પુરુષોના પ્રાઇવેટ પાર્ટ્સ વાઢી નાખવા કેટલું યોગ્ય?

16 December, 2012 07:33 AM IST  | 

પુરુષોના પ્રાઇવેટ પાર્ટ્સ વાઢી નાખવા કેટલું યોગ્ય?



તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટ્સને શસ્ત્રક્રિયાઓ દ્વારા નાના અથવા નિરુપયોગી બનાવી દેવામાં આવતા હતા. સ્ત્રીઓ વધુપડતી કામુક ન બની જાય એવી દહેશતથી ધાર્મિક કારણો આગળ કરીને કરવામાં આવતી આ નર્લિજ્જ વાઢકાપક્રિયામાં સ્ત્રીની અતિ સંવેદનશીલ ગણાતી એવી જનનપેશી ભગાંકુર ઉર્ફે ક્લિટોરિસને ઉચ્છેદી નાખવામાં આવતી હતી. ક્લિટોરિડેક્ટોમી તરીકે ઓળખાતી આ ઘાતક સર્જરીનો ભોગ પછાત અને રૂઢિચુસ્ત સમાજની લાખો સ્ત્રીઓ બનતી હતી. આજના સુધરેલા સમાજમાં હવે આવી ઑર્ગેનાઇઝ્ડ સર્જરીનું પ્રમાણ ખાસ્સું ઘટી ગયું છે ત્યારે એક નવા જ પ્રકારની વિઘાતક સમસ્યા ઊભી થઈ રહી છે અને એ છે પુરુષોનાં જનનાંગો ઉચ્છેદી નાખવાની દુર્ઘટનાઓ.

જોકે આ કોઈ સ્ત્રીઓનાં જનનોચ્છેદન જેવી ઑર્ગેનાઇઝ્ડ વ્યવસ્થા નથી, પણ છૂટાછવાયા કિસ્સાઓ દ્વારા જાણવા મળે છે કે હવે પુરુષોનાં જનનોચ્છેદનો પણ સંભવિત છે અને વિકસિત તથા વિકાસશીલ બન્ને પ્રકારનાં રાષ્ટ્રોમાં વધતી માત્રામાં એ બની રહ્યાં છે. ૧૯૯૩માં લૉરેના બૉબિટ નામની સ્ત્રીએ અમેરિકાના વર્જિનિયા પ્રાન્તમાં તેના પતિ બૉબિટનું ગુપ્તાંગ વાઢી નાખ્યું ત્યારથી આ ઘટનાને બૉબિટિંગ જેવું નામ અનાયાસ આપી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ ભારત સહિત ઘણા દેશોમાં પુરુષોના ગુપ્તાંગ-ઉચ્છેદનના કમનસીબ કિસ્સાઓ નોંધાયા છે. તાજેતરમાં અમદાવાદમાં પણ પ્રેમલગ્ન કરેલી એક સ્ત્રીએ તેનો પતિ અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષિત છે એવો આક્ષેપ કરી મધરાતે ઊંઘમાં પતિને પલંગ પર બાંધીને તેનું શિશ્ન કાપી નાખવાનો બનાવ નોંધાયો હતો. આ કિસ્સામાં સ્ત્રી આ શિશ્નોચ્છેદન બાદ રાતોરાત પોલીસ-સ્ટેશનમાં પોતે જ હાજર થઈ ગઈ હતી. બૉબિટિંગના કિસ્સા આ અગાઉ ગ્રામ્ય અને શહેરી ગુજરાતમાં પણ નોંધાયા છે.

ઈર્ષા અથવા પતિ અન્ય મહિલા સાથે આડા સંબંધ રાખતો હોવાનો વહેમ સ્ત્રી દ્વારા થતા બૉબિટિંગના કિસ્સાઓમાં જોવા મળતું મુખ્ય કારણ છે, પરંતુ એ સિવાય પણ ઘણાં મનોવૈજ્ઞાનિક કારણો આ દુર્ઘટનાની પાછળ કાર્યરત હોઈ શકે છે. આવું કરનાર મહિલાને કોઈ ને કોઈ માનસિક બીમારી કે ક્ષતિ હોવાનો પૂરેપૂરો સંભવ છે.

કેટલાક મેન્ટલ ડિસઑર્ડર તથા ગંભીર ડિપ્રેશનમાં ચાલી ગયેલી સ્ત્રીઓ ભયાનક આવેશ યા તનાવની સ્થિતિમાં આવું જોખમી કામ કરી બેસે છે. વણસી ગયેલું દામ્પત્ય, પતિ પ્રત્યેનું લાંબા ગાળાનું ખુન્નસ, બદલાની ભાવના, પોતાના શારીરિક શોષણ સામેનું બળવાખોર રીઍક્શન, બળાત્કારીને સજા ફટકારવાનો વ્યક્તિગત પ્રયત્ન, આંખ આડા કાન કરતા સમાજને બતાવી આપવાની હરકત વગેરે મનોદશાઓ પણ બૉબિટિંગ કરાવી શકે છે.

પ્રી-મેન્સ્ટઅલ ટેન્શનથી પીડાતી સ્ત્રી પણ આવું આત્યંતિક પગલું ભરી શકે છે. સ્ત્રી ક્યારેક ઝનૂન, આવેગ કે ક્રોધને કારણે ઇમ્પલ્સિવ રીતે આવું કરી બેસે છે તો ક્યારેક શાંત ચિત્તે નક્કી કર્યા બાદ ઠંડે કલેજે સમય આવ્યે આમ કરી નાખે છે. ક્યારેક પોતે કરેલા ગુનાનો અહેસાસ હોય છે તો ક્યારેક નથી હોતો. પોતાની પતિની બેવફાઈની વાત ક્યારેક સાચી હોય છે તો ક્યારેક કેવળ તેના પોતાના મગજની કલ્પના માત્ર હોય છે. આવું કર્યા બાદ કેટલીક સ્ત્રીઓ પોતે પણ આત્મહત્યાની કોશિશ કરતી હોય છે. જનનોચ્છેદનનો બીજો એક તદ્દન વરવો પ્રકાર પણ છે. એ છે સ્વગુપ્તાંગ-ઉચ્છેદન અર્થાત્ પુરુષ પોતે જ પોતાના લિંગને વાઢી નાખે. આવું કામ પણ અતિગંભીર માનસિક રુગ્ણતા ધરાવનાર પુરુષ જ કરે છે.

બૉડી ઇમેજ ડિસ્ટર્બન્સ યા ડિસમૉફોર્ફોબિયા નામની એક માનસિક બીમારીમાં વ્યક્તિ પોતાના અવયવોને ક્ષતિગ્રસ્ત માને છે અને તનાવથી છૂટવા તે પોતાનું જે-તે અવયવ (જેમ કે નાક, શિશ્ન) જાતે જ વાઢી નાખે છે. આવા દરદીઓ મનોચિકિત્સકની દવાથી સાજા થઈ શકે છે.

ઑટોકેસ્ટ્રેશન યા સેલ્ફ જનાઇટોમ્યુટિલેશન તરીકે ઓળખાતી આ સ્થિતિ ગંભીર રક્તસ્રાવને કારણે વ્યક્તિના મૃત્યુમાં પણ પરિણમી શકે છે. વાસ્તવમાં જનનોચ્છેદન યા કૅસ્ટ્રેશન એ જૂની અને જાણીતી શસ્ત્રક્રિયાનું નામ છે. શુક્રપિંડના કૅન્સર જેવા રોગોમાં ટેસ્ટિકલ્સ કાપીને દૂર કરવામાં આવે છે. માત્ર શિશ્નને કાપી નખાય એને નહીં, બલકે સાથે શુક્રપિંડ પણ કાપવામાં આવે એને કૅસ્ટ્રેશન કહેવાય છે.

બાર-તેર વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં જો શુક્રપિંડ સહિતનાં વૃષણો કાઢી નખાય તો તેને તારુણ્યપ્રવેશ વખતે ટેસ્ટોસ્ટેરોનનો પૂરતો સ્રાવ થતો નથી. એથી તેનામાં પુરુષ સહજ ચેન્જિસ (જેવા કે સ્નાયુબદ્ધતા આવવી; ર્વીયસ્ખલન થવું; જનનાંગોનું કદ વધવું; છાતી, બગલ, દાઢી અને મૂછના વાળ આવવા તથા સ્ત્રીસંગની ઇચ્છા થવી વગેરે) આવતા અટકી જાય છે.

વ્યંડળો બનાવનાર ધંધાદારી ટોળકીઓ કુમળાં બાળકોનું અપહરણ કર્યા બાદ કુમળી વયે તેમનાં જનનાંગો વાઢીને તેમને આ રીતે સ્ત્રૌણ બનાવી દે છે.

બૉબિટિંગના કિસ્સાઓમાં વૅસ્ક્યુલર સર્જરી દ્વારા શિશ્નના પુન: સ્થાપનના પ્રયોગો થયા છે, કેમ કે શિશ્ન એ સંપૂર્ણ વૅસ્ક્યુલર પેશી છે જેમાં હાડકાં કે સ્નાયુઓ હોતાં નથી. બૉબિટિંગ કરનાર સ્ત્રી પર કાયદેસર કાર્યવાહી ઉપરાંત તેની મનોચિકિત્સા તથા મનોઉપચાર પણ થવાં જરૂરી છે.

બેવફાઈ કે બળાત્કારનો બદલો બૉબિટિંગ ન હોઈ શકે, સિવાય કે અદાલત આવી સજા કરે. મનોચિકિત્સકો પાસે સ્ત્રી ક્યારેક આવી માગણી દોહરાવતી હોય છે કે મારો પતિ સ્ત્રીસંગનો વ્યસની છે તો તેને કોઈ રીતે નપુંસક બનાવી દોને. જોકે આવી માગણીઓ ગેરવાજબી હોવાથી કોઈ ડૉક્ટર કોઈને નપુંસક બનાવતો નથી.  બૉબિટિંગ કરનાર સ્ત્રીને પોતાના કાર્ય બદલ પાછળથી ક્યારેક પસ્તાવો થાય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.

કમનસીબે બૉબિટિંગ બાદ પુરુષ સ્ત્રીસંગને કાબેલ જ નથી રહેતો, સાથોસાથ તેનું મૂત્ર-ઉત્સર્જનનું કર્મ પણ ખોરવાઈ જાય છે.