સંગીતના સૂરોથી સમાજસેવા

29 July, 2012 06:20 AM IST  | 

સંગીતના સૂરોથી સમાજસેવા

ફાલ્ગુની જડિયા-ભટ્ટ

સંગીત એ સૂરની સાધના છે એ તો જાણે આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ ઘાટકોપરમાં રહેતા પંચાવન વર્ષના ગિરિધર ભાનુશાલીએ પોતાના સૂરની સાધનાને લોકસેવાનું રૂપ આપી જનકલ્યાણનો નવો ચીલો ચાતર્યો છે. આમ તો ગિરિધરભાઈ વ્યવસાયે કસ્ટમ ક્લિયરિંગ એજન્ટ છે, પરંતુ પોતાના કામની સાથે તેઓ આજીવન સંગીતની દેવીના ઉપાસક પણ રહ્યા છે. પરિણામે તેઓ સંગીતની નાની-મોટી બેઠકોથી માંડી મોટા-મોટા જલસા સુધી કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં હલકદાર કંઠે ગાઈ શકવાની આવડત ધરાવે છે. એટલે નાની-મોટી સંસ્થાઓથી માંડી મોટાં-મોટાં મંડળો તરફથી તેમને અવારનવાર ચૅરિટી શોમાં ગાવાનું આમંત્રણ મળ્યાં જ કરે છે. જોકે ગિરિધરભાઈની ખાસિયત એ છે કે તેઓ આવા કોઈ પણ કાર્યક્રમમાં ગાવાનો એક પણ રૂપિયો ચાર્જ કરતા નથી. અરે, તેઓ તો સંસ્થાઓ પાસેથી આવવા-જવાનો ખર્ચ પણ લેતા નથી. બહારગામ જવાનું હોય તો પણ નહીં એટલું જ નહીં, શક્ય હોય અને યોગ્ય લાગે તો તેઓ સંસ્થાને તેમના કામમાં પોતાના તરફથી બે પૈસા આપી પણ આવે છે.

પોતાના આ અનોખા સેવાકાર્ય માટે ભુજથી ૯૦ કિલોમીટરના અંતરે આવેલા નાનકડા ગામ છાડુરાના કચ્છી ભાનુશાલી ગિરિધરભાઈ કહે છે, ‘આજે મારી ઉંમર પંચાવન વર્ષની થઈ. ૧૮ વર્ષનો હતો ત્યારથી કાર્યક્રમો કરતો આવ્યો છું. અત્યાર સુધી સેંકડો કાર્યક્રમો કર્યા હશે. બધા જ નિ:શુલ્ક. અકાળ, દુષ્કાળ, ધરતીકંપ, પૂર, સુખ, દુ:ખ, કોઈ પણ પરિસ્થિતિમાં મને જે કોઈ યાદ કરે ત્યાં પહોંચી જાઉં છું. એ મારી સંગીતની પૂજા છે. મારાં ભજનો મારો વેપાર નથી. ધંધામાંથી જે કંઈ મળે છે એમાં મારો દાળરોટલો નીકળી જાય છે. એનાથી વધારે ઉપરવાળા પાસે ક્યારેય કોઈ આશા પણ રાખી નથી. એથી કોઈની પરવા કરતો નથી. સંસ્થાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ જે કોઈ દિલથી યાદ કરે ત્યાં પહોંચી જાઉં છું. લાગે કે અહીં માન નથી જળવાઈ રહ્યું તો પાછો પણ આવી જાઉં છું, કારણ કે મારું ગુજરાન એના પર નથી ચાલતું. આખી દુનિયા મનોરંજન પાછળ દોડે  છે. કોઈ દારૂમાંથી મનોરંજન મેળવે છે, કોઈ જુગારમાંથી; પરંતુ સંગીત સાત્વિક મનોરંજન છે જે તમને ટ્રાન્સમાં લઈ જાય છે. હું તો આવા કાર્યક્રમો દ્વારા એ સાત્વિક મનોરંજનમાંથી આનંદ માણવાનો પ્રયત્ન કરું છું.’

ગિરિધરભાઈનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો, પરંતુ બાળપણનાં દસ વર્ષ નીકળ્યાં કચ્છમાં. પોતાના ગામમાં રોજ સાંભળવા મળતાં

ભજન-ર્કીતન તેમના હૃદયમાં એવાં સોંસરવાં ઊતરી ગયાં હતાં કે મુંબઈ આવ્યા બાદ તેમણે સંગીતની પદ્ધતિસર તાલીમ લેવા માંડી. બાળપણમાં બ્રાહ્મણ જોશી પાસે શરૂ કરેલી તેમની શાસ્ત્રીય સંગીતની તાલીમ આજે ચાર દાયકા બાદ પણ પૂરી થઈ નથી. આજે પણ તેઓ પોતાના ગુરુ શ્રીકાંત વાયકરના હાથ નીચે સૂરની સાધના કરે છે. એ સિવાય તેઓ વિશ્વાસ બર્વે પાસે હાર્મોનિયમની તાલીમ પણ લઈ રહ્યા છે. આ પહેલાં તેમણે ચાર વર્ષ જાણીતા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે પણ સુગમ સંગીતની કેળવણી લીધી હતી. એ સિવાય તેમણે પુરુષોત્તમ ઉપાધ્યાય ઉપરાંત જાણીતા ગઝલગાયક અનુપ જલોટાના પિતા પુરુષોત્તમદાસ જલોટા સાથે કાર્યક્રમો પણ કર્યા છે. આજે પણ સવાર પડતાં જ ઘરના તાનપૂરા પર તેમનો બે-ત્રણ કલાક માટે રિયાઝ ચાલુ થઈ જાય. પરિણામે તેઓ સુગમ સંગીતથી માંડી ભજન, ર્કીતન, ગઝલો, જૂનાં ફિલ્મી ગીતો સુધીનું કોઈ પણ પ્રકારનું ગાયન સુમધુર કંઠે ગાઈ શકે છે. ગીત કોઈ પણ હોય, એમાં પોતાના તરફથી એકાદ વસ્તુ તેઓ એવી ઉમેરે કે આખું ગીત જ બદલાઈ જાય અને ગિરિધરભાઈનું પોતાનું થઈ જાય. પોતાના શોખ માટે તેમણે દસથી બાર હજાર ગીતોનું મોટું કલેક્શન પણ તૈયાર કર્યું છે.

પોતાના સંગીતના કાર્યક્રમો વિશે ગિરિધરભાઈ કહે છે, ‘મને તો માત્ર મારા સંગીત દ્વારા સંસ્થાનાં સત્કાર્યો માટે ભંડોળ ઊભું કરવામાં રસ છે, પૈસાના ઉપયોગમાં નહીં. કારગિલ વખતે ઘાટકોપરની ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં પાંચ લાખનો ફાળો ભેગો થયો હતો. મેં પોતે પણ એમાં એક લાખ અગિયાર હજાર આપ્યા હતા. એવી જ રીતે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે ત્યાં જઈને પણ અનેક કાર્યક્રમો કર્યા હતા અને મારાથી થાય એટલા રૂપિયા, દવા, પાણી, કપડાં વગેરેની સહાય કરી હતી. કચ્છમાં અમારી જ્ઞાતિનાં અન્નક્ષેત્ર અને ગૌશાળા છે. તેમના કાર્યક્રમમાં એક રાતમાં એક કરોડ રૂપિયા ભેગા થયા હતા; પરંતુ પાછળથી એ પૈસાનું શું થયું, સંસ્થાવાળાઓએ જણાવ્યા મુજબ એ પૈસાનો ઉપયોગ કર્યો કે નહીં એ બધામાં હું પડતો નથી. મારું કામ લોકોને સાત્વિક મનોરંજન આપી હટી જવાનું છે. એથી સંસ્થાવાળા સામેથી કહે તો પણ હું પૈસાના ઉપયોગની બાબતમાં રસ દાખવતો નથી. આમેય કામકાજમાં આખો દિવસ નીકળી જાય છે. એમાં વળી આ પળોજણમાં પડું તો મારું સંગીત બાજુએ રહી જાય એટલે એ બધું ભગવાન જાણે અને સંસ્થાવાળા. આપણે તો સાપ કાંચળી ઉતારે એમ મહેફિલ પતાવી નીકળી જવાનું.’

સંગીતશાળા ખોલવી છે

સંગીતે સમાજમાં જે માન, મરતબો અને મોભો અપાવ્યાં છે એને ગિરિધર ભાનુશાલી પોતાનું જીવનભરનું ભાથું સમજે છે. ગિરિધરભાઈ કહે છે, ‘સંગીતને પગલે મને લોકોનો જે પ્રેમ મળે છે એ જ મારું સૌથી મોટું વળતર છે. મને કપડાંલત્તાં કશાનો શોખ નથી. જીવનમાં એકમાત્ર નશો સંગીતનો રાખ્યો છે. એકલો હોઉં કે ટોળામાં, મારા સંગીત સાથે હું કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ કરી શકું છું. હવે એકમાત્ર ઇચ્છા મારાં માતા-પિતાના નામે એકાદ નાની સંગીતશાળા ખોલવાની છે જ્યાં બેસી હું મારી પાસે જે કંઈ ખજાનો છે એ સંગીતના રસિયાઓને મફતમાં શીખવી શકું. અત્યારે પંચાવનનો થઈ ગયો, પાંચ વર્ષ બાદ આવનારી નિવૃત્તિમાં બસ એ જ પ્રવૃત્તિ કરવી છે. બાકી કશું જોઈતું નથી. સંગીત સંબંધી નવું-નવું શીખ્યા કરવાની તાલાવેલી પાંચ વર્ષના બાળકમાં હોય એટલી આજે પંચાવન વર્ષે પણ જળવાઈ રહી છે એટલે સંગીતની યાત્રા આમ જ અવિરત ધોરણે ચાલુ રાખવી છે. વિદ્યાર્થી રહ્યો છું અને વિદ્યાર્થી જ રહેવું છે. જીવનની છેલ્લી ક્ષણે પણ કોઈ જ્ઞાન આપવા આવે તો એ લઈને જવું છે.’