જગતભરમાં કેવા-કેવા બાર હોય છે?

30 December, 2012 06:51 AM IST  | 

જગતભરમાં કેવા-કેવા બાર હોય છે?



સેજલ પટેલ

થર્ટીફસ્ર્ટ ડિસેમ્બરની પાર્ટી એટલે ટાઇટ પીને છાકટા થવાની રાત. કદી દારૂ ન પીનારા પણ આ દિવસે થોડોક છાંટોપાણી જરૂર કરી લે. નવા વર્ષની ઉજવણી આમ પીને ભાન ભૂલીને કરવી યોગ્ય છે કે કેમ એ મહાચર્ચાનો વિષય છે જે અહીં છેડવા જેવો નથી. ગમે એટલી તાત્વિક ચર્ચાઓ પછી પણ જે લોકો આ દિવસે પીવાની મજા માણવાના છે તે તો માણવાના જ છે. તો પછી ચાલો પીવાની મજા કરાવતા પબ, બાર અને લાઉન્જના અહોવૈચિhયમ લાગે એવા વિશ્વના વિચિત્ર નમૂનાઓની લટારે જઈએ.



ઘોંઘાટિયા મ્યુઝિકમાં સાવ અંધારિયા અથવા તો ઝીણી લાલ-પીળી લાઇટના ઉજાસમાં લોકો નાના-મોટા ગ્લાસ પર ગ્લાસ ગટગટાવતા જાય એવું હવે નથી રહ્યું. આજકાલ બાર અને પબ પણ થીમ પર આધારિત હોય છે. આપણા બૅન્ગલોરની જ વાત કરીએ તો અહીં નાસા બાર છે. નાસા એટલે અમેરિકાનું નાસા - નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન. બૅન્ગલોરની ચર્ચ સ્ટ્રીટમાં આવેલા આ બાર ઍન્ડ પબનું આખું ઇન્ટીરિયર નાસાની ઑફિસ જેવું છે. ચારે તરફ દીવાલો પર બ્રાઇટ બ્લુ રંગની ઇમેજિસ, સ્પેસ-કન્ટ્રોલરૂમ અને સ્પેસ-શટલ જેવો માહોલ બનાવવામાં આવ્યો છે. આ વાતાવરણમાં પંદર-વીસ મિનિટ બેસો તો જાણે સ્પેસ-શટલમાં બેઠા હો એવું લાગે છે અને વગર પીધે ચક્કર આવવા લાગે છે. નાસાની ઑફિસની મુલાકાત લેવાનું ભલે મોંઘું પડે એમ હોય, આ બારમાં જસ્ટ ચારસો-પાંચસો રૂપિયામાં બે જણનાં નાસ્તા-પાણી થઈ જાય.


સિંગાપોરમાં ક્લૅર્ક કી નામના વિસ્તારમાં આવેલો ક્લિનિક બાર ફુલ્લી હૉસ્પિટલ લુકમાં સજાવેલો છે. વ્હીલ-ચૅર્સ, હૉસ્પિટલ-બેડ્સ, ડેન્ટિસ્ટ-ચૅર્સ, ટેબલ પર ઑપરેશન થિયેટર જેવી લાઇટિંગ બધું જ અહીં જોવા મળશે. ઑન ડિમાન્ડ સલાઇન ડ્રિપમાં બિયર પણ સર્વ થઈ શકે છે.



મેક્સિકોમાં દસ હજાર વર્ષ જૂની એક ગુફાને બારમાં કન્વર્ટ કરવામાં આવી છે. ઍલક્સ કૅવર્ના લાઉન્જમાં ગુફાની દીવાલોને એમની એમ જ રાખવામાં આવી છે. એક પાર્ટમાં બારમાં હોય એવા સ્ટૂલ્સ છે ને બીજા એકદમ નૅચરલ ગુફાની ફીલ આપતા ભાગમાં તમારે પથ્થર પર જ બેઠક જમાવવાની હોય છે.



કેટલાક લોકો ગમમાં હોય ત્યારે દારૂ પીવા તરફ વળે છે. જીવન જીવવા જેવું ન લાગતું હોય, મરવાનું કે મારવાનું મન થતું હોય તો યુક્રેનનું ઇટર્નિટી બાર તમને કદાચ સુકૂન આપશે. ૬૬ ફૂટ લાંબું અને ૨૦ ફૂટ પહોળું કૉફિનના શેપમાં બનેલું આ નાનકડું બાર છે જે વિશ્વનું સૌથી મોટું કૉફિન પણ છે. અંદર ચારેકોર નાનાં માનવ-સાઇઝનાં કૉફિન્સ લગાવેલા આ બારમાં ભલભલા ગમ ગુમ થઈ જાય છે. અહીંના મેનુમાં પીણાં પણ હટકે છે. માણસના મૃત્યુ પછી થતી વિધિઓનાં નામ ધરાવતાં પીણાં અહીં સર્વ થાય છે.



બીચ પર બાર અને પબ તો અસંખ્ય મળી જાય, પણ જમૈકામાં દરિયા વચ્ચે એક બાર છે. ટ્રેઝર બીચથી સવા-દોઢ કિલોમીટર દૂર આવેલો ફ્લૉઇડ્સ પેલિકન બાર નામનો આ ઝૂલતો બાર વહાણમાં વપરાતા લાકડામાંથી બનેલો છે અને ત્રણ સાઇડથી ખુલ્લો છે. આ જગ્યાએ તમે માછલી અને કરચલા પકડી શકો છો અને તમે પકડેલા આ જીવોને તમારી સામે જ રાંધીને પીરસવામાં પણ આવશે. જોકે અહીં પીને ટાઇટ થઈને ઘૂમવાનું જોખમી નીવડી શકે છે, કેમ કે ચારેકોર દરિયો જ દરિયો છે. સાવ ઝૂંપડી જેવા દેખાતા આ બારની મુલાકાત જરાય સસ્તી નથી.



લાકડાના બનેલા બારની વાત નીકળી જ છે તો સાઉથ આફિક્રામાં આવેલા વૃક્ષની અંદર બનેલા બારને કેમ ભુલાય? દક્ષિણ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતમાં બાઓબૅબ નામના જાયન્ટ ટ્રીના થડને કોતરીને આ બાર બન્યો છે. ૬૦૦૦ વર્ષ જૂના આ વૃક્ષનું થડ ૧૫૫ ફૂટનો વ્યાસ અને ૭૨ ફૂટની ઊંચાઈ ધરાવે છે. થડની અંદર બનેલા બારમાં ૪૦ જણ એકસાથે ડ્રિન્ક માણી શકે એટલી જગ્યા પણ છે. અલબત્ત, આ ઝાડને કોતરવામાં નથી આવ્યું, પણ એની અંદર નૅચરલ હોલ હતો એને માત્ર ટ્રિમ કરીને આખો રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. બારના શોખીન ન હો તો પણ સાઉથ આફ્રિકાના આ મહાવિશાળ વૃક્ષને જોવા જવા જેવું છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં હૅલોવીન પાર્ટી માટે પરફેક્ટ ગણાતું મ્યુઝિયમ જિંજર બાર છે જેમાં ચારેકોર માનવકંકાલની કોતરણી કરવામાં આવી છે. જાયન્ટ માણસની વળી ગયેલી કરોડરજ્જુ હોય એવી છત છે, દીવાલો પર કંકાલ છે અને ખુરસીઓથી માંડીને ફ્લાવરવાઝ સુધીની તમામ ચીજો માનવશરીરનાં વિવિધ હાડકાંના શેપમાં છે. છેલ્લા દાયકાથી અમેરિકા, બ્રિટન, યુરોપ બધે જ વૅમ્પાયરની થીમ ખૂબ જ હૉટ ફેવરિટ બની રહી છે. જપાનમાં પણ વૅમ્પાયર કૅફે છે જેમાં ડાર્ક લોહી નીતરતું ઇન્ટીરિયર છે. કૉફિન, વિક્ટિમ, ક્રૉસ જેવા રૂમ અહીં છે અને બધા જ રૂમમાં એક-એકથી ચડિયાતા ડરામણા અનુભવો છે.



ઇઝરાયલ પાસેના લાલ સમુદ્રની અંદર રેડ સી સ્ટાર નામનો અન્ડરવૉટર બાર છે. એમાં બેઠાં-બેઠાં સમુદ્રની અંદરની જીવસૃષ્ટિને ખૂબ જ નજીકથી નિહાળવાનો લહાવો મળે છે. જર્મનીમાં દાસ ક્લો બાર છે. જર્મન ભાષામાં ક્લોનો મતલબ છે ટૉઇલેટ. આ બાર ખરેખર ભયાનક અનુભવો કરાવે છે. બારમાં પ્રવેશતાં જ અચાનક તમારા પર પાણી છંટાવા લાગે, ડરામણાં હાડપિંજરો ક્યાંકથી ઊતરી આવે, જ્યાં-ત્યાંથી જોરદાર હવાનો બ્લો ફૂંકાય, ટેબલ પર બેસતાં જ વીજળીના આંચકા લાગે, ગમે ત્યારે ટેબલ ગોળ-ગોળ ફરવા લાગે, અચાનક જ ઉપરથી હથોડી નીચે પડે, અચાનક કરોળિયા કે ઇગ્નૂ જેવી પ્રાણીસૃષ્ટિ તમારી આસપાસ ધસી આવે. તમે કલ્પના પણ ન કરી હોય એવું-એવું અહીં થાય. અમુક સમયાંતરે આવી ડરામણી ઘટનાઓ થવાની પૅટર્ન પણ બદલાતી રહે એટલે મહિના પહેલાં તમે ગયા હો ત્યારે જે થયું હોય એવું જ બીજી વાર પણ થશે એવું નહીં. આ આખોય બાર અત્યંત વિચિત્ર છે ને એની વિચિત્રતા જ લોકોને અહીં ખેંચી લાવે છે. બર્લિનમાં એક મૅડમ ક્લૉડ બાર છે જેમાં સામાન્ય રીતે ભોંયતળિયા પર જે ફર્નિચર હોય એવાં ટેબલ-ખુરસી વગેરે છત પર ચીપકાવેલાં છે.

કુછ રૉમેન્ટિક, કુછ ઍડ્વેન્ચરસનું કૉમ્બિનેશન માણવું હોય તો બાલીના ધ રૉક બારમાં જવા જેવું છે. સમુદ્રથી ૧૪ મીટર ઊંચાઈએ એકદમ સીધા ઢોળાવવાળા ખડક પર એક પ્લેટ જેવો ભાગ બહાર નીકળે છે ત્યાં ઓપન બાર બનાવવામાં આવ્યો છે. આ ખડકને અંદર કોતરીને અંદર વિશાળ લાઉન્જ તૈયાર કરવામાં આવી છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો રૉક-ક્લાઇમ્બિંગ કરીને પાર કરવો પડે છે. જોકે પહોંચ્યા પછી નયનરમ્ય નજારો માણી શકાય છે. બાલીનો આ બેસ્ટ સનસેટ પૉઇન્ટ ગણાય છે.


વિશ્વમાં ઠેર-ઠેર આઇસ-બાર્સ છે. જેમાં આખા બારમાં માઇનસ ડિગ્રી ટેમ્પરેચર હોય એવા આઇસ-બાર વિશ્વમાં ઠેર-ઠેર છે. મુંબઈના ઓશિવરામાં થોડાંક વષોર્ પહેલાં ૨૧ ફૅરનહિટ આઇસ લાઉન્જ ખૂલ્યું છે જે આવો જ બર્ફીલો અનુભવ આપે છે. જોકે વલ્ર્ડના આવા આઇસ-બારમાં કૅનેડાના ક્યુબેક સિટીમાં આવેલો આઇસ-બાર બાજી મારી જાય એવું છે. અહીં પારદર્શક બરફની કોતરણીમાંથી બનાવેલું અદ્ભુત દૃશ્યો રચતું ફર્નિચર અને ઇન્ટીરિયર છે. લગભગ દર બે-ત્રણ મહિને અહીંનું ઇન્ટીરિયર ચેન્જ થાય છે અને બરફની નવી કોતરણીઓથી બાર શોભી ઊઠે છે.

બાર અને પબની વિચિત્રતાનો તોટો નથી એટલે હવે અહીં જ બસ કરીએ.