ચાંચિયાઓએ ફૂંક્યું આક્રમણનું રણશિંગું

19 August, 2012 07:27 AM IST  | 

ચાંચિયાઓએ ફૂંક્યું આક્રમણનું રણશિંગું

આર્યન મહેતા

એક સમયે ગુજરાતના સૌરાષ્ટ્રમાં બહારવટિયાઓની આણ પ્રવર્તતી. એ જ રીતે મધ્ય પ્રદેશના ચંબલમાં ડાકુઓની આણ પ્રવર્તતી (યાદ કરો, થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ ‘પાન સિંહ તોમર’). ફિલોસૉફિકલ અભિગમ ધરાવતા લોકો કહેશે કે હવે તો પહેલાંના જેવો વટ પણ રહ્યો નથી તો પછી એવો વટ રાખનારા બહારવટિયા કે ડાકુઓ તો ક્યાંથી જોવા મળે! પરંતુ ધારો કે આ વીતી ગયેલા જમાનાના બહારવટિયાઓ કે ડાકુઓની સામે કોઈ ગામ બહાદુરીથી લડ્યું હોય અને એની યાદમાં બહારવટોત્સવ કે ચંબલોત્સવ ઊજવવામાં આવે તો? અને એ દિવસે કેટલાક લોકો બહારવટિયાના કે ડાકુના ગેટ-અપમાં ઘોડા પર સવાર થઈને ગામ પર (અલબત્ત, ખોટેખોટા) ત્રાટકે અને સામે ગામલોકો તેમની સામે બાથ ભીડવાનો અભિનય કરે તો? આ આઇડિયાને તમે કેવો કહેશો? અફલાતૂન? ગાંડપણભર્યો? કે પછી નવરા બેઠા નખ્ખોદ વાળવાનો ધંધો? મોટા ભાગના વાચકોના મનમાં એવો જ વિચાર આવ્યો હશે કે આ તો નવરા બેઠા નખ્ખોદ વાળવાનો ધંધો કહેવાય. જો એવું હોય તો ચાલો ચિત્ર-વિચિત્ર ઉત્સવો ઊજવવાના શોખીન દેશ સ્પેનમાં જ્યાં થોડા દિવસ પહેલાં વધુ એક અનોખો (અને આપણને ચક્રમ લાગે એવો) ઉત્સવ ઊજવાઈ ગયો.

સ્પેનની વાયવ્ય સરહદે આવેલા કેટોઇરા ગામમાં છેલ્લાં બાવન વર્ષથી દર વર્ષે ઊજવાતા આ ફેસ્ટિવલનું નામ છે વાઇકિંગ ફેસ્ટિવલ. દર વર્ષે ઑગસ્ટ મહિનાના પહેલા રવિવારે આ ઉત્સવ ઊજવવામાં આવે છે. જો આ ફેસ્ટિવલના સાક્ષી બન્યા હોઈએ તો આપણને એવું જ લાગે કે જાણે આખું ગામ અચાનક એકવીસમી સદીમાંથી ટાઇમ ટ્રાવેલ કરીને નવસો વરસ પાછળ ધકેલાઈ ગયું છે.

કેટોઇરા ગામમાં ટૉરસ ડેલ ઓઇસ્ટે કૅસલ નામે અગિયારમી સદીના કિલ્લાના બચી ગયેલા અવશેષો આવેલા છે. એક સમયે શાન-ઓ-શૌકતથી ધમધમતો આ કિલ્લો અને એની સાથે આવેલું ચર્ચ સદીઓ સુધી ચાલેલાં વારંવારનાં આક્રમણોને કારણે નષ્ટ થયાં. આજે તો એ કિલ્લાના બે મિનારા અને ચર્ચના અવશેષ એટલું જ બચ્યું છે. આ આક્રમણખોરોમાં મુખ્ય હતા વાઇકિંગ વૉરિયર્સ. આઠમીથી અગિયારમી સદી સુધી આ વાઇકિંગ વૉરિયર્સનો આતંક યુરોપ, એશિયા અને ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરના ટાપુઓમાં મોટા પાયે પ્રવર્તતો હતો. આમ તો વાઇકિંગની એટલે કે ચાંચિયાઓની વાતો એટલી લાંબી ચાલે એમ છે કે રાત્રે એનો ડાયરો માંડીએ તો સવારે પણ માંડ પૂરી થાય. એટલે આપણે સ્પેનના આ કેટોઇરા ગામ પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. વાઇકિંગ હુમલાખોરોથી ત્રાસી ગયેલા ગામલોકોએ પછી તો પોતાનું રક્ષણ પોતાની જાતે જ કરવાનું નક્કી કર્યું અને શહીદી વહોરીને પણ ગામને બચાવવા આગળ આવવા લાગ્યા.

વાઇકિંગ આક્રમણકારોનો દેખાવ પણ ટિપિકલ હતો. એક તો એ લોકો ખાસ પ્રકારની કોતરણીવાળા વહાણનો ઉપયોગ કરતા. પ્રાણીનાં શીંગડાં ભરાવેલી અને નાક સહિત અડધો ચહેરો ઢાંકી દેતી પોલાદી હેલ્મેટ, શરીરે લોખંડી બખ્તર, એક હાથમાં ઢાલ અને બીજા હાથમાં કુહાડી કે છરો કે પછી તલવાર અને પગમાં છેક ગોઠણ સુધી આવે એવાં જૂતાં... આ કોઈ પણ વાઇકિંગ લડવૈયાનો ટિપિકલ પહેરવેશ હતો. આજની તારીખે આ વાઇકિંગ વૉરિયર્સનાં ટૅટૂ, ટી-શર્ટ ડિઝાઇન્સ, વિડિયો-ગેમ્સ વગેરે ભારે લોકપ્રિય છે; પરંતુ તેમનું આક્રમણ થાય ત્યારે પોતાના ગામને અને પરિવારજનોને તેમનાથી બચાવવા એ જરાય રમતવાત નહોતી. દરિયાકિનારે અધવચ્ચે જ વહાણને રોકી દઈને પાણીમાં કૂદી પડતા આ વાઇકિંગ પાણીમાંથી રસ્તો કાઢતાં-કાઢતાં સીધું રસ્તામાં જ કોઈ પણ આવે તેને હણી નાખવાની જ વૃત્તિ દાખવતા.

હવે તેમની સામે બાથ ભીડનારા કેટોઇરિયન્સને સલામી આપવા માટે ગામલોકો એ વખતના લોકોનો પહેરવેશ ધારણ કરે છે અને ઑગસ્ટ મહિનાના પહેલા રવિવારની સવારે એ પ્રાચીન કિલ્લાના મેદાનમાં એકઠા થાય છે. એ વખતે ત્યાં મધ્યયુગીન માર્કેટ ભરાય છે. લોકો એમાંથી જમકે ખરીદી પણ કરે છે. લંચ સમયે અહીં ટિપિકલ મધ્યયુગીન વાનગીઓ તથા ત્યારનો વાઇન વગેરે પીરસવામાં આવે છે; પરંતુ થોડી વારમાં જ આ આનંદનો માહોલ હાહાકારમાં પલટી જાય છે, કારણ કે દરિયાકિનારેથી ઓરિજિનલ વાઇકિંગ આક્રમણખોરોની યાદ અપાવતાં વહાણોમાં સવાર થઈને અને વાઇકિંગ લડવૈયાઓના પોશાકમાં સજ્જ લોકો પાણી-કાદવ ખૂંદતાં-ખૂંદતાં આવી ચડે છે. અહીં આ એકવીસમી સદીના વાઇકિંગ છે એટલે એમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે અને ધીંગાણાનું એલાન કરતાં પ્રાણીઓનાં શીંગડાંમાંથી બનાવેલાં રણશિંગાં પણ ફૂંકાય છે.

થોડી વારમાં ગામલોકોને પણ આ આક્રમણની ખબર પડે છે અને એ લોકો પણ પોતપોતાનાં હથિયારો લઈને આ હુમલો ખાળવા આવી પહોંચે છે અને શરૂ થાય છે ભીષણ યુદ્ધ, ધરતીને ધમરોળતું ધીંગાણું અને છાતીનાં પાટિયાં બેસી જાય એવો સંગ્રામ. માહોલને વધુ સંગીન બનાવવા માટે ઘણા વૉરિયર્સ તો મોઢામાં કેરોસીન ભરીને આગના ભડકા પણ કાઢે છે. અહીં સામસામી તલવારો ભિડાય છે અને છરી-ચાકા ઊછળે છે છતાં લોહીનું એક પણ ટીપું પડતું નથી! કેમ ભૂલી ગયા? આ તો વાઇકિંગ ફેસ્ટિવલ છે એટલે વાઇકિંગ વૉરિયર્સ અને ગામલોકો વચ્ચેના યુદ્ધની માત્ર ભજવણી થાય છે. આ નકલી યુદ્ધમાં ભાગ લેતા લડવૈયાઓ કાદવ અને ચોમેરથી ઊડતા વાઇનથી પૂરેપૂરા ખરડાઈ જાય છે. થોડી વાર સુધી આ ખેલ ચાલે છે. સૌ મન મૂકીને ધીંગાણું ખેલે છે, થાકે એટલે ફરી પાછા હસીખુશીથી એક થઈ જાય છે અને પેલા કિલ્લાના અવશેષો પાસે ચાલતી ઉજવણીની વાટ પકડે છે. હવે આ દરમ્યાન લોહી ઊકળી ઊઠે એવાં રણશિંગાંને બદલે હૈયામાં હેત ઊભરાઈ આવે એવાં બૅગપાઇપ નામનાં વાજિંત્રો વાગવા માંડે છે અને પરંપરાગત ખાણી અને સાથે પીણીનો જલસો જામે છે.

આ જલસો મોડી રાત સુધી ચાલતો રહે છે. સાંજે તથા રાત્રે પરંપરાગત ડાન્સ, વાઇકિંગ વૉરિયર્સની આસપાસ રચાયેલી સાહિત્યકૃતિઓનું પઠન તથા એના પરનાં નાટકોનાં મંચન જેવા કાર્યક્રમો પણ યોજાય છે.

શરૂઆતમાં કહ્યું એમ આ વાઇકિંગ હુમલાખોરોનો ત્રાસ ત્રણ ખંડોમાં ફેલાયેલો હતો એટલે નૉર્વે, આઇસલૅન્ડ, ડબ્લિન, ડેન્માર્ક ઉપરાંત સ્કૅન્ડિનેવિયા તથા યુરોપના ઘણા વિસ્તારોમાં પણ આ વાઇકિંગ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. દરેકમાં પોતપોતાના પ્રદેશને લઈને અમુક અનોખી બાબતો હોય છે; પરંતુ વાઇકિંગ સાથેની અથડામણ તો લગભગ બધામાં કૉમન જ હોય છે. ઘણે ઠેકાણે જાતભાતનાં હથિયારો ફેંકવાની કૉમ્પિટિશન પણ યોજાય છે. આ બધા દેશોમાં ખાસ કરીને સ્પેનને એક વાતે તો ગ્રેસના માર્ક્સ એ બાબતે આપવા પડે કે એણે પોતાના બધા જ ઉત્સવો એવી રીતે ડિઝાઇન કર્યા છે કે એમાં આમ જનતાની મહત્તમ ભાગીદારી પણ હોય, એનો સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે અને આ બધું જોવા માટે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ પણ ઊમટી પડે. આઇડિયા અચ્છા હૈ.