એક નવનિર્મિત ગામનું અનોખું રીબર્થ-ડે સેલિબ્રેશન

30 December, 2012 07:09 AM IST  | 

એક નવનિર્મિત ગામનું અનોખું રીબર્થ-ડે સેલિબ્રેશન



અલ્પા નિર્મલ

મૅરથૉન, ટગ ઑફ વૉર, વૉર ઑફ વડ્ર્સ, મ્યુઝિકલ હાઉસી, પાંજરાપોળની મુલાકાત, ફન ઍન્ડ ફેર, આઉટડોર સ્ર્પોટ્સ કૉમ્પિટિશન, રાસ-ગરબા, ક્રિકેટ મૅચ, નાઇટ ટ્રેઝર હન્ટ - એવા અનેક રોમાંચક અને ચકાચક કાર્યક્રમો યોજાય છે એક ગામના બર્થ-ડેમાં... હા, ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં આવેલા મનફરા ગામની વર્ષગાંઠે દર વષેર્ ૨૬, ૨૭, ૨૮ ડિસેમ્બરે આનંદોત્સવનું આયોજન થાય છે; જેમાં વતનથી દૂર મુંબઈ અને અન્ય શહેરોમાં રહેતા બેથી અઢી હજાર ગામવાસીઓ ઉપરાંત અન્ય મહેમાનો પણ સામેલ થાય છે.

ઈ. સ. ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભીષણ ભૂકંપ પછી ભચાઉ તાલુકામાં આવેલું મનફરા ગામ સાવ ધ્વસ્ત થઈ ગયું હતું. આ ગામના ઓશવાળ જ્ઞાતિજનોએ જૂના ગામથી અડધો કિલોમીટર પહેલાં એક નવું ગામ વસાવ્યું અને નવું નામ રખાયું શાંતિનિકેતન. એ-બી-સી-ડી એમ ચાર ટાઇપના ૬૭૫ બંગલાઓથી બનેલા આ પ્લાન્ડ વિલેજમાં સંકુલની અંદર જ દેરાસર, સ્થાનક, ઉપાશ્રય, લાઇબ્રેરી, સ્કેટિંગ રિન્ક, ગાર્ડન, કૉમ્યુનિટી હૉલ, કુળદેવી-દેવનાં મંદિરો વગેરે આવેલાં છે. સુંદરતમ ટાઉન-પ્લાનિંગથી બનેલા ગામની નોંધ આખા ગુજરાત અને દેશ-વિદેશના ઘણા ભાગોમાં લેવાઈ હતી. જોકે આ ગામની અન્ય નોંધનીય વાત એ છે કે છેલ્લાં નવ વર્ષથી દર વષેર્ ૨૬, ૨૭ અને ૨૮ ડિસેમ્બરે ગામની વર્ષગાંઠ ઊજવાય છે. ઈ. સ. ૨૦૦૪ની ૨૭ ડિસેમ્બરે ગામનું ઓપનિંગ થયું હોવાથી આ દિવસે ગામના મુખ્ય દ્વારે તોરણવિધિ થાય છે, જેમાં ઢોલ-નગારાંના તાલે ગામની બહેનો છાબમાં તોરણ લઈ આવે છે અને એક પરિવાર દ્વારા શાંતિનિકેતનના મુખ્ય દરવાજે બંધાય છે.

આ ગામનો યુવાવર્ગ પોતાના વતન સાથે સંકળાયેલો રહે અને અન્ય ગામવાસીઓનો પરિચય રહે એ સારુ ઊજવાતા આ મહોત્સવમાં વહેલી સવારથી મોડી રાત સુધી યંગસ્ટર્સને ધમાલ કરાવી દે એવા ઘણા પ્રોગ્રામ્સ હોય છે. એમાંય  આ વખતે અઢી કિલોમીટરની હાફ મૅરથૉન અને પાંચ કિલોમીટરની ફુલ મૅરથૉન, સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ-અલગ થયેલી દોરડાખેંચ જેવી સ્પર્ધાઓ પણ હતી. વૉર ઑફ વર્ડ્સ અંતર્ગત ફેસ ટુ ફેસ કે ફેસબુક, ધંધો કે નોકરી, યોગ્ય લગ્નવય ૨૧ કે ૨૫, જન્કફૂડ કે હેલ્ધી ફૂડ જેવા વિષયો પરની જોરદાર ડિબેટ્સ યોજાઈ. ૭૨ એકરમાં ફેલાયેલા ગામના સંકુલના કયા ખૂણે કયો ખજાણો છુપાવેલો છે અને ગામના ઇતિહાસ-ભૂગોળને જોડતી ક્લુ ક્રૅક કરી કોણ વિજેતા ઠરશે એ જાણવું ભારે એક્સાઇટેડ રહ્યું. આ હટકે પ્રોગ્રામ્સ સાથે દર વખતની જેમ આ વખતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગામનાં સ્ત્રી, પુરુષ, બાળકોએ ડાન્સ, ડ્રામા, સંગીત પેશ કયાર઼્ તો વૉલીબૉલ, રનિંગ, લીંબુ-ચમચી અને કોથળારેસનું આયોજન પણ થયું. વળી લોકડાયરો પણ થયો અને ગામની પાંજરાપોળની મુલાકાત લઈ ગામના દરેક જણમાં જીવદયાનું સંસ્કારસિંચન પણ કરાયું.

આ જ દિવસોમાં આખા ગામને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે અને ગામમાં ચકડોળ, ટોરા-ટોરા, આકાશ-ચકરી, ઊંટગાડી જેવાં મેળાનાં સાધનો રખાતાં કાર્નિવલનો માહોલ ઊભો થાય છે. આ ત્રણ દિવસમાં એક દિવસ ફન-ફેર હોય છે, જેમાં મેળામાં હોય એ જ રીતે ગામની મહિલાઓ ખાણી-પીણી-ગેમ્સ વગેરેના સ્ટૉલ રાખે છે.

મૂળે આ આનંદોત્સવ ગામવાસીઓ માટે જ હોય છે. તેમના માટે સવારના ચા-પાણી-નાસ્તાથી લઈને બપોરનું ભોજન અને સાંજનો જમણવાર ગામના કૉમન રસોડે જ નિ:શુલ્ક હોય છે. હા, મહેમાનો કે અન્ય મુલાકાતીઓ માટે કૂપન લેવાની રહે છે, જેની નાની રકમ ચૂકવવાની હોય છે. પહેલાંનાં વરસોમાં તો તેમના માટે પણ જમવાનું ફ્રી હતું, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી સંખ્યાનો બરાબર અંદાજે આવે અને કશી વસ્તુનો બગાડ ન થાય કે ખૂટે નહીં એ સારુ કૂપનની વ્યવસ્થા કરાઈ છે. આ સગવડથી ગામની મહિલાઓ ફ્રી રહે છે અને દરેક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

સઘન સિક્યૉરિટી, વળી ગામમાં જ રમવાનાં વિધ-વિધ સાધનો હોવાથી બાળકોને મજા પડી જ જાય છે તો ટીનેજર્સ અને યંગસ્ટર્સ પણ ખુશ-મિજાજમાં રહે છે. વયસ્કો માટે પણ લોકસંસ્કૃતિના કાર્યક્રમો યોજાય છે. તેમના માટે બધી રમતોમાં અલગ કૅટેગરી રખાય છે, જેમાં તેઓ હોંશે-હોંશે ભાગ લે છે. દરેક ગેમ કે સ્પર્ધાના વિજેતાને ઇનામો પણ અપાય છે.

મનફરા ગામના મોવડીઓએ નેક્સ્ટ જનરેશન પોતાના વતન સાથે જોડાઈ રહે તે સારુ ભરેલાં આ પગલાં એવાં સુપરહિટ રહ્યા છે કે કચ્છ-વાગડનાં અન્ય ગામોમાં પણ આ પ્રકારના મહોત્સવો યોજવાની શરૂઆત થઈ છે. જોકે ગામ પોતાના જન્મદિનની ઉજવણી કરે અને એ દિવસે તોરણવિધિ થાય એ ઘટના દુનિયામાં જવલ્લે જ બનતી ઇવેન્ટ છે.