આ જન્માષ્ટમીએ તું એકલો જનમ ન લેતો ઓ લૉર્ડ ક્રિષ્ના

04 August, 2012 07:13 PM IST  | 

આ જન્માષ્ટમીએ તું એકલો જનમ ન લેતો ઓ લૉર્ડ ક્રિષ્ના

સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

જન્માષ્ટમીનો માહોલ કાઠિયાવાડમાં રંગ લેતો જાય છે. ‘લડ્ડુ બિન ખાના નહીં ઔર કન્હૈયા બિન ગાના નહીં.’ ક્રિષ્ન એ લોકદેવ. ભારતના બીજા તમામ અવતારોને વંદન કરાય, જ્યારે કાનુડાને ખભે હાથ મૂકી તેને બથ ભરીને રાસડે રમી શકાય. ક્રિષ્ન એ એક ડાન્સિંગ ગૉડ છે ને મિલેનિયમ ગૉડ છે. તમે બીજા બધા અવતારોની મૂર્તિનું માર્કિંગ કરજો. કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી તેમનાં સ્વરૂપ એકસરખાં જ છે, જ્યારે ક્રિષ્નમાં એવું નથી. ક્યાંક બાલક્રિષ્ન પૂજાય છે તો ક્યાંક રાધેક્રિષ્ન, ક્યાંક શ્રીનાથજી તો ક્યાંક યોગેશ્વર, ક્યાંક રુક્મિણી-ક્રિષ્ન તો ક્યાંક માત્ર રાધેરાનીનાં મંદિરો છે. મતલબ ક્રિષ્ન આખેઆખો કોઈને પચ્યો જ નથી એટલે આપણે તેની કટકે-કટકે પૂજા કરીએ છીએ. આચાર્ય રજનીશે એથી જ ક્રિષ્નને ‘હસતા હુઆ ગાતા હુઆ મસીહા’ કહીને નવાજ્યા છે. ખરેખર ક્રિષ્ન હાસ્ય અને પ્રેમની જીવતી-જાગતી યુનિવર્સિટી છે. આખા જગતને પ્રેમ કરતાં કાનુડાએ શીખવ્યું છે. માધવ કહે છે કે મને મળવું હોય તો આ ગોપીઓને વીંધીને આવો ને આપણે સૌ? બિચાકડા માણસો ગોપિયુથી જ વીંધાઈ ગ્યા! (કરન્ટ એક્ઝામ્પલ : તિવારીજી)

ક્રિષ્નની મૂર્તિ ધ્યાનથી નિહાળજો. ઈ બે પગની આંટી મારીને ઊભો છે. મતલબ આની આંટીએ ચડ્યા એટલે ગ્યા. સીધા પગ રસોડામાં વપરાતા ચીપિયા જેવા છે, જ્યારે આંટીવાળા પગ સાણસી જેવા છે. સાદા ચીપિયાથી છીબાં, રોટલી કે તાવડી ઉપાડી શકાય; પણ ગરમાગરમ તપેલાં ઉતારવા કે ઉપાડવા તો સાણસી જ જોઈએ. એમ ક્રિષ્નની પકડમાંથી છટકવું અસંભવ છે. કાનુડો જીવનભર બધાને હસાવીને તેનાં પોતાનાં આંસુ પોતે પી ગયો છે.

ક્રિષ્ન વિશે ગંભીર વાતો ખૂબ લખાઈ છે. હાલો હું તમને મારા સાવ હળવાફૂલ ક્રિષ્નને મળાવું. જેસીઝ ક્લબ એક સારી અને સેવાભાવી સંસ્થા છે, જેના સભ્ય તમે બનો એટલે તમારા નામ આગળ જેસી લાગે. દાખલા તરીકે જેસી સાંઈરામ દવે. આવું લખાય ને બોલાય. તમે નહીં માનો પણ આ જેસીઝ ક્લબના સ્થાપક શ્રીક્રિષ્ન ભગવાન છે. એટલે તો આપણે સૌ ‘જેસીક્રિષ્ન’ બોલીએ છીએ. લોકશાહીનાં કેટલાં બધાં ખાતાં ક્રિષ્ને શોધેલાં છે. લ્યો એક નજર કરો.

સહકારી મંડળી

આપણો મનમોહન આ સહકારી મંડળીનો આદ્યસ્થાપક છે, કારણ કે તેણે જ બાળપણમાં મિત્રોની મંડળી બનાવીને માખણ લૂંટવાના કારસા ઘડ્યા છે.

સંરક્ષણ ખાતું

ગૃહમંત્રાલયનો પાયોનિયર પણ ગોવિંદ છે. સંરક્ષણ ખાતું જેમ દેશવાસીઓની સુરક્ષાનું ધ્યાન રાખે છે એવી જ રીતે કાનુડાએ પણ પાંડવોથી માંડીને તેને પ્રેમ કરનારા દરેકની રક્ષા કરી છે.

માર્ગમકાન અને બાંધકામ ખાતું

આ ખાતાનો સંશોધક પણ રસેશ્વર શ્યામ છે; કારણ કે તેણે સોનાની દ્વારિકા બનાવી પણ ખરી અને સમજદારીપૂર્વક બુડાડી પણ દીધી. થૅન્ક ગૉડ, નહીંતર આપણે બિચાકડા ભારતવાસીઓ અયોધ્યા અને દ્વારિકા બેય માટે ર્કોટમાં પહોંચી પણ કેમ વળત! થૅન્ક યુ કાન્હા, તને અને તારી કોઠાસૂઝને!

પશુપાલન ખાતું

નંદલાલે ગાયુનો ગોવાળ બનીને ગૌધણ ચરાવ્યું અને ગૌસંવર્ધન કરી આ ખાતાનો પાયો નાખ્યો. ગોરસ અને ગૌનવનીત ચાખીને ગૌમહિમા વધાર્યો.

રમતગમત ખાતું

યમુના કાંઠે યશોદાનંદને ગેડીદડે રમવાની શરૂઆત કરી ને એટલે જ કદાચ હૉકી આપણી રાષ્ટ્રીય રમત છે. હવે વિચારો તો ખરા, દડો કોઈ દી ડૂબે? કાગળનો, કપડાનો કે ચાહે પ્લાસ્ટિકનો હોય દડો કોઈ દી ડૂબે જ નહીં. પરંતુ રસેશ્વરની લીલાનો તાગ કેમ મળે? હૉકીમાં ભલે આપણે હવે ઑલિમ્પિક્સનો ગોલ્ડ નથી લાવી શકતા, પણ ‘હૉકી’ સમગ્ર ભારતમાં ઝઘડા કે ડખા ટાણે તો પેટ ઠારીને વાપરીએ તો છીએ! આપણું રાષ્ટ્રીય હથિયાર.

શિક્ષણ અને સાંસ્કૃતિક ખાતું

આ ખાતું તો મૂળથી ગિરધારીએ જ સ્થાપ્યું છે. કાન-ગોપી સાથે રાસલીલા કરી કો-એજ્યુકેશનની શરૂઆત બાંકે બિહારીએ કરી. ગોકુલ ને વ્ર જમાં વિધિવત્ રાસ રમાડી ક્રિષ્ને આ ખાતું સ્થાપ્યું ને લોકોની સાંસ્કૃતિક ચેતના જગાડી.

ભાઈ આવો છે અદ્ભુત કાનુડો! જે જેલમાં જન્મે ને આપણાં બંધન તોડે! પોતે કાળો છે અને છતાં આપણા જીવનની કાળપ હરી લ્યે. ક્રિષ્ન એક એવા પવનનું નામ છે જેનું સરનામું જ નથી. તે વ્રજેશ્વરની લીલા આપણા ભેજાની બહાર છે. જે સગી માસીને મારી નાખે, સગા મામાને પતાવી દે, રાધા જેવી સુંદર સ્ત્રીને છોડી દે અને કુબ્જાને અપનાવી લે. કૌરવોને માથે રહીને કપાવે અને મીરાને ઝેર પીતી બચાવે!

યાર, આ કાનુડો તો સુપરહીરો છે. એક એવો પરમાત્મા જેને જાણી-માણીને તેના પ્રેમમાં સરરર... ધબાંગ કરતાં પડી જ જવાય!

ઓ લૉર્ડ ક્રિષ્ન, ભારતદેશને ભ્રષ્ટાચારની ખૂંધ નીકળી છે. જે રીતે તેં ખૂંધી કુબ્જાને તારા પાવક સ્પર્શ વડે સુંદર કરી’તી એ રીતે જ અગેઇન કમ ઑન કાન્હા! યા તો તું ભ્રષ્ટાચારની ખૂંધ મિટાવ યા તો આ દેશમાં એક લાખ અણ્ણા હઝારે કે બાબા રામદેવ પ્રગટાવ! ચૉઇસ ઇઝ યૉર્સ... પણ આ જન્માષ્ટમીએ તું એકલો ન જન્મતો, તારી સાથે ભારતના ઊજળા ઉદ્ધારકને પણ જન્માવજે તો માનું કે તને હજી હિન્દુસ્તાન વહાલું છે... ઑલ ધ બેસ્ટ કન્હૈયા!