ગરમાગરમ પરાઠા અને રોટલા પર માખણ લગાવીને ખાઓ, બટર નહીં

30 December, 2012 06:49 AM IST  | 

ગરમાગરમ પરાઠા અને રોટલા પર માખણ લગાવીને ખાઓ, બટર નહીં



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

શિયાળામાં શુદ્ધ દૂધ, ઘી અને માખણ ખાઓ તો શરીરને વરસભરની તંદુરસ્તી માટે તૈયાર કરી શકાય. જોકે આપણે ત્યાં દૂધ-ઘી ચોખ્ખા નથી મળતાં અને સફેદ માખણ ખાવાનું તો વષોર્થી ભુલાઈ જ ગયું છે. વળી બેઠાળુ લાઇફસ્ટાઇલને કારણે ઘી અને માખણના વપરાશમાં થોડીક કાળજી રાખવાની જાગૃતિ આવી હોવાથી આપણે ઘીનું નામ પડતાં જ નાકનું ટીચકું ચડાવીએ છીએ. બીજી તરફ ટ્રાન્સ-ફૅટ એટલે કે શરીર માટે અત્યંત ખરાબ એવી ચરબીવાળાં બર્ગર, પ્રોસેસ્ડ ચીઝ વગેરે પેટ ભરીને ઝાપટીએ છીએ.

માખણનો મતલબ હવે બટર થઈ ગયો છે. તમારા અને તમારી આસપાસનાં કેટલાં ઘરોમાં સફેદ માખણ બને છે? બને છે તો કેટલા લોકો એ ખાવામાં વાપરે છે? બટર એ ઘીનું પ્રોસેસ્ડ વર્ઝન છે જેમાં ઍડિશનલ સોડિયમ હોય છે અને જે ફૅટ હોય છે એ શરીરને નુકસાન કરનારી હોય છે. એને બદલે પંજાબીઓની જેમ ગરમાગરમ પરાઠા પર અથવા તો કાઠિયાવાડીઓની જેમ બાજરીના રોટલા પર સફેદ માખણ પીરસીને ખાવું બેસ્ટ છે.

ઘરે મલાઈ સહિતનું દૂધ મેળવીને એને ખૂબ વલોવ્યા પછી ઉપર સફેદ રૂની પૂણી જેવો માખણનો લોંદો બંધાય છે એની તોલે આજનાં કોઈ પણ ટાઇપનાં બટર અને ચીઝ ન આવી શકે. સફેદ માખણ સ્વાદે મધુર, શીતળ, પચવામાં ભારે, મળ બાંધીને લાવનારું તેમ જ વાત અને પિત્તશામક છે. એ કફ કરે છે, પણ આંખો માટે ખૂબ જ ગુણકારી છે. તાજું માખણ વાપરવું જ હિતાવહ છે, જૂનું થઈ ગયા પછી એનો સ્વાદ અને ગુણ બન્ને બદલાઈ જાય છે. એમાં વિટામિન એ, ઈ અને કે સારીએવી માત્રામાં હોય છે. માખણમાં રહેલું વિટામિન ડી ખોરાકમાંના કૅલ્શિયમના શોષણમાં મદદ કરે છે. માખણ માત્ર તાકાત માટે જ નહીં, વિવિધ તકલીફોમાં અકસીર ઔષધનું કામ પણ આપે છે. આવો જોઈએ કેટલાક મુદ્દા.

નબળાઈ અને ટીબીમાં

નબળા બાંધાનાં બાળકોને જ્યારે કોઈ શક્તિની દવા અસર ન કરતી હોય, શરીરનો વિકાસ ન થતો હોય ત્યારે બાજરીના રોટલા કે ઘઉંની ભાખરી પર મોટી ચમચી ભરીને માખણ લગાવીને રોજ ખવડાવવાથી શરીરનો વિકાસ થવા લાગશે.

ટીબી થયો હોય તે સ્ત્રી-પુરુષોનું શરીર ટીબી મટ્યાં પછી પણ વળતું નથી હોતું. આવા વખતે રોજ ત્રણ તોલા માખણમાં એક ચમચી મધ અને એક ચમચી સિતોપલાદી નાખીને સવાર-સાંજ ચટાડવામાં આવે તો નંખાઈ ગયેલું નૂર પાછું આવે છે તથા વજન અને તાકાત વધે છે. આ પ્રયોગ સતત એક વર્ષ સુધી કરવાથી રોગની ઊથલો મારવાની શક્યતાઓ ઘટી જાય છે. 

દૃષ્ટિ અને ચશ્માંના નંબર

આંખોની તકલીફોમાં પણ માખણ સારું કામ આપે છે, કેમ કે એમાં પુષ્કળ માત્રામાં વિટામિન એ રહેલું છે. એનાથી રતાંધળાપણું, આંખની ઝાંખપ, વધુ નંબર, આંખની ગરમી, લાલાશ, બળતરા, ખીલ જેવી તકલીફોમાં ફાયદો થાય છે.

નાની ઉંમરે ચશ્માંના નંબર વધારે હોય તો રોજ સવારે ઊઠીને એક ચમચી માખણ ખાવાથી એકાદ વર્ષમાં નંબર પર પણ એની અસર દેખાય છે. યાદશક્તિ ઓછી હોય, વાંચેલું ભૂલી જવાતું હોય તો એક ચમચી આમળાના જીવન સાથે એક ચમચી માખણ મેળવીને રોજ ખાવાથી યાદશક્તિ વધે છે.

નર્વ સિસ્ટમ અને સાંધા


જે બાળકોનું મગજ ઓછું વિકસિત હોય અથવા તો સંવેદનતંત્રની તકલીફ હોવાને કારણે વિકાસ ધીમો હોય તેમને પણ તાજું માખણ અકસીર દવા જેવું કામ આપે છે. માખણથી શરીરમાં ઍન્ટિ-સ્ટિફનેસ ફૅક્ટર દાખલ થાય છે. સાંધાઓમાં રૂક્ષતાને કારણે આવતી જકડાહટમાં માખણ ખૂબ ફાયદાકારક છે.

બ્લીડિંગની તકલીફ

શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી પડતું હોય ત્યારે માખણનો પ્રયોગ કરવા જેવો છે. હરસમાંથી લોહી પડતું હોય, વારંવાર નસકોરી ફૂટતી હોય, છાતીમાં તકલીફ હોવાને કારણે ગળફામાં લોહી પડતું હોય, પેટની તકલીફને કારણે ઝાડામાં લોહી પડતું હોય તો રોજ સવાર-સાંજ જમ્યા પછી એક ચમચી માખણ લેવું. એની ઉપર સાકરવાળું એક કપ ગરમ દૂધ પી લેવું. લાંબા સમય સુધી આમ કરવાથી લોહી પડવાની તકલીફ કાયમ માટે દૂર થાય છે.