ટ્રાવેલ ગાઈડ: હૈદરાબાદ ટૂરિસ્ટ પ્લેસનો નવાબ

28 April, 2019 01:51 PM IST  |  | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

ટ્રાવેલ ગાઈડ: હૈદરાબાદ ટૂરિસ્ટ પ્લેસનો નવાબ

દેશનાં સૌથી સુંદર અને કળાત્મક સ્થાપત્યોમાંનું એક ચારમિનાર છે. ચારસો વર્ષ કરતાં પણ જૂના આ સ્થાપત્યના ઉપરના માળે મસ્જિદ છે. આ ચારમિનારના ચારે મિનાર ચાર દિશામાં નજર રાખીને ઊભા છે, જેની ટોચની આખા શહેરને જોઈ શકાય છે.

ભારતદેશ અજાયબીઓનો દેશ છે એવું આપણે અત્યાર સુધીમાં અનેકો વખત સાંભળી ચૂક્યા છીએ, પણ આ અજાયબીઓ કઈ છે તે વાતમાં ઊંડા ઊતર્યા નથી. નવીન સ્થળો, સુંદર સ્થાપત્યો, મંત્રમુગ્ધ કરનારાં બાંધકામો અને બેનમૂન સૌંદર્યને માણવા આપણે વિદેશમાં ફરવા જવાનો મોહ રાખીએ છીએ, પરંતુ સાચું કહીએ તો ભારત જ એવાં અનેક સ્થળો, સ્થાપત્યો અને બાંધકામો અને વર્ણવી ન શકાય તેવા સૌંદર્યથી છલોછલ છે કે એક વખત તેને માણ્યા પછી વિદેશનો મોહ રહેતો નથી. આવું જ એક સ્થળ છે હૈદરાબાદ. મોગલોનું શહેર કહો કે પછી નિઝામોનું શહેર કહો. કોહિનૂરનું શહેર કહો કે મોતીઓનું શહેર કહો. લિજ્જતદાર બિરયાનીનું કહો કે બેગમ બઝારની અફલાતૂન વેરાયટીનું શહેર કહો, જે કહો તે પણ સાચું કહીએ તો હૈદરાબાદ નહીં દેખા તો કુછ નહીં દેખા.

આપણે સૌ જાણીએ જ છીએ કે આંધþ પ્રદેશમાંથી તેલંગણા છૂટું પડ્યું ત્યારે આંધþ પ્રદેશની રાજધાની હૈદરાબાદ કોને ફાળે જશે તે ચર્ચાએ પણ ઘણો વિવાદ ઊભો કર્યો હતો. આખરે બન્ને રાજ્યના કૅપિટલ તરીકે હૈદરાબાદની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેની ગણતરી હવે તેલંગણામાં થાય છે. આ પરથી જ અંદાજ આવી જાય છે કે આ શહેરની પકડ અર્થતંત્ર પર કેટલી મજબૂત છે. હૈદરાબાદ વર્તમાન સમયમાં તમામ ક્ષેત્રમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. સાથે એ એના ગરવા ઇતિહાસ અને જૂની સંસ્કૃતિને પણ વળગી રહ્યું છે. ૧૫૯૧ની સાલમાં મહંમદ કુલી કુતબ શાહે આ શહેરની સ્થાપના કરી હતી. જોકે શરૂઆતમાં એનું નામ હૈદરાબાદ નહોતું. એવી લોકવાયકા છે કે આ શહેર પહેલાં ભાગ્યનગરના નામે ઓળખાતું હતું. બાદમાં એનું નામ કુતુબ શાહની પ્રેમિકાના નામ પરથી હૈદરાબાદ રાખવામાં આવ્યું હતું. નામ ભલે જે હોય તે, પણ આજે પણ આ શહેર નિઝામ અને મોગલોના શાસનકાળની ચાડી ખાય છે. તે સમયે બનેલાં ગોલકોન્ડા અને ચારમિનાર જેવાં સ્થાપત્યોનું નામ ઇતિહાસના પાને લખાયેલું છે. ‘હૈદરાબાદી તહેઝીબ’ તરીકેની ઐતિહાસિક ઓળખ અહીંના મુસલમાનોની પરંપરા અને સંસ્કૃતિને વિશ્વફલક પર ઉજાગર કરે છે. અહીંનાં ઇસ્લામિક સ્થાપત્યો ઇસ્લામિક આદર્શો અને ઢબના મિશ્રણની સાથે બનેલાં હોવાનું જોવા મળે છે. મકાનોનાં સ્થાપત્યોમાં ઇન્ડો-સાર્સેનિક અને ઇન્ડો-પર્શિયન શૈલી જોવા મળે છે, જેને જોવામાં રસ પડશે. અહીંનાં આવાં સ્થાપત્યો જ મુખ્ય આકર્ષણો તો છે, આ સિવાય પણ અહીં એવી ઘણી જગ્યા અને સ્થળો છે જે હૈદરાબાદના પ્રવાસનો અવિસ્મરણીય અનુભવ કરાવશે, જેમાં ટોચના ક્રમાંકે ચારમિનાર, ગોલકોન્ડા, રામોજી ફિલ્મ સિટી, નિઝામ મ્યુઝિયમ વગેરેનો સમાવેશ થાય છે.

ગોલકોન્ડા

હૈદરાબાદમાં જોવા જેવું તો ઘણું છે, પરંતુ ગોલકોન્ડાનો કિલ્લો ટૂરિસ્ટોનો માનીતો છે. હૈદરાબાદથી ૧૧ કિલોમીટરના અંતરે ગોલકોન્ડા આવેલું છે. એવું કહેવાય છે કે કોહિનૂર હીરો પણ અહીંનો જ છે. કોહિનૂર જ નહીં, પરંતુ જગમશહૂર એવા દરિયા-એ-નૂર, હોપ ડાયમન્ડ, ઓર્લોફ જેવા મૂલ્યવાન હીરા પણ અહીં મળી આવ્યા હતા. હીરાની ખાણ સહિત બહુમૂલ્યવાન હીરા માટે ગોલકોન્ડા જાણીતું છે. કુતુબશાહી રાજાઓનો ઠાઠ કેવો હશે એની કથા આ કિલ્લો વર્ણવે છે. ગોલકોન્ડાનો અર્થ થાય છે ગોળાકાર ટેકરી. આ કિલ્લો તેના પર બંધાયેલો હોવાથી તેને ગોલકોન્ડા કહેવામાં આવે છે. આ કિલ્લાનું બાંધકામ પણ એટલું બધું વિચારીને અને ર્દીઘદૃષ્ટિ રાખીને કરવામાં આવેલું છે કે તેની વિશેષતા જાણનારા લોકો તેના એન્જિનિયરની પ્રશંસા કરતાં થાકતા નથી. એક તો કિલ્લો ઊંચી અને ગોળાકાર ટેકરી પર બનાવવામાં આવ્યો છે અને તેમાં તેની ફરતે ૧૦ કિલોમીટર લાંબી દીવાલ ચણવામાં આવી છે, જેથી દુશ્મનોએ પણ અહીં ચઢાઈ કરતાં પૂર્વે દસ વખત વિચાર કરવો પડતો હતો. કિલ્લાના ફતેહ દરવાજા કરીને એક સ્થાન છે, જ્યાંથી કોઈ તાળી વગાડે તો તેનો અવાજ એક કિલોમીટર સુધી જઈ શકે છે. પહેલાંના સમયમાં સૈનિકો આ રીતે રાજાને આક્રમણનો સંદેશો પહોંચાડતાં હતા. કિલ્લામાં એક ભોંયરું છે જેનો માર્ગ સીધો ચારમિનાર સુધી જાય છે. આટલું ઓછું હોય તેમ કિલ્લામાં કરવામાં આવેલા બારીક કોતરણીકામ અને નકશીકામને જોયા જ કરવાનું મન થાય છે.

ચારમિનાર

હૈદરાબાદમાં આવેલા ચારમિનારનું નામ આજે કોઈના માટે અજાણ્યું નથી. ૧૫૫૧ની સાલમાં બનાવવામાં આવેલો ચારમિનાર સુંદર સ્થાપત્યની સાથે એક મસ્જિદ પણ છે. દેશનાં સૌથી મોહક અને આકર્ષક સ્થાપત્યોની યાદીમાં ચારમિનારનું નામ આવે છે. આ ચારસો વર્ષથી અધિક જૂની અને વ્યસ્ત બજારની વચ્ચે આવેલી આ ઇમારતના ઉપરના માળે મસ્જિદ આવેલી છે, જેનું બાંધકામ પણ મહંમદ કુલી કુતબ શાહે જ કર્યું હતું. દરેક બાજુએ ૨૦ મીટર જેટલી લંબાઈ ધરાવતા મિનાર ચારે દિશામાં નજર રાખે છે. દરેક મિનારની ઊંચાઈ લગભગ ૧૮૪ ફૂટની છે. તાજમહલની જેમ અહીં બનાવવામાં આવેલા મિનાર મુખ્ય સ્ટ્રક્ચરથી દૂર નથી, પરંતુ જોડાયેલા છે. ઉપરના માળા સુધી જવા માટે ૧૫૦ જેટલાં પગથિયાં ચઢવા પડે છે. આ ઇમારતને બાંધવા માટે વાપરવામાં આવેલા પથ્થરોનું વજન ૧૪,૦૦૦ ટનનું છે. એક મિનારમાંથી મક્કા મસ્જિદ પણ દેખાય છે. આ મક્કા મસ્જિદનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. એવું કહેવાય છે કે આ મહંમદ કુલી કુતબ શાહે આ મસ્જિદના બાંધકામમાં વાપરેલી માટી ઇસ્લામ ધર્મના લોકોના પવિત્ર સ્થાન મક્કાથી લાવવામાં આવેલી છે, જેને લીધે આ મસ્જિદનું નામ મક્કા મસ્જિદ રાખવામાં આવ્યું હતું. જેમ એક મિનારમાંથી મક્કા મસ્જિદ દેખાય છે તેમ બીજા મિનારમાંથી જ્વેલરીની પ્રખ્યાત બજાર લાડ બઝાર જોવા મળે છે. અહીં મળતી બંગડી અને મોતીનાં ઘરેણાં ઘણાં લોકપ્રિય છે. એક આંકડા પ્રમાણે, ચારમિનારની ફરતે ૧૪,૦૦૦ દુકાનો આવેલી છે.

આપણાંમાના ઘણા હજી રામોજી ફિલ્મસિટીમાં ગયા નથી, પરંતુ ટીવીના પડદે આપણે અનેક વખત એને જોઈ ચૂક્યા છીએ. બૉલીવુડની સેંકડો ફિલ્મોનાં શૂટિંગ આ જગ્યાએ થાય છે. આ એટલી બધી વિશાળ જગ્યા છે કે આખી ફિલ્મસિટી ફરવા માટે એક દિવસ પણ ઓછો પડે. વિવિધ પ્રકારના સેટ, ગાર્ડન, કિડ્સ એરિયા, ફાઉન્ટેન, મંદિર, ઑડિટોરિયમ સહિત અનેક સ્થળો અહીં જોવા જેવાં છે.

રામોજી ફિલ્મસિટી

મૅન મેડ બ્યુટી પણ અફલાતૂન હોઈ શકે છે એનો ખ્યાલ રામોજી ફિલ્મ સિટીમાં આવીને જ થઈ શકે છે. ફિલ્મના શૂટિંગ માટે બનાવવામાં આવેલી રામોજી સિટી એટલી બધી વિશાળ છે કે તેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન પણ મળેલું છે. અહીં સુધી બ્લૉકબસ્ટર ફિલ્મ બાહુબલીનો સેટ પણ અહીં જ તૈયાર કરવામાં આવ્યો હતો. ૨૦૦૦ એકરના વિસ્તારમાં પથરાયેલી આ ફિલ્મ સિટીમાં આજ સુધીમાં ૨૫૦૦થી વધુ ફિલ્મોનાં શૂટિંગ થઈ ચૂક્યાં છે. ફિલ્મ સિટીમાં ૫૦૦થી વધારે લોકેશન બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત અહીં એકસાથે ૪૦થી વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ શકે એવી વ્યવસ્થા પણ છે. દર વર્ષે ૨૦૦ જેટલી ફિલ્મો અહીં શૂટ થાય છે. રામોજી જોવા માટે અહીં અનેક પ્રકારની ટૂર અવેલેબલ છે ફિલ્મ સિટીની સાઇઝને જોતાં તેના દર પણ ઊંચા જ હશે તેનો તમને અંદાજ આવી જ ગયો હશે, પરંતુ લાઇફમાં એક વાર અહીંનો એક્સપિરિયન્સ લેવા જેવો તો ખરો. અહીં આવેલો મુવી મૅજિક પાર્ક એક રોમાંચકારી અનુભવ આપશે, જેમાં ભૂકંપના ઝટકા પણ તમને મહેસૂસ કરાવશે. આ સિવાય અનેક પ્રકારનાં ઍડવેન્ચર અહીં મળી રહેશે. તેનાથી આગળ કિડ્સ પાર્ક છે, જ્યાં બાળકોને ગમે તેવી તમામ પ્રકારની રાઇડથી માંડીને એન્ટરટેઇનમેન્ટની સુવિધા છે. અહીં એક પ્રકારની ફિલ્મી દુનિયાનું નિર્માણ કરવામાં આવેલું છે, જ્યાં પ્રખ્યાત વિદેશી જગ્યા, રસ્તા અને ઇમારતો અને સ્થાપત્યોનું આબેહૂબ નિર્માણ કરવામાં આવેલું છે, જે એક મિનિટ માટે તમને કોઈ વિદેશનાં સ્થળોમાં મહાલી રહ્યા હોવાનો અનુભવ કરાવે છે. વિશાળ ફિલ્મોના સેટ જોઈને નવાઈ પામી જવાય એવું છે. ફરી ફરીને થોડી શાંત જગ્યાએ બેસવાનું મન થાય તો આગળ કૃપાળુ કેવ આવેલી છે, જ્યાં ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા બનાવવામાં આવેલી છે જે મંત્રમુગ્ધ કરનારી છે. પ્રકૃતિપ્રેમીને પણ મજા પડી જાય એવું અહીં ઘણું બધું છે, જેમ કે બટરફલાય પાર્ક, જ્યાં સુંદર મજાનાં રંગબેરંગી પતંગિયાં છે, જે આંખને ટાઢક આપશે. હૈદરાબાદ ઍરપોર્ટથી આ ફિલ્મ સિટી ૪૦ કિલોમીટરના અંતરે છે. એક અંદાજ પ્રમાણે અહીં રોજના ૫૦૦૦ ટૂરિસ્ટો આવે છે. જો નિરાંતે આખો સેટ જોવો હોય તો બે દિવસ આખા જાય છે.

હુસેન સાગર લેક

હૈદરાબાદની વાત ચાલતી હોય અને હુસેન સાગર લેકની વાત બહાર ન આવે એવું નહીં જ બને. કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ લેક ભારતનું જ નહીં, બલ્કે એશિયાનું પણ સૌથી મોટું આર્ટિફિશિયલ લેક છે. ૧૫૬૩ની સાલમાં ઇબ્રાહિમ કુલી કુતબ શાહે આ લેકનું નિર્માણ કર્યું હતું, જેની મધ્યમાં જમણી બાજુએ ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે, જે રાતના સમયે લાઇટના પ્રકાશમાં દિવ્યમાન લાગે છે. આ પ્રતિમા લેકના મુખ્ય આકર્ષમસમી છે, જે ૧૯૯૨માં મૂકવામાં આવી હતી અને જેનું અનાવરણ તિબેટન ધર્મગુરુ દલાઈ લામાએ કર્યું હતું. વધુ ટુરિસ્ટો અહીં સુધી ખેંચાઈ આવે તે માટે લેકમાં ફિશિંગ, વૉટર સ્ર્પોટ્સ, બોટ રાઇડ જેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ લેકની ફરતે આવેલા રોડને નેકલેસ રોડ પણ કહેવામાં આવે છે, જેનો આકાર હાર્ટ શેપમાં છે આવા યુનિક શેપને લીધે તેને યુનાઇટેડ નૅશન્સ વર્લ્ડ ટુરીઝમ ઑર્ગેનાઇઝેશને હાર્ટ ઑફ ધ વર્લ્ડ એવો ખિતાબ પણ આપ્યો છે.

નિઝામ સંગ્રહાલય

હૈદરાબાદની જૂની હવેલી મસરત મહેલમાં નિઝામ સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલય કોઈ આમ સંગ્રહાલય નથી, પરંતુ વસ્તુ અને તેના મૂલ્ય એમ બન્ને બાબતોમાં બેહદ કીમતી છે. આ તમામ વસ્તુઓ નિઝામ શાસનની સાથે જોડાયેલી છે. આ સંગ્રાલયને જોતાં ખ્યાલ આવી જશે કે નિઝામો પાસે કેટલી સંપત્તિ અને બહુમૂલ્ય વસ્તુઓનો ખજાનો હતો. એક ઉદાહરણ આપીએ તો અહીં એક સોનાનું લંચબૉક્સ સાચવીને મૂકવામાં આવેલું છે જેના પર અતિ કીમતી રત્નો જડેલાં છે, જેની કિંમત હજારો લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં થાય છે. બે કિલો સોનાનું આ લંચબૉક્સ નિઝામને કોઈએ ભેટમાં આપ્યું હતું. ઉપરાંત વજનદાર સોનાનાં કપ અને રકાબી પણ છે. આવી તો અનેક સોના અને ચાંદીની ચીજવસ્તુઓનો અહીં જમાવડો જોવા મળશે. એક અંદાજ પ્રમાણે, આ મ્યુઝિયમમાં ચારસો કરોડથી પણ વધુ કિંમતની કળાકૃતિનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ તો થઈ બહુમૂલ્ય વસ્તુઓની વાત, પણ આ સિવાય અહીં સાતમા નિઝામ દ્વારા પહેરવામાં આવેલા સૂટ, અત્તરની શીશી, મોજડી, ટોપી અને થેલાને પણ મૂકવામાં આવ્યાં છે. મ્યુઝિયમની ઇમારત તે સમયની ઝાંખી કરાવે છે, જેમાં લાકડાની લિફ્ટ છે. તે સમયની મહાકાય અલમારી એટલે કે કબાટ કેવું હશે એનો અંદાજ પણ તમને નહીં હોય. અહીં આવું જ એક કબાટ છે, જેમાં બે પાંચ નહીં, પરંતુ ૧૪૦ ખાનાં છે, જેની અંદર રાજસી કપડાં રાખવામાં આવતાં હતાં. આ સંગ્રહાલયની સ્થાપના ૨૦૦૦ની સાલમાં કરવામાં આવી હતી.

હૈદરાબાદનાં મોતીથી માંડીને વિવિધ પ્રકારની જ્વેલરીની માગ દુનિયાભરમાં રહે છે, જેમાં અહીં મળતા મોતીના સેટ બીજે કશે પણ જોવા મળતા નથી.

જાણી-અજાણી વાતો

દેશની કુલ જીડીપીમાં ફાળો નોંધવાનાર હૈદરાબાદ પાંચમું મોટું કૉન્ટિÿબ્યુટર છે.

એક સમયે હૈદરાબાદ નિઝામની રાજધાની હતું.

૨૦૧૨માં ભારત સરકારે હૈદરાબાદને ‘બેસ્ટ હેરિટેજ સિટી ઑફ ઇન્ડિયા’ તરીકે જાહેર કર્યું હતું.

૨૦૧૦ સુધીમાં અહીં મોટી માત્રામાં દવાનું મૅન્યુફૅક્ચરિંગ કરવામાં આવતું હતું, જેને લીધે તેને એક સમયે દેશનું ફાર્મસ્યુટિકલ કૅપિટલ પણ કહેવામાં આવતું હતું.

હૈદરાબાદ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ઘર ગણાય છે.

વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાં રામોજી ફિલ્મ સ્ટુડિયોનો સમાવેશ થાય છે.

હૈદરાબાદ મેટ્રો દેશનું બીજું મોટું મેટ્રો રેલ નેટવર્ક છે.

ગોલકોન્ડાનો કહેવાતો કોહિનૂર હીરો, જે આજે વિદેશમાં છે તે તેના કોઈ પણ માલિકને માફક આવ્યો ન હોવાનું કહેવાય છે. જેણે આ હીરો પોતાની પાસે રાખવાની હિંમત કરી છે તેના પર કમનસીબીનાં વાદળાં તૂટી પડે છે.

હૈદરાબાદમાં આવેલી ઓસ્માનિયા યુનિવર્સિટી ઘણી જાણીતી છે, જ્યાં હિન્દુ-ઇસ્લામિક સ્થાપત્ય ફેલાયું છે.

અહીં આવેલી ભારતીય પોલીસ એકૅડેમી ઘણી પૉપ્યુલર છે, જેનું નામ વિશ્વની શ્રેષ્ઠ પોલીસ એકૅડેમીમાં આવે છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેન્ટિટિવ લિસ્ટમાં ગોલકોન્ડા ફૉર્ટ અને ચારમિનારનો સમાવેશ કરવામાં આવેલો છે.

ચારમિનારની ફરતે આવેલી દુકાનો એટલી બધી પ્રખ્યાત છે કે તેનો ઉલ્લેખ સ્વતંત્રતાનાં લડવૈયા સરોજિની નાયડુએ તેમની કવિતામાં પણ કર્યો હતો.

ચારમિનારથી પ્રભાવિત થઈને પાકિસ્તાનમાં વસતા હૈદરાબાદી મુસ્લિમે ૨૦૦૭માં કરાચીમાં આબેહૂબ ચારમિનારના જેવી એક નાની ઇમારત બંધાવી હતી.

ચારમિનારના પ્રેમી પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. સ્વિસ ચૉકલેટ કંપનીએ ૫૦ કિલો ચૉકલેટથી અદ્દલ ચારમિનાર જેવી પ્રતિકૃતિ બનાવી હતી, જેને બાદમાં હૈદરાબાદમાં પ્રદર્શિની માટે મૂકવામાં પણ આવી હતી.

ચારમિનાર નામની એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે, જે ચેન્નઈથી હૈદરાબાદ સુધી દોડાવવામાં આવે છે.

હુસેન સાગર લેકની મધ્યે બનાવવામાં આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિનું વજન ૪૫૦ ટનનું હોવાનો અંદાજ છે.

ક્યારે અને કેવી રીતે જશો?

હૈદરાબાદમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ સમયગાળો ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો ગણી શકાય છે. માર્ચથી લઈને મે મહિના સુધી અહીં અસહ્ય ગરમી પડે છે. હૈદરાબાદમાં મુખ્ય સિટી એરિયાથી ૨૫ કિલોમીટરના અંતરે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ આવેલું છે, જ્યાં દેશનાં મુખ્ય શહેરો અને વિદેશોમાંથી ઊપડતી ફ્લાઇટ લૅન્ડ કરે છે. જો ટ્રેનમાં આવવું હોય તો પણ અહીં આવવા સુધી મુશ્કેલી નડતી નથી. હૈદરાબાદમાં સિકંદરાબાદ, હૈદરાબાદ ડેક્કન જેવાં મુખ્ય સ્ટેશનો આવેલાં છે. મુંબઈથી નીકળતી હુસેનનગર એક્સપ્રેસ હૈદરાબાદ ડેક્કન પર ઉતારે છે, જેનું ભાડું કોચ પ્રમાણે, ૪૫૦થી લઈને ૧૬૨૫ સુધીનું છે. ટ્રેનમાં અહીં સુધી પહોંચતાં ૧૪ કલાકનો સમય લાગે છે.

શું ખાશો અને શું ખરીદશો?

હૈદરાબાદની બિરયાની જગપ્રસિદ્ધ છે, જેમાં વેજ બિરયાનીના પણ ઘણા ઑપ્શન છે. હૈદરાબાદ જવાનું થાય તો અહીં વખણાતી બિરયાની અચૂક ટ્રાય કરવા જેવી છે. આ સિવાય અહીં મરચાંનાં ભરેલાં ભજિયાં પણ ખૂબ વખણાય છે. સાંજના સમયે રેંકડી પર ગરમાગરમ મરચાંના ભજીયા ખાવા માટે લોકો લાઇન લગાડે છે. ચારમિનારની આસપાસ ઢગલાબંધ દુકાનો છે, જ્યાંથી હૈદરાબાદી કળાકારીની બંગડીઓ, ગળાનો હાર, બુટ્ટી થીલઈને સાજશણગારની તમામ વસ્તુઓ મળી રહે છે. ઘણા સમયથી હૈદરાબાદને પર્લ હબ તરીકે નવાજવામાં આવે છે. અહીં મળતાં મોતીના સેટ વિશ્વભરમાંનાં ટૂરિસ્ટોને અતિપ્રિય છે.

travel news hyderabad