વપરાયેલા કૉન્ડોમનો નિકાલ કઈ રીતે કરશો?

23 December, 2012 06:46 AM IST  | 

વપરાયેલા કૉન્ડોમનો નિકાલ કઈ રીતે કરશો?



તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

કૉન્ડોમ એટલે કે નિરોધના વપરાશ વિશે ઢગલાબંધ સાહિત્ય ઉપલબ્ધ છે, પરંતુ વપરાયેલા નિરોધના નિકાલ બાબતે ભાગ્યે જ કોઈ ચર્ચા થાય છે.

વપરાયેલા નિરોધના નિકાલ વખતે જે કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે વિચારવાની જરૂર છે એ આ રહ્યા : (૧) વાતાવરણ ઉપર વિપરીત અસર (૨) એઇડ્સનો ભય અને (૩) જાહેર સ્વચ્છતાને લગતી બાબત.

અનેક જાહેર માર્ગો, પ્લૉટો, ગલીકૂંચીઓ, મેદાનો, બજારો, કોઠાઓ યા વણવપરાતી જગ્યાઓમાં આપણને વપરાયેલાં નિરોધ જોવા મળે છે. તદુપરાંત અંધારી ખૂણાખાંચરાવાળી જગ્યાઓ પર, ચોરે-ચૌટે, રહેણાક યા કમર્શિયલ વિસ્તારોમાં પણ આપણને ફાટેલાં-તૂટેલાં અને વપરાયેલાં નિરોધ જોવા મળે છે.

માત્ર ભારતમાં જ નહીં, વિકસિત રાષ્ટ્રોમાં પણ નિરોધનો નિકાલ હાઇજીનિક રીતે કઈ રીતે કરવો એ બાબતની ચર્ચાઓ તેજ બની રહી છે.

જોકે યુરોપ-અમેરિકામાં લોકો ટૉઇલેટના આઉટલેટમાં નિરોધ ફગાવી દે છે જેને રોકવા સંસ્થાઓ પ્રયત્નશીલ બની છે, જ્યારે ભારતમાં પ્રશ્ન અલગ છે; કેમ કે અહીં લોકોને કચરાપેટી, જાહેર શૌચાલયો, રસ્તાઓ, વાડાઓ વગેરે ગમે ત્યાં વપરાયેલા નિરોધને ફગાવી દેવાની આદત છે.

જ્યાં સુધી શહેરની સ્વચ્છતા-સુઘડતાનો પ્રશ્ન છે ત્યાં સુધી વાત એકદમ સ્પષ્ટ છે કે નિરોધને અન્ય લોકોની નજર પડે એ રીતે ફગાવવું યોગ્ય નથી. તમે મંદિરના પ્રાંગણમાં પહોંચો અને રસ્તામાં ફાટેલું નિરોધ નજરે ચડે તો? તે સંવેદનશીલ વ્યક્તિને અચૂક એસ્થેટિક શૉક લાગે, કેમ કે નિરોધ જાતીય સુખ ભોગવતી વખતે વપરાતું સાધન છે. અચાનક જાહેર સ્થળે રઝળતાં નિરોધ જોવા મળે તો વડીલો, સ્ત્રીઓ વગેરે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જઈ શકે છે.

જ્યાં સુધી એચઆઇવી/એઇડ્સનો પ્રશ્ન છે, વપરાયેલા નિરોધને હૉસ્પિટલોમાંથી નીકળતી બાયોલૉજિકલ વેસ્ટ પ્રોડક્ટની સમકક્ષ ગણવાં જોઈએ અને રાજ્યની મોટા ભાગની હૉસ્પિટલો એમની જૈવિક પ્રોડક્ટ્સનો નિકાલ જે રીતે કરે છે એ જ રીતે આવાં નિરોધનો નિકાલ થવો જોઈએ.

વીર્ય અને લોહીમાં એચઆઇવીના વિષાણુઓ હોઈ શકે છે. હૉસ્પિટલમાંથી નિકાલ થતાં ઇન્જેક્શન, નીડલ, ડ્રેસિંગ-પૅડ, પાટાપિંડી, પરુ-રસીવાળાં કૉટન, રૂનાં પૂમડાં વગેરેનો બાયોલૉજિકલ વેસ્ટ ડિસ્પોઝલ અંતર્ગત નિકાલ કરવામાં આવે છે; પરંતુ હૉસ્પિટલોમાંથી આવો જૈવિક કચરો અલગ એકઠો કરવો સરળ છે, જ્યારે આખા શહેરમાંથી અનેક ઘરોમાંથી ગમે ત્યારે વપરાતાં નિરોધને એકઠાં કરવાનું કામ મુશ્કેલ જણાય છે.

વાસ્તવમાં નિરોધ ત્રણ અલગ પ્રકારનાં સંભવિત મટીરિયલ્સમાંથી બને છે. મોટા ભાગનાં નિરોધ લેટેક્સમાંથી બને છે. લેટેક્સ પોતે જૈવ વિભાજન (બાયોડિગ્રેડેશન) થઈ શકે એવો પદાર્થ છે. અર્થાત્ એ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પ્રાકૃતિક રીતે તૂટીને મૂળભૂત પ્રાકૃતિક પદાર્થોમાં રૂપાંતરિત થઈ શકે છે. આથી લેટેક્સમાંથી બનેલાં નિરોધ વાપરવાં આદર્શ ગણી શકાય.

આની સામે કેટલાંક નિરોધ પૉલિયુરિથીન નામના સિન્થેટિક પદાર્થમાંથી બને છે જે અવિભાજનક્ષમ (નૉન-બાયોડિગ્રેડેબલ) હોવાથી ક્યાંક ને ક્યાંક જમા થતાં જ રહે છે. વળી હાલમાં ધીમે-ધીમે પ્રચલિત થઈ રહેલાં પણ મોંઘાં હોવાથી નિયમિત વાપરવાં ન પરવડે એવાં સ્ત્રીનિરોધ (ફીમેલ કૉન્ડોમ) તો કેવળ પૉલિયુરિથીનમાંથી જ બને છે. આથી એને લાંબા ગાળાના વાતાવરણ માટે જોખમ (એન્વાયર્નમેન્ટલ થ્રેટ) તરીકે જોવામાં આવે છે.

ત્રીજા પ્રકારનાં જે નિરોધ ઓછી માત્રામાં બને છે એ લૅમ્બસ્કિન કૉન્ડોમ તરીકે જાણીતાં છે. આ નિરોધ ઘેટાના બચ્ચાની ચામડીમાંથી બનતાં હોવાથી, જૈવિક હોવાથી પૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે; પરંતુ એમાં રહેલાં સૂક્ષ્મ છિદ્રો વીર્યના શુક્રાણુઓનો પ્રવેશ ભલે અટકાવી શકે છે, પણ એઇડ્સના વિષાણુઓનો પ્રવેશ નથી અટકાવી શકતાં. આમ આ નિરોધ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝના અટકાવ સામે નકામાં છે, પણ ગર્ભનિરોધ માટે વાપરી શકાય છે.

આપણે જો સર્વસાધારણ એવાં લેટેક્સ કૉન્ડોમની વાત કરીએ તો એ બાયોડિગ્રેડેબલ જરૂર છે, પણ પાણીમાં એનું વિઘટન થતું નથી અને જમીન પર થતાં પણ ખાસ્સી વાર લાગે છે. આથી ટૉઇલેટના ફ્લશમાં એને નાખવાં હિતાવહ નથી.

જોકે વપરાયેલા નિરોધ સાથે યોનિમાર્ગના સ્રાવ તથા વીર્યસ્રાવ જેવા જૈવિક પ્રવાહીના અંશો ચોંટેલા હોવાથી એની જૈવ વિભાજન ક્ષમતા એટલે કે બાયોડિગ્રેડેબિલિટીમાં થોડો વધારો થઈ શકે છે.

ટૉઇલેટમાં ફ્લશ થયેલાં નિરોધ આગળ જતાં સિવેજ ડિસ્પોઝલની પાઇપલાઇનો, મોટી ગટરલાઇનો, સેપ્ટિક ટૅન્ક, શુદ્ધીકરણ પ્લાન્ટ કે નદીઓમાં જમા થઈને ચૉક-અપ કે પૉલ્યુશનના પ્રશ્નો ઊભા કરી શકે છે.

નિરોધ ઉપરાંત નિરોધ જેમાં પૅક કરાયેલાં હોય છે એ ફૉઇલયુક્ત કલર પણ ઘણી વાર નિરોધની જાળવણીને ધ્યાનમાં રાખીને નૉન-બાયોડિગ્રેડેબલ મટીરિયલમાંથી બનાવવામાં આવેલું હોય છે. આથી એ વધારાનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે.

નિરોધના નિકાલનો ઉત્તમ રસ્તો એ છે કે એને ટિશ્યુ પેપર, પેપરબૅગ કે કાગળ જેવા પદાર્થમાં પૅક કરીને કચરાપેટીમાં નાખવું. ગાર્બેજ સાથે સડવાથી એનું વિઘટન જલદી થઈ શકશે.

ખાસ ધ્યાન એ બાબતનું રાખવું જોઈએ કે એને પ્લાસ્ટિકની કોથળીમાં પૅક કરીને ડિસ્પોઝ ક્યારેય ન કરવું, કેમ કે પ્લાસ્ટિક અવિઘટનક્ષમ પદાર્થ હોવાથી નિરોધનું બાયોડિગ્રેડેશન ર્દીઘકાલીન બનાવી દે છે.

કાગળમાં પૅક કરીને ગાર્બેજ સાથે કચરાપેટીમાં નિકાલ થયેલાં નિરોધ ધારો કે એચઆઇવીના વિષાણુથી યુક્ત હોય તો પણ એના પર ચોંટેલા વીર્ય/ યોનિસ્રાવના અંશોના ડાઘ સુકાઈ ગયા બાદ યા તડકામાં શેકાયા બાદ વિષાણુ નિષ્ક્રિય બની જવાથી કચરાપેટીનો કચરો ખાતાં જાનવરો યા કચરો સાફ કરી રહેલા કામદારોને એનાથી એઇડ્સનો ચેપ લાગવાનો કોઈ વિશેષ ખતરો રહેતો નથી.

નિરોધની સાથોસાથ સૅનિટરી પૅડ, ટૅમ્પન જેવાં બાયોલૉજિકલ ફ્લુઇડથી ભીંજાયેલાં રોજબરોજના વપરાશનાં સાધનોના ડિસ્પોઝલ માટે પણ મોટા પાયે વિચારવું જોઈએ.

સમય આવ્યો છે નિરોધના એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી યા ઇકો-ફ્રેન્ડ્લી ડિસ્પોઝલ વિશે સજાગ અને સક્રિય થઈ જવાનો.

(કૉન્ડોમ વિશે વધુ આવતા રવિવારે)

ગેરમાન્યતા

એક નિરોધ પર બીજું નિરોધ લગાડવાથી વધારે પ્રોટેક્શન મળે છે

હકીકત

જી ના, હકીકત એ છે કે ક્યારેક બીજું વધારાનું કૉન્ડોમ લગાવવાથી નિરોધ સ્લિપ થઈ જવાથી જોખમ વધી શકે છે