રેડિયેશન એટલે શું અને એ કયા પદાથોર્માંથી ફેંકાય? કયા પ્રકારનો કિરણોત્સર્ગ જોખમી?

23 December, 2012 06:57 AM IST  | 

રેડિયેશન એટલે શું અને એ કયા પદાથોર્માંથી ફેંકાય? કયા પ્રકારનો કિરણોત્સર્ગ જોખમી?


સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

હમણાં મુંબઈમાં મોબાઇલ ટાવર્સ અને એમાંથી ફેંકાતા રેડિયેશન (કિરણોત્સર્ગ)ના ન્યુઝ ચર્ચામાં રહ્યા. મહારાષ્ટ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન અને મહાનગરપાલિકાનાં સૂત્રોના કહેવા મુજબ હાલ મુંબઈમાં ૨૩,૮૦૦ જેટલા સેલ-ટાવર્સ છે અને એમાંના ૧૮૦૦ જેટલા તો ગેરકાયદે છે એટલું જ નહીં, આ તમામ સેલ-ટાવર્સમાંથી ફેંકાતા રેડિયેશનનું પ્રમાણ પણ નિશ્ચિત માર્ગદર્શિકા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મહાનગરના આટલાબધા સેલ-ટાવર્સમાંથી દરરોજ પ્રતિચોરસમીટર ૪૫૦ મિલીવૉટ્સ કરતાં પણ વધુ પ્રમાણમાં રેડિયેશન બહાર ફેંકાતું હોવાના અને એ રેડિયેશન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા અને ન કરતા લોકોના આરોગ્ય માટે હાનિકારક છે એવા સમાચારથી શહેરમાં ચિંતા ફેલાઈ જાય એ સ્વાભાવિક છે.

૨૦૧૧માં જપાનમાં થયેલા ભયાનક ભૂકંપથી એના ફુકુશિમા ઍટમિક પાવર-સ્ટેશનમાંથી મોટી માત્રામાં કિરણોત્સર્ગ બહાર ફેંકાયું હોવાથી અનેક લોકોને આરોગ્યની ગંભીર સમસ્યાઓ થઈ હતી. ફુકુશિમાની ગંભીર દુર્ઘટનાને પગલે ભારતમાં પણ અણુઊર્જામથકોની સલામતી સામે ચિંતા વ્યક્ત થઈ હતી.

રેડિયેશન એટલે શું? મોબાઇલ ટાવર્સમાંથી અને ઍટમિક પાવર-સ્ટેશનમાંથી ફેંકાતા કિરણોત્સર્ગ વચ્ચે કોઈ તફાવત હોય છે? રેડિયેશન અન્ય કોઈ પદાથોર્માંથી નીકળે છે ખરું? કેવા પ્રકારનું રેડિયેશન માનવી સહિત અન્ય જીવસૃષ્ટિ માટે કઈ રીતે હાનિકારક છે? આવા સહજ સવાલો કૉમન મૅનને થાય એ સમજી શકાય એવી બાબત છે.

૧૯૮૬ની ૨૬ એપ્રિલે જૂના સોવિયેત યુનિયનના યુક્રેન સ્ટેટના ચેનોર્બિલ ઍટમિક પાવર-સ્ટેશનમાં થયેલી ભયાનક દુર્ઘટનાથી બહુ મોટી માત્રામાં રેડિયેશન બહાર ફેંકાયું હતું અને પરિણામે ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં. ચેનોર્બિલની દુર્ઘટના પછી જ વિશ્વના મોટા ભાગના લોકોને કિરણોત્સર્ગ અને એના જોખમ વિશે ખરી જાણકારી મળી હતી.

રેડિયેશન એટલે નરી આંખે ન જોઈ શકાય એવાં અને સમગ્ર જીવસૃષ્ટિ માટે ભારે હાનિકારક કિરણો. નિષ્ણાત વિજ્ઞાનીઓના કહેવા મુજબ મૂળભૂત રીતે તો રેડિયેશન એક પ્રકારની ઊર્જા જ છે એટલું જ નહીં, કિરણોત્સર્ગ પણ વિવિધ પ્રકારનું હોય છે. 

ઉદાહરણરૂપે આખી પૃથ્વીને દરરોજ પ્રકાશ આપતા સૂર્યમાંથી ખરેખર તો ઊર્જા જ ફેંકાય છે. સૂર્યની ઊર્જા સંપૂર્ણ કુદરતી છે. આમ છતાં સૂર્યમાંથી ફેંકાતી ઊર્જામાં પણ હાનિકારક રેડિયેશન જરૂર હોય છે જેને અલ્ટ્રાવાયોલેટ રેઝ કહેવાય છે. સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો બહુ થોડીક માત્રામાં પણ પૃથ્વીનું વાતાવરણ ભેદીને પ્રવેશી જાય તો અસંખ્ય લોકોને ચામડીનું કૅન્સર થાય. ઉપરાંત માનવીના શરીરમાંના અસંખ્ય કોષો પણ મરી જાય અને પરિણામે માણસ મૃત્યુ પામે.

યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ જેવા કુદરતી પદાથોર્માંથી; માનવશરીરનાં જુદાં-જુદાં આંતરિક અંગો સ્પષ્ટ રીતે જોવા માટે ઉપયોગમાં લેવાતાં એક્સ-રે મશીન્સમાંથી; ઇલેક્ટ્રિક બલ્બ અને ટ્યુબલાઇટમાંથી તથા માટીમાંથી પણ રેડિયેશન ફેંકાય છે.

જાણવા જેવી વાત એ છે કે દરેક પ્રકારનું કિરણોત્સર્ગ હાનિકારક નથી હોતું. ઉદાહરણરૂપે આપણા ઘરમાં ઝળહળતી ટ્યુબલાઇટ અને બલ્બમાંથી પણ રેડિયેશન તો ફેંકાય છે, પરંતુ એના રેડિયેશનની માત્રા બહુ જ સૂક્ષ્મ હોય છે. ઉપરાંત ટ્યુબલાઇટની અને બલ્બની સપાટી પર પણ એના કિરણોત્સર્ગની કોઈ સીધી અસર નથી થતી. પરિણામે ટ્યુબલાઇટ અને બલ્બમાંથી ફેંકાતું કિરણોત્સર્ગ માનવ-આરોગ્ય માટે હાનિકારક નથી હોતું. વળી માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ રેડિયેશન પણ હાનિકારક નથી હોતું. આજે ઘણા લોકોના ઘરમાં ભોજનની વાનગીઓ ગરમ કરવા માટે માઇક્રોવેવ નામના ઇલેક્ટ્રૉનિક સાધનનો ઉપયોગ થાય છે. આમ તો આ માઇક્રોવેવમાંથી પણ રેડિયેશન તો ફેંકાતું હોય છે, પરંતુ એ ખાદ્યપદાર્થમાં ખાસ પ્રકારની પ્રક્રિયા કરીને એને ગરમ કરે છે તો રાંધે પણ છે.

જોકે એક્સ-રે મશીનમાંથી ફેંકાતું રેડિયેશન આરોગ્ય માટે જરૂર હાનિકારક હોય છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક બલ્બ અને ટ્યુબલાઇટ તથા માઇક્રોવેવમાંથી ફેંકાતા રેડિયેશનની સરખામણીએ એક્સ-રે મશીનનું રેડિયેશન વધુ હાનિકારક છે. શરીરના આંતરિક હિસ્સામાં કોઈ તકલીફ કે ખરાબી થઈ હોય તો ડૉક્ટર એક્સ-રે રિપોર્ટ તૈયાર કરીને એનું નિદાન કરવાનો પ્રયાસ કરે છે. આધુનિક મેડિકલ સાયન્સની દૃષ્ટિએ એક્સ-રે જરૂર ઉપયોગી ગણાય, પરંતુ એનો એક કરતાં વધુ વખત ઉપયોગ પણ આરોગ્ય માટે તો જોખમી જ ગણાય એવો મત નિષ્ણાત ડૉક્ટરો પણ વ્યક્ત કરે છે.