મેલ અને ફીમેલ કૉન્ડોમ વિશે તમે કેટલું જાણો છો?

30 December, 2012 06:48 AM IST  | 

મેલ અને ફીમેલ કૉન્ડોમ વિશે તમે કેટલું જાણો છો?

તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

ગયા અઠવાડિયે આપણે વપરાયેલા કૉન્ડોમનો નિકાલ કઈ રીતે કરવો એ જોયું. આજે પુરુષો તથા મહિલાઓના કૉન્ડોમ વિશે જાણીએ.

એઇડ્સના ડરથી સમાગમને ફૂલપ્રૂફ અથવા મોર ધૅન હન્ડ્રેડ પર્સન્ટ સેફ બનાવવા કેટલાક ભેજાબાજ પુરુષો બે-બે કે ચાર-ચાર કૉન્ડોમ એકની ઉપર એક લગાડીને સંભોગ કરે છે. આમ કરવું જરૂરી નથી. કોઈ સેક્સોલૉજીની ટેક્સ્ટબુક આવા પ્રયોગોને બિરદાવતી નથી. ઊલટું કદાચ બે નિરોધ વાપરવાથી બાહ્ય નિરોધ સરકીને સ્લિપ થઈ જવાની શક્યતા વધી જાય છે.

કૉન્ડોમ ચુસ્ત, વગર કાણાંનું, ઇન્ટૅક્ટ યા પર્ફેક્ટલી સીલ્ડ છે કે નહીં એવું ચેક કરવાની કોઈ જરૂર નથી. કેટલાક દોઢડાહ્યાયા ગભરાટિયા પુરુષો અંદર આંગળી નાખીને યા મોંથી હવા ભરીને ફુગાવીને કૉન્ડોમને ચેક કરવાનો પ્રયત્ન કરે છે. ઊલટું આમ કરવાથી કૉન્ડોમ ફાટી જઈ શકે છે યા ક્ષતિપૂર્ણ થઈ શકે છે.

એને ખેંચીને જોવાની પણ જરૂર નથી. વળી પૅકેટની બહાર કાઢ્યા બાદ થોડા સમયમાં જો એનો ઉપયોગ ન થાય અને ખુલ્લામાં એ પડી રહ્યું હોય તો એનો બીજા દિવસે યા બહુ લાંબા ગાળા બાદ ઉપયોગ કરવાને બદલે ફગાવી દેવું ઉચિત છે.

કૉન્ડોમ ફ્રિજમાં રાખવાં જરૂરી નથી. એની કોઈ એક્સ્પાયરી ડેટ હોતી નથી; પણ ધૂળવાળાં, ગંદાં, મેલાં, અતિજિર્ણ, ફાટેલા પૅકેટવાળાં, દેખીતી રીતે બગડી ગયેલાં, ભેજવાળાં કે ફુગાઈ ગયેલાં કૉન્ડોમ ન વાપરવાં.

એક કૉન્ડોમ એકથી વધુ વખત ક્યારેય ન વાપરવું. ઊલટાવીને બીજી વાર વાપરવાનો પ્રયાસ પણ જોખમી, હાસ્યાસ્પદ તથા અવ્યવહારુ બની શકે છે.

ફીમેલ કૉન્ડોમ

ફીમેલ કૉન્ડોમ ઉર્ફે સ્ત્રી-નિરોધ એકવીસમી સદીના પ્રથમ દાયકાનો શબ્દ છે. છેલ્લાં છ-સાત વર્ષથી વિદેશમાં અને છેલ્લાં બે-એક વર્ષથી ભારતમાં ફીમેલ કૉન્ડોમની વાતો ચર્ચામાં છે.

સંતતિ-નિયમન તથા જાતીય સંસર્ગજન્ય રોગો થતા અટકાવવા માટે અગાઉ પુરુષો માટેનાં કૉન્ડોમ જ ઉપલબ્ધ હતાં. હવે પાતળાં, પ્લાસ્ટિક જેવા પૉલિયુરેથિન મટીરિયલનાં મહિલાઓના વપરાશ માટેનાં નિરોધ પણ મળે છે. જોકે એ મોંઘાં હોવાથી એનો વપરાશ તથા ઉપલબ્ધિ હજી મર્યાદિત જ છે.

પુરુષ-કૉન્ડોમ આશરે બેથી ત્રણ રૂપિયામાં એક મળતું હોય છે. એની સામે એક સ્ત્રી-નિરોધની બજારકિંમત આશરે ૫૦ રૂપિયા જેટલી છે.

પાતળી કોથળી જેવા સ્ત્રી-નિરોધને સ્ત્રીએ સમાગમ શરૂ કરતાં પહેલાં યોનિમાર્ગમાં એ રીતે મૂકવાનું હોય છે જેથી એનો બંધ ભાગ ઊંડાણમાં ગર્ભાશયના મુખ સુધી જાય. એ તરફ આવેલી રિંગને સહેજ દબાવીને નિરોધને યોનિમાર્ગના ઊંડાણમાં સરકાવી દેવાનું હોય છે.

એની બહારની તરફ, સ્ત્રી-નિરોધના ખુલ્લા મુખ તરફ આવેલી રિંગ યોનિમુખની સહેજ બહાર રહેવા દેવાની હોય છે જેથી જનનાંગોના પ્રવેશદ્વાર આગળનો ભાગ આંશિક રીતે ઢંકાયેલો રહે.

પુરુષ-નિરોધની જેમ સ્ત્રી-નિરોધ પણ એક જ વારના સમાગમ પૂરતો મર્યાદિત હોવાથી સંભોગ બાદ એને ડિસ્પોઝ કરવાનું હોય છે. જોકે એની કિંમત તથા બનાવટને ધ્યાનમાં રાખીને (ચોક્કસ સંજોગોમાં) એને જંતુમુક્ત કરીને એકથી વધારે વખત વપરાશ માટે લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટેની ષ્ણ્બ્ (વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)ની તૈયાર થઈ રહેલી માર્ગદર્શિકા હજી વિકસી રહી હોવાથી હાલપૂરતું ફીમેલ કૉન્ડોમ એકથી વધુ વાર ન વાપરવું જ હિતાવહ છે.

જો યોગ્ય રીતે ન વપરાય તો પંદરથી વીસ ટકા જેટલા કિસ્સામાં સ્ત્રી-નિરોધ એના નિર્ધારિત કાર્યમાં નિષ્ફળ જઈ શકે છે.

પુરુષ-નિરોધમાં આ નિષ્ફળતાનો દર આઠથી ચાર ટકા જેટલો અર્થાત્ સ્ત્રી-નિરોધ કરતાં ઓછો હોવાનું જણાયું છે.

સ્ત્રી-નિરોધની લંબાઈ

પુરુષ-નિરોધ જેટલી જ હોય છે, પરંતુ એની પહોળાઈ વધુ હોય છે. આ જોઈને કેટલાંક યુગલો અસ્વસ્થ થાય છે, પરંતુ જે પુરુષોને પુરુષ-નિરોધ વધારે ફિટ અને દબાણકર્તા લાગતું હોય તેમને આવું ખુલ્લું અને પહોળું સ્ત્રી-નિરોધ રાહતકર્તા જણાય છે.

(ફીમેલ કૉન્ડોમ વિશે વધુ આવતા રવિવારે)

ગેરમાન્યતા

નિરોધ વાપરતાં પહેલાં બરાબર ખેંચીને ચેક કરી જોવું જોઈએ

હકીકત

ના, નિરોધને મશીન દ્વારા ચેક કરવામાં આવે છે. એને ખેંચીને ચેક કરવાથી ઊલટું એ પાટી જવાની શક્યતા રહે છે