લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૧

04 August, 2012 07:02 PM IST  | 

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૧

વર્ષા  અડાલજા    

શિયાળાના શનિવારની સાંજ વહેલી ઊતરી આવી હતી અને પરાંમાં વસતા લોકો ઘરે વહેલા પાછા ફરી રહ્યા હતા. તરુણ કમ્પાઉન્ડમાં રમતાં બાળકોને રસપૂર્વક જોઈ રહ્યો હતો. બાજુમાં બેન્ચ પર પ્રિયા હતી.

‘પ્રિયા, આપણે પણ ખૂબ રમ્યાં છીએ નહીં! મમ્મી પછી વઢીને લઈ જતી. અને...’

‘તરુણ, તું જાણે છેને મેં તને શું કામ અહીં મળવાનું કહ્યું છે?’

‘અફર્કોસ દીદી. મારા પૅન્ટમાંથી તને પૈસા મળ્યાં છેને! એમાં અહીં મળવાનું આમ નાટક કરવાનું? ઘરમાં પૂછી શકતી હતી. હું પપ્પા-મમ્મીને સરપ્રાઇઝ આપવાનો હતો, બસ.’

‘બસ?’

‘તો?’ આમાં છુપાવવા જેવું શું હતું? મેં ચોરી થોડી કરી છે? બિલીવ મી, મારી કમાણીના પૈસા છે.’

‘પણ તું ક્યારે કમાવા ગયો તરુણ? તારું ફાઇનલ બીકૉમ છે, તું વાંચે છે એમાં તારું જૉગિંગ, એક્સરસાઇઝ એ બધા વચ્ચે તું કલદાર ૧૫ હજાર કમાઈ પણ લાવ્યો? એવી કઈ નોકરી મળી ગઈ?’

તરુણે પ્રિયાનો વહાલથી હાથ પકડ્યો, ‘નોકરી નહીં, બિઝનેસ. આમ જુઓ તો મજૂરી. કહું છું, જરા ધીરજ ધરને! તું જાણે છે મારા બે મિત્રો શંકર અને પ્રકાશને. અમે ત્રણેય ક્લાયન્ટ્સને ઘરે જઈ કાર-મેઇન્ટેનન્સ કરીએ છીએ. ઘણા લોકો પાસે હવે બબ્બે-ત્રણત્રણ કાર છે. નાની તકલીફો માટે કાર ગૅરેજમાં મોકલવાનું તેમને ગમતું નથી, મોંઘું પણ છે. શંકર સાથે રહી મને પણ ઘણું શીખવા મળે છે પ્રિયા. આ કામ મને ખૂબ ગમે છે. મેઇન્ટેનન્સના અમે કૉન્ટ્રૅક્ટ લઈએ છીએ. ઍની મોર કન્વિન્સ?’

‘અને પરીક્ષા કોણ આપશે? આ બિઝનેસનું ભૂત ક્યાંથી ભરાયું? પ્લીઝ તરુણ, આ બધા ધખારા છોડી દે. મહેનત કર, ગેટ ક્લાસ. આપણે એજ્યુકેશન લોન લઈશું. સીએ, એમબીએ...’

‘શું તું પ્રિયા, ભણવાની એક જ ધોકો અને ધડકી લઈને બેઠી છે! પછી પણ પંદર-વીસ હજારની નોકરી જ કપાળે લખાઈ છેને! અને એય મળે ત્યારે. સીએમાં આટલાંબધાં વર્ષ જખ મારીને આખરે એ જ પૈસા મળવાના હોય તો હું એટલાં વર્ષમાં બિઝનેસમાં સેટ થઈ ન જાઉં?’

‘અને તેં મારી કે પપ્પા-મમ્મી સાથે વાત પણ ન કરી?’

તરુણને કાજલની વાત હવે ક્યારેક સાચી લાગે છે. એક પણ નર્ણિય પોતાની મેળે સ્વતંત્ર ન લઈ શકાય? હંમેશાં ઘરના ખૂંટે બંધાયેલા રહેવાનું? એમ તો શંકર-પ્રકાશ સાથેની દોસ્તી પણ ઘરમાં કોઈને ગમતી નહોતી. ઘણાં લેક્ચરો સાંભળ્યાં કે એવા લોકો સાથે દોસ્તી આપણા જેવા સંસ્કારી પરિવારને ન છાજે. ત્યારે તેણે કહેલું કે પપ્પા, મોટા લોકોનાં સંતાનો સાથેની દોસ્તી માટે મોટા ઘરના સંતાન હોવું, મોંઘીદાટ પબ્લિક સ્કૂલમાં ભણવું જરૂરી છે. પછી દિવસો સુધી આમ સામે બોલવા માટે જીવ બળ્યો હતો, પણ પછી કહેવાનું બંધ થઈ ગયું હતું. આજે એ જ દોસ્તી કામ આવતી હતી.  તરુણની હૈયાવરાળ પ્રિયા સાંભળતી હતી. હા, તરુણ મોટો થઈ ગયો હતો, સ્વતંત્રપણે વિચારી શકતો હતો. આખરે તો પરિવાર પ્રત્યેનો પ્રેમ જ તેની ઊર્જા હતીને! તોય તેનાથી કહેવાઈ તો ગયું જ, ‘તરુણ, ભણતર આખી જિંદગી કામ આવશે.’

તરુણના અવાજમાં રીસ ભળી, ‘પ્રિયા, તું અમને ભાષણ ઠોકે છે તો તું શું કામ બીએ પછી એમએ, પીએચડી ન થઈ? બહુ લાંબી દોડ છેને! ટ્રાવેલનો એક વર્ષનો ર્કોસ કરી સીધી ઍપ્રેન્ટિસશિપમાં લાગી જશેને! બસ, એમ જ મારે પણ જલદી

ટેક-ઑફ જોઈએ છે, પપ્પાની જેમ જિંદગીભર ગધ્ધામજૂરી કરવાની પેશન્સ નથી મારામાં. કમાવું છે મારે, ખૂબ કમાવું છે. આઇ ઍમ અ મૅન પ્રિયા. તું દીકરી થઈને હંમેશાં ફૅમિલી માટે વિચારે છે; મને ભણાવવાના, સેટલ કરવાના પ્લાન ઘડે છે; થૅન્ક્સ, પણ મારું જીવન મારે ઘડવું છે.’

‘તરુણ, આ દીકરા-દીકરીના ભેદભાવની કેવી વાત કરે છે?

પપ્પા-મમ્મીએ તો આપણો ઉછેર સરખો જ કર્યો છે. આઇ ઍમ હર્ટ તરુણ.’

‘જાણું છું; પણ કુટુંબ માટે કંઈ કરવાની, મારી પ્રગતિ માટેની મારી હોંશ તો તારે કબૂલવી જ પડે પ્રિયા.’

અંધારું ઊતરી આવ્યું હતું. કૉમ્પ્લેક્સની બત્તીઓ ઝગમગી ઊઠી હતી. નાનું કમ્પાઉન્ડ લગભગ ખાલી થઈ ગયું હતું. તરુણે પ્રિયાનો હાથ પકડી મોટેથી ગાવા માંડ્યું, ‘ફૂલોં કા તારોં કા સબકા કહના હૈ, એક હઝારોં મેં મેરી બહના હૈ, સારી ઉમર હમેં સંગ રહના હૈ...’

પ્રિયા હસી પડી, ‘ના બાબા ના. સારી જિંદગી તારી સાથે રહું તો તારાં બીબી-બચ્ચાંની આયા જ બની જાઉં.’

ઘડિયાળ જોતાં તરુણ ઊભો થઈ ગયો, ‘ચાલ જાઉં પ્રિયા? એક મૉડલને ઍરર્પોટ પહોંચાડી પછી તેની કાર શંકરને પહોંચાડવાની છે. મમ્મીને કહી દેજે હું જમવાનો નથી.’

તરુણ ચાલી ગયો. થોડી વાર પ્રિયા બેસી રહી. તરુણની વાત ખોટી નથી, છતાં શું કામ તેના મનમાં ખટકો છે?

€ € €

રવિવારની સવાર. આજે સેવંતીભાઈનો આવવાનો દિવસ છે પણ તે ખંબાલા હિલ હૉસ્પિટલમાં છે. એક નાનું ઑપરેશન થયું છે. ધીરુભાઈની બહુ ઇચ્છા છે કે તે પત્ની સાથે તેમની ખબર કાઢવા જાય.

પણ સાવિત્રીબહેને સવારે ચા ડાઇનિંગ ટેબલ પર મૂકતાં જ કહ્યું, ‘સેવંતીભાઈની ખબર કાઢવા જશોને! હું નાસ્તો બનાવી આપું છું, લઈને જજો.’

ધીરુભાઈને ગુસ્સો આવ્યો. આપણા કુટુંબના સભ્ય જેવો દોસ્ત; તે રવિવારે વર્ષોથી તમને સૌને નાસ્તો કરાવવા, મળવા આવે... તે હૉસ્પિટલમાં છે તો ખબર કાઢવા નહીં જવાનું? સાવિત્રી આમ છેક પરાયાપણું રાખે છે? પણ એ દિવસની બોલાચાલી, ઝઘડા પછી મન ઊંચું થઈ ગયું છે અને સંતાનોની સામે જીભાજોડી કરવાનું શોભે નહીં.

સાવિત્રીબહેન પતિના મનની વાત સમજતાં હતાં, પણ શું થાય? આજે સાંજની પાર્ટીનો ઑર્ડર લઈ લીધો હતો.

‘જુઓ, મનેય ખરાબ લાગે છે. કાલે હું ફ્રી છું, એકલી જઈશ. બપોરે ટ્રેનમાં ગિરદી નહીં હોય. તમે જઈ આવો; અને હા, જતાં-જતાં સેક્રેટરીના ઘરે થઈને જશો? તમને મોડું થતું હોય તો હું જઈશ. બિલ્ડિંગ રિપેરિંગનો પહેલો હપ્તો ભરવાનો છેને!’

ધીરુભાઈના હાથમાં કપ રહી ગયો. તે પત્નીને સ્ફૂર્તિથી નોટો ગણતાં જોઈ રહ્યા. ઘરના લોકોએ પૈસાની સગવડ પણ કરી લીધી? પૈસા કવરમાં મૂકી, બંધ કરતાં તે કહી રહી હતી, ‘તમે જરાય ચિંતા ન કરશો હોં! હું, તરુણ, પ્રિયા; લો કાજલે પણ બે હજાર આપ્યા છે. અમે મૅનેજ કરી લીધું. બધા જ હપ્તા સમય પહેલાં જ આપી દઈશું. બૅન્કમાં પૈસા જમા કરતી જાઉં છું.’

ચા ઠંડી પડી ગઈ. ધીરુભાઈ જાણે કોઈ થિયેટરમાં બેઠા છે, અંધકાર છે, સામે ફિલ્મ ચાલી રહી છે.

દૃશ્યો-અવાજો તેમને ઘેરી વળે છે. બધા ગરમ નાસ્તાની જિયાફત ઉઠાવી રહ્યા છે. ડાઇનિંગ ટેબલ પર નવાંનક્કોર સ્ટીલનાં ટિફિન છે. ક્યારે ખરીદ્યાં હશે? જાતભાતની વાનગીઓથી બપોરે ભરાઈ જશે. સોફામાં સૂતી-સૂતી કાજલ ત્રણ-ચાર અખબારો-મૅગેઝિન્સ ઊથલાવી રહી છે. બૅકગ્રાઉન્ડમાં સંવાદો સંભળાય છે : આ ટીવી ડબ્બો થઈ ગયું છે. હવે બે ટીવી જોઈશે, બેડરૂમમાં અને અહીં. તરુણ, હમણાં જાણીતી બ્રૅન્ડ કઈ છે?

ચા ભરેલો કપ તેમણે પાછો મૂકી દીધો. કોઈનુંય ધ્યાન નથી તેમના પર. હવે કોઈને તેમની જરૂર નથી? સાવિત્રી રોજ કહે છે કે તમે ચિંતા ન કરશો હોં! તે જે મોઢામોઢ નથી કહેતી એ પણ તેમને સંભળાય છે : હું છુંને! હું બધું સંભાળી લઈશ. તરુણ, પ્રિયા, કાજલ બધાં જોતજોતાંમાં મોટાં થઈ ગયાં.

જાણે પરિવારના કેન્દ્રસ્થાનેથી તે ધીમે-ધીમે હડસેલાઈ રહ્યા છે. થોડા સમયમાં કદાચ સાવ જ બહાર ફંગોળાઈ જશે? એ દિવસે સાવિત્રીએ સ્પષ્ટ કહી દીધું હતું કે તમે આજ સુધી મારા માટે, પરિવાર માટે શું કર્યું છે? બસ, આટલાં વર્ષોની નિષ્ઠાનો, પ્રેમનો સાવ જ છેદ ઊડી ગયો?

શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. માથું ભારે લાગે છે, જાણે વજનદાર પોટલું મૂક્યું છે. સાવિત્રી નજરથી, વાતોથી ઘણી વાર તેમના જખમ પર શીતળ લેપ કરવા મથે છે એમ ઘા વકરે છે.

હાથ-પગ ધ્રુૂજવા લાગ્યા. તેમણે ખુરસીમાં શરીર સંકોરી લીધું. પાર્કિન્સન રોગની શરૂઆત હશે? કંપવા? સાવ લાચાર, પથારીવશ જીવન. કોણ કરશે ચાકરી? સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે. જોરથી ટેલિફોનની ઘંટડીથી તે ચમકી ગયા. સાવિત્રીનો ફોન છે. ના, કોઈ સગાંવહાલાંનો નથી. તેનું ડાયટ ઊંધિયું ફેમસ છે, એના ઑર્ડરનો ફોન છે. ફોન પર વાત કરતાં પત્નીનો ઊંચો થયેલો હાથ, ખસી ગયેલા પાલવ નીચેથી દેખાતું માંસલ ગોરું પેટ અને કમરનો વળાંક, ઉપર બાંધી દીધેલા વિખરાયેલા વાળ, ચહેરા પર ધસી આવેલો રતુંબડો રંગ... ધીરુભાઈના હાથ સળવળી ઊઠuા. તેમણે હાથની મુઠ્ઠી જોરથી વાળી દીધી. બન્ને હાથોમાં જકડી લઈ પત્નીને ભીંસી દેવાની ઇચ્છા ભડભડતી હતી.

પણ પત્નીએ બેડરૂમના દરવાજા બંધ કરી દીધા હતા. ગિરગામની ચાલીની બે રૂમ. પ્રેમ કરવા મોડી રાતની રાહ જોવી પડતી. બાળકો સૂઈ જાય ત્યાં સુધી બન્ને જાગતાં રહેતાં. પછી ચુપકીદીથી એક બીજાની પથારીમાં સરકી જતું. ચાલીની નાની-નાની ઓરડીઓમાં એકાંત અને જગ્યાની મારામારી હતી. ઘણાં ઘરોમાં બહોળો પરિવાર હતો. કોઈ વાર મહેમાન હોય ત્યારે પુરુષવર્ગ ચાલીમાં ખડકાયેલા વધારાના સામાન વચ્ચે ઊંઘી જતો. ભાવનગરથી સુજ્ઞા આવતી ત્યારે પોતે પણ ચાલીમાં મન મારીને ક્યાં નથી સૂતા? એ દિવસોમાં ‘પિયા કા ઘર’ ફિલ્મ આવેલી. સેવંતીભાઈને ત્યાં બાળકોને મૂકી પત્ની સાથે લિબર્ટી થિયેટરમાં ગયેલાં. મુંબઈમાં ચાલીના નાના ઘરમાં સંયુક્ત પરિવારમાં નવદંપતી એકમેકને આલિંગવા કેવું રીતસર ઝૂરે છે એની વાર્તા સરસ રીતે કહી હતી. જાણે પોતાના જ જીવનની વાત. એ ફિલ્મ જોઈ બન્ને કેટલાં ખુશ થયેલાં!

પણ અંધેરીમાં પોતાનો બેડરૂમ હતો. રાત્રે દરવાજા બંધ થતાં સંસાર બહાર રહી જતો. માત્ર તે અને સાવિત્રી. હાશ! મનને ખૂબ શાંતિ મળતી, પણ સાવિત્રીએ જાણે હાથ પકડી બેડરૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો. શરીરસુખ નહીં ને બે મીઠા બોલ પણ નહીં! લક્ષ્મણરેખા સાવિત્રીએ દોરી દીધી હતી.

બેડરૂમમાંથી ને જીવનમાંથી નક્કામી ચીજોનું પોટલું હોય એમ બહાર ફેંકાઈ ગયા! હવે શું બાકી રહ્યું?

€ € €

કૉફીશૉપની ફેવરિટ જગ્યા પર બેસતાં જ કરણે પૂછ્યું, ‘શું થયું? ચહેરો કેમ ઝાંખોધબ્બ?’

‘તું જાણે છેને મારો પ્રૉબ્લેમ કરણ?’

કાજલે ગરમ કૉફીનો ઘૂંટ ભર્યો. કૉફીશૉપની અરોમા... કરણનો હસતો ચહેરો... સાંનિધ્ય... આ ક્ષણ કદી નંદવાય નહીં તો કેટલું સારું?

‘ચાલ, તને સ્પામાં જવું છે? બૉડીમસાજથી તું રિલૅક્સ થઈ જશે. એનો રોઝ પેટલ્સ બાથ સમથિંગ ટુ ડાઇ ફૉર.’

બસ, આ જ તો રામાયણ હતી અને મહાભારત પણ. કાજલની સામે પ્રિયાનો ચહેરો તાદૃશ થઈ ગયો. આ શૂઝ, પર્સ, કૉસ્મેટિક... કેમ? કેવી રીતે? ક્યાંથી? કોણે? પ્રશ્નોની અનંત હારમાળા. પપ્પા-મમ્મીને સરખો જવાબ ન આપે તો હવે ચાલી જતું હતું. પપ્પા હમણાં ઘરમાં ખાસ વાત પણ નહોતા કરતા અને મમ્મી રસોડામાંથી ઊંચી નહોતી આવતી. ખરું પૂછો તો મમ્મી ક્યારેક પ્રિયાની સામે તેનો પક્ષ લેતી થઈ ગઈ હતી. કદાચ એ દિવસના ઝઘડાની સાક્ષી બની એ રહસ્ય છુપાવવાનું એ ઇનામ હતું.

‘ઘરમાં બહાનાં ક્યાં સુધી ચાલશે એની મને ખબર નથી કરણ.’

બન્ને બહાર નીકળ્યાં. કરણે કારનો દરવાજો ખોલ્યો. કાજલે કાર પર હાથ ફેરવ્યો. આજે કરણ નવી કાર લઈને આવ્યો હતો. બ્લૅક બ્યુટી. એની સપાટી પર હાથ ફેરવતાં અજબ રોમાંચ થતો હતો.

‘બીએમડબ્લ્યુ. પપ્પાએ ખાસ મારા માટે ખરીદી.’

ઇરા-નીરજાને આવી ગાડીમાં બેસતાં જોયાં હતાં ત્યારે તેમના ચહેરા પર એક આભા આવી જતી. જાણે કશુંક વિશેષ તેમનામાં હતું જે બીજા માનવજંતુઓમાં નહોતું. કાજલે અભિમાનથી કરણ સામે જોયું.

પણ આજે તેનામાં ઇરા-નીરજા કરતાં પણ કંઈક વિશેષ હતું. કરણે સામે ચાલીને તેની સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એક સામાન્ય છોકરી સાથે. ગર્વથી તેની ડોક ટટ્ટાર થઈ. કારનું બારણું ખોલતાં તેણે આમતેમ નજર ફેરવી. જાદુઈ શેતરંજી પર ઊડતી હોય એમ ઝડપથી પસાર થતી કારમાંથી તે તુચ્છતાથી રસ્તા પર ભીડમાં અટવાતા લોકોને જોઈ રહી. જગજિત સિંહની સી.ડી. કરણે મૂકી હતી અને એના ઘેરા મખમલી કંઠનો જાદુ કાજલના મન પર છવાતો રહ્યો.

જુહુ બીચ પર અત્યારે ભીડ નહોતી. ઓટના ઊતરતા પાણીની ભીની રેતીમાં બન્ને ચાલતાં હતાં. તેનાં પગલાંથી થોડે દૂર જોડાજોડ બીજાં પગલાં પણ પડતાં જતાં હતાં. હાથ લંબાવી પકડી શકાય એટલો કરણ નજીક હતો છતાં દૂર હતો. શું આમ જ તે દૂર રહેવાનો હતો? તે તો કરણને ચાહવા લાગી હતી. વાંચતાં-વાંચતાં પુસ્તકના શબ્દો કોઈ અદૃશ્ય શાહીથી ઊડી જતાં અને fવેત કોરાં પૃષ્ઠો પર કરણનું રેખાચિત્ર દોરાવા લાગતું.

ઓહ! આઇ લવ યુ કરણ!

અચાનક કરણે કહ્યું, ‘શું વિચારે છે કાજલ?’

કેમ કહી શકે તે શું વિચારે છે? ના. એ બધું કહેવાનો સમય હજી આવ્યો નથી, કદાચ કરણ દૂર સરી જાય તો?

‘ઠંડી લાગે છે તને તો ચાલ પાછાં જઈએ.’

પાછાં જવું? ના. સાચા મોતી જેવી સમયની છીપમાં ચમકતી આ ક્ષણને હાથમાંથી સરી ન જવા દેવાય. વાત કરતાં-કરતાં તે કરણની થોડી નજીક સરી.

‘પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે?’

‘સરસ. આમ તો બ્રાઇટ સ્ટુડન્ટ છું. એક વર્ષ પછી બીજું, ત્રીજું અને અંતે...’

‘અંતે?’

‘અને અંતે? મારા જીવનનું સરસ પ્લાનિંગ કર્યું છે તેણે. પ્રિયાનું રાજ છે અમારા ઘરમાં. તેનો બ્રિલિયન્ટ આઇડિયા છે. બીકૉમ પછી મારે ટ્યુશન્સ કરવાં કે પછી નોકરીની જીહજૂર કુર્નિશ બજાવવી.’

કરણ ખડખડાટ હસી પડ્યો.

‘આર યુ જોકિંગ? ટ્યુશન? નોકરી કરશે તું કોઈ ઑફિસમાં ફાઇલોના ઢગલા વચ્ચે? રોજ લોકલમાં ઘેટાં-બકરાંની જેમ પુરાઈને... સૉરી કાજલ, તારા પપ્પા લોકલમાં એમ જ ટ્રાવેલ કરે છે. હું તેમનું ઇન્સલ્ટ કરવા નથી માગતો, પણ તું આવું ચીલાચાલુ જીવન જીવશે? આઇ ડોન્ટ બિલીવ ધિસ.’

કાજલ ઊભી રહી ગઈ. તેણે આકાશ તરફ આંગળી ચીંધી. તડકાના સોનેરી પટકૂળ પર કોઈ કુશળ રંગરેજ રંગ ચડાવતો હોય એમ આછો ગુલાબી, શ્યામગુલાલ રંગ રેલાઈ રહ્યો હતો. હળવે-હળવે સંધ્યા ખીલી રહી હતી. સૂરજ સમુદ્રમાં ડૂબી રહ્યો હતો. કાજલના સ્વરમાં વિષાદની છાંટ આવી ગઈ.

‘હું તો નોકરીથી પણ આગળ મારું ભવિષ્ય જોઈ શકું છું. નોકરી પછી મારાં લગ્ન થશે, સલામત સરકારી નોકરી કરતા કે બૅન્કમાં કામ કરતા યુવાન સાથે. ઘર સંભાળીશ, સાસુ-સસરાની સેવા કરીશ અને બે-ત્રણ છોકરા પેદા કરીશ.’

‘કાજલ!’

‘એમાં નવાઈ કે આઘાત પામવાની શી વાત છે? મિડલક્લાસની છોકરીને ઇનલૉઝ પણ એવા જ મળે છે. તને એક મજાની વાત કહું કરણ, મુંબઈમાં તો લગ્નમાં પણ તમે જ્યાં રહેતા હો એ એરિયા પણ મહત્વનો ભાગ ભજવે છે.’

‘આઇ ડોન્ટ અન્ડરસ્ટૅન્ડ?’

‘જુહુ કે નેપિયન સી રોડ પર રહેતા યુવાનો મીરા રોડ-ભાઈંદરમાં રહેતી છોકરીને પરણવા શું, મળવા પણ તૈયાર ન થાય અને અફર્કોસ, છોકરીઓ માટે પણ એ એટલું જ સાચું છે.’

કરણે પાણીમાં ચાલવા માંડ્યું. કાજલ તેની સાથે થઈ ગઈ.

‘જો કાજલ, તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. તું ઑર્ડિનરી લાઇફ જીવવાની નથી એ પણ તને કહી દઉં.’

કાજલના ધબકારા વધી ગયા. શું કહેશે હવે કરણ?

કરણે કાજલનો હાથ પકડી લીધો. તેની હથેળીમાં હાથની રેખાઓ પર તેણે આંગળી ફેરવી, ‘તારા ભાગ્યની આ રેખાઓ હું ભૂંસીને નવી રેખાઓ દોરીશ કાજલ. નોકરી, સંસાર, બાળકો બીજા માટે છે; તું...’

‘હું શું? કરણ સીધું કહે.’

‘યુ આર ગોઇંગ ટુ બી અ હૉટ મૉડલ કાજલ અને હું તને બનાવીશ.’

કાજલ કરણને તાકતી ઊભી રહી ગઈ. મમ્મી ઘણી વાર કહેતી કે સાંજને સમયે શુભ-શુભ બોલવું, માતાજીનો રથ ઉપરથી જતો હોય એ તમારી ઇચ્છા સાંભળી તથાસ્તુ કહી દે. કાજલે આકાશ સામે ઊંચે જોયું. માતાજીનો રથ અત્યારે જતો હોય તો હે મા! મને આટલું વરદાન આપો.

કરણ કહી રહ્યો હતો. તેના શબ્દો વહેતા રહ્યા પવનની લહેરમાં ઝૂલતી ફૂલોથી લચી પડેલી ડાળીઓની જેમ... ‘કાજલ! ગૌતમ દાસનું નામ સાંભળ્યું હશે, ટૉપ ફોટોગ્રાફર. તેની પાસે તારો ર્પોટફોલિયો બનશે. પછી તારું પહેલું જ ઍડ-કૅમ્પેન અમારી કંપનીનું હશે. તું જાણે છે? પરેલ ઇઝ ધ ન્યુ સેલિબ્રિટી ડેસ્ટિનેશન. ત્યાં અમારા બે લક્ઝરી ટાવર્સ બની રહ્યા છે. સિક્સ્ટી ફ્ર્લોસ...’

ખૂબ પવન નીકળી આવ્યો હતો. તેના વાળ, કપડાં ઊડતાં હતાં કે પછી તે પવનની પાંખે ઊડી રહી હતી!

‘તને ખબર નથી કાજલ તું શું છે? બ્યુટી વિથ હાર્ટ. તને ખબર છે આજ સુધી ગૌતમ દાસે જેના પણ ફોટા પાડ્યા છે તે બધી છોકરીઓ ટૉપ મૉડલ બનીને રૅમ્પ-વૉક પર રાજ કરે છે. ગયા વર્ષે પાયલ ખન્નાને બૉલીવુડમાં લીડ રોલ મળ્યો હતો ગૌતમને લીધે.’

કાજલથી રહેવાયું નહીં. આટલું જલદી તેનું સપનું સાચું પડતું હતું! તે કરણને વળગી પડી. કરણે તેને ધીમેથી અળગી કરી.

‘જો કાજલ, અઘરું તો છે. તારી ટ્રેઇનિંગ, ગ્રૂમિંગ બધા પર ધ્યાન આપવું પડશે; પણ ડોન્ટ વરી, હું છું. વૉટ ફ્રેન્ડ્સ આર ફૉર?’

કાજલ હજી હાંફી રહી હતી. શું કરણ માત્ર દોસ્ત હતો? એથી વિશેષ કશું જ નહીં? ત્યાં જ સંબંધની સરહદ પૂરી થઈ જવાની હતી?

ના રે. કાજલના ચહેરા પર આછું સ્મિત રેલાયું. તેણે ઉપર નજર કરી. મા, વરદાન આપો તો પૂરેપૂરું આપજો કે કરણ મારો બને. આછા અંધકારમાં તારાઓનો હલકો પ્રકાશ પથરાતો હતો. તે પોતાને જોઈ શકી મુંબઈની ઊંચી ઇમારતો પર, વિશાળ હોર્ડિંગ્સમાં બાથટબમાં fવેત ફીણના ઢગલામાંથી ડોકાતો એક સુંદર નવો ચહેરો... કાજોલ.

પછીના દિવસો ઝડપથી વીતતા હતા.

ક્રિસમસ વેકેશન અને પરીક્ષાની તૈયારીની રજાઓ. સવારથી બપોર લાઇબ્રેરીમાં તે અને અનુ વાંચતાં. બપોરે કૅન્ટીનમાં નાસ્તો કરી લેતાં. હમણાં-હમણાં કૅન્ટીન ભરચક રહેતી. ઇકબાલ બન્ને માટે જગ્યા રાખી મૂકતો. કહેતો, કરણસર કા ઑર્ડર હૈ.

પછી બન્ને ટૅક્સીમાં ગૌતમના સ્ટુડિયો પર જતાં. ત્યાં મેકઓવર આર્ટિસ્ટ સાથે ગ્રૂમિંગ અને ટ્રેઇનિંગ સેશન્સ થતાં. બોલવું, બેસવું, ચાલવું, મેક-અપ, પોઝની તાલીમ આપવામાં આવતી. જ્યારે કૈઝાદે તેને હાઈ હીલ્સ પહેરીને ચાલવાની પ્રૅક્ટિસ કરાવી ત્યારે તો તે રડી પડી હતી, ભાગી છૂટવું હતું. ગૌતમ ચિડાતો, દીવાલો પરના મૉડલની અનેક અદાઓના પોઝ બતાવતો, દરેકની પાછળ એક કહાની હતી. ‘સિતારા’ સોપના ઍડ-કૅમ્પેનનું પોસ્ટર બતાવી કહ્યું હતું, ‘વરસાદની સીઝનમાં ઍડના શૂટિંગમાં અમે કેરળ ગયા હતા. જૅકલિનને બિકિની પહેરી ધોધમાં ઊભાં રહેવાનું હતું. ત્રણ દિવસ સતત ભયંકર ઠંડા પાણીમાં તેણે હસતાં-હસતાં શૂટિંગ કર્યું હતું. પાછાં ફયાર઼્ ત્યારે જૅકલિનને ફીવર હતો, શી નેવર કમ્પ્લેઇન્ડ. બિકિની પણ પહેલી જ વાર પહેરી હતી, પણ ફટાફટ યુનિટ સામે તે કપડાં બદલતી. ધૅટ્સ ધ સ્પિરિટ ઍન્ડ ડેડિકેશન. એ ન હોય અને ગ્લૅમર માટે તું આવતી હોય તો ડોન્ટ કમ હિયર, મને સમય નથી. મારી એક-એક મિનિટ કીમતી છે. આ તો કરણને લીધે જ તારી પાછળ મહેનત કરું છું, અધરવાઇઝ હૂ આર યુ?’

તે ઓઝપાઈ ગયેલી. રડું-રડું થતી કાજલને અનુ બહાર ખેંચી ગયેલી, ‘જો કાજલ, તક તમારા દરવાજે એક જ વાર ટકોરો મારે છે. બારણું નહીં ખોલે તો પછી રહી જઈશ સામાન્ય જિંદગીની ધૂંસરી ગળે બાંધીને જીવતી હાઉસવાઇફની જેમ, તારી ને મારી માની જેમ. કરણ સાથેનો પ્રેમ શું, દોસ્તીયે જશે હાથમાંથી. છે મંજૂર? એક નક્કર હકીકત હું જીવનમાં બહુ જલદી શીખી ગઈ છું કાજલ. આ દુનિયામાં દરેક વસ્તુની કિંમત ચૂકવવી જ પડે છે.’

અને તે સજ્જ થઈ ગઈ હતી કાજલથી કાજોલની સફર માટે.

ગૌતમ કહેતો, ‘મૉડલ અને ઍક્ટ્રેસ એવી સ્ત્રી છે જે ધીમે-ધીમે વ્હિસ્કીની જેમ મૅચ્યોર થાય છે. પહેલાં પોતાને જ પોતાનો નશો ચડશે પછી બીજાને ઘેન ચડશે તારું. પહેલાં હું વાઇલ્ડ-લાઇફ ફોટોગ્રાફી કરતો. જંગલમાં કેસૂડો ખીલે ત્યારે આખાં વનવૃક્ષોને એનો છાક ચડતો મેં અનુભવ્યો છે. થૅન્ક્સ ટુ કરણ. તે તારી સક્સેસનો શૉર્ટકટ છે. યુ આર લકી.’

હા, તે નસીબદાર છે. કઈ ક્ષણે કરણની નજર તેના પર પડી કે પલકમાત્રમાં તેનું જીવન બદલાઈ ગયું!

‘તું તો બહુ બદલાયેલી લાગે છે!’

એક રાત્રે જમતાં-જમતાં તરુણે કહેલું. પપ્પા-મમ્મી પણ એક્સ-રેની નજરથી જોવા લાગેલાં. તે ગભરાઈ ગઈ હતી. ઘરમાં હજી કહ્યું નહોતું. છેલ્લી જ ઘડીએ વાત કરવાની હતી, પછી લડાઈ લડવા તૈયાર થવાનું હતું. સ્ટુડિયોમાંથી નીકળતી વખતે તે ફરી કાજલ બની જતી. ખૂબ અઘરું પડતું છતાં અનુ કહેતી કે પોતાનું મનપસંદ વરદાન મેળવવા માટેની આ તપશ્ચર્યા હતી.

સાવિત્રીબહેન કહેતાં, ‘હા રે, કાજલ પર તો જાણે જાદુઈ છડી ફરી ગઈ છે. સારુંને! ક્યાં સુધી દેશી છોકરીની છાપ કપાળે લઈને ફર્યા કરવું? થોડાં મૉડર્ન થશો તો છોકરાઓ ઝટ લગ્નની હા પાડશે. આજકાલના છોકરાઓની પસંદગી બહુ બદલાઈ છે. નથી જોતી તું? ને પ્રિયા તુંય શું આ સલવાર-કમીઝ પર્હેયા કરે છે? સાડીને બદલે હવે આન્ટીજી સલવાર-કમીઝ પહેરે છે, તું ટ્રાઉઝર્સ-જીન્સ કેમ નથી પહેરતી? કમાય છે તો વાપરને! ડિઝાઇનર કુરતીઓ કેવી મસ્ત મળે છે.’

પ્રિયાને થાય છે કે જાદુઈ છડી તો મમ્મી પર પણ ફરી ગઈ છે. તે પણ ધીમે-ધીમે બદલાઈ રહી છે. પહેરવેશમાં, ટાપટીપમાં વધુ કાળજી લે છે. તે સાંજે ટ્યુશન પરથી ઘરે આવે છે ત્યારે મમ્મી બેન્ગોલી ઢબે સરસ સાડી પહેરી, ટેબલ પર ચા પીતાં સાંજનું પેપર વાંચતી હોય એ પરથી લાગે છે કે તે કોઈ ક્લાયન્ટ (ઘરાક શબ્દ મમ્મીને બિલકુલ નથી ગમતો, ચંદનબહેને ના પાડી છે) પાસે જઈને આવી છે કે પછી મહિલામંડળના કોઈ ફંક્શનમાં જઈને આવી છે.

તેણે સાવિત્રીબહેનને કહેલું, ‘મમ્મી, તું કાજલને કેમ નથી પૂછતી, રોજરોજ નવી-નવી વસ્તુઓ લાવે છે, પહેરે છે.’

‘જો પ્રિયા, મને તો થાય છે કે તે કમાય છે ને ખર્ચે છે! ઊલટાની જવાબદાર થઈ છે એવું તને નથી લાગતું? પહેલાં તો ભૈસાબ આખો દહાડો જીદ અને જીભાજોડી. ભણવામાંય કેવી સિરિયસ થઈ ગઈ છે! હવે તુંય તેને અવળી નજરે જોવાનું છોડી દે પ્રિયા. કાજલની હવે મને બહુ ચિંતા નથી, તે મૅચ્યોર થતી જાય છે.’

વારંવાર તેની વાતનો છેદ ઉડાડી દેતી મમ્મીને હવે કશું કહેવાનો અર્થ પણ નથી, પરંતુ સીસ્મોગ્રાફની જેમ તેનું મન કાજલમાં થતા ફેરફારોની ઝીણી-ઝીણી નોંધ લેતું હતું. દૂર-દૂરથી ધસી આવતી ભયંકર આંધીના ભણકારા તેના કાનમાં વાગી રહ્યા છે.

કાજલની અને તેની આંખો મળે છે અને બન્ને સમજે છે કે આ ધસમસતી આંધી એક વાર કુટુંબવૃક્ષને મૂળમાંથી ધરાશાયી કરી સઘળું તહસનહસ કરી મૂકશે.

અને એ ક્ષણ હવે દૂર નથી.

(ક્રમશ:)