લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૩૧

30 December, 2012 06:43 AM IST  | 

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૩૧


વર્ષા અડાલજા   

મૅક્ડોનલ્ડ્સમાં બાળકોની બર્થ-ડે પાર્ટી પૂરી થઈ ગઈ હતી. ટેબલો ખાલી થતાં હતાં અને ફરી ભરચક થઈ જતાં હતાં. રીગલ થિયેટરમાંથી મૂવી શો પૂરો થતાં ઘણા લોકો આવતા હતા અને ટેબલ ખાલી થવાની રાહ જોતા ઊભા હતા.

તરુણે ટેબલ પર મોબાઇલ મૂક્યો હતો અને અધીરાઈથી બ્લૅન્ક સ્ક્રીનને તાકી રહ્યો હતો. અમર અને પ્રિયા બન્ને ગભરાયેલાં હતાં. શંકર ચિલ્ડ્રન્સ ગેમ્સ અને ટૅટૂનાં સ્ટિકરનો કાર્ગો લઈને કુરિયર કંપનીમાં પહોંચી ગયો હશે. સાથે પ્રકાશ પણ હતો. ત્યાં શું થયું હશે? એ ગેમ્સનો જ કાર્ગો હશે કે પછી... ફૉલ્સ બૉટમ હશે?

મોબાઇલ હાથમાં લેતો તરુણ ઊભો થઈ ગયો : તમે બન્ને હવે જાઓ. ઘરે પપ્પા-મમ્મી રાહ જોતાં હશે. ઘણું મોડું થઈ ગયું છે અને તમને હજી પહોંચતાં...

‘અને તું?’

‘હું કુરિયરવાળાની ઑફિસ જઈશ. શંકર અને પ્રકાશની તપાસ તો કરવી પડે.’

‘પણ...’

‘પ્લીઝ અમર, પ્રિયાને લઈ જાઓ. હું તને હમણાં નહીં મળું, જો પકડાયો નહીં તો. સેફ હશે તો જ તને ફોન કરીશ. મોબાઇલ કૉલ્સ આસાનીથી ટ્રેસ થઈ શકે છે તું જાણે છે.’

પ્રિયા રડું-રડું થઈ રહી, ‘મને તારી ચિંતા થાય છે.’

તરુણે પ્રિયાને હાથ પકડીને ઊભી કરી, ‘હવે એ બધા માટે ઘણું મોડું થઈ ગયું છે પ્રિયા. અમર, તમને મોટું જવાબદારીવાળું કામ સોંપું છું. પ્લીઝ, મારાં પપ્પા-મમ્મીનું ધ્યાન રાખશોને! અને આ સીઆઇડી પર નજર રાખવાની. પ્રિયા મને શોધવાની, પૂછપરછ કરવાની જરાય મૂર્ખાઈ ન કરે. કદાચ મારું પગેરું ચાંપતાં પોલીસ ઘરે આવે તો તું મને મળી નથી, કંઈ જાણતી નથી; સમજી! નાઓ ગેટ ગોઇંગ.’

અમરે પ્રિયાનો હાથ પકડીને ચાલવા માંડ્યું. ટૅક્સી ઝટ મળતી નહોતી અને ચર્ચગેટ સ્ટેશન સુધી લાંબો રસ્તો ચાલવાની પ્રિયામાં ટીપુંય શક્તિ નહોતી. બન્ને રીગલ પાસે ઊભાં રહ્યાં. અહીંથી ટૅક્સી મળી ગઈ. અમરે અંધેરી જવાનું ટૅક્સીવાળાને કહ્યું. પ્રિયાએ કશો વિરોધ ન કર્યો. અત્યારે ગિરદીમાં ધક્કા ખાતાં-ખાતાં લોકલમાં ટ્રાવેલ કરવાની તેની પણ ઇચ્છા નહોતી.

પ્રિયા ચૂપચાપ અમરના ખભે માથું મૂકીને સૂતી રહી. અમર તેના ઊડતા વાળને પસવારતો રહ્યો. ટૅક્સી-ડ્રાઇવર અરીસામાં જોઈને મલકાયો. પ્રેમી-પંખીડાંઓની તેને ક્યાં નવાઈ હતી!

શંકરનો ફોન કે સંદેશો ન આવ્યો. હવે ફોન કરવો જોખમ હતું - બન્ને માટે. તરુણ રેસ્ટોરાંમાંથી તરત જ નીકળ્યો અને અમર તથા પ્રિયાથી થોડે દૂર ચાલતો રહ્યો. તેને પણ અંધેરી જ જવાનું હતું; પણ પ્રિયા-અમરની સાથે નહોતું જવું, ખબર પણ નહોતી પડવા દેવી.

ખાસ્સી વાર પછી ટૅક્સી મળી. સાંજના સમયે કોલાબાથી અંધેરીની ટૅક્સીની સફર કોલમ્બસની તોફાની મુસાફરીથી જરાય ઓછી નહોતી. સાંજના સમયનો માનવપ્રવાહ ધસમસતા વેગથી મુંબઈને સામે છેડે, સાંકડા નેળ જેવા રસ્તાઓ પરથી જઈ રહ્યો હતો. કમસે કમ બેથી અઢી કલાક લાગવાના હતા, એ પણ બાંદરા સી-લીન્કથી જશે ત્યારે. તરુણનું મન ઊડીને પહોંચવા અધીરું બની ગયું હતું, પણ ધીરજ ધરવા સિવાય બીજો ઉપાય પણ શો હતો!

સીટ પર માથું ઢાળીને તેણે આંખો બંધ કરી દીધી. આંખોમાં ઊતરી આવેલા અંધકારમાં ફિલ્મની જેમ અનેક દૃશ્યો ઊઘડતાં આવ્યાં. માતા-પિતા અને બહેનો સાથેનાં અનેક આહ્લાદક દૃશ્યોમાં તે પોતાને જોતો રહ્યો. હસી-મજાક અને મસ્તી-મજાકની નાની-નાની આનંદદાયક પળો ફ્લૅશબૅકમાં દૃશ્યોની જેમ જીવંત બની ગઈ. કૉલેજના એ બેફિકરા દિવસો! મિડલ-ક્લાસ લાઇફસ્ટાઇલથી ચિડાતી કાજલને તે કેટલી સમજાવતો! પોતે તો મસ્તરામ હતો. અચાનક કોમળ ચહેરાની આંખોના તારા ઝબૂકી ઊઠ્યાં. તનુ. તનુજા. કૉલેજમાં દાદર નીચે, ભીંતની આડશમાં તેને ખેંચી લેતી અને તેનો હાથ પકડીને મૃદુ સ્વરે કહેતી : તરુણ, તું મને ગમે છે, ખૂબ ગમે છે. તેની પાસે કશું નહોતું, પોતાનું ભવિષ્ય પણ નહીં. તો પણ તનુ તેની સાથે જિંદગીભર રહેવા તત્પર હતી. તે ખસી ગયો હતો, પણ હૃદયના એક ખૂણે છૂંદણાની જેમ તેનું નામ અંકિત થઈ ગયું હતું. જ્યારથી હાથમાં પૈસા આવવા માંડ્યા હતા ત્યારથી તે ઘણી વાર યાદ આવતી હતી, પણ તેણે તો ક્યારેય તનુજાને તેની પ્રતીક્ષા કરવાનું કહ્યું નહોતું! કૉલેજ પૂરી થયા પછી પણ તેના મેસેજ મોબાઇલ પર આવતા હતા.

તેણે ક્યારેય કોઈ પ્રેમભર્યો સંદેશો પાઠવ્યો નહોતો, ન આશા બંધાવી હતી.

હવે બસ, આ કાદવિયા કળણમાંથી તે બહાર આવીને પહેલું કામ તનુને મળવાનું કરશે. અમરે પ્રિયાને આશ્વસ્ત કરવા જે રીતે તેનો હાથ પકડ્યો હતો - બન્નેની સ્પર્શની, આંખોની ભાષાની લિપિ તે ઉકેલી શક્યો હતો. એમાં પ્રેમથી પણ વિશેષ કોઈ અદ્ભુત તત્વ હતું જે ક્યારેક માતા-પિતાની આંખોમાં પણ તેણે જોયું હતું.

એ જ તો હતું ખરું જીવનધન, કીમતી મૂડી. એ પામવા તે અધીરો થઈ ગયો. વિચારોની અડાબીડ ભીડમાંથી તે માંડ બહાર આવ્યો. ટ્રાફિક સિગ્નલ પાસે અટકી ગયેલી વાહનોની લાંબી કતારમાં તેની ટૅક્સી ઊભી હતી. સતત વાગતાં હૉર્નના ઘોંઘાટમાં તેનું માથું ભમી ગયું. કેવા સમયે આવા વિચારો આવતા હતા! તેણે મોબાઇલ સામે જોયું. કોઈ મેસેજ નહોતો. ત્યાં રિંગટોન ગૂંજી ઊઠ્યો. સ્ક્રીન પર નામ ઝબક્યું : પ્રકાશ. સ્વિચ ઑન કરતાં તરુણનો હાથ કંપી ઊઠ્યો : કમ હોમ. ડિસ્ટ્રૉય ફોન.

તરુણ સ્તબ્ધ બનીને સ્ક્રીનને તાકી રહ્યો. SMS સ્પષ્ટ હતો. જોખમ ઝળૂંબતું હતું. કાર્ગોનું શું થયું? શંકર ક્યાં હતો? અત્યારે કોઈ પ્રશ્નનો જવાબ મળવાનો નહોતો. ડિસ્ટ્રૉય ફોન. તરુણે મોબાઇલમાંથી સિમ-કાર્ડ કાઢી લીધું અને ફોન હાથમાં પકડીને બારીની બહાર જોતો રહ્યો. ભીડમાં રસ્તા વચ્ચે તો ફોન ફેંકી શકાય એમ નહોતું. ટૅક્સીમાં ફોન મૂકીને ઊતરી જાય તો ફોનના નંબર પરથી પણ ફોન ટ્રેસ થઈ શકતો હતો. ક્યાંક તો કડી નીકળે...

અંધેરી ફ્લાયઓવર પરથી ટૅક્સી ઊતરતાં તરુણે ટૅક્સી ઊભી રખાવી અને ઊતરી ગયો. પૈસા ચૂકવ્યા. ટૅક્સી ચાલી ગઈ. જીવતા બૉમ્બ જેવો મોબાઇલ હજી હાથમાં હતો. તરુણ રસ્તાની ધારે ઊભો રહ્યો. અંધારું ઊતરી આવ્યું હતું. બધે જ ભીડ હતી. વાહનો દોડી રહ્યાં હતાં. લોકો ઉતાવળે ઘરે પાછા ફરી રહ્યા હતા.

ઘર? ક્યાં હતું તેનું ઘર? પપ્પા-મમ્મીએ સળી-સળી બાંધેલું, હૂંફાળા માળા જેવું ઘર. ત્યાં તે પગ મૂકી શકે એમ નહોતો. કાંદિવલીના ઘરનું હવે શું થશે એની ખબર નહોતી. મલાડનું ઘર ભાડે રાખેલું. એક કામચલાઉ આશ્રય. એમાં ઘરપણું ક્યાં હતું!

ગ્રહમાળામાંથી છૂટા પડી ગયેલા એક એકલવાયા ગ્રહની જેમ અવકાશમાં જાણે તે ફંગોળાઈ ગયો હતો. એકલતાની, ઘરઝુરાપાની તીવ્ર લાગણી તેને પીડી રહી. કોઈનો ધક્કો વાગ્યો. તે ભાનમાં આવ્યો. ભય તેના પર સવાર થઈ ગયો. તેને નવાઈ લાગી. આવા સમયે પણ તેને ભૂખ-તરસ લાગતી હતી! થોડે દૂર સૅન્ડવિચ અને પાંઉભાજીની રેંકડીઓ ઊભી હતી. તરુણે થોડું ખાઈ લીધું. લારીની બાજુના ટોપલામાં એંઠી પેપર-પ્લેટનો ઢગલો હતો. એમાં તેણે મોબાઇલ સરકાવી દીધો. પાણીની બૉટલ ખરીદી અને ઑટો કરી.

અંધેરીથી મલાડ પહોંચતાં ખાસ્સો સમય લાગ્યો. ત્યાં સુધીમાં તેનું મન એટલું ઊચક થઈ ગયું હતું કે ઑટોમાંથી કૂદીને ભરચક રસ્તામાં મૅરથૉનમાં દોડતો હોય એમ જલદી દોડીને પ્રકાશ પાસે પહોંચી જવાનું મન થઈ ગયું. આખરે ભાડું ચૂકવ્યું. આજુબાજુ જોતો ચાલતો રહ્યો. ફ્લૅટની ઘંટડી વગાડતાં હાથ ધ્રૂજી ગયો. પ્રકાશે જ બારણું ખોલ્યું. તરુણ દાખલ થતાં તેણે બારણું વાસી દીધું. પ્રકાશનો ઝંખવાયેલો ચહેરો જોતાં તરુણ સમજ્યો. તેણે તરત કશું ન પૂછ્યું. ફ્રિજમાંથી પાણીની બૉટલ કાઢી ઠંડું પાણી પીધું.

ગભરાયેલો પ્રકાશ બોલવા માંડ્યો. શબ્દો એકમેક પર મોજાંની જેમ ધસી આવતા, તૂટતા રેલાઈ જતા હતા... દારૂની સપ્લાય વર્ષ સુધી કરી આપણો વિશ્વાસ જીતી એમાં ડ્રગ છુપાવીને આપણને કૅરિયર બનાવ્યા. ઇન્સ્પેક્ટર કાલેએ ઇન્ટરનેટ પરથી રેવ પાર્ટીના સંદેશાનો કોડવર્ડ શોધી કાઢી રેઇડ પાડી ત્યારે તું તો ત્યાંથી ક્યારનો નીકળી ગયો હતો એટલે બચી ગયો. રોજ ન્યુઝપેપર જુએ છેને! કેવો હંગામો મચી ગયો છે!

પ્રકાશ અટકી ગયો. તેના ઝાંખા પડી ગયેલા ચહેરા પર ક્રોધની રતાશ આવી. દાંત ભીંસાયા. તરુણ શ્વાસ રોકીને સાંભળી રહ્યો. તરુણ સમજતો હતો કે શંકરની વાત કરવા માટે તે પોતાના મનને કસી રહ્યો હતો.

તરુણે જ કહ્યું, ‘શંકર પકડાઈ ગયોને પ્રકાશ! પૂરી વાત કર. આપણી પાસે સમય નથી, સમજે છેને તું! ’

પ્રકાશ ઊકળી ઊઠ્યો, ‘એક-એકને જોઈ લઈશ. આજે રાત્રે જ ગોવા જઈશ ને સાલા જૉનીનું ગળું દાબી દઈશ. તારે તો પાર્ટી પર રેઇડ પડી એટલે સાથે આવવાનું નહોતું, મારે સાથે જવાનું હતું અંધેરી કુરિયર ઑફિસમાં. પણ આ ઘર માટે શંકરે એસીનો ઑર્ડર આપેલો. હું તેની પાછળ નીકળ્યો, પણ દૂરથી જ પોલીસવૅનમાં શંકરને લઈ જતો જોયો... રસ્તા પર ટોળું થઈ ગયું હતું. કાલે ન્યુઝપેપર, ટીવી પરથી પૂરી વિગત મળશે. મેં તને તરત મેસેજ મોકલ્યો...’

‘તો હવે?’

‘હવે લૌકર ફ્લૅટ છોડી દેવાનો. કાલ સુધીમાં તો સાલા શિકારી કૂતરાની જેમ સૂંઘતા પહોંચી જશે. કમ્પ્યુટર ઉપાડી લે. આપણી ઓળખાણની બધી છાપ ભૂંસી નાખ. નામ... નંબર... સરનામું... કંઈ પણ...’

તરુણ પ્રકાશની વાત સાંભળી રહ્યો. તેના કહેવાનો અર્થ સ્પષ્ટ હતો - બન્નેએ ભાગી છૂટવાનું હતું.

‘પ્રકાશ, બિઝનેસમાં ત્રણેયની સરખી હિસ્સેદારી હતી, ખરું!’

‘બરોબર.’

‘તો જવાબદારી પણ ત્રણેયની સરખી ખરી કે નહીં?’

પ્રકાશે જવાબ ન આપ્યો. તે ઉતાવળે કબાટ, ટેબલનું ખાનું તપાસવા લાગ્યો. તરુણે તેનું બાવડું પકડી લીધું.

‘શંકર પકડાયો એટલે ભાગી છૂટવાની વાત કરે છે? જવાબ આપ.’

પ્રકાશ ચૂપચાપ રસોડામાં ગયો. પ્લૅટફૉર્મ પર આમતેમ પડેલા ડબ્બાડૂબી, રેસ્ટોરાંનાં ખાલી ખોખાં જોવા લાગ્યો. એક-બે બિલ મળ્યાં એ ખિસ્સામાં મૂક્યાં. એક-બે ખમીસ-પૅન્ટ પડેલાં એ લઈ લીધાં.

તરુણે તેને ખભાથી પકડીને હચમચાવી મૂક્યો, ‘સ્ટૉપ ઇટ યુ ઇડિયટ. શંકર માત્ર બિઝનેસ-પાર્ટનર નથી, દોસ્ત છે. આપણા સિવાય તેનું કોઈ નથી અને હવે તે મુસીબતમાં છે ત્યારે જ...’

પ્રકાશ ઝડપથી તરુણ તરફ ફર્યો અને ઝટકાથી તેના ખભેથી હાથ ખસેડી લીધો, ‘તને એમ લાગે છે કે હું દોસ્તને દગો દઈ રહ્યો છું! તું કહે તો હમણાં પોલીસ-સ્ટેશને જઈને ઊભા રહીએ, મગ કાય? પછી શું? સમજ જરા, બહાર હોઈશું તો શંકરને કામ લાગીશું. અંદર ખોસી દેશે તો શંકરને ખબર પણ નહીં પડવા દે કે આપણને બેને પકડ્યા છે. જુદા-જુદા સેલમાં રાખશે અને એકબીજા વિશે ઊંધુંચત્તું કહેશે. સમજમાં આવે છેને હું શું કહી રહ્યો છું!’

તરુણે ડોકુ ધુણાવ્યું, ‘ના, નથી સમજાતું. દોસ્ત એટલે દોસ્ત.’

પ્રકાશે લૅપટૉપ થેલીમાં નાખ્યું. ઉપર થોડાં કપડાં. ફ્લૅટ આમ તો ખાલી જ હતો. છતાં આમતેમ નજર દોડાવી લીધી. પછી અધીરતાથી તરુણ તરફ ફર્યો, ‘તારા ભેજામાં મારી વાત કેમ ઘૂસતી નથી? યે ડ્રગ્સ કા મામલા હૈ. ડ્રગ્સનું આખું રૅકેટ શોધી કાઢવા, પગેરું સૂંઘવા ત્રણેયને જુદા-જુદા રાખશે. રાત-દિવસ પૂછપરછ, થર્ડ ડિગ્રી. ત્રણેય પકડાઈશું તો સમજશે કે આપણી જ ટીમ આ ધીખતો મોતનો ધંધો કરે છે. શંકર એકલો હશે તો... અરે, આપણને જ સામસામા દુશ્મન બનાવશે... યાર, ફિલ્મોમાં જોતો નથી? આપણા નામે ભળતું-સળતું શંકરને કહેશે કે મેં કે તેં જ ટિપ-ઑફ કરી દીધા છે...’

તરુણ સડક થઈ ગયો. આવું બને? અરે, એવું જ બને. પ્રકાશ કહી રહ્યો હતો કે તેણે ફિલ્મો જોઈ છે એથી વધુ દુનિયા જોઈ છે. અન્ડરવલ્ર્ડની દુનિયાની નીચે બીજી દુનિયા. અહીં અનેક જાતના ધંધા થાય છે. એમાં સૌથી ખતરનાક ડ્રગ્સનો ધંધો. નાનીસરખી પડીકી બૉમ્બની જેમ ફૂટીને ખેદાન-મેદાન કરી નાખે. અંદર જઈશું તોય ‘યે દોસ્તી નહીં છોડેંગે’નું ગાણું ગાવાનું મળવાનું નથી, સમજે!

તરુણે મનને મનાવ્યું. કમ્પાઉન્ડમાંનાં કાર-સ્કૂટરની આડશે બન્ને નીકળી ગયા. રસ્તા પરની ગિરદીમાં ભળી જતાં વાર ન લાગી. તરુણે પ્રકાશનો હાથ પકડી રાખ્યો હતો. પગે સાંકળો બાંધી હોય એમ તે ઢસડાતો હતો. થોડે દૂર જઈને ઑટો કરી. પ્રકાશે સજ્જડ હાથ પકડી રાખ્યો હતો. કોથળાની જેમ શરીર ઊંચકી તરુણ ઑટોમાં બેઠો.

દિશાઓ ફરી ગઈ હતી અને હવે તે ક્યાં જઈ રહ્યો હતો એની ખબર નહોતી. નવા વર્ષને વધાવવા મુંબઈ નગરી સોળે શણગાર સજી ઝગમગી ઊઠી હતી, પણ તે અંધારી ગલીમાં ભાગી રહ્યો હતો.

મહાકાય અજગર તેને જીવતો ગળી ગયો હોય એમ તે અંદર ને અંદર ઊતરતો જતો હતો. તરુણ ભયથી કોકડું વળીને ખૂણામાં ભરાઈ ગયો.

€ € €

સાવિત્રીબહેને તુલસીને પાણી રેડ્યું. પછી એક પાન તોડી મોંમાં મૂકી વંદન કર્યા. વહેલી સવારના કોમળ તડકામાં ખીલી ગયેલું ગુલાબ હવાની લહેરમાં ઝૂકીને સૂર્યદેવનું અભિવાદન કરતું હતું.

સાવિત્રીબહેને હાથ જોડ્યા, પણ ગાયત્રીમંત્ર હોઠે ન ચડ્યો. કોઈ પ્રાર્થના સૂઝતી નહોતી. જાણે બધું ભુલાઈ ગયું હતું. મનમાં પ્રિયાએ કહેલી વાત સતત પડઘાતી રહેતી હતી... તરુણે શું-શું કર્યું... શું કામ કર્યું...

‘મા, ચા મૂકું? પપ્પા ક્યારના ઊઠી ગયા છે.’

તરત સાવિત્રીબહેન બાલ્કનીમાંથી ઘરમાં આવ્યાં. ડાઇનિંગ ટેબલની ખુરસી પર પતિ બેઠા હતા. અક્કડ, મૂંગામંતર. સવારે ઊઠતાંવેંત ચા માગનારા, તેની સાથે સૂર્યનમસ્કાર કરતા, ટીવી-ન્યુઝ જોતા, જાતભાતની વાતો કરતા પતિ ઉજ્જડ ચહેરે તેને તાકી રહ્યા હતા.

હસવાનું કરતાં તેમણે કહ્યું, ‘હા, ચા મૂકને! હું નાસ્તાની તૈયારી કરું છું.’

પ્રિયા રસોડામાં ગઈ ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. સાવિત્રીબહેને આશાથી જોયું -કદાચ પતિ ફોન લે. તેમણે રિંગ સાંભળી હશે!

પ્રિયાએ ફોન લીધો. અમરનો હતો.

‘પ્રિયા, અમર બોલું છું.’

‘આજે સવારમાં ફોન? આપણે પ્લૅટફૉર્મ પર તો મળવાનાં છીએ.’

‘પ્રિયા, આજનું અખબાર જોયું? પપ્પાથી છુપાવતી નહીં. આમ પણ ટીવીના ન્યુઝ તો જોયા વિના રહેશે?’

‘ના, બન્ને બંધ છે.’

‘ઓ.કે. તો મળીએ.’

પ્રિયા અખબાર વાંચવા તલપાપડ થઈ ગઈ. પપ્પાએ થોડા દિવસથી અખબારને હાથ નથી લગાડ્યો. રિમોટ કન્ટ્રોલ ક્યાં છે એ પણ ખબર નથી. હા, મમ્મીનું ટીવી સાંજથી જ ચાલુ થઈ જાય છે. ચૅનલો બદલાતી રહે છે. ટીવી-સિરિયલની અજબગજબની દુનિયામાં પ્રવેશીને પાત્રોની જિવાતી જિંદગી, એમનાં સુખદુ:ખમાં તે પરોવાઈ જાય છે.

પ્રિયાએ ચાની ટ્રે ટેબલ પર મૂકી. સાવિત્રીબહેને પતિ સામે ચાનો કપ મૂક્યો. આદેશની જેમ કહ્યું : ચા પી લો. પ્રિયા બહાર ગઈ. અખબાર ગડીબંધ પડ્યું હતું. એ ખોલતાં જ એમાંથી ઝેરી વીંછી નીકળી પડવાનો હોય એમ એને લેતાં ખચકાઈ ગઈ. એકદમ ઊંચકી લીધું. ઘરમાં આવી ચા પીતાં સહજભાવે ખોલ્યું. પહેલા પાને જ સમાચાર : બનાવટી ચલણી નોટો માટે ડૉનના સાગરીતની ધરપકડ... ૧૨૦૦ કરોડનો ભ્રષ્ટાચાર...

પ્રિયાએ ઉતાવળે પાનું ફેરવ્યું. તેની નજર થીજી થઈ. મોટું મથાળું : ટૅટૂ સ્ટિકરની નીચે ૫૦ કિલો પાર્ટી-ડ્રગ.

પ્રિયાએ ચીસ ગળામાં રૂંધી રાખી. જોયું તો પપ્પા ધીમા સાદે મમ્મી સાથે ચા પીતા વાત કરી રહ્યા હતા. પ્રિયાએ અખબાર વાંચવા માંડ્યું... છેલ્લા દસકામાં સૌથી મોટા પાર્ટી-ડ્રગનો જથ્થો ઍન્ટિ-નાર્કોટિક સેલે પકડ્યો હતો... કુરિયર કંપની મારફત મલેશિયા જઈ રહ્યો હતો. એક વ્યક્તિની ધરપકડ... મોકલનારનો પત્તો નથી, નામ-સરનામાં ખોટાં છે... મલેશિયામાં પણ કંપનીનું નામ ખોટું છે... આ રૅકેટમાં કોણ-કોણ છે એની ઘનિષ્ઠ તપાસ શરૂ થઈ ચૂકી છે.

લાંબો અહેવાલ, આજ દિન સુધી જુદી-જુદી તારીખે પકડાયેલાં જુદાં-જુદાં ડ્રગ્સની વિગતો, આંકડાઓ... એ બધામાં પ્રિયાને રસ નહોતો. પિતાએ આ તરફ જોયું નહોતું, અખબાર માગ્યું નહોતું. તેણે ચૂપચાપ ગડી કરી દીધું. સાવિત્રીબહેનની નજર પડી. પ્રિયાએ અખબાર તરફ ઇશારો કર્યો અને રસોડામાં જઈને કબાટમાં મૂકી દીધું. સાવિત્રીબહેને ટ્રે લઈને આવતાં જોયું અને સહજભાવે કપ-રકાબી બેસિનમાં મૂકીને નાસ્તાની તૈયારી કરવા લાગ્યાં.

પ્રિયા બાલ્કનીમાં ઊભી રહી. સૂર્યરથના અશ્વો હણહણતા તેજ ગતિથી દોડી રહ્યા હતા. કાળની ગાંડીતૂર થયેલી નદી ધસમસતી વહી રહી હતી. હવે સમયના કયા ઘાટે-વાટે તરુણ તેને મળશે?

કે નહીં મળે?

હે મા! તું તો જગતજનની છે, માતૃરૂપેણ સંસ્થિતા છે. તારા સંતાનની એક ભૂલ માટે આવી આકરી સજા શા માટે મા? હે કરુણામયી! તરુણની રક્ષા કરજે.

પ્રણામ કરતાં પ્રિયાના મનમાં ઊગી ગયું કે હવે તે કદી તરુણને નહીં મળી શકે : ભલે, જ્યાં રહે, માની કૃપા તારા પર વરસતી રહે.

€ € €

કાજલે લૅચ-કીથી બારણું જોરથી ધક્કો મારીને ખોલ્યું. પર્સ સોફામાં ફેંકીને શૂઝનો ઘા કર્યો.

કાજલ તેના અસલ મિજાજમાં રોષથી બળુંઝળું થતી હતી. જોરથી એકધારી કોઈ દાંડી પીટતું હોય એમ ગેટઆઉટ શબ્દ મનમાં પડઘાતો હતો. આખરે તે કોણ હતી! એક શ્રીમંત માણસનું રમકડું. તેણે મને ગેટઆઉટ કહ્યું? તેના દીકરાની ગર્લફ્રેન્ડને? બધા બની-ઠનીને મજા કરશે, પેજ થ્રી પર ચમકશે અને તે જ બાકાત?

હાઉ ડેર શી?

સુસ્મિતાને પબ્લિસિટીની ધમકી આપતાં તે બીકણ સસલીની જેમ ડરી ગઈ! એ દૃશ્ય યાદ આવતાં કાજલ હસી પડી : સુસ્મિતામૅમ, નિવેદિતાનાં લગ્ન થઈ જવા દો, પછી એળે નહીં તો બેળે તે પબ્લિસિટીનું પાનું ઊતરશે. કરણ દોડતો આવીને તેના આfલેષમાં આવશે, ગાઢ ચુંબન કરશે, ખુશ થશે : તું જબરી છે, મારી મા પાસે હા પડાવી લીધી; બાકી મારી વાત સાત ભવે ન માનત. પછી ધામધૂમથી લગ્ન. કૅરિબિયન આઇલૅન્ડ પર હનીમૂન, કરણ સાથે ઑફિસ, બિઝનેસ એમ્પાયર સંભાળશે.

સુખની ગુદગુદીથી કાજલ આનંદવિભોર થઈ ગઈ.

મોબાઇલ રણકી ઊઠ્યો. એવરેસ્ટ ઍડ્વર્ટાઇઝિંગમાંથી ફોન હતો : અડધો કલાકમાં ઑફિસે આવી શકે? ક્લાયન્ટે ફોટો પસંદ કર્યો હતો, મળવું હતું, ટ્રાયલ-શૂટની વાત કરવી હતી. શ્યૉર, તે તૈયાર જ હતી. વાળ ઠીક કર્યા, થોડો મેક-અપ કર્યો. પરફ્યુમ સ્પþે કરતી તે તરત નીકળી ગઈ. હજી કારની ડિલિવરી મળી નહોતી, નહીં તો વટથી જઈ શકાત. પરાણે ઑટો કરી. ઍડ-એજન્સીની ઑફિસમાં પહોંચી. તેની જ રાહ જોવાતી હતી. મૉડલ કો-ઑર્ડિનેટરની કૅબિન ખોલતાં જ તે સ્તબ્ધ બની ગઈ.

‘અનુ? તું? કમાલ છે તું મને...’

‘પ્લીઝ, લેટ્સ ટૉક અબાઉટ અસાઇનમેન્ટ. મીટ મિસ્ટર ગોપાલકૃષ્ણન.’

‘ઓ યા... રાઇટ...’

કાજલ ક્લાયન્ટ અને અનુ સાથે વાત કરતાં હજી આશ્ચર્યથી ડઘાયેલી હતી. અનુ જાણે સીધી બ્યુટીપાર્લરમાંથી આવી હતી. ફૅશનેબલ, સુઘડ, આત્મવિશ્વાસથી છલોછલ. તે ક્લાયન્ટ સાથે જે રીતે, જે પ્રોફેશનલી વાત કરતી હતી! આ જ એ અનુ! કોઈનાં ઊતરેલાં કપડાં પહેરી સાડીઓના ફૉલ મૂકતી, તેની એક કૃપાદૃષ્ટિ યાચતી આ અનુ...

‘સો ઇટ ઇઝ ફાઇનલાઇઝ્ડ સર. આપ પહલે કાજોલ કે સાથે ટ્રાયલ-શૂટ કરેં, આઇ ઍમ શ્યૉર યુ વિલ ક્લોઝ ધ ડીલ વિથ હર ઓન્લી.’

કાજલે શેકહૅન્ડ કર્યા. ગોપાલકૃષ્ણનની વિદાય પછી અનુ ટેબલ પાછળની એક્ઝિક્યુટિવ ચૅરમાં ગોઠવાઈ. એ સાથે જ કાજલ ઉતાવળે બોલવા માંડી : વાહ રે અનુ! તું આટલી મોટી ઍડ-એજન્સીમાં આ પોસ્ટ પર!

કાજલના ચહેરાના ભાવ જોઈને અનુના કલેજે ઠંડક વળતી હતી. વિધાતાને બદલે છઠ્ઠીના લેખ પોતાની મેળે પોતાની હથેળીમાં લખ્યા હતા. આ દિવસની તેણે કેટલી તીવ્રતાથી ઝંખના કરી હતી! તેના મરોડદાર લિપસ્ટિકઘેરા હોઠ પર આછું સ્મિત આવ્યું.

‘કેમ, હું આ પોસ્ટ પર ન હોઈ શકું?’

કાજલ છોભીલી પડી ગઈ હોય એમ સંકોચ પામી ગઈ, ‘ના-ના, એવું થોડું છે! પણ આપણે દિવાળીમાં મળ્યાં ત્યારે તેં કહ્યું નહીં!’

‘તેં ક્યાં પૂછ્યું હતું? મેં તને કહ્યું હતું કે એક નાની નોકરી કરું છું. બસ, ત્યાં વાત પૂરી થઈ ગઈ.’

કાજલને કોઈ જવાબ ન સૂઝ્યો. પ્યુન અંદર આવ્યો અને કૉફીના બે મગ મૂકી ગયો. અનુએ હાથ લાંબો કર્યો.

‘પ્લીઝ, હેલ્પ યૉરસેલ્ફ. હા, તો હું ત્યારે અહીં ટ્રેઇની હતી. મેં બે વર્ષ - પૂરા ૭૩૦ દિવસ કામ કર્યું. એક પણ રજા વગર. બધા ડિપાર્ટમેન્ટમાં. ધે વર ઇમ્પ્રેસ્ડ. આમ તો છેલ્લાં કેટલાંક વર્ષોથી સીડીનું એક-એક પગથિયું ચડતી હતી. આજે અહીં છું શિયર હાર્ડ વર્ક અને ટૅલન્ટ.’

કાજલ સ્તબ્ધ બનીને સાંભળી રહી.

‘ઇટ ઇઝ ક્રેડિટેબલ.’

અનુને આ રમતમાં હવે આનંદ આવતો હતો. બહુ વર્ષ બિચારી-બાપડી થઈને જીવી હતી. હવે તે કાજલને માત કરવા માગતી હતી અને તેની પાસે પૂરતાં અસ્ત્ર-શસ્ત્ર હતાં.

‘યુ સી, આ ક્લાયન્ટ પાસે તારા ફોટો મેં જ અપ્રૂવ કરાવ્યા હતા. તારા ટ્રાયલ-શૂટ પછી તેની પાસે તારું ડીલ પણ હું જ કરાવી આપીશ. યુ સી, કૉર્પોરેટ વલ્ર્ડમાં મારી સારી ઓળખાણો છે એટલે... અરે હા, નલિન મહેતા, કરણના ફાધરને તું તો ઓળખતી જ હોઈશ. તેમનું અકાઉન્ટ ઍડ-એજન્સીમાં લાવવા મેં પણ... છોડને યાર. નિવેદિતાના રિસેપ્શનનું મને ઇન્વિટેશન છે. સુસ્મિતામૅમનો પણ ફોન હતો. તારે તો જવાનું જ હશે. તારી તો ભાવિ સાસુ થાયને! આપણે જોડે જઈશું? હું તને પિક-અપ કરીશ, ઓકે!

(ક્રમશ:)