અરવિંદ કેજરીવાલ મિડિયાને પ્રજા માની બેસવાની ભૂલ ન કરે તો સારું

02 December, 2012 07:11 AM IST  | 

અરવિંદ કેજરીવાલ મિડિયાને પ્રજા માની બેસવાની ભૂલ ન કરે તો સારું



દોઢ વર્ષ સુધી નાગરિક સમાજ વતી ભ્રષ્ટાચાર સામે લડત ચલાવ્યા પછી અરવિંદ કેજરીવાલે વિધિવત્ રાજકીય પક્ષની સ્થાપના કરી છે. તેમણે તેમના પક્ષનું નામ ‘આમ આદમી પાર્ટી’ રાખ્યું છે. આમ આદમી કૉન્ગ્રેસના રાજકારણનો કેન્દ્રવર્તી મુદ્દો રહ્યો છે. કેજરીવાલ ઍન્ડ મંડળીએ કૉન્ગ્રેસને કવરાવવાના સંકુચિત હેતુ સાથે આમ આદમી પાર્ટી એવું નામ રાખ્યું છે કે પછી એમાં તેમની નિસબત છે એ તો સમય જ કહેશે. અત્યારે તેમના ઇરાદા પર શંકા કરવી એ અન્યાય કહેવાશે. ભારતમાં દરેક વ્યક્તિ કે સમૂહને રાજકીય પક્ષ સ્થાપીને રાજકીય વિકલ્પ આપવાનો અધિકાર છે. અરવિંદ કેજરીવાલને આમાં સફળતા મળે એવી શુભકામના આપવી જોઈએ.

ભારતમાં રાજકીય પક્ષ સ્થાપવો એ અઘરું કામ નથી, પરંતુ કેન્દ્રમાં રાજકીય વિકલ્પ બનવો એ સીધાં ચઢાણ જેવું કપરું કામ છે. ભારતની સંસદીય લોકશાહીમાં રાજકીય પક્ષને લગતા કાયદા એટલા હળવા છે કે પાંચ માણસ ભેગા મળીને રાજકીય પક્ષ રચી શકે છે અને પક્ષની રચના કર્યા પછી એક પણ ચૂંટણીમાં એક પણ બેઠક જીત્યા વિના પક્ષનું બૅનર ટકાવી રાખી શકાય છે. જેને દરેક અર્થમાં અ-ગંભીર કહેવાય એવા ૧૫૦૦થી વધુ પક્ષો દેશભરમાં અસ્તિત્વ ધરાવે છે. અરવિંદ કેજરીવાલનો પક્ષ આવા ૧૫૦૦ પક્ષમાંનો એક નહીં હોય એ તો નિશ્ચિત જ છે.

પ્રશ્ન છે રાષ્ટ્રીય સ્તરે વિકલ્પ બનવાનો અને એ અઘરું કામ છે. ૧૯૪૭થી આજ સુધી દેશને એવો એક પણ રાજકીય પક્ષ નથી મળ્યો જે કૉન્ગ્રેસની માફક સમગ્ર દેશમાં રાજકીય અસ્તિત્વ ધરાવતો હોય. બીજેપી કૉન્ગ્રેસના વિકલ્પ તરીકે આગળ આવી છે. છ વર્ષ માટે રાજકીય મોરચાનું નેતૃત્વ કરીને કેન્દ્રમાં સત્તા પણ ભોગવી છે, પરંતુ એની આખા દેશમાં હાજરી નથી અને એ દેશની તમામ પ્રજાનું સમર્થન ધરાવતી નથી. દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં બીજેપીનું કોઈ અસ્તિત્વ નથી અને એ હિન્દુત્વવાદી કોમવાદી પક્ષ હોવાથી ગેરહિન્દુ પ્રજા એને ટેકો આપતી નથી. ૧૯૪૮માં કૉન્ગ્રેસમાંના સમાજવાદી વિચારો ધરાવતા નેતાઓએ કૉન્ગ્રેસમાંથી બહાર નીકળીને બધા વર્ગને સાથે લઈને ચાલનારા મધ્યમમાર્ગી-ડાબેરી-સેક્યુલર પક્ષની રચના કરી ત્યારે આશા બંધાઈ હતી કે એ કૉન્ગ્રેસનો વિકલ્પ બની શકશે. જોકે સમાજવાદી નેતાઓના દુરાગ્રહોને કારણે અને તેમના અહમને કારણે સમાજવાદી પક્ષમાં ફાટફૂટ થઈ હતી અને એ અમીબાની જેમ વિખેરાઈ ગયો હતો.

૧૯૭૭માં જનતા પક્ષની રચના થઈ ત્યારે ફરી વાર આશા બંધાઈ હતી કે દેશને મધ્યમમાર્ગી સેક્યુલર રાજકીય વિકલ્પ મળશે, પરંતુ એ આશા પણ ઠગારી નીવડી હતી; કારણ કે જનતા પક્ષમાં વિલીન થયેલા પક્ષોના નેતાઓ કાં તો મૂળ કૉન્ગ્રેસના અસંતુષ્ટો હતા અને કાં તો સમાજવાદી ધારાના અમીબા હતા. આ ઉપરાંત એમાં જનસંઘનો સમાવેશ થતો હતો, જે મૂળભૂત રીતે મધ્યમમાર્ગી સેક્યુલર વિચારનો પક્ષ નહોતો. એનું કુળ અને ગોત્રજ અલગ હતાં. એ સંઘ કાશીએ પહોંચી નહોતો શક્યો. જનતા પક્ષનાં બે ડઝન ફાડિયાં અલગ-અલગ નામે અસ્તિત્વ ધરાવે છે.

કૉન્ગ્રેસના વિકલ્પ તરીકે સ્થપાયેલા મધ્યમમાર્ગી સેક્યુલર પક્ષોની સમસ્યા એ છે કે એના નેતાઓ ઉપરાઉપરી નિષ્ફળતાને કારણે હતાશ થઈ જાય છે અને આવા હતાશાગ્રસ્ત નેતાઓ બે પ્રકારનાં તદ્દન ભિન્ન વલણ અપનાવે છે. કેટલાક હતાશાગ્રસ્ત નેતાઓ કૉન્ગ્રેસ સાથે સહયોગ કરતા થઈ જાય છે અને છેવટે કૉન્ગ્રેસમાં જોડાઈ જાય છે. સમાજવાદી પક્ષના ર્શીષસ્થ નેતા ડૉ. અશોક મહેતા આનું ઉદાહરણ છે. બીજા કેટલાક હતાશાગ્રસ્ત નેતાઓનું રાજકીય વિકલ્પ વિશેનું વિઝન તો વ્યાપક અને ઉદાત્ત હોય છે, પરંતુ હતાશાને કારણે તેમનું રાજકારણ પ્રત્યક્ષ વ્યવહારમાં આક્રમક, એકાંગી, બેજવાબદાર, વ્યક્તિલક્ષી, ઝેરીલું અને સંકુચિત થઈ જાય છે. સમાજવાદી પક્ષના બીજા એક ર્શીષસ્થ નેતા ડૉ. રામમનોહર લોહિયા આનું ઉદાહરણ છે. આ બે નામ નમૂના ખાતર આપ્યાં છે બાકી આવાં બીજાં અનેક નામ છે. ૧૯૫૨થી ૧૯૭૫ સુધી સમાજવાદી પક્ષોના અને ૧૯૭૭થી ૧૯૯૧ સુધી જનતા પક્ષ/જનતા દળના રાજકારણ પર નજર નાખશો તો આ પૅટર્ન ધ્યાનમાં આવશે. એક પણ નેતાએ હિંમત હાર્યા વિના, ધીરજપૂર્વક, સમાધાનો કર્યા વિના તેમ જ શૉર્ટકટ અપનાવ્યા વિના પક્ષની બાંધણી કરી હોય અને એેને દેશમાં તમામ પ્રજામાં સ્વીકૃતિ અપાવી હોય એવું આજ સુધી બન્યું નથી. આઝાદીના સાડાછ દાયકા પછી પણ દેશ વિકલ્પવિહોણો છે.

આગળ કહ્યું એમ આ કામ કપરું છે. સીધાં ચઢાણ છે. આજે વાવો તો કદાચ ત્રીજી પેઢીને એનો લાભ મળે. આજે જ્યારે દરેકને મરતાં પહેલાં સત્તા ભોગવીને જવું છે અને પોતાના અને માત્ર પોતાના જ દીકરાને સત્તાનો વારસો સોંપી જવો છે ત્યારે આવી મહેનત કોણ કરે. કૉન્ગ્રેસ આમાં નસીબદાર છે. એની ત્રીજી પેઢીએ એક દાદા થયા હતા જેણે પક્ષને બાંધવાનું, દેશમાં ફેલાવવાનું અને તમામ પ્રજામાં સ્વીકૃતિ અપાવવાનું કામ કરી આપ્યું હતું. કૉન્ગ્રેસ આજે જર્જરિત અવસ્થામાં હોવા છતાંય ટકી રહી છે, કારણ કે એ દેશભરમાં અને દરેક પ્રજા વચ્ચે હાજરી ધરાવે છે. આ ગાંધીનું કામ છે. ગાંધી જેવો સમાજસાપેક્ષ અને સત્તાનિરપેક્ષ માણસ જ આ કામ કરી શકે.

અરવિંદ કેજરીવાલ આ ગુણ ધરાવે છે ખરા? મને નથી લાગતું કે તેઓ આ કામ કરી શકશે. વલણની દૃષ્ટિએ મને કેજરીવાલ ડૉ. લોહિયાના વારસદાર લાગે છે. અણ્ણા હઝારેના આંદોલનને ગયા વર્ષના ડિસેમ્બરમાં મુંબઈમાં અને એ પછી ઑગસ્ટ મહિનામાં દિલ્હીમાં મળેલી નિષ્ફળતાને તેઓ પચાવી નથી શક્યા. ડૉ. લોહિયાની માફક જ તેઓ આક્રમક, એકાંગી, બેજવાબદાર, વ્યક્તિલક્ષી, દ્વેષથી પીડાતા અને સંકુચિત જોવા મળે છે. નાગરિક સમાજના નર્દિલીય આંદોલનને એક વર્ષ ચલાવવા જેટલી પણ ધીરજ તેઓ બતાવી શક્યા નથી. પહેલે ઠેબે અકળાઈ ગયા અને બીજું ઠેબું આવતાંની સાથે જ માર્ગ બદલી નાખ્યો. હજી તો આવાં અનેક ઠેબાં આવવાનાં છે અને એ પાછાં ચૂંટણીનાં રાજકારણનાં હશે, જે પચાવવાં અઘરાં છે. આદર્શ સમાજ ઇચ્છનારાઓનું નેતૃત્વ કરવું એ એક વાત છે અને સત્તાવાંછુઓનું નેતૃત્વ કરવું એ બીજી વાત છે. એમાં નિષ્ફળતાને માફ કરવામાં નથી આવતી.

ગાંધી અને લોહિયાના જમાનામાં ચોવીસ કલાક તારસ્વરે ગાજતા મિડિયા નહોતા એટલે લોકો સુધી પહોંચવા માટે કાર્યકરોની સાંકળી રચવી પડતી હતી. અરવિંદ કેજરીવાલ મિડિયાથી કામ ચલાવી રહ્યા છે અને મિડિયાને કેજરીવાલમાં ટીઆરપી દેખાય છે. કેજરીવાલ મિડિયાને પ્રજા માની બેસવાની ભૂલ ન કરે તો સારું. ગયા વર્ષના ડિસેમ્બરમાં અને આ વર્ષના ઑગસ્ટમાં આ ભૂલ તેમણે કરી હતી. પ્રજાના અભાવમાં મિડિયા ઉદાસીન થઈ ગયા હતા અને મિડિયાના અભાવમાં પ્રજા ઉદાસીન થઈ ગઈ હતી. કપરી સ્થિતિમાં સાથીનેતાઓ અને કાર્યકરો સાથ નથી નિભાવતા ત્યાં મિડિયા સાથ નિભાવે એ તો શક્ય જ નથી. બીજું, કેજરીવાલની આખી પાર્ટી મિડિયાનું સર્જન છે એમ કહીએ તો ચાલે. પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદિયા જેવા બે-ચાર અપવાદને બાદ કરતાં પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરો મિડિયા દ્વારા સાથે આવેલા છે. ભ્રષ્ટાચારમુક્ત સમાજના એકમાત્ર એજન્ડાને છોડીને તેમની વચ્ચે સમાનતા બહુ ઓછી છે.

એમ કહી શકાય કે ભારત ૧૦૦ મુદ્દાનો દેશ છે. ઇન્ડિયા ઇઝ અ નેશન ઑફ હન્ડ્રેડ એજન્ડાઝ. આમાંના કેટલાક મુદ્દા એવા છે જે તમારી ભારત વિશેની કલ્પના (આઇડિયા ઑફ ઇન્ડિયા)ની કસોટી કરનારા છે. જેમ કે કાશ્મીરની પ્રજા ભારતમાં રહેવા માગે છે કે કેમ એ લોકમત દ્વારા નક્કી થવું જોઈએ એવા પ્રશાંત ભૂષણના નિવેદનને અણ્ણા હઝારેએ રાષ્ટ્રવિરોધી ગણાવ્યું હતું. બે વરિષ્ઠ જન વચ્ચે એકવાક્યતા ન હોય તો તળિયે એ ક્યાં જોવા મળવાની. દરેક મુદ્દે એકવાક્યતા તો ગાંધીના જમાનામાં પણ નહોતી. આમ છતાંય તેમણે આઇડિયા ઑફ ઇન્ડિયાની બાબતે કૉન્ગ્રેસમાં ‘લગભગ’ સર્વસમંતિ બનાવી હતી. માર્ક ધ વર્ડ. લગભગ, બ્રૉડલી; સંપૂર્ણપણે નહીં. દરેક સાથે હાર્દિક સંબંધ રાખનારા ગાંધીજી સંપૂર્ણ સર્વસંમતિ નહોતા સાધી શક્યા, તો માત્ર મિડિયાના સગપણે ભેગા થયેલાઓ સર્વસંમતિ સાધી શકશે ખરા?

હવે છેલ્લો અને મહત્વનો મુદ્દો. ભારત વિશેનું તેમનું વિઝન અવ્યવહારુ આદર્શવાદી છે. બહુ બૌદ્ધિક કસરત કર્યા વિના સારી-સારી વાતો ભેગી કરીને મૂકી દેવામાં આવી છે. તેમની પ્રજાની ભાગીદારી (ડાયરેક્ટ ડેમોક્રસી)ની કલ્પના હાસ્યાસ્પદ છે. ભારત જેવા વિશાળ દેશમાં એ શક્ય નથી. દરેક મહત્વના મુદ્દે રેફરેન્ડમ (લોકમત) શક્ય નથી. તેમની કેટલીક કલ્પનાઓનો અમલ કરવો હોય તો બંધારણમાં મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવા પડે, જે શક્ય નથી. અરવિંદ કેજરીવાલના સાથીઓએ બહુ બૌદ્ધિક કસરત કર્યા વિના તેમના તરંગી આદર્શવાદને અપનાવી લીધો છે એનું કારણ શોધવું અઘરું નથી. આમ આદમી પાર્ટીના મોટા ભાગના સ્થાપક સભ્યોનો ઇરાદો કબૂતરખાનામાં ફફડાટ પેદા કરવાનો છે અને બને એટલી ઝડપે આમ આદમી મટીને ખાસ આદમી બનવાનો છે. જે દિવસે તેમને લાગશે કે કેજરીવાલ તેમને ખાસ આદમી બનાવી શકે એમ નથી એ દિવસે તે પીઠ ફેરવી લેશે.

આવી અનેક આશંકાઓ છતાંય તેમને ખૂબ-ખૂબ શુભેચ્છા, કારણ કે આમાં મારો સ્વાર્થ છે. મારા દેશને મધ્યમમાર્ગી સેક્યુલર (આઇ રિપીટ, સેક્યુલર) વિકલ્પની જરૂર છે.