કેશુભાઈ બીજેપીને નુકસાન પહોંચાડે એમાં કૉન્ગ્રેસને લાભ

16 December, 2012 07:43 AM IST  | 

કેશુભાઈ બીજેપીને નુકસાન પહોંચાડે એમાં કૉન્ગ્રેસને લાભ



ગુજરાતની બે દિવસની અલપઝલપ મુલાકાત દરમ્યાન જોવા મળ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે અને કાં તો નરેન્દ્ર મોદીની વિરુદ્ધ લડાઈ રહી છે. બીજેપી, કૉન્ગ્રેસ કે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી કોણ જીતશે કે કોણ હારશે એની ચર્ચા નથી થઈ રહી; નરેન્દ્ર મોદી જીતશે કે હારશે એની જ ચર્ચા થઈ રહી છે. નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓ સહિત મોટા ભાગના લોકો એમ માને છે કે નરેન્દ્ર મોદી જીતી જશે. તેમની વચ્ચે ચર્ચાનો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી ૨૦૦૭નો ૧૧૭ બેઠકનો આંકડો જાળવી રાખશે કે એમાં વધારો-ઘટાડો થશે.

સામાન્ય નાગરિકો અને પત્રકારો તો ઠીક, ગુજરાતના અને દેશના રાજકીય આગેવાનો પણ માને છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીની આસપાસ લડાઈ રહી છે. બીજેપીના રાષ્ટ્રીય નેતાઓ સમ ખાવા પૂરતો ગુજરાતનો આંટો મારી આવ્યા છે. ચૂંટણી વખતે સંપ બતાવવો જરૂરી હોય છે. નરેન્દ્ર મોદીને એ પણ બતાવવું જરૂરી લાગ્યું હતું કે તેમના પક્ષના વરિષ્ઠ નેતાઓ તેમની સાથે છે. નરેન્દ્ર મોદીએ એક કાંકરે બે પક્ષી માયાર઼્ છે. એક તો તેઓ પક્ષના રાષ્ટ્રીય નેતાઓને એ બતાવવા માગે છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સર્વેસર્વા છે અને તેઓ કોઈના ઓશિયાળા નથી. બીજું તેઓ એ બતાવવા માગે છે કે મોદીનો અશ્વ ગુજરાતની બહાર તોખાર બનીને આવી રહ્યો છે અને પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ નવી વાસ્તવિકતા પ્રતિકાર કર્યા વિના સ્વીકારી લેવી જોઈએ.

પક્ષનાં બૅનરોમાં અને પ્રચારસાહિત્યમાં સમ ખાવા પૂરતી પણ રાષ્ટ્રીય નેતાઓની હાજરી નથી; માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી છે, તેમની જ તસવીરો છે, તેમની જ સિદ્ધિઓની વિગતો છે, માત્ર તેમનાં અવતરણો છે. સુષમા સ્વરાજ અને નીતિન ગડકરીની તસવીરો બૅનરોમાં અને પ્રચારસાહિત્યમાં ન હોય એ તો સમજી શકાય છે, પરંતુ પક્ષ માટે પરમ આદરણીય ગણાતા અટલ બિહારી વાજપેયી અને પક્ષનું ઘડતર કરનારા લાલ કૃષ્ણ અડવાણીની તસવીરો કોઈ જગ્યાએ જોવા મળતી નથી. બીજેપીમાં પક્ષની વિચારધારાને અન્ડરલાઇન કરવાના ઇરાદાથી દીનદયાળ ઉપાધ્યાયની તસવીર મૂકવાનો રિવાજ છે. ગુજરાત બીજેપીના પ્રચારસાહિત્યમાં એનો પણ અભાવ છે. ગુજરાત સિદ્ધરાજ જયસિંહ નામના ભડવીરનું છે. વચ્ચે ગુજરાતના કમનસીબે મહાત્મા ગાંધી નામનો અહિંસક (દુર્બળ વાંચો) માણસ આવી ચડ્યો, પરંતુ હવે ગુજરાતના સારા નસીબે તેને બીજો ભડવીર મળી ગયો છે એવો કંઈક મેસેજ ગુજરાત બીજેપીના પ્રચારસાહિત્યમાં જોવા મળે છે.

એક બીજી હકીકત પણ નોંધવા જેવી છે. નરેન્દ્ર મોદી આ વખતે આંકડાઓ આપ્યા વિના ગુજરાતના અદ્ભુત વિકાસની વાત કરી રહ્યા છે. લોકોને આંજી નાખવા માટે આંકડાનો સહારો લેવામાં આવે છે અને આંકડાઓનું માફક આવે એ રીતે અર્થઘટન કરી શકાય છે. તો પછી આ વખતે નરેન્દ્રભાઈ વિરોધીઓને ચોંકાવી દેનારા અને સમર્થકોને ગદ્ગદ કરી મૂકનારા આંકડાઓનો સહારો કેમ નથી લેતા? આનું રહસ્ય સમજવા જેવું છે. ચાર્લી ચૅપ્લિનની ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ની યાદ અપાવે એવો વિનોદ પણ આમાં જોવા મળશે. આપખુદશાહી જ્યાં પ્રવર્તતી હોય ત્યાં આવું હંમેશાં જોવા મળે છે. બન્યું એવું છે કે ગુજરાત સરકારની સિદ્ધિઓનાં નરેન્દ્ર મોદી દ્વારા ફુગાવેલા આંકડાઓને રાજ્ય સરકારના માહિતી ખાતાએ, ગુજરાત સરકારના જે-તે સંબંધિત ખાતાંઓએ, જિલ્લા પરિષદના શાસકોએ અને ચમચાઓએ ‘સાહેબ’ને રાજી કરવા વધારે ફુગાવ્યા છે. મૂળમાં ફુગાવેલા આંકડાને બીજા પાંચ ચમચાઓ ફુગાવે ત્યારે એના શા હાલ થાય એની કલ્પના કરવી મુશ્કેલ નથી. એમ કહેવાય છે કે નરેન્દ્ર મોદીએ વણલખ્યો ફતવો બહાર પાડ્યો છે કે દરેકે ગુજરાતના વિકાસની વાત કરવી, પણ આંકડાઓ દ્વારા એને સિદ્ધ કરવાની ચેષ્ટા ન કરવી; કારણ કે ગુજરાતના વિકાસના આંકડાઓ ભયજનક સપાટીની ઉપર વહી રહ્યા છે. નરેન્દ્ર મોદી પ્રચારમાં આંકડા નથી ટાંકતા. તેઓ પત્રકારોને મુલાકાતો આપે છે એમાં પણ આંકડા નથી ટાંકતા. ગુજરાત બીજેપીના પ્રચારસાહિત્યમાંથી પણ આંકડા નદારત છે. નરેન્દ્ર મોદીનું ભ્રામક આંકડાઓનું રમકડું ચમચાઓની મહેરબાનીને કારણે હાથમાંથી છીનવાઈ ગયું છે. તેમણે રચેલી આંકડાની માયાજાળમાં તેઓ પોતે ફસાઈ ગયા છે.

ગુજરાતમાં કૉન્ગ્રેસ એક પક્ષ તરીકે અસ્તિત્વ નથી ધરાવતી. એની પાસે ભલે ઓછા પણ નિષ્ઠાવાન કાર્યકરો છે અને મુદ્દાઓ પણ છે, પરંતુ એનો લાભ કોને મળવો જોઈએ એ પ્રશ્ને કૉન્ગ્રેસના નેતાઓ આપસમાં લડી રહ્યા છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદના અડધો ડઝન દાવેદારો કૉન્ગ્રેસ પાસે છે અને તેમની વચ્ચે કોઈ પ્રકારનો સંપ નથી. આશ્ચર્યની વાત એ છે કે તેમાનાં કેટલાક નેતાઓએ આપસમાં સમજૂતીની ધરી રચીને છાવણી પણ નથી બનાવી. સામાન્ય રીતે ચૂંટણી ટાણે પક્ષ બે છાવણીઓમાં વહેંચાઈ જતો હોય છે. એનાથી ઊલટું ગુજરાત કૉન્ગ્રેસમાં જેટલા નેતાઓ છે એટલી છાવણીઓ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગમે એટલી મહેનત કરે અને ગમે એટલું દળણ કરે, તેમનું ઉઘરાવેલું ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસની છાવણીગ્રસ્ત ચાળણીમાં પડવાનું છે એવી વ્યાપક માન્યતા ગુજરાતમાં છે. આ સ્થિતિને કારણે કાર્યકરો ઉદાસીન છે. સંકેત તો એવા મળે છે કે સોનિયા ગાંધી અને રાહુલ પણ ઉદાસીન છે. બીજેપીની બેઠકોમાં ૨૦૦૭ની સરખામણીમાં થોડો ઘટાડો થાય, કૉન્ગ્રેસને મળેલા કુલ મતની ટકાવારીમાં થોડો વધારો થાય અને એ રીતે આબરૂ જળવાઈ એવો સીમિત ઉદ્દેશ કૉન્ગ્રેસના પ્રચારમાં જોવા મળે છે. આ ઉપરાંત કૉન્ગ્રેસનો મદાર કેશુભાઈ પર છે. કેશુભાઈ બીજેપીને નુકસાન પહોંચાડે એમાં કૉન્ગ્રેસને લાભ છે.

કૉન્ગ્રેસના પ્રચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદીના વિકાસના ફુગાવેલા અતાર્કિક આંકડાઓના ફુગ્ગાઓને રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર કરતી વખતે આબાદ ફોડ્યા હતા. ફુગાવેલા આંકડાઓ સામે સાચા આંકડા તેમણે રજૂ નહોતા કર્યા, કારણ કે આજે સાચા આંકડા શું છે એ ઘાસની ગંજીમાંથી સોય ગોતવા જેટલું કપરું કામ છે. રાહુલ ગાંધીએ રોજિંદા જીવનમાં લોકોના અનુભવોનો સહારો લીધો હતો. જેમ કે તેમને પાણી કેટલું અને કેટલા દિવસ મળે છે, વીજળી કેટલી મળે છે વગેરે. આના જે ઉત્તર મળી રહ્યા છે એ નરેન્દ્ર મોદીને અકળાવનારા છે. રાહુલનો આ કીમિયો હવે કૉન્ગ્રેસના બીજા નેતાઓ પણ અપનાવવા લાગ્યા છે.

ગુજરાતમાં ભરેલું નાળિયેર કેશુબાપાનું છે. આ નાળિયેરમાં પાણી જ નથી ત્યાંથી શરૂઆત થઈ હતી. ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ ફાવતો નથી એવો અત્યાર સુધીનો અનુભવ પણ કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના અસ્તિત્વની ઉપેક્ષા કરવા માટે કારણ હતું. ટૂંકમાં, લગભગ દરેક રાજકીય સમીક્ષકે કેશુભાઈ પટેલ નામના પરિબળને ડિસમિસ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ તો પહેલા દિવસથી જ કેશુભાઈને ડિસમિસ કરવાની રાજનીતિ અપનાવી હતી. તેઓ ચાહી કરીને કેશુબાપાના નામનો ઉલ્લેખ પણ નહોતો કરતા, જાણે કે તેમનું કોઈ અસ્તિત્વ જ ન હોય.

હવે જોકે રાજકીય સમીક્ષકો અને નરેન્દ્ર મોદી પોતે કેશુભાઈને ગંભીરતાથી લેતા થઈ ગયા છે. મેં આ કૉલમમાં ગયા અઠવાડિયે લખ્યું હતું કે કેશુબાપાની સભાઓમાં લોકોની હાજરી ચોંકાવનારી છે. નરેન્દ્ર મોદીની સભા કરતાં પણ વધુ હાજરી કેશુભાઈની સભાઓમાં જોવા મળે છે. કેશુભાઈ સાવ ડિસમિસ કરવા જેવા નથી એનું સૌથી પહેલું ભાન નરેન્દ્ર મોદીને થઈ ગયું હતું. કેશુભાઈનું નામ ન લેવાની પોતાની એંટ જાળવી રાખીને કેશુભાઈને ખાળવા નરેન્દ્ર મોદીએ નવજોત સિંહ સિધુ અને ઐશ્વર્યા રાય જેવી સેલિબ્રિટીઓને કેશુભાઈના પ્રભાવવાળાં ક્ષેત્રોમાં ઉતારી હતી. આમાં નવજોત સિંહ સિધુએ કેશુભાઈને દેશદ્રોહી કહીને ભાંગરો વાટ્યો એ જુદી વાત છે.

કેશુભાઈ કેટલી બેઠક મેળવશે એના કરતાં પણ બીજેપીને કેટલું નુકસાન પહોંચાડશે એના વિશે તર્કવિતર્ક થઈ રહ્યા છે. લગભગ આખું સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લો પટેલોનો અને કેશુભાઈનો ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં આ વિસ્તારોમાં થયેલા મતદાનના આંકડા નરેન્દ્ર મોદીને અસ્વસ્થ કરી મૂકનારા છે. મતદાનમાં ૨૦૦૭ની તુલનામાં છથી આઠ ટકાનો વધારો નોંધાયો છે. ચૂંટણીશાસ્ત્ર એમ કહે છે કે મતદાનના પ્રમાણમાં પાંચ ટકાથી વધુ મતદાન થાય ત્યારે શાસકપક્ષને એમાં નુકસાન થતું હોય છે. લોકો પરિવર્તન ઈચ્છે છે એવો એમાં સંકેત રહેલો હોય છે.

થોડી વાત મિડિયા વિશે કહેવાની રહે છે. ૨૦૦૭માં ગુજરાતનાં મિડિયા (પ્રિન્ટ અને ઇલેટ્રૉનિક બન્ને) નરેન્દ્ર મોદીની સાથે હતાં. આ વખતે મિડિયા પ્રમાણમાં તટસ્થ છે. આનું કારણ કદાચ એ હોય કે તેમને સપાટી નીચે બદલાઈ રહેલાં સમીકરણો નજરે પડવા લાગ્યાં હોય. આનું કારણ એ પણ હોય કે તેમને આબરૂ જોખમાવાનો ભય લાગવા માંડ્યો હોય. આનું કારણ કદાચ પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુની ચોંપ અને સક્રિયતા હોય. કારણ જે પણ હોય, આ વખતે ગુજરાતના મિડિયાઓએ ચૂંટણીજંગને સાવ એકપક્ષીય નથી થવા દીધો.

ઐસી ભાષા હમેં શોભા નહીં દેતી : રાહુલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૪ની લોકસભાની સામાન્ય ચૂંટણીનો તખ્તો રચશે એમ માનવામાં આવે છે. બીજેપીને જો ૧૨૦ની આસપાસ બેઠક મળશે તો નરેન્દ્ર મોદીના રથને બીજેપીના નેતાઓ રોકી નહીં શકે. આ સ્થિતિમાં ૨૦૧૪ની ચૂંટણીનો જંગ કદાચ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ખેલાશે. એ ચૂંટણીજંગ કેવો હશે એનો સંકેત નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ અનુક્રમે બેફામ બોલીને અને મૌન રહીને આપી દીધો છે. રાહુલની સભામાં રાહુલની હાજરીમાં કૉન્ગ્રેસના એક નેતા નરેન્દ્ર મોદીને મોદીની ભાષામાં જવાબ આપી રહ્યા હતા ત્યારે રાહુલે તેમને અટકાવતાં કહ્યું હતું કે ઐસી ભાષા હમેં શોભા નહીં દેતી.