જન્નત યહાં

29 July, 2012 06:11 AM IST  | 

જન્નત યહાં

અલ્પા નિર્મલ

નો મોબાઇલ નેટવર્ક, નો નિફ્ટી, નો સેન્સેક્સના ધબડકાના ન્યુઝ. દુનિયાભરની ઊથલપાથલથી બેખબર રહી ડેઇલી હેક્ટિક લાઇફથી ડીઍક્ટિવ થવું હોય તો ઉત્તરાંચલનું કૌસાની ખરા અર્થમાં દેવભૂમિ સાબિત થાય છે. આડેધડ વિકાસને કારણે પોતાનું સાતત્ય ખોઈ બેસેલાં હિલ-સ્ટેશનોની સામે ઉત્તર ભારતનું આ ગિરિમથક એવું ઇન્ટૅક્ટ રહ્યું છે કે અહીં આવનાર દરેક પર્યટકની દિલની ઇચ્છા રહે કે કાશ, આ ટ્રિપ ખતમ ન થાય.

ક્યાં આવેલું છે?

ભારતની ભૂગોળમાં આઇસોલેટેડ રહેલું આ ટાઇની હિલટાઉન ૨૦૦૦ની સાલમાં ઉત્તર પ્રદેશથી નોખા થયેલા રાજ્ય ઉત્તરાંચલમાં આવેલું છે. ઑફિશ્યલી ઉત્તરાખંડ તરીકે જાણીતો આ પ્રદેશ હિમાલયના દક્ષિણી ઢોળાવ પર વસેલો છે. ચીન, નેપાલ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ એમ બે દેશ અને ભારતનાં બે રાષ્ટ્રોની વચ્ચોવચ સ્થિત આ રાજ્યને લૅન્ડ ઑફ ગૉડ્સ (દેવભૂમિ) કહેવાય છે; કારણ કે આ વિસ્તારમાં અનેકાનેક પ્રાચીન મંદિરો, પૂજનીય હિન્દુ તીર્થો આવેલાં છે. ૧૩ મુખ્ય જિલ્લાઓમાં વિભાજિત ઉત્તરાખંડ રાજ્ય મુખ્ય બે ડિવિઝનમાં વહેંચાયેલું છે - ગઢવાલ અને કુમાઉં. કૌસાની એ કુમાઉં વિસ્તારનો કમનીય પ્રદેશ છે.

કઈ રીતે જવાય?

આમ તો રાજ્યનું પાટનગર દેહરાદૂન છે, પણ એ ગઢવાલ વિસ્તારનો હિસ્સો હોવાથી કૌસાનીથી ઘણે અંતરે છે. આથી ડાયરેક્ટ દેહરાદૂન પહોંચાડતી ટ્રેન કે ફ્લાઇટ મુંબઈગરાઓ માટે નકામી છે, પણ જો ઊડીને જલદી-જલદી કૌસાનીની સ્વર્ગીય અનુભૂતિ લેવી હોય તો મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી પંતનગર ઍરર્પોટની ફ્લાઇટ લેવાની રહે છે. અહીંથી સર્વિસ થોડી ઓછી છે, પણ આ જ એરિયામાં આવેલા પ્રખ્યાત નૈનીતાલને કારણે એ વર્ષભર ચાલતી રહે છે અને ઍરર્પોટથી કૌસાનીનું ડિસ્ટન્સ છે ૧૬૨ કિલોમીટર, જે કાપવા ટૅક્સી કરવાની રહે છે. જોકે બાય ઍર આવો તોય પેટના આંતરડાની ગૂંચ વાળી દેતા ઘુમાવદાર રસ્તાઓથી બચી શકતા નથી. આથી મોટા ભાગના પ્રવાસીઓ દેશના પાટનગર દિલ્હીથી રાજમાર્ગ વડે ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી અહીં પહોંચે છે અને જેને આવડી લાંબી રોડ-જર્નીનો બાધ હોય તે દિલ્હીથી ટ્રેન દ્વારા કાઠગોદામ સ્ટેશન પહોંચી કાઠગોદામથી બાય રોડ નૈનીતાલ, અલ્મોડા વટાવી દરિયાની સપાટીથી ૬૨૦૧ ફૂટ ઊંચે વસેલા કૌસાનીમાં પ્રવેશ કરે છે.

અહીં શું કરી શકાય?

આપણે શહેરીજનોની આ જ ઉપાધિ. ક્યાંય જવાનો કાર્યક્રમ વિચારે એ પહેલાં ત્યાં કરીશું શું એ પ્રવૃત્તિનું લિસ્ટ તૈયાર જ હોય. સિટીની પ્રવૃત્તિથી થાકીને એનાથી ભાગી છૂટવા બહારગામ જાય ત્યાંય આમ કરવું છે, તેમ કરવું છે એ કાર્યસૂચિ નક્કી કરી લે. વેલ, કૌસાનીમાં આવો મોકો નથી મળતો. ખરેખર અહીં કોઈ દુન્યવી પ્રવૃત્તિનો પ્રબંધ નથી. અહીં તો હિમાલયનો આસ્વાદ-પ્રસાદ મેળવવાનો છે. સ્વઆત્મા સાથે સંવાદ સાધવાનો છે અને કશાય પ્રયોજન વગર ઊમટતી પ્રસન્નતાને ગાંઠે બાંધવાની છે. અને માઇન્ડ ઇટ, તમે ધારો છો એવું આ બોરિંગ કામ નથી (પ્રયોગ કરવામાં શું જાય છે?). ખેર, એક નાનકડી ટેકરી ઉપર પાઇનનાં વૃક્ષોનાં ઘેરાં જંગલોથી ઘેરાયેલું આ ગામ પ્રખ્યાત ત્રિશૂળ અને નંદાદેવી શિખરનાં દર્શન કરાવતું સિનિમા (સિનેમા) છે. અહીંથી જ્યાં નજર કરો ત્યાંથી હિમાલયનાં ધવલ શિખરો વૃક્ષોને ભેદીને ઉપર ડોકાય છે. ઍક્ચ્યુઅલી કુમાઉંના આ સ્થળેથી હિમાલય સારામાં સારી રીતે દૃષ્ટિગોચર થાય છે અને હવામાન સાફ હોય અને તમારી પાસે ઊંચી જાતનું દૂરબીન હોય તો હિમાલયની ૩૬૦ કિલોમીટરની હારમાળા જોઈ શકાય છે. નંદાદેવી પીક ભારત સાઇડના હિમાલયનું સેકન્ડ ટૉલેસ્ટ શિખર છે. પિરામિડ આકારનાં બે શિખરોની ત્રિકોણ ટોચ અહીંથી જોઈ શકાય છે અને વહેલી સવારે સૂર્યોદયના થોડા સમય પહેલાં અને સૂરજ ઊગવાની ઘડીએ આ શિખરોની આભા એવી અલૌકિક હોય છે કે આ દૃશ્યો આંખો દ્વારા આખા શરીરમાં સમાઈ જાય. એ જ રીતે ત્રિશૂળ આકારનાં ત્રણ શિખરો તેજથી અંજાઈ જવાય એવાં તેજસ્વી છે. ૧૨ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આખાય ગામમાંથી હિમાલયનું હેમ ઝળકતું રહે છે એટલે વહેલી સવાર અને સૂર્યાસ્ત તો એની રૂબરૂ જ.

હેતાળો હિમાલય આમ તો ભારતનો મુગટ કહેવાય પણ મોટા ભાગના દેશવાસીઓને એની મહત્તા સમજાતી નથી. પૂર્વે અરુણાચલ પ્રદેશથી પશ્ચિમે કાશ્મીર સુધી ૨૫૦૦ કિલોમીટરની લાંબી-ઊંચી હારમાળા ભારતમાં વહેતી અનેક નદીઓનું ઉદ્ગમસ્થાન તો છે જ, સાથે સાઇબેરિયાથી વાતા ઠંડા અને તેજ પવનથી આપણને બચાવનાર ઢાલ છે. ખેર, જે લોકો વિદેશોમાં ઘણે ઠેકાણે ગયા હશે તેમને ખ્યાલ હશે જ કે મોટા ભાગની જગ્યાએ કેવો ગાંડોતૂર પવન વાય છે જેની સામે ટકી રહેવું કપરું છે અને હિમાલય આપણને આવી હવા અને અનેક મુસીબતોથી બચાવતો આપણો પિતામહ છે. માટે હિમાલયનાં દર્શન એ કૈલાસયાત્રાથી કમ નથી અને એટલે જ જીવનમાં એક વાર અહીં આવવું જ જોઈએ.

કૌસાનીમાં ટ્રેકિંગના દીવાનાઓ માટેની પ્લેસની પણ કોઈ કમી નથી. વન્યવૈભવમાંથી પસાર થતી

નાની-મોટી કેડીઓ પર નીકળી પડો. ધરતીનું સત્વ વધારતાં તરુવરો, સંતાકૂકડી રમતા સૂરજદેવ અને જંગલની એક્સક્લુઝિવ શાંતિ. ઓહ! યુ ફીલ જન્નત યહાં.

અનાસક્તિ આશ્રમ એ કૌસાનીની પ્રભુતા છે. ઈસવી સન ૧૯૨૯માં રાષ્ટ્રપિતા ગાંધીજી અહીં ૧૪ દિવસ રહ્યા હતા. લાંબા જેલવાસ બાદ જ્યારે બાપુની તબિયત વધુ લથડી હતી ત્યારે હવાફેર માટે તેઓ અહીં આવ્યા હતા અને સ્થળની સુંદરતાએ તેમના સ્વાસ્થ્ય પર એવો જાદુ કર્યો કે તેઓ ફરી પાછા અંગ્રેજોને અહિંસા વડે હંફાવવા, હરાવવા સજ્જ બની ગયા. અહીંના વસવાટ દરમ્યાન તેમણે મહાગ્રંથ ‘ગીતા’ના ‘અનાસક્તિ યોગ’ પર પુસ્તક લખ્યું હતું. જોકે અત્યારે જે આશ્રમ છે એ ગાંધીજીનાં શિષ્યા સરલાબહેન દ્વારા નિર્માણ પામ્યો છે. અહીં બાપુનું નાનું મ્યુઝિયમ છે તો મોટી લાઇબ્રેરી પણ છે. ગાંધીજીના અન્ય આશ્રમોમાં થાય છે એમ અહીં પણ સવાર-સાંજ પ્રાર્થના કરવામાં આવે છે. વળી આશ્રમમાં રહેતા સાધકોએ બનાવેલી નાની-મોટી વસ્તુઓ વેચતી હાટડી પણ અહીં છે. ખરેખર આઠ દાયકા બાદ પણ આ ગાંર્ધીતીથના કણેકણમાં એક અદ્વિતીય આત્માની હાજરી વર્તાય છે. એ જ રીતે કૌસાનીના સપૂત હિન્દી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર સુમિત્રાનંદન પંતના ઘરને પણ સ્મારકમાં ફેરવવામાં આવ્યું છે. સાહિત્યપ્રેમીઓ માટે આ પણ પૂજનીય સ્થાન છે અને એમાંય પંતજીના જન્મદિન ૨૦ મેએ દર વર્ષે અહીં કવિગોષ્ઠિ અને સાહિત્ય-સંમેલનો યોજાતાં કલાકારો, લેખકો, વિવેચકોની મહેફિલ જામે છે.

ચાના બાગાનોથી સમૃદ્ધ કૌસાનીથી ૧૦ કિલોમીટર દૂર કટારમલ સૂર્યમંદિર છે, જે ઓડિશાના સન ટેમ્પલ પછીનું મહત્વનું મંદિર છે. નવમી સદીમાં બનેલા આ પથરીલા દેવાલયનું આર્કિટેક્ચર એ રીતનું છે કે મંદિરના ગર્ભગૃહમાં આવેલી નાની બારીઓમાંથી આવતાં સૂર્યનાં કિરણો મુખ્ય દેવની મૂર્તિ પર જ પડે. આમ તો અહીં વિવિધ દેવી-દેવતાઓની ૬૦ જેટલી મૂર્તિઓ છે પણ મુખ્ય પ્રતિમા ૯૦૦ વર્ષ જૂની છે એ જ રીતે અહીંથી થોડે આગળ જતાં નીમ કરોલી બાબાનો આશ્રમ આવેલો છે. ભારતના સ્વાતંhય પૂર્વે અહંકારી બ્રિટિશ ઑફિસરને સબક શીખવવા આ બાબાએ પોતાની મંત્રશક્તિથી ટ્રેન રોકી હતી. આ કિસ્સો દેશના સ્વાતંhયના ઇતિહાસમાં ભારે આદરપૂર્વક ગણના પામે છે. જોકે ભક્તો બાબાને હનુમાનનો અવતાર માને છે અને પૂરા દેશમાં નીમ કરોલી બાબાના ૧૦૮ આશ્રમો છે. હા, એ બાબા રામદેવ કે આસારામબાપુના આશ્રમ જેવા સમૃદ્ધ નથી પણ સ્વચ્છ અને સુઘડ એવા આશ્રમોમાં ઘણા અનુયાયીઓ અને સાધુઓની આવન-જાવન રહે છે.

કૌસાનીથી ૧૯ કિલોમીટર દૂર બૈજનાથ ગામે શિવજીનો ડેરો છે, જે ભારતના મુખ્ય જ્યોતિર્લિંગમાંનું એક છે. ગોમતી નદીને કિનારે આવેલા આ શિવાલયમાં શ્રાવણ મહિનામાં તો હૈયું દબાય એટલી ભીડ ઊમટે છે. જોકે દેવભૂમિના આ વિસ્તારમાં ડુંગરે-ડુંગરે શંભુના ડાયરા છે. દરેકનું આગવું મહત્વ છે અને અનોખી ઓળખ છે.

રહેવા-ખાવા-પીવાની સગવડ

‘પૅરેડાઇઝ આઉટસાઇડ યૉર વિન્ડો’. હોટેલ્સ, ગેસ્ટહાઉસ કે હોમ-સ્ટે... દરેક ઠેકાણેથી તમને હિમાલયનું નયનરમ્ય રૂપ પિરસાશે. અકોમોડેશન, સગવડની અમીરી નહીં મળે પણ લોકેશનની દૃષ્ટિએ ખૂબ ધનવાન. આમેય આખા કૌસાનીમાં ખાવા-પીવા-રહેવામાં ગણીને ૮થી ૧૦ વિકલ્પો છે. અનાસક્તિ આશ્રમ પણ એમાંનો એક છે. ખાવા-પીવા માટે પણ હોટેલમાં આવેલી રેસ્ટોરાં પર જ આધાર રાખવો પડે છે. જ્યાં સ્વચ્છ, તાજું, પહાડી-પંજાબી ખાણું મળી રહે છે. જૈન ફૂડ ખાનારાઓને પણ ઝાઝો વાંધો નથી આવતો. બસ, વધુ વરાઇટીની ડિમાન્ડ નહીં કરવાની, બેસિક ડિશો ટેસ્ટી. ગામની બજારમાં પણ ચાપાણી અને નાસ્તાની ચાર-પાંચ દુકાનો છે જ્યાં લોકલ ફૂડ ટ્રાય કરી શકાય. ચેરીની સીઝનમાં આ વિસ્તાર મહોરી ઊઠે છે. અહીં લાલચટક ચેરીનાં અનેક વૃક્ષો છે અને એપ્રિલથી જૂન મહિના દરમ્યાન કૌસાનીમાં ચેરી બ્લોસમ.

બેસ્ટ સીઝન

બારે મહિના પ્રકૃતિપ્રેમીઓના ઇન્તેજારમાં રહેતું કૌસાની શિયાળામાં સ્નોફૉલથી સજેલું રહે છે તો માર્ચથી જુલાઈ હરિયાળીથી હર્યુંભર્યું રહે છે. ઑગસ્ટ-સપ્ટેમ્બર રેઇની મન્થ્સ, પણ પહાડોમાં તો વરસાદ પણ ખૂબસૂરત લાગે અદ્દલ પહાડોની જેમ.

સમયુઝફુલ ટિપ્સ

€ પૃથ્વી પર આવેલા આ સ્વર્ગમાં આરામદાયક રીતે ફરવા માટે પગમાં કમ્ફર્ટેબલ શૂઝ-સૅન્ડલ અને વરસાદ, હવા અને ઠંડીથી બચાવતું લાઇટ વિન્ડચીટર ઑલ્વેઝ સાથે રાખવું.

€ સ્થાનિક પ્રજા હસમુખી અને પ્રેમાળ છતાંય શાંત અને ગભરુ સ્વભાવની. વળી તેમની જીવનશૈલી અત્યંત ધીમી હોવાથી ‘જલદી’ શબ્દ તેમના શબ્દકોશમાં હોતો જ નથી. આથી રેસ્ટોરાંમાં ચા, ખાવાનું ઑર્ડર કર્યા પછી કે રહેવાની જગ્યાએ કશી સગવડની માગણી કર્યા પછી એ ત્વરિત મળશે એવી આશા રાખવી નહીં. અહીં રઘવાટ અને રોષ કરવા કરતાં તમે પણ લોકલ લાઇફ-સ્ટાઇલમાં સેટ થઈ જશો તો વધુ આનંદ આવશે.

€ કૌસાનીના બાગાનની ચા બહુ ફેમસ છે. નિજી કુદરતી સોડમ અને ગુણધર્મો ધરાવતી આ ચા સુવેનિયરરૂપે ઘરે ચોક્કસ લઈ જવાય. એ જ રીતે અહીં બનતી હાથવણાટની શાલ પણ સ્પેશ્યલ.

કૌસાનીનું તાપમાન

કૌસાની અન્ય હિલ-સ્ટેશનની જેમ અતિશય ઠંડું નથી. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં ટેમ્પરેચર ઝીરો ડિગ્રીથી ૨૦ ડિગ્રી સુધી રહે છે. એમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી બર્ફબારી થાય, પણ બહુ હેવી નહીં. એપ્રિલથી જૂન તાપમાન ૧૪ ડિગ્રીથી ૩૦ ડિગ્રી અને આ ગુલાબી ઠંડી પ્રવાસીઓને આકર્ષે છે. જુલાઈથી ઑગસ્ટ વરસાદ અડિંગો જમાવે છે. આમ તો અહીં મધ્યમ (૨૦૫૫ મિલીમીટર) વરસાદ પડે છે પણ અહીંના પર્વતો પોચા હોવાથી માટી ધસી આવવાની, લૅન્ડસ્લાઇડિંગની સંભાવના વધુ રહે છે. અગેઇન, સપ્ટેમ્બરથી નવેમ્બર મૉડરેટ ટેમ્પરેચર અને પાનખર સહેલાણીઓને જલસો કરાવે છે.

ઔર ક્યા?

કુમાઉંનાં અન્ય હિલ-સ્ટેશન અલ્મોડા અને રાનીખેત કૌસાનીથી અનુક્રમે ૪૭ અને ૭૬ કિલોમીટર છે. આ બેઉ ગિરિમથક પણ કુમાઉંનાં અમૂલ્ય ઘરેણાં છે. ૩૯ કિલોમીટરને અંતરે આવેલું બાગેશ્વર નટરાજનું નિવાસસ્થાન છે. ગોમતી અને સરયૂ નદીના સંગમસ્થાને વસેલું આ શિવાલય ધાર્મિક પ્રવાસીઓમાં બહુ અદકેરું સ્થાન ધરાવે છે. અહીંના મંદિરની પાછળ કેટલીયે પૌરાણિક વાયકાઓ છે અને સેંકડો સંખ્યામાં લગાવેલી નાની-મોટી ઘંટડીઓ.

બાગેશ્વર એ હિમાલયની પૉપ્યુલર પિંડારી ગ્લૅસિયર, સુંદર ઢુંગા, કફની ગ્લૅસિયરનું ગેટવે છે. પ્રમાણમાં ટફ કહેવાય એવા આ ટ્રેકિંગ રૂટ પર એપ્રિલથી જૂન દરમ્યાન દેશ-વિદેશથી સેંકડો ટ્રેકર્સ તન-મનની તાકાત અજમાવવા આવે છે. યુ કૅન ઑલ્સો પ્લાન.

હેલ્પલાઇન

કૌસાનીની ટ્રાવેલવિષયક વધુ માહિતી માટે લૉગ-ઑન www.kmvn.gov.in. મુંબઈ ઑફિસ : ઉત્તરાખંડ

ટૂરિઝમ, ગઢવાલ મંડલ વિકાસ નિગમ લિમિટેડ, અરુણ ચેમ્બર્સ, બેઝમેન્ટ-૫, એસી માર્કેટની બાજુમાં, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ-૪૦૦ ૦૩૪. ફોન નં. ૦૨૨-૨૩૫૨૪૦૧૩.