ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે ત્રણ અનુકૂળતા

02 December, 2012 07:13 AM IST  | 

ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે ત્રણ અનુકૂળતા



નો નૉન્સેન્સ - રમેશ ઓઝા


ગુજરાતમાં એક ‘સર્વોચ્ચ’ હતા. સર્વોચ્ચનો દબદબો એટલો હતો કે તેમની મરજી વિરુદ્ધ ગુજરાતમાં પાંદડું પણ હલતું નહીં. જે વાચકની ઉંમર ૬૦ કે એનાથી ઉપર હશે તેમને સમજાઈ ગયું હશે કે કોણ હતા એ ‘સર્વોચ્ચ’. મોરારજી દેસાઈને ગુજરાતના સર્વોચ્ચ (નેતા) તરીકે ઓળખાવવામાં આવતા હતા અને ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી મોરારજીભાઈને પૂછીને પાણી પીતી હતી. મોરારજી દેસાઈ ક્યારેય ગુજરાતના કોઈ પ્રધાન કે મુખ્ય પ્રધાન નહોતા બન્યા. અવિભાજિત મુંબઈ રાજ્યના તેઓ મુખ્ય પ્રધાન હતા અને એ પછી જવાહરલાલ નેહરુની કૅબિનેટના સિનિયર સભ્ય હતા. ‘હૂ આફ્ટર નેહરુ?’ એવો સવાલ એ જમાનામાં રોજ પુછાતો અને એના જવાબમાં પહેલું નામ મોરારજી દેસાઈનું લેવામાં આવતું. ૧૯૬૩માં કામરાજ યોજનાના ભાગરૂપે તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, પરંતુ ‘ગુજરાતના સર્વોચ્ચ’નું તેમનું પદ અકબંધ રહ્યું હતું.

મોરારજીભાઈના ગુજરાતના સર્વોચ્ચ તરીકેના પદને ગુજરાતમાં ક્યારેય પડકારવામાં નહોતું આવ્યું. એટલી કોઈનામાં હિંમત નહોતી. હવેલી લેતાં ગુજરાત ખોયું એ ઘાટે મોરારજીભાઈએ દિલ્હીમાં વડા પ્રધાનપદ માટે ઇન્દિરા ગાંધીને પડકાયાર઼્, જેના પરિણામે તેમણે ગુજરાતના સર્વોચ્ચનું પદ ખોયું હતું. રતુભાઈ અદાણી, ઘનશ્યામ ઓઝા, કાન્તિલાલ ઘિયા, ચીમન પટેલ જેવા ગુજરાતમાં ખાસ લોકપ્રિયતા નહીં ધરાવતા નેતાઓને આગળ કરીને ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં મોરારજીભાઈના ગઢને તોડી પાડ્યો હતો.

ચાર દાયકા પછી ગુજરાતને એક બીજા ‘સર્વોચ્ચ’ મળ્યાં છે. પહેલા સર્વોચ્ચને ગુજરાતમાંથી ભય નહોતો, પણ દિલ્હીમાંથી હતો. ગુજરાતના બીજા સર્વોચ્ચ પહેલા કરતાં વધારે નસીબદાર છે. તેમને નથી ગુજરાતમાંથી ભય તેમ નથી દિલ્હીમાંથી ભય. ઊલટું દિલ્હીવાળાઓને ગુજરાતના સર્વોચ્ચનો ભય વધારે સતાવે છે. પહેલા સર્વોચ્ચ અભિમાન અને તોછડાઈ માટે જાણીતા હતા તો બીજા સર્વોચ્ચ આ માટે વધુ જાણીતા છે. પહેલા સર્વોચ્ચનું અભિમાન અભિમાન હોવા છતાંય ઊંડાણયુક્ત હતું, જ્યારે બીજા સર્વોચ્ચના અભિમાનમાં આછકલાઈ અને ચીડ ચડે એવું બરછટપણું છે.

બીજા સર્વોચ્ચ નામે નરેન્દ્ર મોદી આમ જુઓ તો ચોથી વાર અને વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પક્ષને બહુમતી અપાવીને ત્રીજી વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે. તેમના વિજયને લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીને ત્રણ અનુકૂળતા છે. પહેલી અનુકૂળતા એ કે તેમની સામે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રતિસ્પર્ધી નથી. બીજી અનુકૂળતા એ કે ગુજરાતમાં પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસ પક્ષ કાર્યકર્તાવિહોણો, નેતાઓનો પક્ષ છે. આમાં કેટલાક નેતાઓ બાપાની જગ્યાના ગાદીવારસો છે. તેમને માટે ત્રીજી અનુકૂળતા એ છે કે દિલ્હીમાં બીજેપીમાં નેતૃત્વનો શૂન્યાવકાશ છે. મોરારજી દેસાઈને દિલ્હીમાં પડકારવામાં આવ્યા હતા, જ્યારે અહીં તો બીજેપીના દિલ્હીના નેતાઓ નરેન્દ્ર મોદીથી ડરે છે. માત્ર એક પરિબળ એવું છે જે નરેન્દ્ર મોદીને અકળાવે છે. આ પરિબળ છે કેશુભાઈ પટેલ.

કેશુભાઈ કેટલું ગજું કાઢશે અને કોનો ખેલ બગાડશે એ કહેવું મુશ્કેલ છે. એક થિયરી એવી છે કે તેઓ કૉન્ગ્રેસનો ખેલ બગાડશે. આનું એક કારણ એ છે કે ગુજરાતમાં કૉન્ગ્રેસના ખાસ કમિટેડ વોટર્સ નથી. બીજું કારણ એ છે કે કૉન્ગ્રેસ પાસે કાર્યકર્તાઓ તો નથી, પરંતુ નેતાઓમાં સંપ પણ નથી. સમગ્ર ગુજરાતમાં એકસરખી વગ ધરાવતો એક પણ નેતા કૉન્ગ્રેસ પાસે નથી. બીજેપીમાંથી કૉન્ગ્રેસમાં આવેલા શંકરસિંહ વાઘેલા સામે જૂના કૉન્ગ્રેસીઓને અણગમો છે. કૉન્ગ્રેસની ઉમેદવારોની યાદી બહાર પડ્યા પછી લગભગ દરેક મતદારક્ષેત્રમાં જે અસંતોષની યાદવાસ્થળી જોવા મળી એ જ બતાવે છે કે ગુજરાતમાં કૉન્ગ્રેસની સ્થિતિ કેવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર સામેનો મતદારોનો અસંતોષ પણ ભાગ ભજવશે. ગુજરાતમાં ધþુવીકરણનું સ્વરૂપ પક્ષીય નથી, પરંતુ વ્યક્તિકેન્દ્રી છે. મતદારો કાં નરેન્દ્ર મોદી તરફી છે અને કાં નરેન્દ્ર મોદી વિરોધી છે. નરેન્દ્ર મોદી વિરોધી મતદારોના મત કેશુભાઈ તોડે અને સરવાળે કૉન્ગ્રેસને નુકસાન થશે એમ માનવા માટે પૂરતાં કારણો છે.

બીજી થિયરી એવી છે કે કેશુભાઈ બીજેપીના મત તોડશે. બીજેપીના કમિટેડ વોટર્સમાં કેશુભાઈ ગાબડું પાડશે એમ માનવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ખચ્ચી કરી નાખી છે. મોદીએ સંઘની અવગણના કરીને પોતાનું આભામંડળ વિકસાવ્યું છે, જેના કારણે સંઘના કાર્યકર્તાઓ નારાજ છે. સંઘના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને હરાવવા કેશુભાઈને ટેકો આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના રાજકારણમાં પટેલો હાંશિયામાં ધકેલાઈ ગયા છે અને માટે તેઓ ગિન્નાયેલા છે અને તેમનો ટેકો કેશુભાઈને મળી રહ્યો છે. જોકે પટેલો પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલા છે અને તેમની વચ્ચે દેખાય છે એટલો સંપ નથી. ગુજરાતના પટેલો અને સૌરાષ્ટ્રના પટેલો વચ્ચે અટકસામ્ય સિવાય કોઈ સાંસ્કૃતિક કે સામાજિક સામ્ય નથી.

એક રહસ્ય સમજાય નહીં એવું છે. કેશુભાઈની સભાઓને બીજા કોઈ પણ નેતાઓની સભા કરતાં વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. મતદાતાઓ શું કેશુભાઈની ગાળાગાળી અને વ્યંગ સાંભળવા સભાઓમાં આવે છે? કે પછી સૌરાષ્ટ્રમાં પટેલો અને કોળી વચ્ચે પડદા પાછળ ધરી રચાઈ છે? ચૂંટણી-સર્વેક્ષકો કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીને પાંચ બેઠકથી વધુ બેઠક આપવા રાજી નથી. સર્વેક્ષકો તો ગુજરાતમાં કેશુભાઈને સક્ષમ રાજકીય પરિબળ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. તો પછી કેશુભાઈની સફળ ચૂંટણીસભાઓનું રહસ્ય શું?

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજેપીનો પ્રચાર નરેન્દ્ર મોદી એકલા કરી રહ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય નેતાઓ પ્રચારની બાબતમાં ઉદાસીન છે. આનું કારણ તેમનો મોદીવિરોધ છે કે પછી મોદી કોઈને જશ ખાટવા દેવા માગતા નથી એ છે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. નરેન્દ્ર મોદી જો ગુજરાત વિધાનસભામાં ૧૧૦થી વધુ બેઠકો મેળવશે તો તેમના રથને દિલ્હી જતો રોકવો એ બીજેપીમાંના મોદીવિરોધી નેતાઓ માટે અશક્ય બની જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોનો પડઘો ગુજરાત કરતાં દિલ્હીમાં અને એમાંય બીજેપીમાં તેમ જ એકંદરે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સમાં વધુ પડશે. એક વાત નક્કી છે. આવતા વર્ષના પ્રારંભ સાથે બીજેપીમાં રાજકીય સમીકરણો બદલાવા લાગશે.