરને સાજું કરવામાં કોણ ફાળો આપે છે?

આ બધાનો જવાબ છે લિવર.  

જરાક ટેãક્નકલ ભાષામાં કહીએ તો લિવર એ આપણા શરીરની કેમિકલ ફૅક્ટરી છે. જરૂરી કેમિકલ્સને લોહીમાં ભેળવવા અને બિનજરૂરી ઝેરી કેમિકલ્સને મળ અને મૂત્રવાટે બહાર કાઢી શકાય એવાં વૉટર-સૉલ્યુબલ બનાવવાનું મુખ્ય કામ લિવરનું છે. એનું કામ એક આદર્શ મા જેવું છે. ઘરની નાની-મોટી તકલીફો જાતે વેઠી લે, પણ કદી ફરિયાદ ન કરે. મતલબ કે શરીર પર થતા કોઈ પણ પ્રકારના કેમિકલમારાનો સૌથી પહેલો આઘાત લિવર ખમી લે ને એની આપણા શરીરને ખબર પણ ન પડે. નાની-મોટી તકલીફોમાં બહુ રોકકળ કરવાને બદલે આપમેળે સાજા થવાનો પ્રયત્ન કરે. હૃદયના કોઈ ભાગમાં કે એના કાર્યમાં નાની-મોટી પણ ગરબડ સર્જાઈ હોય તો તરત જ એનાં લક્ષણો દેખાય ને વ્યક્તિ માંદગીમાં પટકાય, પણ લિવરનું એવું નથી. ઓવરટાઇમ કામ કરીનેય તે શરીરને સ્વસ્થ રાખે. એની આપમેળે સાજા થવાની પ્રક્રિયા માત્ર રિપેરિંગ સુધી જ સીમિત નથી, ઇન્ફેક્શન કે ઘાને કારણે લિવરનો અમુક ભાગ ડૅમેજ થઈ ગયો હોય ને એને કાપી નાખવામાં આવે તો એ આપમેળે ઊગી પણ જાય છે. એની આ જ ખાસિયતને કારણે જીવિત વ્યક્તિ પોતાના લિવરનો ટુકડો કાપીને ડોનેટ પણ કરી શકે છે અને જેના શરીરમાં ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે એ પણ થોડા જ સમયમાં ઊગીને મોટું થઈ જાય છે.

કહેવાય છેને કે જે વ્યક્તિ મૂંગા મોઢે સહન કરે એને જિંદગીભર સહન જ કર્યા કરવું પડે. એવી જ કંઈક હાલત આપણા શરીરમાંના લિવરની હોય છે. જ્યારે આપણને લિવરની કોઈ પણ તકલીફનું નિદાન થાય ત્યારે સમજવું કે આપણે એની પર પુષ્કળ સિતમ ગુજાયોર્ છે ને હવે એ હદ વટાવી રહ્યો છે. લિવરને સૌથી વધુ ડïૅમેજ થાય છે આપણી ખાણીપીણી અને રહેણીકરણીથી. એમાંની મુખ્ય ચીજો છે આલ્કોહોલયુક્ત પીણાં, પુષ્કળ ઘી-તેલ કે બટરવાળી ચીજો અને પેઇનકિલર દવાઓનું આડેધડ સેવન. લિવરને ડૅમેજ કરનારું સૌથી મોટું કારણ છે આલ્કોહોલ. ખાલી પેટે દારૂ પીવાથી લિવરને ખૂબ જ નુકસાન થાય છે એટલું જ નહીં; આલ્કોહોલ ધરાવતાં વાઇન, વૉડકા, બિયર જેવાં ઉત્તેજક પીણાંઓ પણ નુકસાન કરે છે. ચા અને કૉફી આમ તો નિદોર્ષ પીણાં ગણાય છે, પરંતુ વધુપડતી માત્રામાં લેવામાં આવે તો એમાં રહેલાં કૅફીન દ્રવ્યો લિવરને નુકસાન કરે છે. એનું કારણ એ છે કે આ બધાં જ પીણાંમાં રહેલાં ટૉક્સિન્સનું પ્રોસેસિંગ કરીને એને શરીરની બહાર ફેંકવાની જવાબદારી લિવરની હોય છે.

ધારો કે આલ્કોહોલની આદત ન હોય તો બીજું સૌથી મોટું રિસ્ક ફૅક્ટર છે વધુપડતા તેલ-ઘી અને ચરબીવાળું ખાવાની આદત. ચરબી પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ લિવરમાંથી સ્રવે છે. વધુ ચરબીને પચાવવા વધુ એન્ઝાઇમ્સની જરૂર પડે છે. શરીરની જરૂરિયાત કરતાં વધારાની ચરબી ખાવામાં આવે તો એ લિવરમાં સંઘરાઈ રહે છે. ચરબીના સંગ્રહને કારણે લિવરની કાર્યક્ષમતા ઘટે છે. એ છતાં આપણે તો ગમેત્યારે રાત-દિવસ જોયા વિના તળેલાં ફરસાણ અને જન્ક ફૂડ પેટમાં પધરાવીએ જ છીએ. લિવરના અભ્યાસોમાં એવું તારણ નીકળ્યું છે કે તમને થાક લાગતો હોય ત્યારે આવી ઑઇલી ચીજો ખાવામાં આવે તો શરીરને સૌથી વધુ નુકસાન થાય છે. જ્યારે શરીર થાકી ગયું હોય ત્યારે લિવરની ક્ષમતા પણ ઘટી ગયેલી હોય છે. એવા સમયે જો વડાપાંઉ, સમોસા, ચિપ્સ, ચેવડો, પૂરી જેવી તળેલી અથવા તો એક્સ્ટ્રા બટર લગાવેલી ચીજો લેવામાં આવે તો એ ચરબીનું યોગ્ય પાચન નથી થતું. આ ચરબી લિવરમાં સંઘરાઈ રહે છે. એ ઉપરાંત પ્રિઝર્વેટિવ્સ, ઍડિટિવ્સ, ફૂડ-કલર્સ અને આર્ટિફિશ્યલ સ્વીટનર્સવાળી ચીજોમાં રહેલાં કેમિકલ્સને પ્રોસેસ કરીને કિડની દ્વારા બહાર કાઢવા માટે લિવરને વધુ કામ કરવું પડે છે. આમાંનાં કેટલાંક કેમિકલ્સ લિવરને ડાયરેક્ટ ડૅમેજ પણ કરે છે.

ત્રીજી અગત્યની બાબત છે આડેધડ પેઇનકિલર્સનું સેવન. આપણા શરીરને સાજું કરવા માટે જે પણ દવા લેવામાં આવે એ દવામાંનાં જરૂરી કેમિકલ્સ ઍબ્સોર્બ કરીને લોહીમાં ભેળવવાનું અને ઝેરી કેમિકલ્સને દૂર કરવાનું કામ પણ લિવરે જ કરવું પડે છે. થોડાક તાવ કે શરીરના કળતરમાં પેરાસિટામોલ કે બ્રુફેન ગળી લેવાથી બહારનું દેખીતું દરદ મટી જાય છે ને લિવરનું કામ વધી જાય છે.

છેલ્લાં દસેક વરસના અભ્યાસ પછી લેટેસ્ટ સંશોધનોમાં લિવર ડૅમેજિંગમાં એક નવું પરિબળ ઉમેરાયું છે. એ છે અપૂરતી અને કટાણાની ઊંઘ. રાતે મોડા સૂવું અને સવારે મોડા ઊઠવું. ઑસ્ટ્રેલિયન રિસર્ચરોના અભ્યાસ મુજબ રાતે ૧૧થી ૧ દરમ્યાન જે લોકો નીંદર ન કરતા હોય તેમને લિવર ડૅમેજ થવાનું રિસ્ક ખૂબ વધી જાય છે. માનવશરીર જ્યારે ઊંઘી જાય ત્યારે શરીરના આંતરિક અવયવોની સફાઈ-પ્રક્રિયા ચાલે છે. એવું કહેવાય છે કે રાતે અગિયારથી એક વાગ્યા દરમ્યાન લિવર આખા શરીરના ફ્લુઇડમાં એકઠો થયેલો કચરો સાફ કરે છે અને લિવરની આંતરિક સફાઈ પણ થાય છે. આખું શરીર જ્યારે આરામ કરતું હોય તો જ અન્ય ભાગોની લોહીની જરૂરિયાત ઓછી થાય અને ડીટૉક્સિફાઇંગ પ્રોેસેસ સારી રીતે થઈ શકે છે. ટૂંકમાં લિવર બરાબર સાફ થાય અને શરીરમાંનો ઝેરી કચરો બહાર ઠલવાય એ માટે રાતના અગિયારથી એક દરમ્યાન ડીપ સ્લીપ લેવી જરૂરી છે. વષોર્ સુધી રોજ બારથી એક વાગ્યા સુધી જાગતા લોકોનું લિવર આપમેળે નબળું પડતું જાય છે. મોડા સૂનારા સવારે પણ મોડા ઊઠે છે ને એટલે જ યુરિનમાં એકઠો થયેલો કચરો બહાર ફેંકવાનું પણ મોડું થાય છે.

ટૂંકમાં આપણી રોજિંદી ક્રિયાઓમાં આવી તો કેટલીયે નાની આદતો છે જે છાને ખૂણે લિવરનો વર્કલોડ વધારે છે અને એને ડૅમેજ કરે છે. આપણને સ્વસ્થ રાખવા પાછળ લિવર કેટલું ઘસાય છે એ સમજાતું હોય તો એની કાળજી રાખવાની પણ શરૂઆત કરીએ અને એને ડૅમેજ કરતી આદતો છોડીએ.              

લિવર કેવું હોય?

આપણી પાંસળીની નીચે જમણી તરફ રગ્બીના બૉલની સાઇઝનો શરીરનો આ સૌથી મોટો અવયવ સ્ત્રીઓમાં આશરે ૧.૩ કિલો અને પુરુષોમાં ૧.૮ કિલો જેટલું વજન ધરાવે છે. ગમે ત્યારે તમે તપાસો, લિવરમાં ઓછામાં ઓછું અડધો લિટર લોહી ભરેલું જ હોય છે. જરાક અલગ રીતે કહીએ તો એક વ્યક્તિના શરીરમાં જેટલું લોહી હોય એનું દસ ટકા લોહી લિવરમાં હોય છે. લાલચટક લિવરના બે ભાગ હોય છે, જમણી તરફનો મોટો ભાગ અને નાની તરફનો નાનો ભાગ. બન્ને જુદા પડવા છતાં એક જ હોય છે.

લિવર ફરીથી કેવી રીતે ઊગે છે?

પોણા ભાગનું લિવર વિશિષ્ટ પ્રકારના લિવર કોષોથી બનેલું હોય છે ને બાકીના ભાગમાં બાઇલ એટલે કે પિત્તનું વહન કરતી નલિકાઓ હોય છે. જો લિવર કોષો ડૅમેજ થાય તો એની જગ્યાએ થોડા જ કલાકો કે દિવસોમાં પોતાની મેળે જ ફરી પાછા કોષો ઊગી જાય છે. મતલબ કે ડૅમેજ થાય તો લિવર આપમેળે સાજું થઈ શકે છે, પરંતુ જો પિત્તનું વહન કરતી નલિકાઓ ડૅમેજ થઈ તો એ નથી રિપેર થતી કે નથી ફરીથી બીજી ઊગતી. એટલે જ લિવર તો આપમેળે સાજું થઈ જશે એ માન્યતા ભૂલભરેલી છે. જો લિવરના કોષોને પણ વારંવાર ખૂબ જ નુકસાન થાય તો એક તબક્કે એની સેલ્ફ-રિપેરિંગ સિસ્ટમ ફેઇલ થઈ જાય છે.