લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૩

19 August, 2012 07:25 AM IST  | 

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૩

વર્ષા અડાલજા

અંધેરી સ્ટેશન પર પ્રિયા ઇન્ડિકેટર પાસે ઊભી હતી. સ્ટેશન પરની મોટી ઘડિયાળમાં પાંચ ને પાંચ થઈ હતી. તેનો મોબાઇલ રણક્યો, ‘અંધેરી સ્ટેશન નજીક આવી રહ્યું છે, હમણાં આવું છું.’

પ્રિયા અધીરાઈથી પ્રતીક્ષા કરતી હતી. મમ્મીને કશુંક બહાનું બતાવી ઘરેથી નીકળી હતી. ખોટું બોલતાં ક્ષોભ થયો હતો, પણ મનમાં નક્કી કર્યું હતું કે થોડા સમયમાં મમ્મીને કહી દેવું : મમ્મી અમર મને ગમે છે, તેને મળું છું. ના, લગ્નનો હમણાં ઇરાદો નથી. આપણા કુટુંબમાં ભળી જાય તેવો છે, સરળ છે.

પણ આજે અમરનાં માસી અને મમ્મી મને શું કહેવાનાં હશે? અમર કહે છે કે અમારી સરસ ત્રિપુટી છે. તેમને મૂવીઝ અને મ્યુઝિક ગમે છે. તો-તો જરૂર હસમુખ હશે. તેમનો તો વારસો મળ્યો છે અમરને. હરવા-ફરવાનો પણ શોખ હશે જ. બબ્બે હોંશીલી અને શોખીન મહિલાઓ ઘરમાં છે, ઘર ખૂબ સ્વચ્છ અને વ્યવસ્થિત હશે. મને મળવા બન્ને ઉત્સુક છે, કદાચ સરસ ડિનર પણ બનાવ્યું હશે. અમરે કહ્યું છે કે તમારા મનની ગૂંચો ઊકલી જશે.

તેનો ચહેરો હસું-હસું થઈ રહ્યો. તે જ નકામી ડરી ગઈ હતી. અમરે મારા વિશે વાત કરી હશે ત્યારે જ તેમણે કહ્યું હશે કે પ્રિયાને જે કામ કરવું હોય એ ખુશીથી કરે, અમે તો છીએ જને ઘરમાં! પ્રિયાને એકદમ હાશની લાગણી થઈ આવી.

લોકલ આવી ગઈ. અમરને જોતાં જ પ્રિયાએ હસીને હાથ ઊંચો કર્યો. બન્ને બ્રિજ ચડીને ફરી વિરાર જતી લોકલના ફસ્ર્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં ચડ્યાં. રવિવારની સાંજ હતી છતાં રોજ જેટલી જ ગિરદી હતી. પ્રિયા ખુશમિજાજમાં હતી અને ઑફિસમાં થોડા સમયમાં કામ શરૂ કરવાનું હતું. તેની સાથે ઉત્સાહથી વાતો કરતાં કાંદિવલી આવી ગયું. સ્ટેશનથી ઘર નજીક હતું. દસેક મિનિટ ચાલતાં દસેક માળ જેટલું ઊંચું મકાન દેખાયું. પોતાના કૉમ્પ્લેક્સ જેવો નાનો બગીચો હતો. લિફ્ટમાં પાંચમે માળે આવ્યાં. અમરે પોતાની લૅચ-કીથી બારણું ખોલ્યું. પ્રિયાને થોડી

નવાઈ તો લાગી. અમરે બેલ કેમ નહીં મારી હોય?

મમ્મી અને માસી તેને મળવા ઉત્સુક હતાં એટલી જ તે પણ રોમાંચિત હતી. બન્ને સાથે ખૂબ વાતો કરશે, કદાચ બધા સાથે રેસ્ટોરાંમાં ડિનર પર જાય તો તેને ગમે. સરસ વિચાર હતો. તે જ કહેશે કે ચાલો મમ્મી, હું તમને ઘરે બોલાવી શકું એમ નથી એટલે હું જ ડિનર પર લઈ જાઉં, આપણે ખૂબ વાતો કરીશું. પછી કહીશ, પ્લીઝ હમણાં લગ્નનો આગ્રહ નહીં કરતાં.

અમર ઘરમાં દાખલ થયો. પાછળ પ્રિયા પણ આવી. પ્રમાણમાં મોટો ડ્રૉઇંગરૂમ હતો. સાદી પણ સુરુચિપૂર્ણ સજાવટ પ્રિયાને ગમી. બુદ્ધનું મોટું પેઇન્ટિંગ એટલું સરસ હતું કે જાણે આખા ડ્રોઇંગરૂમ પર પ્રભાવક હતું. ઑરેન્જ અને બ્રાઉનના અનેક શેડ્સમાં બુદ્ધનો ધ્યાનમુદ્રામાં માત્ર ચહેરો હતો.

પ્રિયા થોડી અધીરી થઈ ગઈ. હજી કોઈ આવ્યું કેમ નહીં! અમરે સોફા તરફ ઇશારો કર્યો અને તે અંદર ગયો. પ્રિયા બુદ્ધના પેઇન્ટિંગને જોતી રહી.

‘આવ પ્રિયા.’

પ્રિયા તરત ફરી. તેનાથી થોડે દૂર એક પ્રૌઢ સ્ત્રી ઊભી હતી. ક્રીમ કલરની પહોળી બ્લુ બૉર્ડરની સુતરાઉ ઢાકાઈ સાડી, ઘઉંવર્ણી ત્વચા અને લાલ ચાંદલા સિવાય કશું જ આભૂષણ વિનાનું શીળું વ્યક્તિત્વ. પ્રિયાએ નમસ્તે કર્યું અને અમર સામે જોયું. અમર ઓળખાણ કરાવે એ પહેલાં તેમણે જ આગળ આવીને કહ્યું, ‘હું અમરની માસી વંદના. કેમ છે તું?’

‘મજામાં.’

‘અમરે તારા વિશે વાત કરી છે. તું ટ્રાવેલ એજન્સીમાં હવે કામ કરવાની છે ખરું. સારું છે, હવે તો તમારા યંગસ્ટર્સ માટે કરીઅર-ઑપ્શન્સ કેટલા છે. તને કૉફી ભાવે છેને! હું હમણાં આવી.’

જવાબની રાહ જોયા વિના તે અંદર ચાલી ગયાં. તમારું ઘર સરસ છે કહેતાં પ્રિયા ઊઠીને ડ્રૉઇંગરૂમની બાલ્કનીમાં આવી. બાલ્કની મોટી હતી. એના એક ખૂણામાં લાકડાના સ્ટૅન્ડ પર થોડાં બોન્સાઇનાં કૂંડાં હતાં. પ્રિયા બોલી પડી, ‘અરે વાહ! કોને ગાર્ડનિંગનો શોખ છે?’

‘વંદનામાસીને. શી હૅઝ અ

ગ્રીન થમ્બ.’

બાલ્કનીમાંથી નીચે બગીચામાં રમતાં બાળકોને તે જોઈ રહી. અમરનાં મમ્મી હજી મને મળવા નથી આવ્યાં? કદાચ તેમને મારું આવવું ગમ્યું નહીં હોય.

કૉફી અને બિસ્કિટની ટ્રે ટિપાઈ પર મૂકતાં માસીએ બૂમ પાડી, ‘ચાલો પ્રિયા, અમર... કૉફી ઠરી જશે.’

પ્રિયા ઘરમાં આવી.

‘તમારું ઑરેન્જનું બોન્સાઇ વૃક્ષ સરસ છે. કેટલાં ટચૂકડાં ફળ છે! બહુ ધ્યાન રાખવું પડતું હશે નહીં!’

‘નાના બાળક જેવી દેખરેખ ને માવજત કરવી પડે.’

અમરે કૉફીનો કપ પ્રિયાને આપ્યો, ‘અમારું જૂનું ઘર નાનું હતું, પણ સરસ ટેરેસ હતી. માસીએ ત્યાં તો બોન્સાઇનું ગાર્ડન જ બનાવેલું. ઘણા લોકો ટિપ્સ લેવા આવતા.’

‘યુવાની સાથે થોડા શોખ પણ ચાલી જાય છે પ્રિયા. સાથે-સાથે ઉત્સાહ પણ.’ તે સ્ત્રીના સ્વરમાં હતાશાનો સૂર કેમ સંભળાતો હતો? ચહેરા પર વિષાદની છાયા હતી કે તેનો ભ્રમ હતો. અમર, મમ્મી અને માસીની ત્રિપુટી હતી હસમુખ અને શોખીન.

પોતાની વાત માંડતાં હોય એમ તેમણે કશી ઔપચારિકતા વિના કહેવા માંડ્યું, ‘સંધ્યા, અમરની મમ્મી અને મારાથી ચાર વર્ષ મોટી બહેન પ્રેગ્નન્ટ હતી ત્યારે હું કૉલેજના વેકેશનમાં બહેન પાસે આવી હતી. અમરનો જન્મ થયો ત્યારે બા-બાપુજી બહારગામ ગયાં હતાં, પહોંચી શક્યાં નહીં. સંધ્યાથીયે પહેલાં મેં અમરને ગોદમાં લીધેલો. મારી કૉલેજ શરૂ થતાં હું ચાલી ગઈ. અમર પાંચ વર્ષનો થયો ત્યારે ફરી આવવું પડ્યું. સંધ્યા ખૂબ બીમાર રહેતી હતી. મારે અમર અને મારા બનેવી, અમૂલખ પારેખ, નામ તો તને ખબર હશેને! બૅન્ક-મૅનેજર હતા, પછી રીજનલ મૅનેજર. તેમને બધા સાહેબ કહેતા. હું પણ.’

પ્રિયા અચંબાથી સાંભળી રહી. આ બધી ફૅમિલી હિસ્ટરી સાંભળવા તેને બોલાવવામાં આવી હતી! અમરે કહેલું કે તમારા પ્રશ્નોના જવાબ તમને મળશે. તેણે અમર સામે જોયું, પણ અમર એક તરફ માથું ઢાળી દઈ માસીને એક નજરથી જોઈ રહ્યો હતો. તેમણે આછો નિ:શ્વાસ મૂક્યો. નજર ઢાળી દીધી. પ્રિયાને વચ્ચે જ પૂછી લેવાનું મન થયું : શા માટે આ બધું તે સ્ત્રી કહી રહી હતી! અમરની મમ્મી મને આ બધું કહી શકે, ગમે ત્યારે. પછીથી તે કોઈ વાર આવે ત્યારે... પણ તે ક્યાં છે? શું તેમને મને મળવું જ નહીં હોય?

સૂરજનાં અંતિમ કિરણોનો ઉજાસ પણ વિલય પામતો હતો. હલકો અંધકાર હવાની જેમ અદૃશ્ય રીતે ફેલાઈ રહ્યો હતો. તે સ્ત્રી એક છાયા જેવી લાગતી હતી. તે સ્ત્રી માત્ર કહેતી નહોતી, પણ તેના જિવાયેલા જીવનનાં પાનાં એટલી ઉત્કટતાથી વાંચતી હતી જેવાં તે કદાચ એ સમયે જીવી હશે.

‘સંધ્યા ખૂબ અશક્ત હતી. એક પછી એક નાની-મોટી બીમારીઓ ઝોડની જેમ તેને વળગતી, છોડતી નહોતી. દવાઓથી થાકી બા મંત્ર-તંત્ર, દોરાધાગા પણ કરતી. મારાં લગ્ન પાછાં ઠેલાતાં ગયાં. અમરને ઉછેરતાં, સાહેબનું ધ્યાન રાખતાં, ઘરગૃહસ્થી ચલાવતાં હું એમાં એવી ઓતપ્રોત થઈ ગઈ કે આ મારો જ સંસાર છે એમ માનવા લાગી. અને... હું...’

તેનો અવાજ જરા ધ્રૂજ્યો. કદાચ કથનમાં એ ક્ષણ આવી ગઈ હતી જેને તે તીવ્રતાથી જીવી હતી. અમરે બત્તી કરી. તરત ફેલાઈ ગયેલા પ્રકાશમાં તે સ્ત્રી ફિક્કી લાગતી હતી. કશી અસૂઝ આશંકાથી પ્રિયાનું હૃદય ફફડી ઊઠ્યું.

‘અને... હું અને સાહેબ એકમેકના બનીને સાથે જીવવા લાગ્યાં. તેમણે મારા બાગબાની શોખને પ્રોત્સાહન આપ્યું અને મેં તેમને ચિત્રકામની પ્રેરણા આપી. અમે જાણે એકમેક માટે સર્જાયાં છીએ એવું જ અમને લાગતું. સંધ્યા તો અમને નજીક લાવવા કુદરતી નિમિત્ત બની હતી એવું માનતાં. સંધ્યા બધું જોતી, જાણતી; પણ તે લાચાર હતી. બા અમારી સાથે લડીને ચાલી ગઈ. બાપુજીના મૃત્યુ પછી તે વૃંદાવનમાં રહેતી હતી. તેની વિદાય પછી ઘણા વખતે... અમને...’

તેનો સ્વર રુદનના ભારથી તૂટ્યો. પ્રિયા અકળાઈ ઊઠી હતી. તેને ચીસ પાડીને કહેવું હતું : પ્લીઝ બંધ કરો તમારી કલંકિત પ્રેમકથા. હું અમરને ચાહું છું, મારા માટે એટલું જ પૂરતું છે; પણ કહી શકાયું નહીં. તે સ્ત્રી જાણે અહીં નહોતી. ભૂતકાળના સમયખંડમાં ઊભી હતી.

‘સંધ્યાનું હું ખૂબ ધ્યાન રાખતી. સાહેબ પણ ટ્રીટમેન્ટમાં કશી કચાશ ન રાખતા. ઇન્ફેક્શનના ડરથી અમર બચપણથી મારી સાથે રહેતો, મને મમ્મા કહેતો. સંધ્યાની દવા, ખાનપાનનું ધ્યાન રાખવા છતાં તે કદી સાજી ન થતી. અમે અમારામાં એવાં લીન હતાં કે અમને ખબર ન પડી કે તેનું સર્વસ્વ છીનવી લઈ તેને અમે જીવન આપવાની કોશિશ કરતાં હતાં. તને થશે કે તેનો ઝૂંટવાયેલો સંસાર પાછો મેળવવાની તેણે કોશિશ ન કરી? અમારી સાથે મનદુ:ખ... ઝઘડો... હા, અમારા સંબંધની શરૂઆતમાં નાના-મોટા ઝઘડા થતા. સાહેબ સાથે તો બોલવાનું તેણે ક્યારનું બંધ કર્યું હતું, પછી મોં જોવાનું પણ. ક્યારેક મારું અંત:કરણ ડંખતું, પણ મારો રચેલો મારો સંસાર છોડી શકતી નહોતી. અમર મારાથી અળગો થતો નહોતો. બા-બાપુજીની દિશા બંધ થઈ ગયા પછી મારે ક્યાંય જવાપણું નહોતું. મને કોઈ સ્વીકારે એમ નહોતું અને કોઈ અજાણ્યા પુરુષ સાથે હું જીવી શકું એમ નહોતું. સંધ્યા, સાહેબ અને અમર એ લોકો જ હતા મારા શ્વાસ અને પ્રાણ.’

પ્રિયા બોલી પડી, ‘પ્લીઝ વંદનામાસી, મારે ભૂતકાળ નથી જાણવો. મારે કશી લેવાદેવા નથી... અસહ્ય છે મારા માટે આ બધું. મને જવા દો પ્લીઝ. મને માત્ર સંધ્યામમ્મીને એક વખત મળી લેવા દો... અમર, તું જ કહે તેમને.’

ઊભી થયેલી પ્રિયાનો હાથ અમરે પકડી લીધો. આ જ તે અમર હતો જેના સરળ અને હસમુખ વ્યક્તિત્વને તે ચાહવા લાગી હતી! તેની અંદર આવા જખમ જીરવી લઈ તે કઈ રીતે જીવી શકતો હતો! અમરે પ્રિયાને પોતાની પાસે બેસાડી. તેનો હાથ બન્ને હાથમાં લઈ દબાવ્યો. કદાચ તે બેસવાનો આગ્રહ કરતો હતો! ઉકળાટથી પ્રિયા બોલી, ‘શા માટે જખમ ઉખેળવા છે અમર? મને જવા દે પ્લીઝ, મારે હવે નથી સાંભળવું.’

‘પ્લીઝ પ્રિયા, તારા ભવિષ્યનો આધાર અમારા સૌના ભૂતકાળ પર અવલંબે છે. આપણા સૌનું ભલું પણ એમાં જ છે, બેસ.’

‘મારું ભલું શેમાં છે એ મને નક્કી કરવા દો તો સારું. મારે કોઈની સલાહ નથી જોઈતી, તમારી તો નહીં જ. તમારી સગી બહેનનો પતિ, પુત્ર, કહોને કે સર્વસ્વ લૂંટી લેતાં... એને માણતાં જરાય તમારું મન ડંખ્યું નહીં? આ બધું જાણવા છતાં અમર તમે... હજી તમારી માસીની સાથે... ઓહ માય ગૉડ! આઇ કાન્ટ બિલીવ ધિસ.’

‘પ્લીઝ પ્રિયા, બસ તારો થોડો સમય મને આપ.’

અમરે પ્રિયાનો હાથ પકડ્યો. શું હતું અમરની નજરમાં જે તેને બાંધી લેતું હતું! તે બેસી પડી.

‘તમે પાપ કર્યું છે માસી, માણસની નજરમાં અને ઈશ્વરની નજરમાં પણ. અમર, તમારી જગ્યાએ હું હોઉં તો તેમને કદી માફ ન કરું.’

‘જાણું છું પ્રિયા, પણ જ્યારે પાપ કરતા હો ત્યારે એનો પણ નશો હોય છે. એક વખત અમર સ્કૂલથી આવ્યો અને તરત જ મને પૂછ્યું : બધા મને પૂછે છે કે મારે બે મમ્મી કેમ છે? એ પ્રશ્ને અમને ઝંઝોડી દીધા. અમર મોટો થતો હતો. તે હવે પ્રશ્નો પૂછવાનો હતો અને અમારી પાસે જવાબ નહોતો. સાહેબે સંધ્યાને મનાવી લેવાના, પછી માફી માગવાના અથાક પ્રયત્નો કર્યા; પણ સંધ્યાએ છેવટ સુધી તેમને માફ ન કર્યા. તેઓ ગિલ્ટ કૉમ્પ્લેક્સથી પીડાતા હતા, મન શાંતિની ખોજમાં હતું. નદીની ધારાની જેમ જે જીવન જિવાઈ ગયું હતું એ પાછું તો ફરી શકતું નહોતું. સાહેબે અંતિમ દિવસોમાં બુદ્ધનું આ પેઇન્ટિંગ કર્યું હતું.’

‘એક દિવસ અચાનક સાહેબે અંતિમ શ્વાસ લીધા, આ જ ખંડમાં. સૂઈ ગયા, ફરી કદી ઊઠuા નહીં. ત્યારે અમરે હાયર સેકન્ડરીની પરીક્ષા આપી હતી. મેં ઘર છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે જ તેમણે વિદાય લીધી.’

બોલતાં-બોલતાં તેમનો શ્વાસ ભરાઈ આવ્યો હતો. અવાજમાં થાક હતો. કદાચ મૃત્યુની ક્ષણ તેમને તાદૃશ થઈ ગઈ હતી. માનવસંબંધો કેટલા સંકુલ હતા! જિંદગીનો આવો વરવો ચહેરો તેમણે કદી દીઠો નહોતો. પહેલી જ વાર તેમણે પ્રિયા સામે જોયું.

‘મેં ઘર, આ શહેર છોડી જવાનું મનમાં નક્કી કર્યું ત્યારે મને સમજાયું કે અમર અને સંધ્યાને બન્નેને મારી ખૂબ જરૂર હતી. સંધ્યાને સતત ઝીણો તાવ રહેતો હતો. તેનું શરીર કંતાવા લાગ્યું. જે પતિને તે નફરત કરતી હતી તેને મનમાં કોઈ અગોચર ખૂણામાં ચાહતી પણ હતી. તેમને માફ ન કરીને કદાચ તે જ મૃત્યુનું કારણ બની હતી એવો વસવસો તેને પીડી રહ્યો હતો. અમર ખૂબ મૅચ્યોર થઈ ગયો હતો. તે સ્કૂલ-કૉલેજથી આવીને સંધ્યાની પથારી પાસે જ બેસી રહેતો. હોમવર્ક કરતો, ટીવી જોતો, માને જમાડતો. સંધ્યાની દવા અને ડાયટનું મારે ખૂબ ધ્યાન રાખવું પડતું.’

‘પછી જેમ પપ્પાને અચાનક જ મૃત્યુ લઈ ગયું એમ મમ્મીને પૅરૅલિસિસનો અટૅક આવ્યો.’

‘વૉટ!’

પ્રિયા ચમકી પડી. અમરે તેની સામે જોયું, ‘તેમને પણ એવો જ આઘાત લાગ્યો કે આ શું થઈ ગયું! પછી માસીએ તેમના સબળ ખભા પર ઘરનો, અમારા જીવનનો બોજ ઊંચકી લીધો. મારા અભ્યાસનાં, કારકિર્દી ઘડવાનાં વર્ષો હતાં, એમાં માસી બિલકુલ બાંધછોડ માટે તૈયાર નહોતાં અને મમ્મીના તનમનની સેવા ખૂબ દિલથી કરતાં. તેમની ફિઝિયોથેરપી, માલિશ, ડૉક્ટરની વિઝિટ્સ અને દવાઓ એ બધાનો ખર્ચ તે શી રીતે કરતાં એની પણ મને ખબર નહોતી. પ્રિયા, માસીનું જીવન તપશ્ચર્યાથી જરાય ઓછું નથી.’

માસી ઊભા થઈ ગયાં.

‘ચાલો પ્રિયા, સંધ્યા આપણી રાહ જોતી હશે.’

તેમણે અંદરની રૂમ તરફ ચાલવા માંડ્યું. અમરે પ્રિયાનો હાથ પકડ્યો. દોરવાતી હોય એમ પ્રિયા પાછળ ચાલી. આ સાદી રીતે સજાવેલો બેડરૂમ હતો. કદાચ અમરનો. બુકશેલ્ફ પર પુસ્તકોની વચ્ચે રામકૃષ્ણ પરમહંસની એક નાની તસવીર હતી. અહીંથી બીજા બેડરૂમમાં જઈ શકાતું હતું. અટકાવેલા બારણાને ધક્કો મારી માસી એ રૂમમાં દાખલ થયાં. રૂમમાં બત્તી ઝાંખી હતી. પલંગ પર એક સ્ત્રી સૂતી હતી. હાડકાંનું માળખું જાણે! પ્રિયા થોડી નજીક સરી અને છળી ગઈ હોય એમ બે-ચાર ડગલાં પાછી હટી ગઈ. ભૂખરા રંગના ચહેરામાં બે આંખ તગતગતી હતી. વૃક્ષની સુકાયેલી ડાળખી તૂટી ગઈ હોય એવી તે સ્ત્રીનો હોઠ થોડો ખેંચાઈને થોડો અધખુલ્લો રહેતો હતો અને એમાંથી થોડી લાળ નીકળતી હતી. આંગળીઓ વળેલો હાથ તેણે પ્રિયા તરફ લાંબો કર્યો, ગળામાંથી ઘસાતો અવાજ નીકળ્યો, ‘પ્રિયા...’

એ જ ક્ષણે પ્રિયાને ત્યાંથી ભાગી છૂટવાનું મન થયું. તે કઈ દુનિયામાં આવી પડી હતી? પ્રિયા ડરીને ઊભી રહી ગઈ હતી. સ્તબ્ધ. માસી પથારી પર બેસી ગયાં. કાળજીથી તેની લાળ લૂછી, તેનો ઊંચો થયેલો હાથ હળવેથી પકડી છાતી પર ગોઠવી ચાદર ઓઢાડી. તેણે નાની બહેન સામે સ્મિત કરવાનો પ્રયાસ કર્યો...

‘પ્રિ...યા.’

મોટી બહેનના વાળમાં વંદનાએ સ્નેહથી હાથ ફેરવ્યો, ‘હા પ્રિયા. તે તો કેટલા દિવસથી તમને યાદ કરતી હતી, મળવું હતું તમને; પણ તેની પરીક્ષા હતીને!’

તેણે ફરી જોર કરી હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો, ‘આવ... બેસી જા.’

અમર માની પથારી પાસે ગોઠણભેર બેસી ગયો.

‘મા, એવી જીદ નહીં કરવાની. તને ખબર છેને ટ્રેનમાં કેટલી ગિરદી હોય છે. તેને ઘરે જતાં મોડું થાયને!’

તેણે માથું હલાવ્યું ને આંખો બળપૂર્વક મીંચી દીધી. તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા. બંધ આંખોમાંથી આંસુની ધાર અને ગળામાંથી અસ્ફુટ અવાજ નીકળતો હતો. ખંડમાં દુર્ગંધ ફેલાઈ ગઈ. પ્રિયાને ઊબકો આવવા જેવું થવા લાગ્યું.

તરત વંદનામાસી પથારી પરથી ઊભાં થઈ ગયાં.

‘પ્રિયા, અમર, તમે બન્ને બહાર જશો? મારે બહેનને સાફ કરી કપડાં બદલાવવાં છે.’

પ્રિયા તરત ખંડની બહાર નીકળી ગઈ અને બાલ્કનીમાં જઈ તેણે ઊંડો શ્વાસ લીધો. કેવો સંબંધ હતો આ! જે જીવનનો રસકસ છીનવી લે છે એ જ તેને નવું જીવન આપવા મથે છે. શું પાપ અને પ્રાયશ્ચિત્ત સિક્કાની એક જ બાજુ હશે?

પ્રિયાએ બાલ્કનીની પાળી પર માથું ઢાળી દીધું. માનવસંબંધોના આ લાક્ષાગૃહમાં શું સાચું હતું? શું ખોટું હતું? તેના ખભા પર હાથ મુકાયો. તે ઝડપથી પાછળ ફરી.

‘અમર, મારે જવું છે; મને મોડું થાય છે.’

‘હા, ચાલો. વધુ મોડું થાય એ પહેલાં તમારે નીકળી જવું જોઈએ.’

પ્રિયાએ સોફા પરથી પર્સ લીધું અને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ. અમર દોડતો પાછળ આવ્યો.

‘હું આવું છું તમને મૂકવા, પ્લીઝ પ્રિયા. અત્યારે ટ્રેનમાં ખાસ ભીડ નહીં હોય. એકલા જવું સેફ નથી.’

‘ના અમર, હું મારી જાતને સંભાળી લઈશ.’

અને લિફ્ટની રાહ જોયા વિના પ્રિયા દાદર ઊતરી ગઈ. લાક્ષાગૃહની ભડભડતી આગમાં ભસ્મ થઈ જવાય એ પહેલાં અહીંથી ભાગી છૂટવું જોઈએ. બાલ્કનીમાં જરૂર અમર ઊભો હશે, પણ ઉપર એક નજર પણ કર્યા વિના તે દોડતી કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ.

€ € €

દિવસમાં એક વાર અચૂક તેના મોબાઇલનો રિંગટોન રણકી ઊઠે છે, નામ ફ્લૅશ થાય છે અમર. તે સ્વિચ-ઑફ કરી દે છે કે પછી રિંગ વાગતી રહે છે.

પ્રિયાએ ટ્રેનનો સમય બદલી નાખ્યો છે. ચર્ચગેટ સ્ટેશન પર ઊતરે છે ત્યારે એ બેન્ચ પર આપોઆપ નજર જાય છે, પણ ત્યાં અમર નથી. કૉફી પીવાનું છોડી દીધું છે. ક્યારેક એ જ બેન્ચ પર બેસી પડે છે. અમર સાથે પસાર કરેલા મધુર સમયની સ્મૃતિની અહીં ફિંગરપ્રિન્ટ્સ છે. જો અમરને મળવું નથી તો શા માટે તેને યાદ કરીને અહીં બેસી રહે છે? કોની પ્રતીક્ષા છે તેને?

જવાબ નથી તેની પાસે. અમરે કહ્યું હતું કે પ્રિયા, તમારા પ્રશ્નોના જવાબ તમને મળી જશે; પણ નવા પ્રશ્નો તેને મૂંઝવી રહ્યા છે. રોગગ્રસ્ત, પથારીવશ, હાડપિંજર જેવી સ્ત્રીનું અચાનક જોયેલું એ દૃશ્ય, મળમૂત્રની દુર્ગંધ મનમાં ઊભરી આવે છે. બે અંતિમ છેડાની સ્ત્રીઓનો ભૂતકાળ અને વર્તમાન એક જ છે અને અમર એનો એક હિસ્સો છે.

તેણે શું કરવું જોઈએ? મનને હજી કળ વળી નથી.

ઑફિસમાં ટ્રાવેલિંગ એજન્સીના જુદા-જુદા ડિપાર્ટમેન્ટની તાલીમ શરૂ થઈ ગઈ છે. તરુણ અને કાજલની પરીક્ષાઓનું ટાઇમ-ટેબલ આવી ગયું છે. બન્નેએ સારી તૈયારી કરી હતી. તરુણ મમ્મીની અવનવી વાનગીઓનું લંચ-બૉક્સ લઈને નીકળી જતો. મોડી સાંજે, ક્યારેક રાત્રે પાછો ફરતો. પ્રિયા શરૂઆતમાં કહેતી : પરીક્ષાનું વાંચવાનું અને આ તારું કહેવાતું કાર-મેઇન્ટેનન્સનું કામ એ બેનો મેળ કેમ મળે? મારી ફ્રેન્ડ બીનાના પપ્પાનો ફૅબ્રિકનો બિઝનેસ છે, હું તેમને વાત કરીશ એટલે તને ઑફિસમાં જરૂર કામ આપશે. સાથે તારો અભ્યાસ...

તરુણ અકળાતો : કેટલી વાર તમને કહ્યું દીદી! પ્લીઝ, હું દસથી પાંચની જેલમાં પુરાવા નથી માગતો, મને તાવ ચડે છે ફાઇલો જોઈને. જ્યારે ઑટોમોબાઇલની લાઇનમાં હું ઘણું નવું શીખી રહ્યો છું. રિચ ઍન્ડ ફેમસ લોકોને પણ જોવા-મળવાનું બને છે. ઇટ ઇઝ એક્સાઇટિંગ. તું માનશે! કોઈએ અમને તેનું ગોવાનું કૉટેજ આપ્યું છે, વેકેશન માટે. બસ એમ જ! પરીક્ષા પછી હું, શંકર અને પ્રકાશ ફ્લાઇટમાં જઈશું ગોવા. પ્લીઝ, આજ પછી ઑફિસની કારકુનીની વાત કરતી જ નહીં, ધૅટ્સ ફાઇનલ.

સાવિત્રીબહેને પણ તરત સાથ પુરાવેલો, ‘છોડને પ્રિયાબેટા. તરુણની વાત શું ખોટી છે! ભણીનેય આખરે સેટલ થવાનાં ફાંફાં મારવાનાં છેને! જો તે અત્યારેય જવાબદારીથી કંઈ જુદી કરીઅર કરવાની કોશિશ કરે છે તો એમાં ખોટું શું છે?’

કાજલે હસીને કહ્યું, ‘દીદી, દાદીમાના આત્માને હવે તો શાંતિ લેવા દે.’

પ્રિયાને પણ થયું હતું કે કદાચ તરુણની વાત સાચી હતી. તે પોતાની મેળે પોતાને ગમતી કેડી કંડારી રહ્યો હતો, મમ્મીને પણ એ મંજૂર હતું, તો તેણે શા માટે વચ્ચે પડવું જોઈએ? પોતાની જેમ તે પણ તેનાં સપનાંને સાકાર કરવાની મહેનત કરી રહ્યો હતો. પપ્પા તો સાવ સ્થિતપ્રજ્ઞ! એકાક્ષરી જવાબ સિવાય ભાગ્યે કશું બોલતા. ઑફિસથી વહેલા-મોડા આવી, ઘરમાં સાધારણ વાતચીત પછી ટીવી-ન્યુઝ. રવિવારે ગિરગામથી સેવંતીકાકા હવે આવી નહોતા શકતા તો પપ્પા ચાલી જતા. પ્રિયાને થતું કે સંતાનોના જીવનમાં શું બની રહ્યું છે એ જાણવાની તેમને કેમ જરૂર નથી લાગતી? એ દિવસે શું બન્યું હશે? મમ્મી અસ્તવ્યસ્ત વસ્ત્રોમાં ભીંતને અઢેલીને રડી રહી હતી અને પપ્પા ક્રોધમાં ઘરની બહાર નીકળી ગયા હતા. પપ્પા-મમ્મી વચ્ચે કશુંક સ્ફોટક બન્યું હતું અને નરી આંખે ન દેખાય એવી તિરાડ સંબંધોમાં પડી ગઈ હતી.

મમ્મીને કઈ રીતે પૂછી શકાય? મમ્મી વાનગીઓના ઑર્ડર લેતી થઈ ત્યારથી સવારની બન્નેની કૉફી-સેશન્સ અને રાત્રે બાલ્કનીમાં નિરાંતવા વાતો માટે મમ્મી પાસે કદાચ સમય નહોતો. આમ પણ મમ્મી પોતાના માટે હમણાં વધુ જીવતી હતી.

કાજલ અને અનુ સાથે વાંચતાં અને સાંજે ફરવા નીચે ઊતરી પડતાં. અનુ ઘરે ચાલી જતી અને કાજલ કરણ સાથે હોટેલમાં, મૂવીમાં કે જુહુના દરિયાકિનારે રેતીમાં ઘર બનાવતી. કરણ શ્વાસ જેટલો પાસે હતો છતાં હજી જેના માટે તે તરસી રહી હતી એ આઇ લવ યુ શબ્દો હજી તેણે કહ્યા નહોતા. વાતો-વાતોમાં તે કહેતો : કાજલ, કૉન્સન્ટ્રેટ ઑન યૉર કરીઅર. પરીક્ષા પછી તરત જ તારી ઍડ-કૅમ્પેનનું શૂટિંગ છે. કરણે બૅન્ક-અકાઉન્ટ ખોલાવી આપ્યું હતું. ફોટોગ્રાફ્સનો ર્પોટફોલિયો અને બૅન્કની પાસબુક સાચવીને તેનાં કપડાંઓની વચ્ચે કાજલે છુપાવી રાખ્યાં હતાં. તે એની સતત ચોકી કરતી જેથી પ્રિયા કે મમ્મીના હાથમાં ન આવી પડે.

કહેશે, તે બધું કહેશે; બસ થોડો સમય જોઈતો હતો. પછી શું થશે એની તેને ખબર નહોતી. બધા ખુશ થશે? નારાજ? આજકાલ તો મા-બાપ પોતાનાં નાનાં બાળકોને પણ હિન્દી ફિલ્મો, ટીવી-સિરિયલ્સ અને ઍડ્વર્ટાઇઝિંગમાં આગળ ધકેલવા બધું કરી છૂટતાં હોય છે તો પોતાનાં પપ્પા-મમ્મી તો જરૂર ખુશ થવાં જોઈએને! અનુ કહેતી હતી કે દુનિયામાં ચેકના નાના કાગળનું વજન રુક્મિણીની નથ જેટલું ભારે હોય છે. રૂપિયાનું પલ્લું નીચે જ નમેને! ડોન્ટ વરી.

કેટલા દિવસો થઈ ગયા છે અમરની સાથે કૉફી પીધાને, પાલવા પર ઘોડાગાડીની સફરને, મહાલક્ષ્મી મંદિરનાં દર્શનને! ના, એ કશું યાદ નથી આવતું, યાદ રહ્યો છે માત્ર અમરનો ચહેરો. શા માટે અમર સાથેનો સંબંધ તોડવો જોઈએ? લોકલમાં સફર કરતાં રોજ ચર્ચગેટ સ્ટેશન નજીક આવતું અને પ્રિયાના મનને અજંપો ઘેરી વળતો. રોજ અધીરાઈથી તે મોબાઇલની સ્ક્રીનને સવારે જોઈ લેતી, પણ અમરનું નામ સ્ક્રીન પર ફ્લૅશ નહોતું થતું. ભલે તે ફોન ન લેતી, પણ ઘંટડીનો નાનો મધુર ગુંજારવ મનને ભરી દેતો.

બીના નવાઈ પામતી, કમાલ છે તારી? તેં ટ્રેન બદલી નાખી, મળવાનું બંધ કર્યું. તેણે ફોન કરવાનું બંધ કર્યું. કર ક્યા રહે હો દોનોં? અમર જેન્ટલમૅન છે પ્રિયા. હાય! મને એવો બૉયફ્રેન્ડ મળે તો અબઘડી ભાગી જાઉં. ચલ, ફોન કર ઉસકો. પણ એવું કેમેય ન બનતું તેનાથી.

આજે શનિવાર છે, ઘર ખાલી-ખાલી લાગે છે. પરીક્ષાનું છેલ્લું પેપર આપી તરુણ ગોવા ઊપડી ગયો છે. કાજલ અમે ફ્રેન્ડ્સ પિકનિક પર ઊપડી જઈએ છીએ કહેતી વહેલી સવારથી ઘરની બહાર નીકળી ગઈ છે. મમ્મી રસોઈ ડાઇનિંગ ટેબલ પર મૂકી દઈ ઇટાલિયન વાનગીઓના ડેમોન્સ્ટ્રેશનમાં ગઈ હતી. પપ્પા ક્રિકેટમૅચ જોતાં-જોતાં ટીવીમાં ખોવાઈ ગયા હતા.

પ્રિયાને ઘરમાં મન ન લાગ્યું. તે નીચે ઊતરી પડી. ફૂટપાથ પર ઊભી રહી. શું કરવું, ક્યાં જવું કશું સૂઝતું નહોતું. ક્યાંકથી વહી આવેલો કોયલનો ટહુકાર પણ ગરમીની અકળામણ ઓછી કરી શકતો નહોતો. શેની છે આ અકળામણ પ્રિયા? યુ મિસ અમર? ના-ના, તો પછી માળાના મણકા ફરતા હોય એમ કેમ તેનું નામ સતત સ્મૃતિમાં રહે છે?

એક આછો સ્પર્શ અને સુગંધ, કોઈના નજીક હોવાપણાનો તીવ્ર અહેસાસ. પ્રિયા ઝડપથી પાછળ ફરી.

સામે જ અમર ઊભો હતો.

(ક્રમશ:)