ક્રિસમસ પહેલાં કાળો કેર વર્તાવતી કામ્પુસ નાઇટ

16 December, 2012 07:35 AM IST  | 

ક્રિસમસ પહેલાં કાળો કેર વર્તાવતી કામ્પુસ નાઇટ



સેજલ પટેલ

ભારતમાં કોઈ બાળક રડતું હોય ત્યારે મા કહેતી હોય છે, ‘બેટા, ચુપ હો જા, વરના ગબ્બર આ જાએગા!’

પણ મધ્ય યુરોપના ઑસ્ટ્રિયાની મમ્મીઓ કંઈક જુદો ડાયલૉગ મારે છે, ‘બેટા ચુપ હો જા, વરના કામ્પુસ આ જાએગા!’

કામ્પુસ? આ કામ્પુસ કઈ બલા છે? એ નથી કોઈ યુરોપિયન ફિલ્મનો વિલન કે નથી કોઈ રાક્ષસ. એ તો આપણા ક્રિસમસ ફેમ સંત નિકોલસનો ફ્રેન્ડ છે, પણ દેખાવમાં જબરો બિહામણો છે. દર ૬ ડિસેમ્બરે આખું ખ્રિસ્તીજગત સંત નિકોલસનો નર્વિાણદિન મનાવે છે ત્યારે તેમનો આ કામ્પુસ-કમ-રાક્ષસ ફ્રેન્ડ દેખા દે છે. જર્મન ભાષામાં કામ્પુસ બે શિંગડાંવાળું, લાંબી જીભવાળું, બે મોટા રાક્ષસી દાંત ધરાવતું એક કાલ્પનિક પ્રાણી છે જે ક્રિસમસના સમયમાં સૅન્ટા ક્લૉઝની સાથે ફરે છે.

અમેરિકા અને બ્રિટનમાં ક્રિસમસની સાથે ખૂબ જ મીઠી-મધુરી યાદો હોય છે. એમાં સૅન્ટા ક્લૉઝ બાળકો માટે જાતજાતની ગિફ્ટ્સ, ચૉકલેટ્સ અને કેક લઈને આવે છે. આમ તો ભગવાન ઈશુના જન્મદિન તરીકે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, પણ બાળકોને તો જીઝસ કરતાં આ ભેટસોગાદોની વણજાર લઈને આવતા સૅન્ટા જ વધુ પસંદ પડે છે. અહીં એક આડવાત કરી લઈએ કે જે જીઝસના બર્થ-ડેને ક્રિસમસ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે એ દિવસને ક્યારેય જીઝસે પોતે મનાવ્યો નહોતો. ઇન ફૅક્ટ, તેમનો જન્મદિવસ ખબર જ નહોતી. બાઇબલ કે અન્ય કોઈ પણ ખ્રિસ્તી ધર્મેમાં ક્યાંય ઈશુના જન્મદિનની સ્પષ્ટતા નથી. હા, એક માન્યતા અનુસાર મધર મૅરીને ૨૫ માર્ચના રોજ કોઈક પવિત્ર આત્માએ કહેલું કે તારી કૂખેથી ખૂબ જ તેજોમય અને જગતને નવી દિશા ચીંધનાર બાળક જન્મશે. આ ભવિષ્યવાણીના એક્ઝૅક્ટ નવ મહિના પછીની ગણતરી કરીને ૨૫ ડિસેમ્બરે ઈશુનો જન્મ થયો હશે એવી માન્યતા છે. ૩૩૬ એડી (ઍનો ડૉમિની એટલે કે જુલિયન અને ગ્રેગૉરિયન કૅલેન્ડર અનુસાર બિફોર ક્રાઇસ્ટ પહેલાંનાં વષોર્)માં પહેલી વાર ક્રિસમસ ડેની ઉજવણીનો ઉલ્લેખ થયો છે.

ઇતિહાસની વાત અહીં જ ટૂંકાવીને આપણે ફરી મૂળ મુદ્દા પર એટલે કે સૅન્ટા ક્લૉઝ અને તેમના દોસ્ત કામ્પુસની વાત પર આવીએ. મધ્ય યુરોપના ઑસ્ટ્રિયા, હંગેરી, ક્રોએશિયા, બવેરિયા, સ્લોવેનિયા અને જર્મનીના દક્ષિણ ભાગમાં સૌના પ્યારા સૅન્ટા ક્લૉઝની સાથે-સાથે ડરામણા કામ્પુસની પણ ચર્ચા છે. અહીં દર પાંચમી ડિસેમ્બરે એટલે કે સંત નિકોલસના નર્વિાણદિનની આગલી રાતે આ કામ્પુસ નાઇટ ઊજવાય છે. એમાં બકરી જેવાં શિંગડાં અને કદરૂપું શરીર ધરાવતા બિહામણા પ્રાણીનું રૂપ ધારણ કરીને કામ્પુસ નીકળે છે. હંગેરીમાં કામ્પુસનો વેશ પહેરેલો માણસ સંત નિકોલસના અવતાર એટલે કે સૅન્ટા ક્લૉઝ જેવા માણસની સાથે હોય છે તો ક્રોએશિયામાં કામ્પુસ ગલી-ગલી ઘૂમે છે અને જેમ સૅન્ટા ઠેર-ઠેર ફરીને બાળકોને ગિફ્ટ આપે છે એમ આ કામ્પુસનું કામ ખોટાં બાળકોને પનિશમેન્ટ આપવાનું છે. જે બાળકો સારા ગુણો ન કેળવે, સારી આદતો ન કેળવે તેમને આ દિવસે આ કાળિયાર સમો કામ્પુસ ધમકાવે છે અને તેના હાથમાંની સાંકળ વડે પકડીને બાંધીને લઈ જાય છે. આવી વાતો કરીને માબાપો પોતાનાં બાળકોને સાચી આદતો માટે ધમકાવી શકે છે. જેમ કે -

રાતે મોડે સુધી જાગે તે બાળકને તો કામ્પુસ...

વેજિટેબલ્સ ન ખાય તે બાળકને તો કામ્પુસ...

હોમવર્ક ન કરે તે બાળકને તો કામ્પુસ...

બીજાને મારે એવા બાળકને તો કામ્પુસ...

આમ વરસના છેલ્લા મહિનામાં દેખા દેતા આ બિહામણા કામ્પુસના નામે બચ્ચાંઓને ડરાવવાનો ધંધો આખું વરસ ચાલતો રહે છે.

જર્મનીના અમુક ભાગમાં કામ્પુસનો કાળો કેર છે, પણ થોડાક પ્રમાણમાં. અહીં બિહામણા અને ડરામણા રૂપમાં નહીં પણ કાળાં કપડાંમાં અને થોડાક અંશે ન ગમે એવા લુકમાં શેતાન સૅન્ટાની સાથે આવે છે. ગ્રીક માન્યતા અનુસાર કામ્પુસ સંત નિકોલસનો સેવક હતો. નિકોલસ તો ખૂબ જ દયાળુ અને બાળકોને ચાહનારા હતા એટલે તેઓ દરેક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકને કંઈક ને કંઈક ગિફ્ટ આપતા રહેતા, પણ આ કામ્પુસ ખોટી આદતો ધરાવતાં બચ્ચાંઓને ખરાબ ચીજો ભેટ આપીને તેમને સુધરવાની ભલામણ કરતો એવી માન્યતા છે. જર્મનીમાં સારાં બચ્ચાંઓને સૅન્ટા સરસ-સરસ ગિફ્ટ્સ આપે છે અને ગંદાં તથા તોફાન કરતાં બચ્ચાંઓને શેતાન તરફથી ગંદી ગિફ્ટ્સ મળે છે. ગંદી ગિફ્ટ્સ એટલે કે કોલસો, બગડેલી ચીજો, પથ્થર જેવી નકામી ચીજો.

સાવ કાલ્પનિક લાગે એવી આ બાબત પર હજીયે કેટલીયે ક્રિશ્ચિયન કમ્યુનિટીઓ વિશ્વાસ ધરાવે છે. જોકે મોટા ભાગનાં કૅથલિક ક્રિશ્ચિયનો ડરામણા રાક્ષસી ચહેરાઓથી બાળકોમાં ડર પેદા કરી દેવાની વાતથી ખિલાફ હોવાથી હવે ગણ્યાગાંઠ્યાં દેશોમાં જ આવી પ્રથા છે. ઑસ્ટ્રિયા એમાંનું એક છે જેમાં કામ્પુસ નાઇટને ખોફનાક રીતે મનાવવામાં આવે છે. અહીં કામ્પુસ બનવા માટે ખાસ છ ફૂટથી ઊંચા કદાવર લોકોને પસંદ કરવામાં આવે છે. સંત નિકોલસ દિનની આગલી સાંજે ઉજવણીનો માહોલ તૈયાર થાય છે. શેરી-મહોલ્લામાં લોકો એકઠા થાય છે અને મજ્જેથી ગીત-સંગીતનો કાર્યક્રમ થાય છે. રાતના સાડાદસ-અગિયાર વાગ્યે સાઇરન જેવું વાગે છે. એ સાંભળીને નાનાં, છળી ઊઠે એવાં ભૂલકાંઓને ઘરભેગાં કરી દેવામાં આવે છે. આ વૉર્નિંગ છતાં બહાર ફરતા લોકોને ડરાવવા માટે અચાનક જ ચારે બાજુથી શિંગડાંવાળા કામ્પુસોનો કાફલો ફૂટી નીકળે છે. આ કામ્પુસો દ્વારા થોડાંક બિહામણાં ઍક્શન-દૃશ્યો પણ ભજવાય છે. આવા મશાલ લઈને ઘૂમતા અને બિહામણા ચહેરે અટ્ટહાસ્ય કરતા શેતાનોને જોઈને ભલભલાના હાંજા ગગડી જાય છે. અલબત્ત, હવે આ ફેસ્ટિવલ નાઇટનો લાભ લઈને ચોરીચપાટીના કિસ્સાઓ પણ વધી જતા હોવાથી સ્થાનિક પોલીસે સતત અલર્ટ રહેવું પડે છે.

પહેલાં કરતાં આત્યંતિકરૂપે ભજવાતા આ કામ્પુસ નાઇટ ફેસ્ટિવલમાં માણસો એટલી હદે બિહામણા થઈને ફરે છે કે કામ્પુસને જોવામાત્રથી છળી ઉઠાય છે. જોકે માણસોને ડરવા-ડરાવવામાં જબરી મોજ પડતી હોય છે અને એટલે જ આ ફેસ્ટિવલને વખોડવા છતાં હજીયે કેટલીયે કમ્યુનિટીમાં એને મજ્જેથી માણવામાં આવે છે.