મોદી તો વાજપેયી પણ ન બની શકે

23 December, 2012 07:08 AM IST  | 

મોદી તો વાજપેયી પણ ન બની શકે



નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે નરેન્દ્ર મોદી ક્યાં હશે? ભારતના વડા પ્રધાન હશે? લોકસભામાં વિરોધપક્ષના નેતા હશે? પોતાના પક્ષમાં સૌથી સમર્થ હોવા છતાંય અન્ય પક્ષોના ટેકાના અભાવમાં વડા પ્રધાનપદની તક ગુમાવનારા એક ઘવાયેલા નેતા હશે? લોકસભાની મધ્યસત્ર ચૂંટણી માટે બીજેપીનું નેતૃત્વ કરતા હશે? વિભાજિત બીજેપીના કોઈ એક ફાડિયાનું નેતૃત્વ કરતા હશે કે પછી ચોથી વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બનવા માટે ચૂંટણી લડતા હશે?

અત્યારે આ પ્રશ્નોના ઉત્તર આપવા મુશ્કેલ છે, કારણ કે વચ્ચે ૨૦૧૪નું નર્ણિાર્યક વર્ષ છે અને એના ગર્ભમાં શું છુપાયેલું છે એ આપણે જાણતા નથી. અહીં માત્ર એક વાત નિશ્ચિતપણે કહી શકાય એમ છે. નરેન્દ્ર મોદીને કારણે રાષ્ટ્રીય રાજકારણનું અને અન્ય રાજકીય પક્ષોનું તો જે થવાનું હશે એ થશે, નરેન્દ્ર મોદીને કારણે બીજેપીમાં નવાં સમીકરણો અને નવાં વમળો સરજાશે અને પરિણામે બીજેપી આજે છે એનાથી અલગ હશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીપ્રક્રિયા આરંભાઈ ત્યારે કૉન્ગ્રેસ અને કેશુભાઈ પટેલને આશા હતી કે એક દાયકા પછી મોદીના જુવાળમાં ઓટ આવશે અને ગાંધીનગરની ડાળ પર કદાચ બેસવા મળશે. આનાથી ઊલટું બીજેપીના નેતાઓને ફાળ હતી કે જો આ માણસ ૨૦૦૭નાં પરિણામોનું પુનરાવર્તન કરશે તો મોદી નામના અશ્વને દિલ્હી આવતો રોકવો મુશ્કેલ થઈ જશે. ભારતના રાષ્ટ્રીય નેતાઓ માટે ૨૦૦૭માં નરેન્દ્ર મોદી આપણા હતા. ૨૦૧૨માં પક્ષના નેતાઓ અને નરેન્દ્ર મોદી પરસ્પરની ઉપેક્ષા કરતા હતા. નરેન્દ્ર મોદીને દિલ્હીના નેતાઓનો ખપ નહોતો અને દિલ્હીસ્થિત નેતાઓ નરેન્દ્ર મોદી કદ પ્રમાણે વેતરાય એમ ઇચ્છતા હતા. ગુજરાતના ચૂંટણીપ્રચારમાં આ નેતાઓએ નામ પૂરતી હાજરી આપી હતી. ગુજરાતનાં ઉત્સાહવર્ધક પરિણામો આવવા માંડ્યાં ત્યારે એને વધાવવા બીજેપીના કોઈ ર્શીષસ્થ નેતાઓ મિડિયા સમક્ષ ઉપસ્થિત નહોતા થયા. છેક રાત્રે એકલા અરુણ જેટલીએ નરેન્દ્ર મોદી માટે સમય કાઢ્યો હતો. તેમણે મોદીના વડા પ્રધાનપદ બાબતના બધા પ્રશ્નો ટાળી દીધા હતા.

બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મુંબઈ બેઠક વખતે નરેન્દ્ર મોદીએ જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા હતા અને એની સામે પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ જે પ્રતિક્રિયા આપી હતી એ જોઈને મેં આ કૉલમમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીનો હવે પછીનો એજન્ડા બીજેપી પર કબજો કરવાનો હશે. બીજેપીના નેતાઓ એમાં તેમને રોકી નહીં શકે. કૉન્ગ્રેસના જમણેરી નેતાઓના હાથમાંથી જે રીતે ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસ આંચકી લીધી હતી એમ નરેન્દ્ર મોદી બીજેપીના નેતાઓના હાથમાંથી બીજેપીને આંકી લેશે. અલબત્ત, આમાં એક ફરક છે અને એ ફરક વિશે એ લેખમાં મેં ધ્યાન દોર્યું હતું. ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ અને ઇમેજ જુદાં હતાં અને કૉન્ગ્રેસ જુદી હતી. આ ઉપરાંત એ સમયના સત્તાના રાજકારણનું સ્વરૂપ જુદું હતું. ઇન્દિરા ગાંધીની ઇમેજ કોમવાદી નહોતી બલકે ગરીબો માટે કંઈક કરી છૂટવા માગતાં દૃઢ સંકલ્પ ધરાવતાં કૃતનિયી નેતાની હતી. એ સમયની કૉન્ગ્રેસ રાષ્ટ્રવ્યાપી હતી અને આસેતુહિમાલય એના કાર્યકરો હતા. એ સમયે કૉન્ગ્રેસનું એકહથ્થુ શાસન હતું અને સત્તામાં આવવા માટે અન્ય પક્ષોના ટેકાની જરૂર નહોતી. બીજા શબ્દોમાં કૉન્ગ્રેસ કોઈની ઓશિયાળી નહોતી. હજી એક ફરક નોંધવા જેવો છે. ઇન્દિરા ગાંધી અને કૉન્ગ્રેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા કોઈ બાહ્ય પરિબળનાં ગુલામ નહોતાં.

૧૯૬૯ના સંદર્ભોથી ઊલટું નરેન્દ્ર મોદીની ઇમેજ તાનાશાહી વલણ ધરાવતા ઘમંડી હિન્દુત્વવાદીની છે. ગુજરાતની બહાર નરેન્દ્ર મોદીનો સ્વીકાર આસાન નથી. આ યુગ સર્વસમાવેશક (ઇન્ક્લુઝિવ) વિચારધારા અને રાજકારણનો છે. જે એવું નથી માનતા તેમણે પણ સર્વસમાવેશકતાનો દેખાવ કરવો પડે છે. એટલે તો ૧૯૯૬માં બીજેપીને બે બેઠકમાંથી ત્રણ આંકડે પહોંચાડનારા લાલકૃષ્ણ અડવાણીએ વડા પ્રધાનપદની રેસમાંથી હટીને અટલ બિહારી વાજપેયી માટે જગ્યા કરી આપવી પડી હતી. બીજેપીને ત્યારે ઉદારમતવાદી ચહેરાની જરૂર હતી અને વાજપેયી એવો ચહેરો ધરાવતા હતા. નરેન્દ્ર મોદી ઇમેજ મેકઓવરનો ગમે એટલો પ્રયાસ કરે, તેમના માટે અટલ બિહારી વાજપેયી બનવું અશક્ય છે. આ દેશની સુંદર વાસ્તવિકતા એ છે કે જો દિલ્હીમાં રાજ કરવું હોય તો ઉદાર હોવું જરૂરી છે. વધુ કંઈ નહીં તોય ઓછામાં ઓછું ઉદારમતવાદી હોવાની ઇમેજ જરૂરી છે જે ઇમેજ વાજપેયી ધરાવતા હતા.

એ સમયની કૉન્ગ્રેસ અને અત્યારની બીજેપી વચ્ચે જમીન- આસમાનનું અંતર છે. કૉન્ગ્રેસ દેશના એક-એક ખૂણે ફેલાયેલી હતી અને આજે પણ છે; જ્યારે બીજેપી પૂર્વ ભારત, ઈશાન ભારત અને દક્ષિણ ભારતમાં અસ્તિત્વ જ નથી ધરાવતી. લોકસભાનાં લગભગ ૨૦૦ મતદારક્ષેત્રો એના પ્રભાવની સદંતર બહાર છે. આ ઉપરાંત મુસલમાનો અને અન્ય લઘુમતી કોમો બીજેપીથી દૂર રહે છે. આમ બીજેપીની ટૂંકી પહોંચ છે અને એમાં વળી એ હિન્દુત્વવાદી એક્સક્લુઝિવ ચહેરો ધરાવે છે.

આ રાજકીય મોરચાઓ દ્વારા રચાતી સંયુક્ત સરકારોનો યુગ છે અને એ કૉન્ગ્રેસે કરેલી હિમાલય જેવડી ભૂલોનું પરિણામ છે. જે કૉન્ગ્રેસનું દેશભરમાં એકચક્રી શાસન હતું એ ક્ષીણ શા માટે થઈ ગઈ? આનો સીધોસાદો ઉત્તર એ છે કે કૉન્ગ્રેસે ભારતના નાગરિકને વોટબૅન્કમાં ફેરવવાની ચેષ્ટા કરી, એ માટે મધ્યમ માર્ગ સાથે ચેડાં કયાર઼્ અને રસ્તો ચાતરી ગઈ. પહેલાં પંજાબ અને એ પછી જમ્મુ અને કાશ્મીરમાં આગ કૉન્ગ્રેસે લગાડી હતી. એ પછી શાહબાનોના ચુકાદાને ઊથલાવીને મુસલમાનોને રાજી કરવાનું અને બાબરી મસ્જિદનાં તાળાં ખોલીને હિન્દુઓને રાજી કરવાનું રાજકારણ કૉન્ગ્રેસે કર્યું હતું. કૉન્ગ્રેસે દરેક કોમને વોટબૅન્કમાં ફેરવવાનું પાપ કર્યું હતું અને આજે એ એની કિંમત ચૂકવી રહી છે. મધ્યમ માર્ગ છોડવાના કૉન્ગ્રેસના પાપના પરિણામરૂપે આજે સંયુક્ત સરકારોનો યુગ ચાલી રહ્યો છે. આ યુગનો અંત ત્યારે જ આવશે જ્યારે કૉન્ગ્રેસ અથવા બીજેપીને જવાહરલાલ નેહરુ જેવા નેતા જડશે. જવાહરલાલ નેહરુ તો જ્યારે મળે ત્યારે, અત્યારે સંયુક્ત મોરચાના ઘટક પક્ષોને નેહરુ જેવા ચહેરાની જરૂર છે.

બીજેપીને આજે જ્યારે નેહરુની જરૂર છે ત્યારે એને નરેન્દ્ર મોદી મળ્યાં છે. બીજેપીનું આ દુર્ભાગ્ય કહેવાય. ગાંધી-નેહરુની સર્વસમાવેશક નીતિ અપનાવ્યા વિના બીજેપીનો રાષ્ટ્રવ્યાપી સ્વીકાર શક્ય નથી અને જો બીજાની કાખઘોડી સાથે ચાલવું હોય તો વાજપેયી વિના ચાલવાનું નથી. વિસ્તરવું હોય તો નેહરુ જોઈએ અને જો સત્તામાં ટકી રહેવું હોય તો વાજપેયી જોઈએ. નેહરુ તો બાજુએ રહ્યા, નરેન્દ્ર મોદી વાજપેયીની નજીક પણ જઈ શકે એમ નથી.

નરેન્દ્ર મોદી પાસે ત્રણ વિકલ્પ છે. એક, તેઓ હિન્દુત્વના જોરે અને પોતાના વ્યક્તિત્વના જોરે એકલા હાથે બીજેપીને સત્તાની નજીક પહોંચાડે. બે, એમાં જો તેઓ નિષ્ફળ જાય તો સત્તાની બહાર રહેવાની તેઓ પોતે અને પાર્ટી માનસિક તૈયાર રાખે અને ત્રણ, જો પાર્ટી સત્તાની બહાર રહેવા તૈયાર ન હોય તો તેમણે બીજા કોઈ સ્વીકાર્ય નેતાની તરફેણમાં રસ્તો કરી આપવો જોઈએ. બીજેપી માટે સંકટની શરૂઆત અહીંથી થાય છે. નરેન્દ્ર મોદી સત્તાની બહાર લાંબો સમય રહી શકે એમ નથી. નરેન્દ્ર મોદી બીજાની તરફેણમાં રસ્તો કરી આપે એટલા ઉદાર પણ નથી અને નરેન્દ્ર મોદી ઉપરથી નીચે પડે તો પણ એકલા હાથે પક્ષને સત્તા સુધી પહોંચાડી શકે એમ નથી. જેમને ભારતના સામાજિક વાસ્તવનું ભાન ન હોય એ જ આવાં શેખચલ્લી જેવાં સપનાં સેવી શકે. ટૂંકમાં વિકલ્પ બે જ છે : કાં નેહરુ કાં વાજપેયી. એકલા હાથે રાજ કરવું હોય તો નેહરુનો માર્ગ અપનાવવો પડે અને જો સમાધાનો કરીને રાજ કરવું હોય તો વાજપેયીનો માર્ગ અપનાવવો પડે. સમસ્યા એ છે કે કોઈ પણ સંજોગોમાં ભારતનું વાસ્તવ બદલાવાનું નથી અને કોઈ પણ સંજોગોમાં નરેન્દ્ર મોદીનો કાયાકલ્પ થવાનો નથી.

આ ઉપરાંત બીજેપીના પગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની બેડી છે. ૧૯મી સદીમાં પણ જે વિચારધારા પ્રાસંગિક નહોતી એ વિચારધારાના આધારે સંઘ ૨૧મી સદીમાં બીજેપીને પ્રેરે છે અને એ માર્ગે ચાલવાનો આગ્રહ રાખે છે. આ મંદબુદ્ધિ ધરાવતી જમાતનો માનસિક વિકાસ અટકી નથી ગયો, થયો જ નથી. આ જમાતના હાથમાં ભારતના બીજા નંબરના રાષ્ટ્રીય પક્ષનું સ્ટિયરિંગ વ્હીલ છે. ૧૯૬૯માં કૉન્ગ્રેસને અને કૉન્ગ્રેસને કબજે કરનારાં ઇન્દિરા ગાંધીને સ્થળકાળથી ઊંધી દિશામાં ચાલનારી જમાતનો ભાર નહોતો વેંઢારવો પડ્યો.

ટૂંકમાં બીજેપીને આજે એવા નેતાની જરૂર છે જે પક્ષને વધુ પ્રાસંગિક અને એ રીતે વધુ વ્યાપક બનાવી શકે. વારંવારની ધોબીપછાડ પછી ૧૯૮૦ના દાયકામાં બ્રિટનની મજૂર પાર્ટીને ફરી બેઠી કરવા માટે પાર્ટીની અંતર્ગત પુન: જાગરણનું આંદોલન શરૂ થયું છે જે ‘ન્યુ લેબર’ તરીકે ઓળખાય છે. જૂનાં વિચારો અને વળગણોને છોડીને મજૂર પાર્ટીને પ્રાસંગિક બનાવવામાં આવી હતી. બીજેપીને આજે ‘ન્યુ બીજેપી’ના આંદોલનની જરૂર છે જે એને પ્રાસંગિક બનાવે, સંઘની બેડીથી છોડાવે, સર્વસમાવેશક સેક્યુલર વિચારાધારા અપનાવવા પ્રેરે, પક્ષને આસેતુહિમાલય સ્વીકાર્ય બનાવે અને એ રીતે કૉન્ગ્રેસનો સેક્યુલર વિકલ્પ બનાવે. બીજેપીની આજની આ જરૂરિયાત છે અને એને મળ્યાં છે નરેન્દ્ર મોદી.

આગળ કહ્યું એમ કોઈ પણ સંજોગોમાં ભારતનું અસ્તિત્વ બદલાવાનું નથી અને કોઈ પણ સંજોગોમાં નરેન્દ્ર મોદીનો કાયાકલ્પ થવાનો નથી. આ સ્થિતિમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયા પછી બીજેપીના સંકટમાં વધારો થવાનો છે. લાલકૃષ્ણ અડવાણીને ઉંમર નડે છે. સુષમા સ્વરાજ અને અરુણ જેટલી દિલ્હીના નેતાઓ છે. સુષમા સ્વરાજ સંસદનાં માણસ છે અને અરુણ જેટલી ટીવી-ચૅનલોના, સ્ટુડિયોના માણસ છે. પ્રજાની વચ્ચે તેમનું કોઈ અસ્તિત્વ નથી. આ બે વરિષ્ઠ નેતાઓ ઉપરાંત બીજા એક ડઝન ‘રાષ્ટ્રીય નેતાઓ’ છે જે રાષ્ટ્રમાં કોઈ પણ સ્થળેથી એકલા હાથે ચૂંટણી જીતી શકતા નથી. બીજેપીના લોકનેતાઓ માત્ર રાજ્યોમાં છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહ અને રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે બીજેપીનાં લોકપ્રિય અને વગદાર નેતાઓ છે. આવનારાં વરસોમાં આ નેતાઓ વચ્ચે સત્તાસંઘર્ષ થશે, જે રીતે નેહરુના અવસાન પછી કૉન્ગ્રેસમાં થયો હતો. એ સંઘર્ષમાં નરેન્દ્ર મોદી વિજયી થશે અને એ બીજેપીનું સૌથી મોટું સંકટ હશે.

બે-ત્રણ દાયકા પહેલાંનાં ગામડાં જેણે જોયાં હશે તેમને નળમાં આખલો ભટકાવાના સંકટની જાણ હશે. સેંકડો વર્ષ જૂની ગાડાવટને કારણે ઘસાયેલા રસ્તાઓ ઊંડા ઊતરી જાય એને નળ કહેવામાં આવે છે. આઠ-દસ ફૂટ ઊંડી નળમાંથી બળદગાડું પસાર થતું હોય અને અચાનક સામેથી આખલો આવી ચડે ત્યારે જોવા જેવું સંકટ પેદા થતું હોય છે. બળદગાડું પાછું વળે નહીં અને આખલો રસ્તો આપે નહીં. આવનારાં વરસોમાં બીજેપીમાં આવી સ્થિતિ સર્જાય તો આશ્ચર્ય નહીં.