આ માણસના શરીરમાં હાડકાં અને સાંધા છે?

16 December, 2012 07:27 AM IST  | 

આ માણસના શરીરમાં હાડકાં અને સાંધા છે?



રેકૉર્ડ મેકર

કોઈ સુપરનૅચરલ હૉરર ફિલ્મ જોતા હોઈએ ત્યારે અચાનક જ કોઈ વિચિત્ર માનવઆકૃતિના શરીરની પીઠ દેખાતી હોય છતાં હાથ આગળ આવી જાય, આખો ખભો જ છૂટો પડીને જાણે ૧૮૦ ડિગ્રી સુધી હાથ ફેરવાઈ જાય, કમરથી બૉડી ટ્વિસ્ટ થઈને છાતીનો ભાગ પાછળ આવી જાય... આવું તો કંઈકેટલુંય ડરામણું દેખાડવા માટે મોટા ભાગે સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદ લેવાય. જોકે અમેરિકામાં આવેલા મિસિસિપી રાજ્યના ડેનિયલ બ્રાઉનિંગ સ્મિથના આવ્યા પછી હૉલીવુડના ઘણા ડિરેક્ટરોને સ્પેશ્યલ ઇફેક્ટ્સની જરૂર મટી ગઈ છે. ‘પૅરાનૉર્મલ ઍક્ટિવિટી ૩’ અને ‘યુ ડૉન્ટ મેસ વિથ જોહાન’ જેવી સુપરનૅચરલ હૉરર ફિલ્મોમાં ભૂતપ્રેતની આકૃતિઓમાં કોઈ સ્પેશ્યલ ઇફેક્ટ્સની નહીં બલકે આ ડેનિયલભાઈની કમાલ છે. એનું કારણ છે ડેનિયલનું એકદમ રબર જેવું બૉડી. તે વિશ્વનો સૌથી ફ્લેક્સિબલ પુરુષ છે. ડેનિયલ પોતાના શરીરને વાળી-મરોડીને જે અંગભંગિમાઓ બતાવે છે એ જોઈને તો લાગે કે જાણે તેણે શરીરના દરેકેદરેક જૉઇન્ટ્સની ઐસીતૈસી કરી નાખી છે. તે કમર, ખભા, ગરદન, ઘૂંટી અને ઘૂંટણ જેવા શરીરના મુખ્ય સાંધાઓને ઑલમોસ્ટ ૧૮૦ ડિગ્રી જેટલા વાળી શકે છે.

છોકરીઓનું શરીર કુદરતી રીતે જ છોકરાઓ કરતાં નાજુક અને ફ્લેક્સિબલ હોય છે, પણ અમેરિકાના ડેનિયલ બ્રાઉનિંગ સ્મિથને જોઈને ભલભલા લોકો મોંમાં આંગળાં નાખી જાય છે. શરીરને તે ધારે એવી રીતે વાળી શકે છે, સંકોચી શકે છે અને જાણે કોઈ કપડાની ગળી વાળતો હોય એટલી સરળતાથી પોતાના શરીરના એકેએક ભાગને વારાફરતી વાળીને પેટીમાં સમાવતો જાય છે અને જાતે જ પેટી બંધ કરી દે.

ડેનિયલ ચાર વર્ષનો હતો ત્યારે તેના એકદમ લચીલા શરીરને જોઈને તેના પપ્પાએ તેને ફ્લેક્સિબિલિટી વધારવાની ખાસ ટ્રેઇનિંગ આપવાનું શરૂ કરેલું. નાનપણથી જ મળેલી ટ્રેઇનિંગને કારણે તેની બૉડીમાં ક્યાંય ચરબીની જમાવટ નથી. મસલ્સને તે દોરડાની જેમ આમળી નાખે છે અને જૉઇન્ટ્સને આસાનીથી ડિસલૉકેટ કરીને પાછા હતા એમના એમ કરી દે છે.

હજીયે ચાઇનીઝ ઍક્રોબેટિક માસ્ટર લુ યી પાસેથી ટ્રેઇનિંગ લઈને ડેનિયલે શરીરની લવચીકતા વધારવાનું ચાલુ રાખ્યું છે. અલબત્ત, આ માટે તેને લગભગ રોજેરોજ પોતાના જૉઇન્ટ્સને આવી જ કસરત કરાવતા રહેવું પડે છે.

હવે તો હૉલીવુડના હૉરર ફિલ્મના ડિરેક્ટરોનું પણ કહેવું છે કે હૉરર ક્રીએટ કરવા માટે ડેનિયલ જો સાથે હોય તો સ્પેશ્યલ ઇફેક્ટ્સની કોઈ જરૂર નથી. થોડાક અળવીતરા મેક-અપથી એકદમ નૅચરલી જ ડરામણી અસર પેદા થઈ જાય છે. તેની આ જ ખાસિયતોને કારણે ટીવી-શો, ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ અને ફિલ્મોમાં તેની સારીએવી બોલબાલા છે.

હિસ્ટરી ટીવી ૧૮ ચૅનલ પર આવતી ‘સ્ટેન લીઝ સુપરહ્યુમન’ નામની ડૉક્યુમેન્ટરી સિરીઝમાં તેને સુપરહ્યુમનનું બિરુદ પણ મળ્યું છે. એ પછી તે પોતાના જેવા સુપરહ્યુમન્સને શોધવા માટે દેશવિદેશોમાં ફરે છે અને શોનું હોસ્ટિંગ પણ કરે છે.

ટ્રેઇનિંગ દરમ્યાન અનેક વાર તે ઇન્જર્ડ થયો છે, પણ હજી સુધી ક્યારેય જૉઇન્ટ્સમાં કોઈ તકલીફ નથી થઈ.