શા માટે અમુક જગ્યાએ વાદળ ફાટી પડ્યાં હોય એવો ખાંડાધાર વરસાદ પડતો હોય છે?

19 August, 2012 07:31 AM IST  | 

શા માટે અમુક જગ્યાએ વાદળ ફાટી પડ્યાં હોય એવો ખાંડાધાર વરસાદ પડતો હોય છે?

સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

૨૦૧૨ની ૪ ઑગસ્ટે આખા ઉત્તરાખંડ અને જમ્મુ પર મેઘરાજા ભારે કોપાયમાન થયા હતા. આખા આકાશનું પાણી જાણે કે ફક્ત આ બન્ને વિસ્તારો પર ઠલવાઈ ગયું હોય એમ ખાંડાધાર વરસાદ તૂટી પડ્યો હતો. અતિ ભારે વર્ષાને કારણે ઉત્તરાખંડમાં ગંગા નદી ગાંડીતૂર બની ગઈ હોય એમ એનું પાણી બન્ને કાંઠા તોડીને વહેવા લાગ્યું હતું. જમ્મુ અને કથુઆ જિલ્લામાં પણ ચિનાબ, તાવી અને બસંતાર નદીઓ ભયજનક સપાટીએ વહી હતી. એક તરફ ખાંડાધાર વરસાદ, બીજી બાજુ કાન ફાડી નાખે એવી મેઘગર્જના અને ત્રીજી પા વીજળીના પ્રચંડ કડાકાભડાકાના ભયજનક વાતાવરણથી આ બન્ને પ્રદેશના લોકો ભયથી રીતસર થથરી ગયા હતા.

 કુદરતનો એ કોપ ખરેખર શું હતો? તો કહે, ઉત્તરાખંડ અને જમ્મુમાં વાદળ ફાટ્યું હતું. હવામાનશાસ્ત્રીઓ આ પ્રકારની પ્રાકૃતિક આપદાને ક્લાઉડ બસ્ર્ટ (ણૂશ્રંuફુ ણુuશ્વsદ્દ) કહે છે.

ઉત્તરાખંડ અને જમ્મુમાં વાદળ ફાટ્યું

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાથી ચારધામની યાત્રાએ જઈ રહેલા અસંખ્ય શ્રદ્ધાળુઓ હૃષીકેશ-ગંગોત્રી હાઇવે પર ફસાઈ ગયા હતા. હાઇવે પર સતત બે દિવસ સુધી ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ગંગા તીરે રહેતા અનેક લોકોનાં ઘર અને દુકાનો ભયાનક પૂરમાં તણાઈ ગયાં હતાં. ગંગોત્રીના રસ્તા પર પર્વતો પરથી ભારે મોટી શિલાઓ અને ભેખડો ધસી પડી હોવાથી અમુક લોકો એની નીચે દટાઈ ગયા હતા, તો ગાંડીતૂર ગંગાના ભારે ધસમસતા પ્રવાહમાં લોખંડના અમુક પુલ સુધ્ધાં તૂટી ગયા હતા. માઇલો સુધી રસ્તામાં મોટી-મોટી તિરાડો પડી ગઈ હતી. કંઈક આવી જ અવદશા જમ્મુ અને કથુઆ જિલ્લામાં પણ થઈ હતી.

આમ તો ચોમાસામાં ઘણા વિસ્તારોમાં મુશળધાર વર્ષા, મેઘગર્જના અને વીજળીના કડાકાની ઘટના થાય છે. સામાન્ય માનવીને જરૂર સવાલ થાય કે ક્લાઉડ બસ્ર્ટ એટલે કે વાદળ ફાટવાની ઘટના એટલે શું? વાદળ ફાટવાનાં ચોક્કસ કારણો કયાં છે? અને આવી ભયાનક કુદરતી ઘટનાથી કેવી-કેવી અસર થાય છે? સમગ્ર વાતાવરણમાં કોઈ ખાસ ફેરફારો થાય છે?

ક્લાઉડ બસ્ર્ટ શું છે?

ક્લાઉડ બસ્ર્ટ એટલે કે વાદળ ફાટવાની નૈસર્ગિક ઘટનાને ભારત સહિત વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓ જરા જુદી રીતે જુએ છે. એટલે કે રાબેતા મુજબની વરસાદી ઘટના અને આવા ક્લાઉડ બસ્ર્ટની ભયાનક ઘટના વચ્ચે ઘણો તફાવત હોય છે. નિષ્ણાત અને અનુભવી હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ વર્ષાઋતુમાં આકાશમાં રીમઝીમ વરસાદ સાથે મેઘગર્જના અને વીજળીના કડાકા તો સામાન્ય ગણાય. જોકે ગગનમાં ગાજવીજ થાય ત્યારે વાતાવરણના નીચેના પટ્ટામાંથી હવાનો બહુ મોટો જથ્થો ઉપરના પટ્ટામાં જતો રહે છે. હવાના આ વિપુલ જથ્થા સાથે જળનાં અસંખ્ય સૂક્ષ્મ બિંદુઓ પણ અધ્ધર આકાશમાં જાય. હવે કોઈક વખત હવાનો કરન્ટ અચાનક જ વહેતો અટકી જાય. પરિણામે અમુક ચોક્કસ વિસ્તાર પર મુશળધાર વરસાદ તૂટી પડે. સાથોસાથ વાદળોની ભયાનક ટક્કરથી પેદા થતી પ્રચંડ ગર્જના અને છાતીનાં પાટિયાં બેસાડી દે એવા વીજળીના કડાકાભડાકા પણ હોય જ.

અરે, ક્લાઉડ બસ્ર્ટની ઘટનામાં ક્યારેક વીજળી પડવાની ઘટના પણ બને અને પરિણામે જે ચોક્કસ વિસ્તારમાં વીજળી પડે ત્યાંના રસ્તા પણ રીતસર ફાટી જાય અને લોખંડના મજબૂત પુલ સુધ્ધાં તૂટી જાય. ન માની શકાય એવી બાબત તો એ છે કે જે કોઈ ચોક્કસ વિસ્તારમાં વાદળ ફાટે એ વિસ્તારમાં વરસાદનું જોર ઘણું વધુ હોય, કારણ કે આકાશના અમુક હિસ્સામાં સ્થિર થઈ ગયેલાં વાદળો ત્યાં જ વરસી પડે. પરિણામે એ વિસ્તારની નદીઓમાં ભારે પૂર ઊમટી પડે અને સરવાળે જાનમાલને પણ બહુ મોટું નુકસાન થાય. સરળ રીતે સમજીએ તો ક્લાઉડ બસ્ર્ટની ખતરનાક ઘટના આકાશના અમુક નિશ્ચિત્ત હિસ્સામાં જમા થઈ ગયેલાં વાદળોને કારણે પણ બને છે.

આવી ઘટના ઊંચા અક્ષાંશે વધુ બને  

હવામાનશાસ્ત્રીઓ તેમના ગહન સંશોધન અને અભ્યાસના આધારે કહે છે કે ક્લાઉડ બસ્ર્ટનું ભારે ખતરનાક તોફાન પૃથ્વીના ઊંચા અક્ષાંશના પ્રદેશોમાં વધુ થાય છે. સરળ રીતે સમજીએ તો ઊંચા અક્ષાંશ એટલે હિમાચલ પ્રદેશના ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદરીનાથ, ઉત્તર કાશી, દેહરાદૂન અને કાશ્મીરથી લઈને લેહ-લદાખના પહાડી પ્રદેશો. ભૂ-ભૌતિકશાસ્ત્રીઓના કહેવા મુજબ આવા પહાડી પ્રદેશોમાં મૅગ્નેટિક રૉક અને ગ્રેનાઇટ રૉકની સંખ્યા ઘણી વધુ હોય છે. મૅગ્નેટિક અને ગ્રેનાઇટ રૉક આકાશમાંની વીજળીને બહુ ઝડપથી આકર્ષે છે. પરિણામે આવા ઊંચા અક્ષાંશના પ્રદેશોમાં ક્લાઉડ બસ્ર્ટની ઘટના બને ત્યારે વીજળી પડવાનું જોખમ પણ વધી જાય. આટલું જ નહીં, પહાડી પ્રદેશોમાં તો વાદળો પણ બહુ ઓછી ઊંચાઈએ તરતાં હોવાથી ચોમાસામાં બહુ જલદી અને ઘણા વધુ પ્રમાણમાં વરસી પડે. કહેવાનો અર્થ એ છે કે પર્વતીય વિસ્તારોમાં ક્લાઉડ બસ્ર્ટની ભયાનક થપાટ દેશના અન્ય પ્રદેશોની સરખામણીએ વધુ અને વારંવાર વાગે છે.

લેહ-લદ્દાખને પણ ક્લાઉડ બસ્ર્ટની થપાટ

થોડા સમય અગાઉ લેહ-લદ્દાખમાં પણ ક્લાઉડ બસ્ર્ટની ભયાનક થપાટથી આ આખો વિસ્તાર હતો-નહોતો થઈ ગયો હતો. ભારે વિનાશ વેરાયો હતો. લેહ-લદ્દાખની એ ઘટના વિશે નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓ એમ કહે છે કે પ્રકૃતિનું એ મહાતોફાન ગ્લોબલ વૉર્મિંગને કારણે થયું હતું. એટલે કે એ સમયે પૃથ્વીના ધ્રુવપ્રદેશો તરફથી અતિ ઠંડા અને સૂકા પવનો લેહ-લદ્દાખ ભણી ફૂંકાયા હોવાથી વાદળ ફાટ્યાં હતાં. એ વખતે ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં આકાશી વાદળો ફક્ત ૧૦થી ૧૫ કિલોમીટરની ઊંચાઈએ હતાં. આવાં ક્યુમુલોનિમ્બસ પ્રકારનાં ક્લાઉડ્ઝ ભારે તોફાની વરસાદ લાવે અને મહાવિનાશ પણ વેરે. લેહ-લદ્દાખની ભયાનક વિનાશલીલા જેવી જ વિનાશલીલા મહાભારતના સમયમાં પણ થઈ હોવાનો ઉલ્લેખ મળે છે.

૨૦૦૫માં મુંબઈમાં એક જ દિવસમાં ૩૯ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો અને ભારતની આ આર્થિક રાજધાની રીતસર વેરણછેરણ થઈ ગઈ હતી. એ સમયે મુંબઈના સાંતાક્રુઝ વિસ્તાર પર લગભગ આવાં જ ક્યુમુલોનિમ્બસ ક્લાઉડ્ઝ જમા થયાં હતાં અને પરિણામે ક્લાઉડ્ઝ બસ્ર્ટની મહાથપાટ આ મહાનગરને વાગી હતી એવો અંદાજ હવામાનશાસ્ત્રીઓએ માંડ્યો હતો.