૩૧ કરોડની વસ્તી ૩૦ કરોડ ગન

23 December, 2012 07:04 AM IST  | 

૩૧ કરોડની વસ્તી ૩૦ કરોડ ગન



આર્યન મહેતા

અમેરિકાના ઉત્તર-પૂવર્‍ કિનારે આવેલા કનેક્ટિકટ રાજ્યના ન્યુટાઉનમાં આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં બનેલી આ ઘટના છે. ૧૯૮૪ના એપ્રિલમાં ચાર વર્ષની એક દીકરીની માતા અચાનક ગાયબ થઈ ગઈ. માત્ર ૨૭ હજાર જેટલી જ વસ્તી ધરાવતા આ ગામમાંથી એ વખતે એક સ્ત્રીનું ગાયબ થવું એ અખબારોનાં મથાળાં અને ભારે લોકચર્ચાનો વિષય બનેલું. એથીયે વધુ આઘાતજનક વાત એ હતી કે પોલીસ એ સ્ત્રીનાં કોઈ સગડ મેળવી શકી જ નહીં. એ ઘટનાને બે-પાંચ નહીં, બલ્કે છવ્વીસ વર્ષ વીતી ગયાં. જે ઘરમાંથી એ સ્ત્રી ગાયબ થઈ ગયેલી એ ઘરના માલિકો પણ હવે બદલાઈ ગયેલા. નવા માલિકોએ ઘરનું રિનોવેશન કામ આદરેલું. અચાનક એ નવા માલિકોએ ૯૧૧ ડાયલ કરીને પોલીસ બોલાવી અને માહિતી આપી કે અમારા ઘરના રસોડામાંથી કોઈ માણસનાં હાડકાં મળી આવ્યાં છે. ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું કે આ એ જ સ્ત્રીનાં હાડકાં હતાં જે ૨૬ વર્ષ અગાઉ ગાયબ થઈ ગયેલી. વાસ્તવમાં તેના પતિએ જ તેની હત્યા કરીને તેને રસોડામાં દાટી દીધેલી. એના પર બાકાયદા ટાઇલ્સ પણ લગાવી દીધેલી! ૨૦૧૦માં બહાર આવેલા આ સત્યથી આ ગામ હલબલી ઊઠેલું. પરંતુ ગયા અઠવાડિયે આ જ ખોબા જેવડા ગામમાં જે ઘટના બની એણે માત્ર અમેરિકા જ નહીં, પૂરા વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા. ૧૪ ડિસેમ્બરની સવારે ઍડમ લૅન્ઝા નામનો છોકરડો અહીંની સૅન્ડી હુક સ્કૂલમાં બંદૂકો સાથે ધસી ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધા જેમાં કુલ ૨૭ વ્યક્તિઓ મૃત્યુ પામી. વધુ શૉકિંગ વાત તો એ હતી કે એમાં વીસ તો પહેલા ધોરણમાં ભણતાં માસૂમ બાળકો હતાં. સ્કૂલે પહોંચતાં પહેલાં એ ઍડમે પોતાની માતાને પણ ગોળીએ દીધેલી અને આમ કુલ ૨૮ જાન લીધા પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

જો અમેરિકાના સમાજકારણ પર નજર નાખીએ તો ખ્યાલ આવશે કે અમેરિકા માટે આ ઘટના જરાય નવી નથી. એક તો પાછલા ત્રણેક મહિનામાં જાહેર સ્થળે બંદૂક સાથે ધસી જઈને લોકોના જીવ લેવાની આ ત્રીજી ઘટના છે. પહેલાં ડેન્વર પાસે ‘ધ ડાર્ક નાઇટ રાઇઝિસ’ ફિલ્મના એક હાઉસફુલ શોમાં, ત્યાર બાદ વિસ્કોન્સિનના એક ગુરુદ્વારામાં અને હવે સૅન્ડી હુક સ્કૂલમાં. મૃત્યુની ગંભીરતાની પણ જેને ખબર ન હોય એવા લવરમૂછિયા છોકરડા સ્કૂલમાં બંદૂક સાથે ધસી ગયા હોય અને બીજાનો કે પોતાનો જીવ લઈ લીધો હોય એવી આ જ વર્ષમાં બનેલી આ સાતમી ઘટના છે.

ખુદ અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાની આંખમાં આંસુ લાવી દેનારી આ ઘટનાએ અમેરિકાના ગન-કલ્ચર પર વધુ એક વખત લાલબત્તી ધરી દીધી છે. સ્વાભાવિક છે આ રીતે નર્દિોષોની હત્યા કરનારા માનસિક રીતે વિકૃત હોય અથવા તો કોઈ ને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય. આપણે જેનાથી વાત શરૂ કરી એ ન્યુટાઉન શહેરમાં થયેલી સ્ત્રીની હત્યામાં તે દંપતીના છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી હતી, જ્યારે હમણાં ૧૪ ડિસેમ્બરે બનેલી ઘટનામાં આરોપી ઍડમ લૅન્ઝાનાં માતા-પિતાના પણ વર્ષો પહેલાં છૂટાછેડા થઈ ગયેલા. ખુદ ઍડમ થોડો ઑટિસ્ટિક અને ઍસ્પર્ગર્સ સિન્ડ્રોમ (‘માય નેમ ઇઝ ખાન’માં શાહખ ખાનને જે રોગ હતો એ)થી પીડાતો હતો. ઍડમના મોટા ભાઈ રાયને બે વર્ષથી ઍડમ સાથે વાત નહોતી કરી એટલું જ નહીં, ઍડમની મમ્મી નૅન્સી ઘણાં વર્ષથી તેને પોતાને ઘરે જ ભણાવતી હતી. તેની મમ્મી, જે ખુદ પોતાના દીકરાની જ ગોળીઓનો શિકાર બની, તે પોતે બંદૂકો એકઠી કરવાની અને શૂટિંગની શોખીન હતી. બન્ને દીકરાઓને પણ તે ઘણી વાર શહેરની શૂટિંગ રેન્જમાં પોતાની સાથે લઈ જતી. તેની પાસે ઘરમાં અલગ-અલગ મૉડલ્સની એક ડઝનથી પણ વધુ બંદૂકો એકઠી કરેલી હતી. એમાંથી જ ત્રણ બંદૂકોનો આ ગોળીબારમાં ઉપયોગ થયો.

જ્યાં-જ્યાં જ્ઞાનની ગંગા વહેતી હોય ત્યાં બંદૂકની ગોળીઓથી લોહીની નદીઓ વહે એવા અમેરિકન સ્કૂલ-શૂટિંગના બનાવો વિશે વાંચીએ તો આપણું લોહી ઊકળી ઊઠે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઓહાયોની એક હાઈ સ્કૂલમાં સત્તર વર્ષનો છોકરડો પૉઇન્ટ બાવીસ કૅલિબરની સેમીઑટોમૅટિક ગન લઈને પોતાની સ્કૂલે ધસી ગયો અને કૅફેટેરિયામાં બેઠેલા ત્રણ છોકરાઓને ઉડાડી દીધા. ઑગસ્ટ મહિનામાં જ્યૉર્જિયાની એક સ્કૂલમાં સોળ વર્ષના છોકરાએ સ્કૂલના ટૉઇલેટમાં લમણે ગોળી મારીને આત્મહત્યા કરેલી. અરે, સપ્ટેમ્બર મહિનામાં ઓક્લાહોમા રાજ્યમાં તો ૧૩ વર્ષના એક છોકરાએ બંદૂકની ગોળી ખાઈને આત્મહત્યા કરેલી. હજી હમણાં ગયા મહિને યુટાહ રાજ્યમાં ૧૪ વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના મિત્રોની સામે જ પોતાને ગોળી મારીને મોતને વહાલું કરેલું. એમાં બહાર આવેલું કે તેને કોઈ કારણોસર સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવેલો અને ઉપરથી તેના મિત્રો પણ તેને હોમોસેક્સ્યુઅલ કહીને ચીડવતા. અરે, અગાઉનાં વર્ષોમાં તો બાળકોએ નજીવાં કારણોસર પોતાની, પોતાના મિત્રોની કે ઈવન પોતાના શિક્ષક કે પ્રિન્સિપાલની સુધ્ધાં હત્યાઓ કરેલી છે. ૨૦૦૦ના વર્ષમાં ફ્લોરિડામાં ૧૩ વર્ષના એક બાળકે પોતાના વાઇસ પ્રિન્સિપાલને એટલા માટે ગોળીએ દીધેલા કારણ કે તેમણે તેને પાણી ભરેલા ફુગ્ગા બીજા બાળકો પર ફેંકેલા એ માટે તેને એ દિવસે સજારૂપે ઘરે મોકલી દીધેલો. ઘરે જઈને ગુસ્સામાં તેણે તેના દાદાની બંદૂક અને ગોળીઓ ચોરી અને સ્કૂલે પાછા ફરીને વાઇસ પ્રિન્સિપાલ સામે બદલો લીધો. ૨૦૦૭માં ૨૩ વર્ષના એક કોરિયન વિદ્યાર્થીએ વર્જિનિયા ટેક યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર કરીને જે આતંક મચાવેલો એ આપણને હજી યાદ છે. અમેરિકાના ઇતિહાસમાં બનેલી એવી સૌથી કરપીણ ઘટનામાં મુંબઈની મૂળ ગુજરાતી એવી મીનળ પંચાલ અને મૂળ તામિલનાડુના પ્રોફેસર જી. વી. લોગનાથન સહિત કુલ ૩૨ વ્યક્તિઓનાં મોત થયેલાં.

આટલુંબધું બને છે છતાં આપણને જાણીને આઘાત લાગે એવી વાત એ છે કે અમેરિકામાં બંદૂક રાખવાના અને એનું લાઇસન્સ મેળવવાના કાયદા આશ્ચર્યજનક રીતે સરળ છે. જોકે આ મુદ્દે દરેક રાજ્યના કાયદા અલગ-અલગ છે તેમ છતાં સરેરાશ જોઈએ તો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ રાઇફલ કે શૉટગન ખરીદી શકે છે. તે જ વ્યક્તિ ૨૧ વર્ષની થાય ત્યારથી તે હૅન્ડગન ખરીદી શકે છે. હા, આ હથિયારો તેમણે માત્ર બંદૂકના લાઇસન્સધારક વેપારી પાસેથી જ અને યોગ્ય આઇડેન્ટિટી પ્રૂફ બતાવીને ખરીદવાનાં રહે. ધૅટ્સ ઑલ. સત્તાવાર રીતે બંદૂક ધરાવતી વ્યક્તિ પાસેથી બંદૂક ખરીદવાના કાયદા પણ ખાસ્સા હળવા છે. આ ઉપરાંત અમેરિકામાં કાયદેસર રીતે હથિયારો વેચતી દુકાનોની સંખ્યા પણ ઘણી વધારે છે. કદાચ આ જ કારણ છે કે અમેરિકામાં સામાન્ય નાગરિકો ૩૦ કરોડ જેટલી બંદૂકો ધરાવે છે. આની સામે અમેરિકાની કુલ વસ્તી જ ૩૧ કરોડ છે. મતલબ કે અમેરિકાની વસ્તી જેટલી જ બંદૂકો અમેરિકન નાગરિકો ધરાવે છે એટલું જ નહીં, અમેરિકાના જે નાગરિકો પોતાની પાસે બંદૂકો ધરાવે છે તેમની પાસે સરેરાશ ચાર જેટલી બંદૂકો છે. અરે, વિશ્વમાં દર સો વ્યક્તિઓએ સૌથી વધુ બંદૂકો ધરાવતા દેશોમાં અમેરિકાનો નંબર સૌથી પહેલો આવે છે. મતલબ કે અમેરિકા બંદૂકપ્રિય દેશ છે એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં લેખાય.

સવાલ એ થાય કે અમેરિકામાં બંદૂકોનું આટલુંબધું પ્રભુત્વ શા માટે છે? આ માટે અમેરિકામાં હથિયારો દ્વારા થતી આવકના આંકડા પણ તપાસવા પડે. ૨૦૦૮માં હથિયાર-ઉદ્યોગની આવક ૧૯ અબજ ડૉલર હતી જે ૨૦૧૧માં વધીને ૩૧ અબજ ડૉલર થઈ છે. ખુદ અમેરિકનો દર વર્ષે ચાર અબજ ડૉલર જેટલી પ્રચંડ રકમ માત્ર હથિયારો ખરીદવા માટે જ ખર્ચે છે. પણ શા માટે? એનો પહેલો અને સીધો જવાબ છે, સેફ્ટી માટે. અમેરિકા જેવા વિશાળ વિસ્તાર અને એના પ્રમાણમાં પાંખી વસ્તી ધરાવતા દેશના લોકો દાયકાઓથી માને છે કે પોતાની સલામતી માટે બંદૂક રાખવી એમાં ખોટું શું છે? બલ્કે એ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે! આ માનસિકતાને કારણે જ અમેરિકામાં અબ્રાહમ લિંકન, જૉન એફ. કેનેડીથી લઈને માર્ટિન લ્યુથર કિંગ જેવા નેતાઓની હત્યા બંદૂકના ધડાકે થયેલી. અરે, બીટલ્સ ગ્રુપના ગિટારિસ્ટ જૉન લેનનની તો એક માથાફરેલે બગીચામાં ઠંડા કલેજે ગોળી મારીને હત્યા કરેલી. અમેરિકામાં દર વર્ષે જાહેરમાં બંદૂકના ભડાકા કરતા લોકોનું પ્રમાણ ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે અમેરિકાના ડુંગરા દૂરથી જેટલા રળિયામણા દેખાય છે એટલા છે નહીં. ગયા વર્ષે અમેરિકામાં સાડાઅગિયાર હજાર લોકો બંદૂકની ગોળીથી મરેલા. એમાં આત્મહત્યાનો પણ સમાવેશ થઈ જાય છે. બીજી રીતે કહીએ તો અમેરિકાની વસ્તીમાં દર લાખે લગભગ ચાર લોકો બંદૂકની ગોળીનો શિકાર બનીને કમોતે મરે છે.

બંદૂક સાથેનું અમેરિકનોનું વળગણ કંઈ આજકાલનું નથી. અગાઉ વગડાઉ વિસ્તારોમાં આદિવાસીઓથી પોતાનું રક્ષણ કરવાના નામે, પછી પ્રાણીઓનો શિકાર કરવા અને એમનાથી બચવા માટે અને પછી ચોર-લૂંટારાઓથી બચવા માટે બંદૂકડીઓ રાખવાનું ચલણ વધ્યું. અમેરિકાના ઐતિહાસિક બૅકગ્રાઉન્ડ પર બનેલી સ્પૅઘેટી વેસ્ટર્ન પ્રકારની હૉલીવુડની ફિલ્મોમાં બંદૂકો રાખતા કાઉબૉયનાં પાત્રો આ જ અમેરિકન ગન-કલ્ચરનું પ્રતિબિંબ છે. આ બધાને કારણે અમેરિકામાં બંદૂક રાખવી એ સેફ્ટી ઉપરાંત એક ફૅશન અને બહાદુરી-મર્દાનગીનું પણ પ્રતીક ગણાવા લાગ્યું. આપણને જાણીને આઘાત લાગે એવી વાત છે, પણ અમેરિકામાં દાયકાઓથી અખબારોમાં સાચકલી બંદૂકો વેચવાની જાહેરખબરો આવતી રહી છે. આ જાહેરખબરોમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ બેધડક ઉપયોગ થતો રહે છે.

આટઆટલું બને છે તો પછી અમેરિકામાં ગન-કન્ટ્રોલ માટેના કડક કાયદા કેમ લાદી દેવાતા નથી એવો સવાલ થવો સ્વાભાવિક છે, પરંતુ ત્યાંની શક્તિશાળી ગન-લૉબી આમ થવા દેતી નથી. હા, અહીં ગન-કન્ટ્રોલ ઍક્ટ-૧૯૬૮ જેવા કાયદા છે, પણ એ પૂરતા નથી. અહીં વર્ષોથી નૅશનલ રાઇફલ અસોસિએશન તથા ગન ઓનર્સ ઑફ અમેરિકા જેવાં બંદૂકતરફી અને અન્ય બંદૂકવિરોધી સંગઠનો વચ્ચે તૂતૂ-મૈંમૈં ચાલ્યે રાખે છે. હવે કનેક્ટિકટમાં બનેલા શૂટઆઉટના બનાવ પછી ઓબામાએ જાન્યુઆરીમાં બંદૂક રાખવા સામે વધુ એક કડક કાયદો રાખવાની વાત કરી છે. એ દરમ્યાન શિક્ષકોને પોતાના અને બાળકોના રક્ષણ માટે બંદૂક રાખવાની અનુમતિ આપવાની પણ વાત થઈ રહી છે. એ દરમ્યાન માતા-પિતાઓ પોતાનાં બાળકોને બંદૂકની ગોળી આરપાર ન જઈ શકે એવું બુલેટપ્રૂફ દફ્તર પણ ખરીદી આપવા માંડ્યાં છે.

વાત-વાતમાં ભડાકા કરવા માંડતા અમેરિકનો માટે કહેવાય છે કે અમેરિકામાં મનોચિકિત્સા-સાઇકિઍટ્રિક સારવાર મેળવવા કરતાં ગનનું લાઇસન્સ મેળવવું વધુ સરળ છે. એ તો સ્પક્ટ છે કે અમેરિકામાં માબાપ અને સંતાનો વચ્ચે ક્યાંક પ્રેમ, હૂંફ અને લાગણીના સેતુમાં ભંગાણ પડ્યું છે. ત્યાંની અત્યંત સ્વકેãન્દ્રત જીવનશૈલીમાં એકબીજા વિશે વિચારવાનો સમય જ નથી. બાળકો પર સતત નજર રાખવી, તેઓ શું કરે છે, તેમની વર્તણૂકમાં કોઈ પરિવર્તન દેખાય છે કે કેમ, તેઓ કોઈ વાતે ડિસ્ટર્બ છે કે કેમ, તેમના મિત્રો કોણ છે આ બધી વાતોની જાણકારી ભવિષ્યના સંભવિત ગુનાને ઊગતા જ ડામી દે છે. અત્યંત સુલભ થઈ ગયેલી વિડિયો-કમ્પ્યુટર ગેમ્સમાં પણ શૂટિંગની ગેમ્સ જ સૌથી પૉપ્યુલર હોય છે. બાળકો એનો મર્યાદિત ઉપયોગ કરે એ પણ માબાપે જોવું જોઈએ. વળી મનોરોગ એવી વસ્તુ છે જે ઝટ નજરે ચડે નહીં અને એમાં સરળતાથી મળતી બંદૂકો જેવું જીવલેણ કૉમ્બિનેશન ભળે તો પછી આવી ઘટનાઓ બને એમાં શી નવાઈ?

ગુનાખોરી અટકાવો જપાન સ્ટાઇલ

અમેરિકામાં એક તરફ વર્ષે સાડા અગિયાર હજાર જેટલા લોકો બંદૂકની ગોળીનો શિકાર થાય છે ત્યારે જપાનમાં આ આંકડો કેટલો છે જાણો છો? વર્ષે માત્ર એક કે બે! ૨૦૦૭ના વર્ષમાં જપાનમાં સૌથી વધુ ૧૨ વ્યક્તિઓ બંદૂકની ગોળીનો શિકાર બની ત્યારે આખા દેશમાં હોહા થઈ ગયેલી કે તમે શું કરવા બેઠા છો? અને સામે પક્ષે અમેરિકામાં વર્ષે છસ્સો જેટલા લોકો તો માત્ર અકસ્માતે ગોળી છૂટી જવાને કારણે મોતને ભેટે છે. અંગ્રેજીમાં જેને હૉમિસાઇડ કહે છે એ માનવહત્યાનો સૌથી ઓછો દર ધરાવતા દેશોમાં જપાન બીજા ક્રમે આવે છે. પહેલો દેશ છે લક્ઝમબર્ગ. પરંતુ વિકસિત દેશોમાં તો જપાન જ સૌથી શાંતિપ્રિય દેશ હોવાનું કહી શકાય. આનું સૌથી મોટું કારણ છે બંદૂકો પરનો સખત પ્રતિબંધ. બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ બૉમ્બને કારણે તારાજ થયેલા અને આજે વિશ્વની સૌથી વધુ ન્યુક્લિયર ઊર્જા‍ પેદા કરતા જપાનમાં એક બંદૂક ખરીદવી લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ છે. ધારો કે તમારે જપાનમાં બંદૂક ખરીદવી હોય તો પહેલાં આખા દિવસનો એક ક્લાસ ભરવો પડે અને એના પરથી એક લેખિત પરીક્ષા પાસ કરવી પડે. આ પરીક્ષા પાછી દર મહિને એક જ વાર લેવાય. એટલે એક પરીક્ષા ચૂક્યા તો બીજી પરીક્ષા સુધી રાહ જોવાની. એ પરીક્ષા પાસ કર્યા પછી શૂટિંગ રેન્જ ટેસ્ટનો વારો આવે. ત્યાર પછી હૉસ્પિટલમાં જઈને મેન્ટલ ટેસ્ટ અને ડ્રગ્સ ટેસ્ટ પાસ કરવી પડે જેનાં રિઝલ્ટ પોલીસ પાસે જમા કરાવવાં પડે. ત્યાર પછી પોલીસ તમારો પાસ્ટ ક્રિમિનલ રેકૉર્ડ ચેક કરે જેમાં તમારી સામે કોઈ કેસ થયા છે કે કેમ અથવા તો દૂર-દૂર સુધી તમારા કુટુંબમાં કોઈ કેસ થયેલા કે કેમ અથવા તો તમારે કોઈ માથાભારે સંગઠનો સાથે સંબંધ છે કે કેમ એની કડક ચકાસણી થાય. આ બધું સમુંસૂતરું પાર પડે તો તમને હૅન્ડગન કે ઍર રાઇફલ રાખવાની પરમિશન મળે. અને હા, એ હથિયાર તમે ઘરમાં ક્યાં રાખો છો એની પણ માહિતી તમારે પોલીસને આપવાની રહે. એમાંય પાછો નિયમ એવો કે બંદૂક અને ગોળી બન્નેને અલગ-અલગ જગ્યાએ યોગ્ય તાળાબંધીમાં રાખવાનાં રહે એટલું જ નહીં, દર વર્ષે પોલીસ તમારી બંદૂકની ચકાસણી કરવા તમારા ઘરે પણ આવે અને દર ત્રણ વર્ષે તમારે પેલી બધી જ ટેસ્ટ ફરી-ફરીને આપવાની રહે.

અમેરિકા અને જપાન વચ્ચે મુખ્ય તફાવત જ અહીં છે. અમેરિકામાં કાયદો જ સ્વરક્ષણ માટે લોકોને પોતાની પાસે હથિયાર રાખવાની પરવાનગી આપે છે, જ્યારે જપાનનો કાયદો કહે છે કે કોઈ પણ નાગરિક બંદૂક કે તલવાર સુધ્ધાં પોતાની પાસે નહીં રાખે. બન્નેના કાયદામાં તફાવતને કારણે બન્ને દેશોમાં બંદૂકને કારણે જતા જીવની સંખ્યામાં રહેલો તફાવત કોની દિશામાં જવા જેવું છે એ સ્પક્ટપણે કહી આપે છે.