આજકાલની ફિલ્મોમાં માત્ર સ્ટારવૅલ્યુ પર ધ્યાન અપાય છે, સ્ટોરીવૅલ્યુ પર જરાય નહીં

16 December, 2012 07:42 AM IST  | 

આજકાલની ફિલ્મોમાં માત્ર સ્ટારવૅલ્યુ પર ધ્યાન અપાય છે, સ્ટોરીવૅલ્યુ પર જરાય નહીં



આજકાલ ફિલ્મ કેવી બની છે એનું ડિસ્કશન નથી થતું, એણે કેટલો બિઝનેસ કર્યો એ પહેલાં પૂછવામાં આવે છે. ક્વૉલિટી નહીં, હવે બિઝનેસ ક્રમમાં આગળ આવી ગયો છે. ફિલ્મ સારી છે, ઍવરેજ છે કે પછી ખરાબ છે એ ગૌણ થતું જાય છે. બસ, એ પૈસા કમાઈ લે એટલે ઘણું. આજકાલ એવી ફિલ્મો જ બનાવવામાં આવે છે જેમાં સ્ટારવૅલ્યુ હોય, પરંતુ સ્ટોરીવૅલ્યુ પર સહેજ પણ ધ્યાન આપવામાં નથી આવતું. હું એવું કહેવા નથી માગતી કે આ બધું બંધ થઈ જવું જોઈએ. બની શકે કે કોઈ વાર આ રીતે બિઝનેસ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે, પણ દરેક વખતે જો આવી માનસિકતા બનતી જશે તો દર્શકો થિયેટર અને મલ્ટિપ્લેકસથી દૂર થવા લાગશે. મારે કોઈ ફિલ્મનું નામ નથી આપવું, પણ છેલ્લા એક વર્ષમાં એક જાણીતા ઍક્ટરની દસથી વધુ એવી ફિલ્મ રિલીઝ થઈ છે જે જોયા પછી એક ક્ષણ માટે તો એવો વિચાર આવી જાય કે ફિલ્મનું પાઇરસી માર્કેટ રહે એમાં કંઈ વાંધો નથી. જો ઑડિયન્સના માથા પર આવી ફિલ્મો મારવામાં આવતી હોય તો શું કામ ઑડિયન્સ બિચારી પાઇરસીની ફિલ્મો ન જુએ.

આજે થિયેટરમાં ટિકિટના ભાવ કેટલા વધારી દેવામાં આવ્યા છે એ જુઓ. આ ભાવની સામે સારી ફિલ્મ આપવાની નૈતિક જવાબદારી દરેક પ્રોડ્યુસરની અને ઍક્ટરની છે. સ્ક્રીન વધી ગઈ છે એટલે ફિલ્મ જોવા આવતા ઑડિયન્સની ક્ષમતા વધી ગઈ છે. ટિકિટના ભાવ વધ્યા છે એટલે રિકવરી પણ ઝડપથી શક્ય બની છે. જો આ સમયે ‘ગદર’ રિલીઝ થઈ હોત તો ડેફિનેટલી એણે ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોત. ‘કહો ના... પ્યાર હૈ’ પણ સો કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોત. ઍની વે, આ બધી જો અને તોની વાત છે. આવી વાતો પર આધાર રાખવાને બદલે હું કહેવા માગીશ કે બિઝનેસ સારો મળતો હોય એવા સમયે પ્રોડ્યુસર અને ઍક્ટરની જવાબદારી વધી જાય છે અને તેણે વધુ ને વધુ સારી ફિલ્મ બનાવવાની કોશિશ કરવી જોઈએ. જો સારી ફિલ્મ ન બની શકતી હોય તો ઍટલીસ્ટ સારી ફિલ્મ બનાવવા માટેની યોગ્ય તૈયારીઓ થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ. છેલ્લા થોડા

સમયમાં આવેલી સારી ફિલ્મોમાં ‘થ્રી ઇડિયટ્સ,’ ‘પા,’ ‘તલાશ’નો સમાવેશ કરી શકાય. આ સિવાય પણ કેટલીક સારી ફિલ્મો છે, પણ એનાં નામ મને અત્યારે યાદ નથી આવતાં. એ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મ એવી પણ છે જેણે પ્રોડક્શનના પૈસા પણ પાછા નથી મેળવ્યા. જરૂરી નથી કે દરેક વખતે ફિલ્મ બિઝનેસ માટે બનતી હોય.

કેટલીક ફિલ્મો નિજાનંદ માટે પણ બનતી હોય છે. ગુરુ દત્તની ‘પ્યાસા’ પણ એવી જ ફિલ્મ હતી. એ નિજાનંદ માટે બનાવવામાં આવી હતી. ‘પ્યાસા’ રિલીઝ થઈ ત્યારે ખરેખર પિટાઈ ગઈ હતી, પણ આજે આપણે આ ફિલ્મની ગણતરી કલ્ટ-મૂવીના લિસ્ટમાં કરીએ છીએ.

જય-જય ગરવી ગુજરાત

હમણાં ગુજરાતની ટૂર કરવા મળી. એક કે બે વાર નહીં, ત્રણ-ત્રણ વાર. મારી આ ટૂર પૉલિટિકલ હતી એટલે ગુજરાતના પૉલિટિકસની વાતોને અત્યારે બાજુએ રાખીને વાત કરું તો મને ગુજરાત હંમેશાં ગમ્યું છે. ગુજરાતી ફૂડ, ગુજરાતી કલ્ચર, ગુજરાતી લોકો અને ગુજરાતી વાતાવરણ. આ બધું મારા ફેવરિટ રહ્યાં છે. મને અફસોસ એક વાતનો છે કે મેં હજી સુધી કોઈ ફિલ્મમાં ગુજરાતી યુવતીનું કૅરૅક્ટર નથી કર્યું.

ગુજરાતી લોકો વાઇબ્રન્ટ છે. એક સમયે ગુજરાતીઓને બિઝનેસપ્રેમી પ્રજા તરીકે જોવામાં આવતી હતી, પણ હવે એ માનસિકતા બદલાઈ છે. હવેના ગુજરાતીઓને આર્ટ પણ પસંદ છે અને આર્ટમાં ઇન્ટરેસ્ટ પણ લે છે. સ્ર્પોટ્સમાં પણ ગુજરાતીઓ અવ્વલ થતા જાય છે. હું પોરબંદરમાં હતી ત્યારે જ ઇન્ડિયાની ક્રિકેટટીમમાં જામનગરના એક પ્લેયરની પસંદગી કરવામાં આવી. મને કોઈએ કહ્યું કે અત્યારની ટીમમાં બે ગુજરાતી પ્લેયર્સ છે. ગુજરાતીઓની સાયન્સ અને ટેક્નૉલૉજીની સેન્સ પણ ફરીથી ડેવલપ થઈ છે. ગુજરાતીઓ ઑન્ટ્રપ્રનર હતા જ, પણ આ રીતે બીજા ફીલ્ડમાં પણ તેઓ આગળ આવે છે એ ગુજરાતી કમ્યુનિટી માટે સારી નિશાની છે. ગુજરાતીઓ વાઇબ્રન્ટ છે. તમે મળો કે તરત જ તમારામાં એ વાઇબ્રન્સી ઝળકવા માંડે.

ઘણા લાંબા સમય પછી મને ગુજરાત જવા મળ્યું એટલે મેં આ વખતે એક નવી વાત ઑબ્ઝર્વ કરી. ગુજરાતના ગુજરાતીઓની સેન્સ ઑફ હ્યુમર ગજબનાક રીતે ખીલી રહી છે. જો માનવામાં ન આવતું હોય તો ગુજરાતના ગુજરાતી સાથે દસ મિનિટ વાત કરીને એક્સપિરિયન્સ કરી લેજો. આ દસ મિનિટમાં તે તમને એક-બે વાર હસાવશે, એક-બે વાર તમારા ચહેરા પર સ્માઇલ લાવી દેશે અને મિનિમમ એક વાર ખડખડાટ હસાવી દેશે. ગુજરાતીઓનો આ સ્વભાવ અકબંધ રહેશે તો એ દિવસો બહુ દૂર નથી કે ગુજરાતીઓ બીજી બધી કમ્યુનિટીમાં સૌથી વધુ આગળ પડતું સ્થાન મેળવી લે.

ગુજરાતીઓમાં મને કોઈ એક વાતની કમી દેખાતી હોય તો એ છે યુનિટીની. યુનિટી મેં પંજાબીઓમાં જોઈ છે. બંગાળીઓમાં પણ જબરદસ્ત યુનિટી હોય છે, મહારાãષ્ટ્રયનોમાં પણ જબરદસ્ત એકતા છે; પણ ગુજરાતીઓમાં એકતાનો અભાવ છે એવું મને લાગ્યું છે. એક ગુજરાતી બીજા ગુજરાતીને સપોર્ટ કરતી વખતે સહેજ ખચકાય છે એ પણ મેં નોટિસ કર્યું છે. આવો ભાવ મનમાંથી કાઢવામાં આવશે તો ગુજરાતી કમ્યુનિટીને ડેવલપ થવાનો જબરદસ્ત ચાન્સ મળશે એ વાતમાં કોઈ શંકા નથી. બુદ્ધિ અને પ્લાનિંગમાં ગુજરાતીઓને કોઈ પહોંચી શકે એમ નથી. ફક્ત યુનિટી ઊભી કરી લેશે તો ગુજરાતીઓ ઇચ્છે એ હાંસલ કરવાની સમર્થતા ધરાવે છે.

અમીષા પટેલ

ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’, ‘ગદર-એક પ્રેમકથા,’ ‘હમરાઝ,’ ‘ભુલભુલૈયા,’ ‘અનકહી,’, ‘તથાસ્તુ,’ ‘આપ કી ખાતિર,’ અને ‘ચતુરસિંહ ટૂ સ્ટાર’ જેવી ચાલીસથી વધુ ફિલ્મોમાં લીડ ઍક્ટ્રેસ રહી ચૂકેલી અમીષા પટેલનો જન્મ ૧૯૭૫ની ૯ જૂને થયો હતો. ભરતનાટ્યમમાં વિશારદ થયેલી અમીષાના દાદા રજની પટેલ એક સમયના મુંબઈના બહુ જાણીતા વકીલ હતા. આઝાદીની લડાઈ સમયે રજની પટેલે કૉન્ગ્રેસ જૉઇન કરી હતી અને ચાર વર્ષ મુંબઈ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટપદે પણ રહ્યા હતા. અમીષાના પપ્પા અમિત પટેલ અને હૃતિક રોશનના પપ્પા રાકેશ રોશન કૉલેજ-ફ્રેન્ડ હોવાને કારણે અમીષાએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ સ્ટ્રગલ નહોતી કરવી પડી. રાકેશ રોશને તેને દીકરા હૃતિક સાથે ‘કહો ના... પ્યાર હૈ’માં લૉન્ચ કરી હતી. અમીષાની કરીઅરની શરૂઆતની ફિલ્મો સુપરહિટ રહી હતી, પણ એ પછી તેની ફિલ્મો ફ્લૉપ જવાનું શરૂ થતાં તેની પડતી શરૂ થઈ. જોકે પડતીથી સહેજ પણ વિચલિત થયા વિના તેણે ધીરજપૂર્વક પોતાનું કામ ચાલુ રાખ્યું અને ફરીથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૩માં તેની ‘રેસ-૨,’ ‘દેસી મૅજિક’ અને ‘પૅરેડાઇઝ સ્ટ્રીટ’ એમ ચાર ફિલ્મ રિલીઝ થશે.