ગુજરાત ઇલેક્શન, ત્રણ પાર્ટી-ત્રણ દિશા

02 December, 2012 07:12 AM IST  | 

ગુજરાત ઇલેક્શન, ત્રણ પાર્ટી-ત્રણ દિશા




ગુજરાતમાં અત્યારે રાજકારણની ગરમી છે. ૧૩ અને ૧૭એ ગુજરાતમાં ઇલેક્શન છે અને આ ઇલેક્શનમાં ગુજરાતના તમામ મોટા નાથ ભાગ લેવાના છે. આ વખતે ગુજરાતની ચૂંટણીની સૌથી રસપ્રદ વાત એ છે કે ગુજરાતની મહત્વની કહેવાય એવી ત્રણેય પાર્ટીના નેતાઓ એક સમયે હિન્દુવાદ, હિન્દુ નીતિ અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલા હતા; પણ આ ચૂંટણીની સૌથી ખરાબ વાત એ છે કે આ ચૂંટણી ત્રણ અલગ-અલગ દિશામાં લડાઈ રહી છે. એક પક્ષની દિશા સત્તા સંભાળવાની છે, બીજો એક પક્ષ સત્તા મેળવવા માટે લડી રહ્યો છે તો ત્રીજા પક્ષને કોઈ પણ ભોગે સત્તામાં ભાગીદારી જોઈએ છે. ધ્યેય એક હોય અને એમ છતાં દિશા અલગ હોય તો ધારવું કે કોઈની તો દિશા ખોટી છે, કારણ કે સત્યની દિશા એક જ હોય અને એ દૃષ્ટિએ અત્યારે ગુજરાતના રાજકારણની સત્યની દિશા પણ એક જ છે અને એટલે કહી શકું કે બાકીની બે દિશા પર ચાલનારા બે પક્ષો ખોટા છે. કયો પક્ષ ખોટો, કયા પક્ષની દિશા ખોટી અને કઈ નજરે એ દિશા ખોટી એનું મૂલ્યાંકન કરવાનો આ સમય નથી અને સામાજિક સ્તરે મારું એ પદ પણ નથી જેમાં હું કોઈને સાચી સલાહ કે દિશા આપું, પણ એટલું ચોક્કસ કહીશ કે નકારાત્મકતાની રાજનીતિ હંમેશાં રાષ્ટ્ર કે રાજ્યને અધોગતિની દિશામાં ખેંચી જતી હોય છે. અરે, ઇતિહાસમાં અનેક નોંધપાત્ર દાખલાઓ છે કે જેમાં પુરવાર થયું હોય કે ખંડનાત્મક વિચારધારાથી માત્ર રાષ્ટ્રને કે રાજ્યને જ નહીં પણ શાસકને પણ નુકસાન થયું હોય અને તેમણે શાસન ગુમાવ્યું હોય. સર્વાંગી હકારાત્મકતા જ વિકાસની માનસિકતા સર્જતી હોય છે અને એ દિશા જ એક શાસકની દિશા હોવી જોઈએ. આજે જ્યારે ગુજરાતનો માહોલ જોઉં છું ત્યારે મારી આંખ સામે અનેક એવાં રાષ્ટ્ર આવી જાય છે જ્યાં વિકાસને રૂંધવા માટે અને પ્રજાની સુખાકારીને અટકાવવા માટે અનેક વિરોધ પક્ષ જન્મતા. ભારત વર્ષમાં આ પ્રકારના અનેક વિરોધ પક્ષ નથી અને છે તો એનું દળ એવડું નથી કે જેની નોંધ લેવી પડે પણ આ ભારત વર્ષના ગુજરાતમાં આજે એવો સમય આવી ગયો છે કે જેમાં શાસક પક્ષની સામે એના જેટલું જ પ્રજામાં મહત્વ ધરાવતા હોય એવા એક કરતાં વધુ કહેવાય એવા વિરોધ પક્ષ અસ્તિત્વમાં આવ્યા છે. ઇતિહાસને સાક્ષીએ રાખીને કહું છું કે શાસન માટે એ જ સ્થળે પ્રયાસ કરવામાં આવતા હોય છે જે સ્થળ અદમ્ય મહત્વ અને વિકાસની વિપુલ તક ધરાવતું હોય. ભવિષ્યની ચિંતા વિના અત્યારે તો ગુજરાતે ખુશ થવું જોઈએ કે આ રાજ્ય હવે મહારાષ્ટ્રની હરોળમાં આવી ગયું છે. હવે ગુજરાતને કબજે કરવા માટે ખાલી બીજેપી નહીં પણ કૉન્ગ્રેસ, જીપીપી અને એનસીપી જેવી પાર્ટીઓ પણ જોર લગાવી રહી છે. આર્થિકપણે સક્ષમ રાષ્ટ્ર કે રાજ્યનું કોઈ ધણી નથી હોતું અને આજે ગુજરાતના ધણી થવા માટે રીતસરની હોડ લાગી છે.

ત્રણ દિશા, ત્રણ દશા...


આગળ કહ્યું એમ, ગુજરાત પર શાસન કરવા માટે અત્યારે ત્રણ મહત્વના પક્ષો કામ કરી રહ્યા છે. આ ત્રણમાંથી બીજેપી સત્તા સાચવવા માટે ચૂંટણી લડે છે. આ સત્તાનો રંગ છે. એ મળતી નથી અને મળે છે પછી એને છોડવા માટે કોઈ તૈયાર નથી થતું હોતું. સત્તા છોડવા માટે વૈરાગ્યનો ગુણ હોવો જોઈએ. ભગવાન મહાવીર સત્તા ગળથૂથીમાં લઈને જન્મ્યા હતા, બુદ્ધ પણ એક રાજવી પરિવારમાં જન્મ્યા અને એ પછી વૈરાગ્યના ગુણે તેમને સત્તાનો ત્યાગ કરાવ્યો. આજના રાજકારણ અને રાજકારણી પાસેથી આવી કોઈ અપેક્ષા રાખવી હિતાવહ નથી. રાજનેતા ગમે એટલો સંતત્વ ધરાવતો હોય પણ એ રાજ છોડી શકે એવી મહાનતા મેં હજી સુધી કોઈનામાં જોઈ નથી. લાલબહાદુર શાસ્ત્રી એકમાત્ર એવા રાજનેતા હતા જે સત્તાને સહજતાપૂર્વક સ્વીકારી પણ શકતા અને સત્તા છોડવાની હિંમત પણ સહજતાપૂર્વક દાખવી શકતા. ૧૯૫૧થી ૧૯૫૬ના સમયગાળા દરમ્યાન શાસ્ત્રીજી રેલવેપ્રધાન હતા. ૧૯૫૨માં ટ્રેન ઍક્સિડન્ટ થયો, એ ટ્રેન ઍક્સિડન્ટની નૈતિક જવાબદારી સ્વીકારીને શાસ્ત્રીજીએ પાંચમી મિનિટે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું આપ્યાની બીજી જ ક્ષણે તેમણે પોતાનું સરકારી વાહન પણ છોડી દીધું અને પગે ચાલતા ઘરે ગયા હતા. આવી નિષ્ઠા રાજનેતાઓમાં જોવા મળે એ આશા રાખવી એ દિવાસ્વપ્ન જોવા બરાબર છે. બીજેપીની પાસે સત્તા છે અને આ સત્તા હજી તેની પાસે રહે એ માટે એ ચૂંટણીના જંગમાં છે. સત્તા માટે લડવું એ મારી દૃષ્ટિએ સ્વાર્થની લડાઈ છે. સેવાના ભાવ સાથે લડવું એ હીન માનસિકતા છે એવું કહેવામાં પણ કંઈ ખોટું નથી.

ગુજરાતી બીજા નંબરની પાર્ટી એટલે કૉન્ગ્રેસ. આ પાર્ટીની સ્થાપના મહાત્મા ગાંધીના મૂલ્ય, સિદ્ધાંત અને આદર્શ હેઠળ થઈ; પણ બાપુની સાથે એ સિદ્ધાંત અને મૂલ્યો પણ ગયાં અને પાર્ટી અકબંધ રહી ગઈ. કૉન્ગ્રેસને સત્તા જોઈએ છે, કારણ કે તેમને લોકોની સેવા કરવી છે. કુપોષણવાળાં બાળકોની, મહિલાઓની અને નિરાધાર ખેડૂતોની સેવા કરવા માટે કૉન્ગ્રેસ એવું ધારે છે કે હાથમાં સત્તા હશે તો એ કામ ઉમદા રીતે થઈ શકે છે. પાવર હાથમાં હોય અને માણસને સેવા કરવાની તક મળે તો એ સર્વોત્તમ કામગીરી કરી શકે, પણ સેવા કરવી હોય અને પાવરની રાહ જોવામાં આવતી હોય તો સેવાના એ વિચારમાં કોઈ મલિન હેતુની ગંધ આવી શકે છે.

ગુજરાતની ત્રીજી પાર્ટી નવી છે, પણ એ પાર્ટીના જનક રાજકારણના જૂના જોગીઓ છે. આ પાર્ટી છે ગુજરાત પરિવર્તન પાર્ટી. આ પાર્ટીને સત્તામાં ભાગીદારી જોઈએ છે એટલે એ ચૂંટણીમાં કાર્યરત થઈ છે. ગુજરાત પરિવર્તન પાર્ટીની નીતિ અસ્પષ્ટ છે પણ એનું ધ્યેય સ્પષ્ટ છે. કંઈ પણ થાય, સત્તામાં હાજરી પુરાવવા આવી જવું. ધ્યેયપ્રાપ્તિ માટે જ્યારે નીતિને ગણકારવામાં ન આવે ત્યારે એ જંગ જોખમી પુરવાર થતો હોય છે. બને કે જંગમાં મળેલી હાર લોહિયાળ પણ હોય. કુનેહપૂર્વક કરવામાં આવેલી ચડાઈ જીતને આસાન બનાવતી હોય છે, પણ જો કુનેહમાં સ્વાર્થનો ભાવ આવી જાય તો એ કુનેહ સંકુચિત બની જાય અને દરેક યોદ્ધો માત્ર પોતાના મોરચાનો જંગ જ સંભાળતો હોય છે.

બીજી બે પાર્ટી પણ મેદાનમાં

એવું નથી કે ગુજરાતમાં આ જ ત્રણ પાર્ટી હોય. આ ત્રણ પાર્ટી ઉપરાંત ચોથી પાર્ટી સદ્ભાવના મંચ પણ છે. સદ્ભાવના મંચને ખબર છે કે એ આખા ગુજરાતમાં સત્તા ભોગવી નહીં શકે, પણ એટલે તેમણે માત્ર પોતાનો વિસ્તાર ભાવનગર સાચવી લેવાનો હેતુ મનમાં રાખ્યો છે. આ વિસ્તારમાં સરકાર કોઈ ગેરવાજબી પગલું ન ભરે એ માટે સદ્ભાવના મંચ કાર્યરત રહેવા ઇચ્છે છે તો સત્તામાં પાંચમો ભાગીદાર બનવા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી તૈયાર થઈ છે. આ પાર્ટીનો હેતુ પણ અમુક અંશે ગુજરાત પરિવર્તન પાર્ટી જેવો જ છે, સત્તામાં ભાગીદારી. સત્તાની આ ભાગીદારી માટે તેમણે અત્યારે સંયમ સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે, પણ આ સંયમ સત્તા પર આવ્યા પછી અકબંધ રહે છે કે નહીં એ પણ જોવાનું રહેશે.

સ્વામી સચ્ચિદાનંદ


સ્વામી સચ્ચિદાનંદ એક આધુનિક વિચારસરણી ધરાવતા સંત છે. મધ્ય ગુજરાતના દંતાલી ગામે આશ્રમ ધરાવતા સ્વામી સચ્ચિદાનંદે ક્યારેય ધર્મને નામે કાયરતાને આગળ થવા નથી દીધી. સ્વામીજીના આશ્રમ પર લૂંટ માટે આવેલા કેટલાક આદિવાસીઓને અટકાવવા માટે તેમણે અને તેમના સાથીઓએ વળતો હુમલો કરતાં એમાં એક આદિવાસીનું મોત થયું હતું, જે આદિવાસીની હત્યાનો કેસ સ્વામી સચ્ચિદાનંદ પર દાખલ કરવામાં આવ્યો હતો અને એ માટે તેમની અરેસ્ટ પણ કરવામાં આવી હતી. એ સમયે પણ સ્વામીજીએ સહેજ પણ પીછેહઠ કર્યા વિના પોતાના પર લાગેલા આક્ષેપોને સ્વીકાર્યા હતા અને સ્વબચાવનો હક હિન્દુ ધર્મમાં આપવામાં આવ્યો છે એ દલીલ રજૂ કરી હતી. સ્વામી સચ્ચિદાનંદે ચાલીસથી વધુ પુસ્તકો પણ લખ્યાં છે, જે ગુજરાતી ભાષામાં બેસ્ટ સેલર પુરવાર થયાં છે. ઇતિહાસ અને રાજકારણ સ્વામીજીના પસંદગીના વિષયો છે.