ઝેરી કીડીના ડંખ ખાઓ તો જ પુરુષ બની શકો

19 August, 2012 07:26 AM IST  | 

ઝેરી કીડીના ડંખ ખાઓ તો જ પુરુષ બની શકો

માનો યા ન માનો

મોટા ભાગની આદિવાસી જાતિઓમાં પૌરુષત્વ પામવાની પ્રક્રિયા ખૂબ જ આકરી હોય છે. બાળક કિશોરમાંથી યુવાન ત્યારે જ ગણાય જ્યારે તે એક પુરુષને છાજે એવી વીરતાનો દાખલો બેસાડે. પૌરાણિક રિવાજો મુજબ દરેક જાતિમાં પોતપોતાની અનોખી પ્રથા હતી. ઍમેઝોનના જંગલોમાં વસતી એક બ્રાઝિલિયન આદિવાસી જાતિમાં બાળકને પુખ્ત થવા માટે કીડીઓના ચટકા ખાવા પડે છે.

આ ચટકો કેટલો આકરો હોય છે એનો અંદાજ કાઢવો હોય તો એકાદ વાર આપણે ત્યાં ઠેર-ઠેર જોવા મળતી લાલ કીડીના બે-ચાર ચટકા ખાઈ જોવા. ઍમેઝોનનાં જંગલોની આ કીડી સાદી લાલ કીડી કરતાં વીસ ગણી મોટી અને ઝેરી હોય છે. એનો એક ડંખ જાણે મિની બુલેટ જેવો હોય છે એટલે પ્રાણીશાસ્ત્રીઓએ એને બુલેટ આન્ટ નામ આપ્યું છે.

બ્રાઝિલની આ જાતિમાં છોકરો સત્તર-અઢાર વરસનો થાય એટલે વિધિવત્ રીતે નાચગાન સાથે પુખ્તાવસ્થામાં પગરણ માંડવાની વિધિ કરવામાં આવે. એ માટે એક ખાસ ગ્લવ એટલે કે મોજું તૈયાર કરવામાં આવે. ખૂબ ચંચળ અને ઝેરી આ કીડીઓને એકઠી કરવા માટે એ બેભાન થઈ જાય એવું એક દ્રવ્ય છાંટવામાં આવે ને પછી એને ઉપાડીને હાથમાં પહેરી શકાય એવા ગ્લવમાં ભરી દેવામાં આવે. બે-પાંચ મિનિટમાં જ આ કીડીઓ પાછી ભાનમાં આવી જાય અને સળવળાટ કરવા લાગે એટલે યુવાને એ ગ્લવમાં હાથ નાખવાનો.

એક નહીં, અનેક કીડીઓના એકસામટા ડંખને લગભગ દસ મિનિટ સુધી તેણે સહન કરવાના. આ દરમ્યાન જોરદાર ઢોલ-નગારાં વગાડીને બીજા લોકો તેને હિંમત રાખવા પ્રોત્સાહિત પણ કરે.

કેટલાક યુવાનો વારાફરતી બન્ને હાથે આ પ્રક્રિયા કરે તો કેટલાક ભડવીરો બન્ને હાથે એકસાથે કીડીઓના ચટકા ખાવાની હિંમત દાખવે.

દસ મિનિટનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં ઘણી વાર કીડીઓના ઝેરને કારણે યુવાન બેભાન થઈ જાય કે હાથ સૂજીને દડા જેવો થઈ જાય કાં પછી સંવેદના ઘટી જાય છે. મોટા ભાગે આ વિધિ પૂરી થાય એ પછી યુવાનોને ખૂબ હાઇ ગ્રેડ ફીવર ચડે.

ગમે તેટલો તાવ ચડે, એની કોઈ જ દવા કરવામાં ન આવે કેમ કે આ વેદના સહન કરીને જ કિશોર પુખ્ત પુરુષ બની શકે.

બ્રાઝિલનાં અંતરિયાળ જંગલોમાં વસતી આ સતેરે-માવ નામની આદિવાસી જાતિમાં આજેય આ પ્રથા અનુસરવામાં આવે છે.