સમાગમ દરમ્યાન લુબ્રિકન્ટ્સ વાપરવાનું કેટલું હિતાવહ?

19 August, 2012 07:26 AM IST  | 

સમાગમ દરમ્યાન લુબ્રિકન્ટ્સ વાપરવાનું કેટલું હિતાવહ?

તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

લુબ્રિકેશન એટલે ઊંજણ. શરીરમાં ઠેકઠેકાણે સપાટીઓ, બાહ્ય ત્વચા, આંતરત્વચા, છિદ્રો, માર્ગો વગેરેને ચીકાશથી ઊંજવાની પ્રક્રિયા ચાલતી હોય છે. આંસુ, લાળ, પરસેવો તથા અનેક તેલી પ્રવાહીઓ શરીરનાં અંગ-ઉપાંગોને ભીનાં અને લીસાં રાખવાનું કામ કરે છે. લુબ્રિકન્ટ્સ શરીરના અવયવોનું એકમેક સાથેનું ઘર્ષણ ઓછું કરવાનું કામ કરે છે. શરીરની અલગ-અલગ ગ્રંથિઓમાંથી નીકળતા ચીકણા સ્રાવો આ કાર્ય પાર પાડે છે.

સ્ત્રીના શરીરના યોનિમાર્ગ તથા પુરુષના મૂત્રમાર્ગમાં પણ નૅચરલ ઉર્ફે પ્રાકૃતિક લુબ્રિકેશન થતું હોય છે. સમાગમ પૂર્વે ફોરપ્લે દરમ્યાન થતા યોનિસ્રાવની ભીનાશ સમાગમ દરમ્યાન ઊંજણનું કામ કરે છે.

આ પ્રાકૃતિક વજાઇનલ લુબ્રિકેશન સ્ટ્રેસ, ઇન્ફેક્શન તથા અપૂરતા ફોરપ્લે દરમ્યાન ઓછું થઈ જઈ શકે છે. એને લીધે સમાગમ સ્ત્રીને માટે પીડાદાયક બની શકે છે. મેનોપૉઝ ઉર્ફે રજોનિવૃત્તિના કાળમાં ઇસ્ટ્રોજન નામના સ્ત્રી-હૉર્મોનની ઊણપને લીધે સ્ત્રીને લુબ્રિકેશનમાં ઓછપ આવી શકે છે, જે સમાગમને પીડાકારક અને આનંદ વિનાનો બનાવી શકે છે. કુદરતી યોનિસ્રાવના અભાવને લીધે સમાગમ દરમ્યાન ચીરા પડવા, બળતરા થવી, પુરુષને પીડા થવી તથા અણગમો થવા જેવા અનુભવો થઈ શકે છે.

તાજેતરમાં અમેરિકાના ઇન્ડિયાના રાજ્યની યુનિવર્સિટીના ધ સેન્ટર ફૉર સેક્સ્યુઅલ હેલ્થ પ્રમોશન વિભાગના નિષ્ણાતોએ આ વિષય પર ૧૮થી ૬૮ વર્ષની વયજૂથની ૨૫૦૦ મહિલાઓ પર કૃત્રિમ ઊંજણની અસરો જાણવા સંશોધન કર્યું હતું. એ માટે એ વૉટરબેઝ્ડ તથા સિલિકોનમાંથી બનાવેલાં અલગ-અલગ પ્રકારનાં લુબ્રિકન્ટ્સ સ્ત્રીઓને વાપરવા આપવામાં આવ્યાં હતાં.  બધી જ ઉંમરની સ્ત્રીઓએ સ્વીકાર્યું હતું કે તેમના ૭૦ ટકા જેટલા કામપ્રસંગો કૃત્રિમ લુબ્રિકન્ટ્સને કારણે પીડારહિત તથા વધુ આનંદપ્રદ બની ગયા હતા. આ સંસ્થાના વડા ડેબી હર્બોનિક દ્વારા પુરુષો પર કરવામાં આવેલા આવા જ એક રિસર્ચમાં જણાયું હતું કે ૧૮૦૦માંથી ૯૮ ટકા પુરુષોને લુબ્રિકન્ટ્સવાળો સમાગમ વધુ આનંદપ્રદ લાગ્યો હતો. સૌથી વધુ ફાયદો મોટી ઉંમરની સ્ત્રીઓને જણાયો હતો.

આપણે ત્યાં સામાન્ય લોકોમાં પણ કોપરેલ જેવા તેલી ચીકાશયુક્ત પદાર્થો વાપરીને સમાગમ દરમ્યાન સ્ત્રીની પીડા ઘટાડવાના ઘરેલુ ઉપાયો જાણીતા છે. ખાસ કરીને નવી પરણેલી કન્યા જો શરમાળ, ભીરુ, ગભરુ યા અતિસંકુચિત હોવાથી પોતાની સાથળ એટલી જકડીને કડક બનાવી રાખે છે કે સમાગમ શક્ય જ નથી બનતો અને  બને તો પુષ્કળ વેદના થાય છે. એ દૂર કરવા વડીલો કોપરેલ જેવા તેલી પદાર્થોનો ઉપયોગ કરવાનું સૂચવે છે. વળી ઘણા લોકો માર્કેટમાં મળતાં લુબ્રિકન્ટ્સનો પણ પ્રયોગ કરી લેતા હોય છે. જોકે માર્કેટમાં ઉપલબ્ધ ઘણાંખરાં લુબ્રિકન્ટ્સ તો શરીરમાં કેથેટર (પેશાબના દ્વારમાં નખાતી ટ્યુબ) યા રાઇલ્સ ટ્યુબ (નાકમાંથી જઠરમાં નખાતી નળી) જેવી નળીઓ નાખતી વખતે વાપરવા માટે બનાવવામાં આવેલાં હોય છે.

માર્કેટમાં ઉપલબ્ધ લુબ્રિકન્ટ્સ બે પ્રકારનાં હોય છે. પહેલાં સાદાં, દવા વિનાનાં અનમેડિકેટેડ છે અને બીજાં ચોક્કસ કેમિકલયુક્ત મેડિકેટેડ લુબ્રિકન્ટ્સ. કે. વાય. જેલી જેવાં સાદાં લુબ્રિકન્ટ્સ ‘વજાઇનિસ્મસ’ (સાથળ સંકુચન) તથા પીડાકારક સંભોગ જેવી સ્થિતિમાં સૌથી વધુ વાપરવામાં આવે છે. મેડિકેટેડ કૅટેગરીમાં લોકલ ઍનેસ્થેટિક જેલી તરીકે પ્રચલિત એવી બે ટકા સ્ટ્રેન્થની લીડોકેઇનની જેલી વપરાય છે. આ પદાર્થ લુબ્રિકેશન ઉપરાંત શરીરના જે-તે ભાગને થોડી મિનિટો માટે સંવેદનશૂન્ય બનાવી દે છે જેથી ઘર્ષણ વખતની વેદના ઓછી થઈ જાય છે. ઝાયલોકેઇનના ચીકાશયુક્ત ઑઇન્ટમેન્ટ પાંચ ટકા સ્ટ્રેન્થમાંય મળતાં હોય છે. મેડિકેટેડ લુબ્રિકન્ટ્સની કૅટેગરીમાં ઇસ્ટ્રોજનયુક્ત ઇવેલોન પ્રકારની વજાઇનલ ક્રીમ આવે છે, જે ‘પોસ્ટ મેનોપૉઝલ વજાઇનલ ડ્રાયનેસ’ દૂર કરવા માટે વપરાતી હોય છે.

સામાન્ય સલાહ છે કે કેવળ આનંદ વધારવાના હેતુસર આર્ટિફિશ્યલ લુબ્રિકન્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ. હા, પીડા, ચીરા કે સંકુચન માટે જો તબીબી સલાહ હોય તો કૃત્રિમ ઊંજણ વાપરવામાં કશો વાંધો નથી. આજકાલ મળતાં મોટા ભાગનાં કૉન્ડોમ્સ લુબ્રિકેટેડ જ હોય છે. નિરોધના ઉપયોગથી સમાગમ કેટલાકને સરળ અને પીડારહિત થઈ જતો લાગે છે એનું કારણ પણ એની ઊંજણક્ષમતા હોય છે.

લુબ્રિકન્ટ્સનો ઉપયોગ પ્રમોટ કરનાર ઘણી વાર જણાવે છે કે લુબ્રિકન્ટ્સ સ્ટરાઇલ (જંતુમુક્ત) હોવાથી એ જાતીય સંસર્ગજન્ય રોગો (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટડે ડિસિસીઝ)નું પ્રસારણ પણ ઘટાડે છે, પરંતુ આ ધારણાથી પ્રેરાઈને અનપ્રોટેક્ટેડ સેક્સસંબંધ ભોગવનાર ક્યારેક એચઆઇવીનો ભોગ બની શકે છે, કેમ કે કોઈ કમર્શિયલ લુબ્રિકન્ટ્સ જાતીય સંસર્ગજન્ય રોગો સામે સંપૂર્ણ પ્રોટેક્શન નથી આપી શકતાં.

કૃત્રિમ ઊંજણના અન્ય કેટલાક ગેરફાયદાઓ પણ છે. એમાં જંતુનાશક દ્રવ્યો હોવાથી જેઓ સંતાનપ્રાપ્તિ માટે ઉત્સુક હોય તેમને મોટું નુકસાન થઈ શકે છે, કેમ કે આ સ્ટરાઇલ પદાર્થો શુક્ર કોષો આ સ્પર્મને મંદ બનાવી શકે છે.

લુબ્રિકન્ટ્સ જાતીય ચેપનો ફેલાવો ઘટાડતા હોવાનું માનતા લોકોનો તર્ક એ છે કે ઊંજણથી ચીરા તથા નાના ઘા-ઘસરકા ઘટે છે. આથી વિષાણુના પ્રસારણમાં આડકતરો ઘટાડો થઈ શકે છે. જોકે ઘણાનું માનવું છે કે આનાથી ‘ફોલ્સ સેન્સ ઑફ સિક્યૉરિટી’ એટલે કે સલામતીની ભ્રમણા સર્જાતી હોય છે.

સેક્સ એ વૈવિધ્યપૂર્ણ અનુભવ છે. કાળે-કાળે, સ્થળે-સ્થળે એમાં મોટો તફાવત જોવા મળે છે. એક તરફ લુબ્રિકન્ટ્સથી સ્મૂધ, પીડારહિત, સરળ કામસંબંધ પસંદ કરનારા છે, તો બીજી તરફ આનાથી તદ્દન વિપરીત પ્રકારની માનસિકતા ધરાવતા લોકો પણ છે. સેન્ટ્રલ આફ્રિકાના કેટલીક ટ્રાઇબલ પ્રજાતિઓના પુરુષો ઊંજણયુક્ત સ્મૂધ સેક્સ પસંદ નથી કરતા. તેઓ સામા છેડે જઈ ‘ઊંજણરહિત’ના ‘ડ્રાય સેક્સ’ના પ્રયોગો કરીને આનંદ મેળવે છે. દુનિયાઆખીના ‘વેટ સેક્સ’ના કન્સેપ્ટથી વિપરીત જઈ તેઓ સ્ત્રીના યોનિમાર્ગમાં ભીનાશ શોષી લે એવાં મૂળિયાં તથા વનસ્પતિ-હર્બલ દાખલ કરીને વજાઇનાને સૂકી બનાવી દે છે. એમાંથી નીપજતા ‘ડ્રાય સેક્સ’માં જનનાંગોનું ઘર્ષણ વધતાં તેમને વધુ આનંદ આવતો હોવાનું મનાય છે. જોકે આવા ‘ડ્રાય સેક્સ’ની પ્રૅક્ટિસવાળી આફ્રિકન જાતિઓમાં એઇડ્સ/એચઆઇવીનું પ્રમાણ વધુ હોવાથી આ શૈલી વિકસિત દેશોને મતે જોખમી ગણાય છે.

જેમ માતાના ધાવણ જેવું કોઈ શ્રેષ્ઠ દૂધ જગતમાં નથી એમ કામપ્રદીપ્ત્ા સ્ત્રીને થતાં પ્રાકૃતિક યોનિસ્રાવ જેવું કોઈ શ્રેષ્ઠ સેક્સ્યુઅલ લુબ્રિકન્ટ વિશ્વમાં નથી. આથી જ નૉર્મલ મૈથુનમાં ઝાઝી સમસ્યા વગર લુબ્રિકન્ટ્સનો ઉપયોગ ન કરવો. ગુદામૈથુન જેવા અલગ સંબંધોમાં ક્યારેક ઊંજણની જરૂર પડી શકે છે, કેમ કે ગુદામાર્ગ નાનો અને ઓછો પ્રસારણક્ષમ હોય છે તથા એમાં યોનિમાર્ગની જેમ ફોરપ્લે વખતે પ્રાકૃતિક સ્રાવનું ઊંજણ ઝરતું નથી. ટૂંકમાં ઊંજણના ઉપયોગ વિશે સરળ રીતે કહેવું હોય તો કહી શકાય કે ‘બંગડી પહેરતી કે ઉતારતી વખતે જો હાથ છોલાઈ જતો હોય તો હાથ સાબુવાળો કરવાથી કામ આસાન થાય છે.’                        

ગેરમાન્યતા

નિરોધના ઉપયોગથી જાતીય સુખમાં ઘટાડો થાય છે

હકીકત

કેટલાક કિસ્સાઓમાં કદાચ આ બાબત સાચી હોય તો પણ મહદંશે નિરોધના ઉપયોગથી ઝાઝો ફરક નથી પડતો અને ક્યારેક તો આથી ઊલટું કેટલાંક યુગલોના કામાનંદમાં સમાગમ ર્દીઘ બનવાને કારણે વધારો પણ થઈ શકે છે