ગુજરાતની પ્રજાએ ત્રણેય પક્ષનું ખાઈ-પીને અંતે ધાર્યું તો પોતાનું જ કર્યું

23 December, 2012 06:45 AM IST  | 

ગુજરાતની પ્રજાએ ત્રણેય પક્ષનું ખાઈ-પીને અંતે ધાર્યું તો પોતાનું જ કર્યું



સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

હે ભગવાન, આ આપણા દેશમાં શું ચાલી રહ્યું છે? મય કૅલેન્ડર પૂરું થઈ ગયું છે, પરંતુ જગત સાથે સૌની માયા યથાવત્ છે. કેવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ આજુબાજુ છેલ્લા એક મહિનાથી ઘટી રહી છે કે વિસાવદરમાં કૉન્ગ્રેસનું મૅન્ડેટ લઈને છોકરું ભાગી જાય છે તો સંસદમાં પ્રધાનશ્રીના હાથમાંથી કોક અનામતનું બિલ ઝટી લ્યે છે. ઍની વે, ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવી ગ્યાં. સૌને હાશકારો થઈ ગ્યો. પરિણામો જોઈને તરત જ હિંમતદાદાએ છડેચોક બોલવાનું શરૂ કર્યું કે ‘જોયુંને! આખા ગુજરાતની પ્રજા કેવી શાણી અને સમજદાર થઈ ગઈ છે. મારી જેમ ત્રણેય પક્ષનું ખાઈ-પીને અંતે ધાર્યું તો પોતાનું જ કર્યું. ઘરનાં ઘરની ગિફ્ટ આપવાનું વચન દેવાવાળાઓએ પોતાનાં ઘરનાં ઘર વેચવા કાઢવાં પડે એવી નોબત આવી પડી. દશા ને દિશા બેય સાજાંનરવાં રહ્યાં. ઘણી ખમ્મા ગુજરાતીઓને! ઘણી ખમ્મા બાયલા! ગુજરાતીઓએ સિદ્ધ કરી બતાવ્યું કે ગુજરાતીઓ કોઈ આક્ષેપોની આંધી કે પ્રચારના અતિરેકથી ભરમાઈ ન જાય. ગુજરાતી પ્રજાને કોઈ પણ પ્રકારનો કોમવાદ નથી જોતો, માત્ર અને માત્ર સલામતી અને શાંતિ જોઈએ છે!’

હિમાદાદાનું આવું નેતા જેવું પ્ર-વચન સાંભળી મેં ટોણો માર્યો કે ‘દાદા, તો હવે આ દશા અને દિશાવાળાનું શું થાશે?’ દાદા બોલ્યા, ‘તું સમજ્યો નહીં બેટા, ઈ બેન તેની પાર્ટીવાળાવને જ કે’તાં’તાં કે સમજો... સમજી જાવ ને હજી દશા ને દિશા બદલો, નહીંતર આ દાઢીના વંટોળિયામાં ખેદાનમેદાન થઈ જાશો.’

‘પણ નરહરિ અમીન સિવાય કોઈ સમજદાર આ ઍડને સમજી ન શક્યા એમાં ટાઇટૅનિકની જેમ ડૂબ્યા. એક દાઢીને પછાડવા સારુ ગુજરાત પર આખી દિલ્હી તૂટી પડી એમાં જ દિલ્હીની દીકરીયુંના રક્ષણમાં ધ્યાન ન દેવાયું!’ દાદાએ સિક્સ મારી.

આ ઇલેક્શનનો ખરખરો દરેક પાનની ને ચાની કૅબિન ઉપર છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાઈ રહ્યો છે. ત્યાં મિત્ર અતુલે મસ્ત વાત કરી કે ‘સાંઈ, ગઈ રાતે મારી શેરીમાં બે ધોમ દારૂ પીધેલા ફલાણી પાર્ટીના હારેલા કાર્યકરો હાથમાં દારૂની બૉટલ લઈને નશામાં ચકચૂર હાલ્યા જાતા’તા. કંઈક વાત તેની પાંહે મળે તો ‘મિડ-ડે’માં તારે છાપવા થાય એ આશાએ હું પણ તેની પાછળ હાલ્યો.’

 મેં પૂછ્યું, ‘અતુલ, ઝટ કહે, પછી શું થયું?’

અતુલ ક્યે, ‘થાય શું? દસ મિનિટ પછી બૉટલ પૂરી થઈ ગઈ અને એક પીધેલાએ બીજા પીધેલાને કહ્યું કે ચાલો, શીશા પણ બદલીએ અને દિશા પણ બદલીએ..!’

અતુલની વાતે સૌ ખડખડાટ હસી પડ્યા.

આ સાલ્લું બદલવાનું જો ચાલુ જ રહે તો-તો સમાજના બધા લોકોના જીવનમાં આ ટીખળ વહેતી થઈ જશે ને આજુબાજુવાળા બધાય ધંધાના માણસો બોલવા લાગશે. દા.ત. દરજી પણ કહેશે મજાકમાં કે ચાલો સોય પણ બદલીએ અને સંચો પણ બદલીએ, તો કડિયો પણ કહેશે કે ચાલો તગારું પણ બદલીએ અને પાવડો પણ બદલીએ. આ સાંભળી ધોબી પણ કહેશે કે ચાલો સાબુ પણ બદલીએ અને ધોકો પણ બદલીએ..! આટલું સાંભળી અતુલ વચ્ચે બોલ્યો કે એમ તો મારી બાજુમાં રહેનારા કિરીટકાકા વરસોથી બકે છે કે ચાલો ઝૂલા પણ બદલીએ અને મંજુલા પણ બદલીએ..! અને મારો આ લેખ વાંચતાં-વાંચતાં જો છોકરાએ છી કર્યું હોય તો અર્જન્ટ્લી ઊઠો જાઓ અને ચાલો બાળકની ચડ્ડી પણ બદલીએ અને તેનું પૅન્ટ પણ બદલીએ..!

ફિલ્મોની સીક્વલ જોવાની ટેવવાળા આપણે સૌએ ગુજરાતમાં સત્તાની સીક્વલ (સૉરી ટ્રિક્વલ) જોઈ લીધી છે. હવે સૌ-સૌનાં પરિણામ પચાવી શકે એટલી શક્તિ માલિક અને માતાજી સૌને આપે એ જ પ્રાર્થના છે, કારણ કે વીસ ડિસેમ્બરની પરિણામની રાતે જીતેલા પણ ખુશીથી પીધેલા હતા ને હારેલા ગમથી..! ઍની વે, જિગરી મિત્ર ક્રિશ્ન દવેએ વરરાજા વગર પરણવા નીકળી ગયેલી આખી આ જાન માટે મસ્ત કવિતા મોકલી છે. ઓવર ટુ ક્રિશ્ન દવે.

કવિ આર્ષદ્રષ્ટા કે ભવિષ્યદ્રષ્ટા હોય છે. તેને અગાઉથી કૈંક ઈશ્વર સુઝાડી દેતો હોય છે એનો જીવતો-જાગતો નમૂનો આ કવિતા છે જે કર્ણાવતી ક્લબના મેદાનમાં ૧૩ ડિસેમ્બરે આ કવિએ મને સંભળાવી હતી. લ્યો માણો :

જાન આખી લઈ આવ્યા ચૂંટણીના માંડવે ને વરરાજો ગોતી નો લાવ્યા?

પછી કહેતા નહીં આપણે નો ફાવ્યા!!!

જનતા તો ઊભી છે વરમાળા લઈને પણ બધ્ધાએ ડોકાં લંબાવ્યાં!!!

પછી કહેતા નહીં આપણે નો ફાવ્યા!!!

ચોઘડિયાં જોઈ-જોઈ ચાંદલા કર્યા ને એક મુરતિયો કાં ના ગોતાય?

ટાણાસર માંડવામાં આવી ઊભો ર્યે ઈ પાંપણથી તરત જ પોંખાય

મંગળ આ ટાંકણે જ માંડી મોંકાણ અને મરસિયાં મોઢે ગવરાવ્યાં?

પછી કહેતા નહીં આપણે નો ફાવ્યા!!!

છપ્પનની છાતી ને વરમાળા શોભે શું એવી એક્કેય નથી ડોક?

કોને શું પહેરવું ને કોને શું ઓઢવું એ નક્કી કરે છે પાછા કોક!

અર્ધાની આગળ તો લટકાવ્યાં ગાજર અધાર઼્ ને ઊંધાં લટકાવ્યાં?

પછી કહેતા નહીં આપણે નો ફાવ્યા!!!

- ક્રિશ્ન દવે

ઑફ ધ રેકૉર્ડ

નવીનક્કોર ટીકડી ટી જેવી હિરોઇન આલિયા ભટ્ટ જો વિજય માલ્યાના ગગા હારે પઈણી જાય તો એને શું કહેવાય?

આલિયા માલ્યા!