મેથીના દાણા પલાળીને નહીં પરંતુ કાચા ખાવાથી વધુ ગુણકારી બને

16 December, 2012 07:33 AM IST  | 

મેથીના દાણા પલાળીને નહીં પરંતુ કાચા ખાવાથી વધુ ગુણકારી બને



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

ઠંડી શરૂ થાય અને નબળાં હાડકાં તથા નબળા સાંધા ધરાવતા લોકોની પીડાની શરૂઆત થઈ જાય. ખાસ કરીને મોટી ઉંમરના લોકોને શિયાળો આવતાં જ શરીરમાં જકડાહટ અને કમર-સાંધામાં દુખાવો થવા લાગે છે. ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ, સાયેટિકા, રૂમેટૉઇડ આર્થ્રાઇટિસના દરદીઓની પીડા વધુ વકરે છે. શિયાળામાં આવી તકલીફોમાં મેથીના દાણા ઉત્તમ ઘરગથ્થુ ઔષધ બની શકે છે. ઘરવૈદામાં માનતા લોકો તો પહેલેથી જ મેથીના ફાયદા વિશે જાણે છે, પણ એના ઉપયોગની સાચી રીત બાબતે એટલી સભાનતા નથી. આવો જરાક જાણીએ આ કડવા પણ ગુણમાં મીઠા દાણાની વાતો.

મેથી સ્વભાવે કડવી, ઉષ્ણ, દીપક, પૌષ્ટિક છે. કૃમિ, શૂળ, ર્વીય રોગ અને આફરાનો નાશ કરે છે. ગર્ભાશયનો સંકોચ કરે છે. સૂકી ખાંસી, કફ, વાત, હરસ, કૃમિ, તાવ મટાડે છે. વાતવ્યાધિઓ, પાંડુરોગ, કમળો, અમ્લપિત્ત તેમ જ નાક અને આંખના રોગમાં એનાથી ફાયદો થાય છે. એ દીપક હોવાથી ભૂખ લગાડે છે. તાવને કારણે શરીરમાં કળતર હોય, ચામડીનો રોગ હોય ત્યારે પણ એ સારું કામ આપે છે.

વાયુની તકલીફો : વારંવાર આફરો થવાને કારણે પેટ ફૂલી જતું હોય, માથાનો દુખાવો રહેતો હોય, શરીરમાં કારણ વિનાનું કળતર થતું હોય ત્યારે પણ મેથી વાપરી શકાય છે. એ માટે રોજ રાત્રે સૂતાં પહેલાં બે ચમચી મેથીના આખા કાચા દાણા ગરમ પાણી સાથે ફાકવાથી ફાયદો થાય છે.

પાચન ખરાબ થયું હોવાને કારણે મરડો થયો હોય, અર્જીણ રહેતું હોય ત્યારે પણ મેથી વાપરી શકાય. અલબત્ત, એવા સમયે મેથીની સાથે અન્ય કેટલાંક દ્રવ્યો પણ ઉમેરવાં જોઈએ. ૧૦૦ ગ્રામ મેથીનું ચૂર્ણ, ૧૦૦ ગ્રામ હરડે ચૂર્ણ, ૧૦૦ ગ્રામ ઓથમી જીરું અને ૫૦ ગ્રામ સૂંઠને બરાબર મિક્સ કરવાં અને રોજ સવાર-સાંજ એક-એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.

જો આફરાને કારણે પેટ ફૂલીને ગાગર જેવું થઈ જતું હોય, છાતી પર દબાણ આવવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને ભૂખ ન લાગતી હોય ત્યારે મેથીનું ચૂર્ણ અને હિંગ્વાષ્ટક ચૂર્ણ બપોરે અને રાત્રે જમ્યા પછી મોળી છાશ સાથે લેવું. અલબત્ત, આ પ્રકારની તકલીફોમાં પરેજી પાળવી જરૂરી છે. વાયુ કરે એવાં કઠોળ, બટાટા, મેંદાની બનાવટો, તીખી-તળેલી અને આથેલી ચીજો ખાવાનું બંધ કરવું જરૂરી છે.

ખોડો : શિયાળામાં માથામાં સફેદ ફોતરી થવાનું પ્રમાણ વધારે રહે છે, જેને આપણે ખોડો કહીએ છીએ. આ તકલીફ પણ વધેલા વાયુને કારણે જ થાય છે. એ માટે મેથીનું ચૂર્ણ દહીંમાં મેળવીને વાળના તાળવે લગાવી રાખવું. પંદરેક મિનિટ રાખ્યા પછી વાળ ધોઈ લેવા. એમ કરવાથી ડ્રાય વાળ ચમકીલા બને છે અને ખોડો નીકળી જાય છે.

કૃમિ : બાળકોને પેટમાં કૃમિ હોય તો પા ચમચી મેથીનો પાઉડર ગરમ પાણી સાથે આપવાથી કરમિયાં મટે છે અને કરમિયાંનાં ઈંડાં પણ નાશ પામે છે.

લાડુનો પ્રયોગ : વાયુશમન એ મેથીનો સૌથી મોટો ગુણ છે. એટલે વાયુશમન માટે આયુર્વેદમાં મેથીના લાડુનો પ્રયોગ બારે માસ કરી શકાય એવો હોવાનું કહેવાયું છે. મેથીનો લોટ ઘીમાં શેકીને એમાં ત્રણ ગણું ગાયનું દૂધ ઉમેરી એમાં થોડોક ગોળ ઉમેરીને ગોળપાપડી જેવું બનાવીને દસ-દસ ગ્રામ રોજ સવારે ગરમ પાણી કે દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે.

ખોટી માન્યતા

મોટા ભાગના લોકો એવું માને છે કે મેથીના દાણા પલાળીને ખાવા જોઈએ, જે સાચું નથી. હકીકતમાં મેથીના દાણા કાચા જ ગરમ પાણી સાથે ગળી જવાથી વધુ ફાયદો થાય છે. મેથીના સૂકા દાણા જઠર અને આંતરડાંમાં જઈને અપક્વ આમરસને શોષવાનું કામ વધુ સારી રીતે કરી શકે છે.

ડાયાબિટીઝવાળા લોકો મેથી ખાય તો એનાથી શુગરમાં ફાયદો થાય છે એ માન્યતા પણ એટલી જ ખોટી છે. રોજ મેથીના ફાકડા ભરવાથી શુગરની તકલીફ મટી જશે એવું નથી. હા, રોજ રાત્રે સૂતાં પહેલાં મેથીના દાણા ફાકવાથી યુરિનમાં જતી શુગર ઘટે છે, પરંતુ બ્લડશુગર પણ ઘટી જાય છે એવું નથી હોતું. બ્લડશુગર કન્ટ્રોલમાં રાખવા માટે ડાયટ અને એક્સરસાઇઝ મસ્ટ છે.

નિયમિત વપરાશ

દાળ-શાક અને કઢીના વઘારમાં અચૂક થોડાક મેથીના દાણા નાખવાથી આ ચીજોનો વાયુકર ગુણ શમે છે.