ડાયટ કોકની ૩૦૦૦ બૉટલોમાં એકસાથે મેન્ટૉસની ગોળીઓ નાખવામાં આવી એ પછી જોઈ લો શું થયું

04 August, 2012 07:03 PM IST  | 

ડાયટ કોકની ૩૦૦૦ બૉટલોમાં એકસાથે મેન્ટૉસની ગોળીઓ નાખવામાં આવી એ પછી જોઈ લો શું થયું


રેકૉર્ડ મેકર

આજથી છ વર્ષ પહેલાંની એટલે કે ૨૦૦૬ની વાત છે. ડિસ્કવરી ચૅનલ પર આવતા લોકપ્રિય સાયન્સ એન્ટરટેઇનમેન્ટ કાર્યક્રમ ‘મિથબસ્ટર્સ’માં એક અદ્ભુત પ્રયોગનું વર્ણન થયું અને સાથોસાથ એનું સાયન્સ પણ સમજાવવામાં આવ્યું. જાહેર થયેલું આ સીક્રેટ લોકોને એટલુંબધું ગમી ગયું કે ઈ-મેઇલમાં અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સમાં લોકો એકબીજાને આ પ્રયોગ ઘરે પણ કરવાનું કહેવા લાગ્યા. એ પ્રયોગની લોકપ્રિયતા વધતી-વધતી છેક ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ્સ સુધી પહોંચી ગઈ. શું હતો એ પ્રયોગ અને શું હતો એને લઈને રચાયેલો રેકૉર્ડ? વેલ, આપણે જરા ફ્લૅશબૅકમાં જઈને એ વલ્ર્ડ રેકૉર્ડ પાસે અટકીએ.

‘મિથબસ્ટર્સ’ના એ એપિસોડમાં પ્રૅક્ટિકલ કરીને એવું બતાવવામાં આવ્યું કે માર્કેટમાં મળતાં લોકપ્રિય કાર્બોનેટેડ ડ્રિન્ક્સમાં પોટૅશિયમ બેન્ઝોએટ, એસ્પરટેમ અને કાર્બન ડાયૉક્સાઇડનું મિશ્રણ હોય છે અને માર્કેટમાં મળતી એક મિન્ટ કૅન્ડી નામે ‘મેન્ટૉસ’ (‘દિમાગ કી બત્તી જલા દે’ ફેમ)માં જિલેટિન અને ગમ અરેબિક આવેલાં હોય છે. હવે જ્યારે આ મેન્ટૉસ કૅન્ડીને ડાયટ કોકની જસ્ટ ખોલેલી બૉટલની અંદર નાખવામાં આવે ત્યારે આ પદાર્થો વચ્ચે ન્યુક્લિયેશન નામની રાસાયણિક પ્રક્રિયા થાય છે. પરિણામે તાત્કાલિક ધોરણે ફીણનો એક જબરદસ્ત ઊંચો ફુવારો સર્જાય છે અને એ બૉટલની માયા ત્યાગીને ખાસ્સે ઊંચે સુધી ઊડે છે. આમ તો આ ફુવારો મોટા ભાગનાં કાર્બોનેટેડ ડ્રિન્ક્સમાં થાય છે, પણ કોકા કોલાની લો શુગર આવૃત્તિ એવા ડાયટ કોકમાં આ ફુવારો સૌથી ઊંચો ઊડતો હતો. દુનિયાભરના મૅન્ગો પીપલ યાની કિ આમ જનતામાં આ ફુવારા ઉડાડો પ્રયોગ એટલો બધો લોકપ્રિય થયો કે લોકો ઘરે-ઘરે ટાઇમપાસ પ્રવૃત્તિ તરીકે એને કરીને એનો વિડિયો વેબસાઇટ્સ પર અપલોડ કરવા માંડ્યા.

આ ફુવારા ઉડાડો ઝુંબેશની લોકપ્રિયતા જોઈને ખુદ મેન્ટૉસ બનાવતી કંપની પરફેટી વૅન મેલને થયું કે ઈર, બીર અને ફત્તે ફુવારા ઉડાડે તો હાલોને આપણે પણ મેન્ટૉસના ફુવારા ઉડાડીએ! પરંતુ આપણા ફુવારા કંઈક ખાસ હોવા જોઈએ. એવા ખાસ કે ઊડે એટલે સીધા વલ્ર્ડ રેકૉર્ડ નોંધતી ગિનેસ બુકનાં પાનાં પર જ એના છાંટા ઊડે! વલ્ર્ડ રેકૉર્ડનો વલ્ર્ડ રેકૉર્ડ અને માર્કેટિંગનું માર્કેટિંગ. એટલે એણે ૨૦૧૦ની ૧૭ ઑક્ટોબરે ફિલિપીન્સની રાજધાની મનિલામાં આવેલો જબરદસ્ત મોટો શૉપિંગ મૉલ એસ. એમ. મૉલ પસંદ કર્યો અને એના વિશાળ ચોગાનમાં ત્રણ હજારથી પણ વધુ ડાયટ કોકની બૉટલ્સ લાવવામાં આવી. આ પ્રયોગમાં ખુદ કોકા કોલા કંપની પણ સામેલ હતી એટલે ડાયટ કોકની બૉટલ્સ એના તરફથી સપ્લાય કરવામાં આવી હતી. લક્ષ્ય એવું કે એમાંથી મોટા ભાગની કોકની બૉટલ્સમાં એકસાથે મેન્ટૉસની ગોળીઓ નાખવામાં આવે, જેથી એમાં પ્રક્રિયા થઈને લગભગ એકસાથે જ મેન્ટૉસના ફુવારા ઊડે અને એકસાથે સૌથી વધુ કોક-મેન્ટૉસના ફુવારા ઊડ્યાનો વલ્ર્ડ રેકૉર્ડ નોંધાય. સૉરી, નોંધાય નહીં, તૂટે; કારણ કે અગાઉ મેક્સિકોમાં આવો જ એકસાથે કોક-મેન્ટૉસના ૨૪૩૩ ફુવારા ઉડાડવાનો રેકૉર્ડ ગિનેસ બુકના પાને બોલતો હતો. એ રેકૉર્ડ તોડવા માટે કોકની બૉટલ્સમાં મેન્ટૉસની ગોળીઓ નાખનારા ત્રણ હજાર જેટલા લોકો પણ જોઈએને! આ માટે ફિલિપીન્સની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પસંદગી ઉતારવામાં આવી.

પુષ્કળ પબ્લિસિટી, મિડિયા-કવરેજ અને લાઇટ્સ તથા મ્યુઝિકના સથવારે આ ઇવેન્ટનું આયોજન થયું હતું. મેદાનમાં ત્રણસો ટેબલ ગોઠવાયાં અને દરેક ટેબલ પર ડાયટ કોકની પંદરેક જેટલી બૉટલ મૂકવામાં આવી. ઍક્ચ્યુઅલ ઇવેન્ટ શરૂ થાય એ પહેલાં સ્વયંસેવકોને એ કઈ રીતે કરવી એનું નિદર્શન પણ અપાયું. ઢેનટણેન મ્યુઝિકની સાથે ડીજે (ડિસ્ક જૉકી) લોકોએ કોકની બૉટલ્સમાં મેન્ટૉસ નાખીને હવામાં કેટલાય ફુવારા ઉડાડીને માહોલમાં તાજી ખોલેલી કોકા કોલા જેવી જ ઉત્તેજના પણ લાવી દીધી. ચારેકોરથી ઊડતા ફુવારાઓની છોળો વચ્ચે સ્વયંસેવકો પલળી ન જાય અને કોઈને ત્વચાની ઍલર્જી વગેરે ન થાય એ માટે સૌને રેઇનકોટ તથા પગમાં પ્લાસ્ટિકનાં પગરખાં પણ પહેરાવવામાં આવ્યાં.

થોડી વાર થઈ ત્યારે બધા જ સ્વયંસેવકોને ઑન યૉર માર્ક્સની જેમ તૈયાર રહેવા જણાવવામાં આવ્યું. કાઉન્ટડાઉનની ગિનતી શરૂ થઈ અને જેવું ગો કહેવાયું એટલે તરત જ બધાએ મેન્ટૉસની ગોળીઓ ડાયટ કોકની બૉટલ્સમાં પધરાવી અને રચાયું અનોખું દૃશ્ય. રોશનીથી ચકાચૌંધ એ શૉપિંગ મૉલનું આખું ચોગાન ડાયટ કોકના ફુવારાથી છવાઈ ગયું. ત્યાર પછી ગિનેસ બુકના અધિકારીઓએ ગણતરી કરી તો એકસાથે ૨૮૫૬ બૉટલ્સના ફુવારા સાથે એક નવો ફીણયુક્ત વલ્ર્ડ રેકૉર્ડ નોંધાઈ ચૂક્યો હતો!