ટિકટોક પરનો બૅન લાંબો ટકશે ખરો?

21 April, 2019 02:45 PM IST  |  | દર્શિની વશી

ટિકટોક પરનો બૅન લાંબો ટકશે ખરો?

ટિકટોક પરનો બૅન લાંબો ટકશે ખરો

તાજેતરમાં મદ્રાસ હાઈ ર્કોટે પૉર્નોગ્રાફિક કન્ટેન્ટના વધી રહેલા ઍક્સેસને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત મોબાઇલ ઍપ્લિકેશન ટિકટોક પર બૅન મૂકવાનો આદેશ આપ્યો, જેને લીધે એક તરફ કેટલાક લોકોમાં (પેરન્ટ્સ) હાશકારો વર્તાયો છે ત્યાં બીજી તરફ યુવા વર્ગ કે જેઓ ટિકટોક પાછળ ઘેલા બની ગયા હતા તેઓમાં નિરાશ વ્યાપી ગઈ છે, જેનો ઉકળાટ તેઓ સોશ્યલ મીડિયાના માધ્યમ થકી બહાર કાઢી રહ્યા છે. એક મોબાઇલ ઍપ માટેનું ખેંચાણ અને આકર્ષણ કેટલું ગાઢ હોઈ શકે છે એનું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. તો આખરે આ ટિકટોક ઍપ્લિકેશનમાં એવું તે શું છે કે આજની યુવા પેઢી તેની પાછળ આટલી બધી ગાંડી બની ગઈ છે? એવું તો તેમાં શું પીરસવામાં આવી રહ્યું છે જેને જોવા માટે લોકો તલપાપડ બને છે અને ટિકટોક ઍપના ચક્કરમાં એવું તે શું બધું બની ગયું કે આજે ર્કોટે આ ઍપ પર ધરાર બૅન જ જાહેર કરી દીધો છે?

 ચાઇનીઝ પ્રોડક્ટની જેમ ચીનાઓએ વધુ એક પ્રોડક્ટ ઍપના નામે ભારતના માથે ફેંકી છે. જેમ ચાઇનીઝ પ્રોડક્ટની જેમ એની ઍપ પણ ટપોટપ મોબાઇલમાં ડાઉનલોડ થઈ ગઈ, જેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ટિકટોક ઍપ. ટિકટોક જેવી અનેક ચાઇનીઝ મોબાઇલ ઍપ આજ સુધીમાં ભારતીય મોબાઇલ ઍપ બજારમાં આવી ચૂકી છે, પરંતુ ટિકટોક જેટલી સફળતા કોઈને મળી નથી, જેનો અંદાજ આ ઍપને ડાઉનલોડ કરાયેલા આંકડા પરથી મળે છે.

 

શું છે આ ટિકટોક?

ટિકટોક એક મોબાઇલ ઍપ છે જે વિડિયો મેકિંગ અને વિડિયો શૅરિંગની સુવિધા આપે છે. ટિકટોકનો જન્મ ચીનમાં થયો છે. બાઇટડાન્સ નામક ચીની કંપની દ્વારા ડેવલપ કરવામાં આવેલી આ ઍપ આઇઓએસ અને ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ ધરાવતા મોબાઇલમાં ચાલે છે. સૌપ્રથમ વખત 2016ની 16 સપ્ટેમ્બરે આ ઍપને પ્રારંભિક ધોરણે તરતી મૂકવામાં આવી હતી, અને જોતજોતાંમાં એની ખ્યાતિ દિવસે બમણી અને રાતે ચાર ગણી વૃદ્ધિ પામવા લાગી હતી, અને પછી જે બન્યું એ તો એક ઇતિહાસ સમાન જ છે. આ ઍપ થકી વપરાશકારો ૩થી 15 સેકન્ડનો શૉર્ટ વિડિયો બનાવી શકે છે, એટલું જ નહીં, પરંતુ વિડિયો બન્યા બાદ એમાં અનેક પ્રકારનાં સેટિંગ અને એડિટિંગ કરવાનાં ફીચર પણ ઑફર કરે છે. આ ફીચર્સ જ ઍપનું મુખ્ય જમાપાસું બની ગયું હતું. અત્યારે આ ઍપ 75 ભાષામાં ઉપલબ્ધ છે, જેમાં ચાઇનીઝ, ઇગ્લિશ, અરેબિક અને જૅપનીઝ જેવી આંતરરાષ્ટ્રીય ભાષાઓ અને હિન્દી, મરાઠી, બંગાળી અને ગુજરાતી સહિતની અનેક પ્રાદેશિક ભાષાનો પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં આ ઍપનું નામ ડુયોન હતું, જેને ચીનના લોકોએ વધાવી લીધી હતી અને એના એક કરોડ વપરાશકારો બની ગયા હતા, અહીં સુધી કે રોજ પોસ્ટ થતા વિડિયોના એક બિલ્યનથી વધુ વ્યુઅર્સ મેળવી રહ્યા હતા. હવે કંપનીને વિદેશમાં એનો લાભ ખાટવાનું મન થયું અને એણે એને દરિયાપારનાં બજારોમાં લૉન્ચ કરી, પરંતુ નામ બદલીને અને તે નામ હતું ટિકટોક. ૨૦૧૮ની શરૂઆતથી ટિકટોકનો સૂરજ ચઢતો ગયો હતો અને ટૂંક સમયની અંદર જ એણે વિશ્વમાં મોટી નામના મેળવી લીધી હતી. એને સફળતાનાં સૌપ્રથમ સોપાન એની માતૃભૂમિમાં જ ચાખવા મળ્યાં હતાં અને બીજાં અમેરિકામાં, જ્યાં આ ઍપ એ વર્ષની સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી ઍપ બની ગઈ હતી. અહીં સુધી સેલિબ્રિટીઓમાં પણ આ ઍપ પ્રિય બની ગઈ હતી. 2018નું વર્ષ પૂરું થતાં થતાં એણે વિશ્વનાં લગભગ 150 જેટલાં બજારોમાં પોતાનું પ્રભુત્વ હાંસલ કરી લીધું હતું. સાથે એના વપરાશકારોની સંખ્યા પણ 500 મિલ્યન સુધી પહોંચી ગઈ હતી.

મ્યુઝિકલી એટલે જ ટિકટોક?

 ઘણા લોકોને એવો ખ્યાલ છે કે આ ઍપ અગાઉ પ્રખ્યાત થયેલી મ્યુઝિકલીનું નવું નામ છે, પરંતુ એ વાત અડધી જ સાચી છે. હકીકતમાં તો મ્યુઝિકલી એક અલગ ઍપ છે. ટિકટોકની માલિક કંપનીએ મ્યુઝિકલીને 2017ની 9 નવેમ્બરે એક અબજ ડૉલરમાં ખરીદી લીધી હતી, જેનું બીજી ઑગસ્ટ, 2018માં ટિકટોકમાં મર્જર કરી દેવામાં આવ્યું હતું. આ સાથે ટિકટોકને મ્યુઝિકલીના વ્યુઅર્સ પણ મળી ગયા અને એની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા આભે આંબવા લાગી હતી. એક સમય એવો પણ આવી ગયો હતો કે ટિકટોકની પૉપ્યુલરિટી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી પૉપ્યુલર ઍપ અને પબજી જેવી ગેમને પણ પાછળ પાડવા માંડી હતી.

 

આ પણ વાંચો: પવિત્ર ચૈત્ર મહિનામાં જૈનોની ત્રણ ઐતિહાસિક ઘટનાઓ આવી રહી છે એની આપને જાણ છે ખરી?

 

 ક્રિટિસિઝમ વધવા લાગ્યું

આ ઍપના મુખ્ય ફીચરમાં વિડિયો એડિટિંગ, ફિલ્ટરિંગ સહિત બૅકરાઉન્ડ મ્યુઝિક ઍડજસ્ટમેન્ટ, ડ્યુએટ વિડિયો મેકિંગ વગેરે વગેરે છે. ટિકટોકના કોઈ પણ યુઝર્સ ૧૫ સેકન્ડ સુધીનો વિડિયો બનાવી શકે છે, જેમાં એ તેમની પસંદગી પ્રમાણે એડિટિંગ કરીને ઍપ પર શૅર કરી શકે છે, જેના પર તે અસંખ્ય લાઇક અને કમેન્ટ મેળવી શકે છે, પરંતુ કહેવાય છે ને કે અતિની કોઈ ગતિ નહીં એમ આ બાબતમાં પણ કંઈક એવું જ થયું. શરૂઆતમાં ટિકટોકને લીધે પ્રાઇવસી કન્ટેન્ટ લીક થતી હોવાની ફરિયાદો બહાર આવવા લાગી. પછી ટિકટોકને લીધે યુવાનો એના ઍડિક્ટિવ થવા લાગ્યા, જે પેરન્ટ્સ માટે ચિંતાનો વિષય બનવા લાગ્યો, જેની સામે કંપનીએ પણ કેટલાંક ફીચર ઍડ કર્યાં હતાં. યુવાનો માંડ ઍડિક્ટિવ થવાના ઓછા થયા ત્યાં અશ્લીલ, અભદ્ર ભાષાના ઉપયોગવાળા, જોખમી સ્ટન્ટ કરતા વિડિયો શૅર થવાની સંખ્યા વધવા લાગી, જેને લીધે ટિકટોકની સામે ફરિયાદો પણ વધતી ગઈ, તો બીજી તરફ યુવાનોમાં અને એમાં પણ ખાસ કરીને ટીનેજર્સમાં ટિકટોક પ્રત્યે લગાવ વધી રહ્યો હતો. અહીં સુધી નાની ઉંમરનાં બાળકો પણ ટિકટોક પ્રત્યે આકર્ષાઈ રહ્યાં હતાં, જેને ધ્યાનમાં રાખીને ઍપ પર એજ રિસ્ટરિક્શન પણ લાવવામાં આવ્યું હતું, પરંતુ જોઈએ તેવું પરિણામ મળ્યું નહી અને ટિકટોકના વિડિયોના લીધે થતા ગુનાની સંખ્યામાં વધારો થતો ગયો. ફેબ્રુઆરીમાં કેટલાય રાજકીય નેતાઓ સહિત અનેક જણે આ ઍપ પર બૅન મુકવાની અથવા એના પર કેટલાક કઠોર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. આખરે ભારતીય સંસ્કૃતિનું અપમાન થતું હોવાની સાથે અશ્લીલ સામગ્રીનો ફેલાવો થતો હોવાની દલીલ સાથે ત્રીજી એપ્રિલે મદ્રાસ હાઈ ર્કોટે જાહેર હિતની અપીલ પર ટિકટોક પર બૅન મૂકવાનો આદેશ આપ્યો હતો. પ્રતિબંધને હટાવવા માટે સુપ્રીમ ર્કોટમાં પણ અરજી કરવામાં આવી હતી. બૅનના આદેશને પગલે સોશ્યલ મીડિયા પર ટિકટોકના ચાહકોની નારાજગી ઊતરતી જોવા મળી હતી. ર્કોટના આદેશ બાદ ગૂગલ અને ઍપલે એના ગૂગલ પ્લે સ્ટોર અને ઍપ સ્ટોરમાંથી ટિકટોક ઍપ્લિકેશનને હટાવી દીધી હતી. સામે કંપની પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેઓએ વાંધાજનક કહી શકાય એવા લગભગ 60 લાખથી વધુ વિડિયોને ઍપ પરથી હટાવી દીધા છે. હવે 24મી એપ્રિલના આ કેસ પર હિયરિંગ આવશે આ પછી હવે શું થશે એ જોવું રહ્યું!

 ટિકટોક પરનો બૅન કેટલો સફળ

 ટિકટોક પર બૅન તો મુકાઈ ગયો, પરંતુ એનાથી કેટલો લાભ થશે અને કેટલો સફળ થશે એના પર અત્યારે પ્રશ્નાર્થ ઊભો છે કેમ કે ટિકટોક ઍપમાં એ ઍપ્લિકેશનને શૅર કરવાનો ઑપ્શન અવેલેબલ છે. આજની તારીખમાં લાખો-કરોડોના ફોનમાં આ ઍપ મોજૂદ છે એટલે જો કોઈને આ ઍપ જોઈતી હશે તો તે ઍપ્લિકેશને શૅર કરીને મેળવી શકે છે, જેના માટે તેણે ગૂગલ કે ઍપલના પ્લે સ્ટોરની જરૂર પડશે નહીં, એવું ટેક્નોલોજી ક્ષેત્રના એક્સપર્ટનું કહેવું છે. ટિકટોક દાવો કરે છે તેઓ ઍપના 120 મિલ્યન યુઝર ધરાવે છે, જે કોઈ નાનો મોટો આંકડો નથી. એક્સપર્ટનું કહેવું છે કે આવા ટેક્નૉલૉજીના ઇશ્યુને અંકુશમાં લેવા કોઈ સરળ વાત નથી, આજની તારીખમાં વાયુ કરતાં ઍપ વધુ ઝડપે ફેલાઈ છે.

 

ચાહકો થયા નિરાશ

સ્વાભાવિક છે ટિકટોક ઍપ આટલી મોટી સંખ્યામાં ભારતીય લોકોના મોબાઇલમાં ડાઉનલોડ થયેલી હોય તો એના પર બૅન આવવાથી ચાહકોમાં નિરાશાની લાગણી જોવા મળશે જ. ચાહકોએ તેમની આ લાગણીને ફેસબુક, વૉટ્સઍપ જેવી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર મીમ મારફતે વ્યક્ત કરી રહ્યા છે. હાસ્યસ્પદ અને ટૉન્ટિંગ કરતાં આ મીમનું અત્યારે સોશિયલ મીડિયામાં પૂર જોવા મળી રહ્યું છે, જે તમારી નજરે પણ ચઢ્યું જ હશે, જેમાં ઘણાં ખૂબ ફેમસ થઈ ગયા છે, જેમ કે કપિલ શર્માના શોમાં ભૂતપૂર્વ રીલ પાત્ર રિંકુભાભીનો ડાયલોગ ‘ઝીંદગી બરબાદ હો ગઇ હૈ’નો ડાયલૉગ ટિકટોકના પ્રેમીઓને માટે ટૅગ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે નરેન્દ્ર મોદીનું વાક્ય ‘મેરા ભારત જલ રહા હૈ’ ને ટિકટોક વાપરનારાઓએ ‘મેરા કૅરિયર જલ રહા હૈ’ તરીકે મૂક્યા છે.

 

આ પણ વાંચો: કૉલમ : ગેમ્સનું મહિલાઓમાં પણ વધી રહેલું આકર્ષણ ક્યાં પહોંચશે?

 

 ટિકટોકના મહત્વના આંકડા

 - વિશ્વના 150 દેશોમાં 75 ભાષામાં ટિકટોક ઍપ અવેલેબલ છે, જેમાંની એક ભાષા ગુજરાતી પણ છે.

 - એક સર્વેક્ષણ પ્રમાણે, વિશ્વભરમાં ટિકટોકના 50 કરોડ કરતાં પણ વધારે ઍક્ટિવ વપરાશકારો છે.

 - ભારતમાં આ ઍપના 10 કરોડ કરતાં પણ વધુ વપરાશકારો છે.

 - ફક્ત અમેરિકામાં જ ઍપના 8 કરોડ કરતાં વધારે વપરાશકારો છે.

 - વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઍપમાં ત્રીજો ક્રમાંક ટિકટોકનો આવે છે.

 - ટિકટોક વાપરનારાઓની સંખ્યામાં બે તૃતીયાંશ જેટલો હિસ્સો મહિલાઓનો છે.

 - ટિકટોકના વપરાશકારો દરરોજની સરેરાશ બાવન મિનિટ આ ઍપ પાછળ વાપરે છે.

 - ઇન્ડોનેશિયા અને બંગલાદેશમાં આ ઍપના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. હવે ભારતનું નામ પણ એમાં ઉમેરાયું છે.

 - ટિકટોક પર બૅન મુકાયા બાદ આ ઍપ્લિકેશનનું ડાઉનલોડિંગ બાર ઘણું વધ્યું છે.

 - ટિકટોકની માલિક કંપનીનું કહેવું છે કે તેઓ આગામી ત્રણ વર્ષમાં આપણા દેશમાં એક અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.