લગ્ન પછી ત્રણ દિવસ ને ત્રણ રાત તમામ કુદરતી હાજતો પર છે પ્રતિબંધ

04 August, 2012 07:06 PM IST  | 

લગ્ન પછી ત્રણ દિવસ ને ત્રણ રાત તમામ કુદરતી હાજતો પર છે પ્રતિબંધ

માનો યા ન માનો

ઇન્ડોનેશિયાની ટિડૉન્ગ કમ્યુનિટીમાં લગ્નની વિધિ પહેલાં છોકરીને રીઝવવા માટે છોકરાએ ગીતો ગાવાં પડે છે. ગાતાં આવડે કે ન આવડે, જ્યાં સુધી કન્યાનું મન ન ધરાય ત્યાં સુધી વરરાજા રોમૅન્ટિક ગીતો ગાય છે. અહીં લગ્નની વિધિ છોકરા કે છોકરી બેમાંથી કોઈનાય ઘરે નથી થતી, પણ ત્રીજી જ કોઈ જગ્યાએ કરવામાં આવે છે. જો લગ્નસ્થળ પર વરરાજા નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચે તો તેમણે કન્યાના પિતાને દંડરૂપે કંઈક આપવું પડે છે.

લગ્નમાં ખાવાપીવાનું અને સારાં-સારાં કપડાં પહેરીને મહાલવાનું જ હોય એવું નથી હોતું. આ કમ્યુનિટીની લગ્ન પત્યા પછીની છેલ્લી વિધિ જબરી કસોટી કરી લે એવી હોય છે.

લગ્નની સામૂહિક વિધિઓ પતી જાય એ પછી નવદંપતીને એક રૂમમાં પૂરી દેવામાં આવે છે. બીજી બધી જ સુવિધાઓ ઉપરાંત તેમને સંપૂર્ણ એકાંત અપાય છે સિવાય કે બાથરૂમ અને ટૉઇલેટ. ત્રણ દિવસ અને ત્રણ રાત માટે નવદંપતીને છી-છી કે પી-પી કરવા પર પ્રતિબંધ હોય છે. કુદરતી ગણાતા આ બન્ને આવેગોને રોકવાનું ખૂબ અઘરું હોય છે ને આ કપરા સમયમાં બન્ને વ્યક્તિ એકમેકને કેટલો સાથ આપે છે એ આ વિધિ પાછળની કસોટી છે.

આ ત્રણ દિવસ દરમ્યાન તેમને ખૂબ લિમિટેડ પાણી અને ખાવાનું અપાય છે. રૂમમાં બાથરૂમની વ્યવસ્થા તો નથી હોતી, છતાં બીજા દિવસથી દર ચાર-પાંચ કલાકે એક વ્યક્તિ તેમના રૂમમાં જઈને બધું ચેક કરી આવે છે.

જે લોકો ત્રણ દિવસ પૉટી અને સૂસૂ પર કાબૂ મેળવી લે તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી થશે અને તેમને સંતાનોનું પણ સુખ મળશે એવું મનાય છે. આ કસોટીમાં અધવચ્ચે અટકી ગયેલાં દંપતીને પાછલી જિંદગીમાં સંતાનસુખ નહીં મળે એવી માન્યતા છે. એટલે જ લગ્ન પછી આ વિધિમાં નપાસ થયેલું યુગલ લગ્નની પહેલી ઍનિવર્સરીએ આ વિધિ પૂરી કરવાનો બીજો પ્રયત્ન કરે છે. ત્યાં સુધી તેઓ બાળક ન થાય એની કાળજી પણ રાખે છે.