ગુજરાલે વડા પ્રધાન તરીકે લેવા પડેલા બે નિર્ણયોને કદાચ તેમના અંતરાત્માએ પરવાનગી નહીં આપી હોય

02 December, 2012 07:11 AM IST  | 

ગુજરાલે વડા પ્રધાન તરીકે લેવા પડેલા બે નિર્ણયોને કદાચ તેમના અંતરાત્માએ પરવાનગી નહીં આપી હોય



ભારતને મળેલા સૌથી નબળા વડા પ્રધાન કોણ એવો પ્રશ્ન પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો ઇન્દર કુમાર ગુજરાલનું નામ આપશે અને એ યોગ્ય છે. ભારતની વિદેશનીતિને મૌલિક, નિર્ણાયક અને ર્દીઘકાલીન અસર કરનારી દિશા આપનારા વડા પ્રધાન કોણ એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો મારી સમજ મુજબ ત્રણ નામ આગળ આવે - જવાહરલાલ નેહરુ, પી. વી. નરસિંહ રાવ અને ઇન્દ કુમાર ગુજરાલ.

રાજકારણમાં અકસ્માત થતા રહેતા હોય છે અને ઇન્દર કુમાર ગુજરાલ અકસ્માતે વડા પ્રધાન થયા હતા. તેમનું તેમના પક્ષમાં પણ વજન નહોતું તો સાથીપક્ષો પર વજન હોવાનો સવાલ જ નથી. વડા પ્રધાન તરીકે તેમણે બે કામ એવાં કરવાં પડ્યાં હતાં જે કરવા માટે તેમના અંતરાત્માએ તેમને સંમતિ નહીં આપી હોય. બિહારમાં ચારાકૌભાંડમાં સંડોવાયેલા લાલુ પ્રસાદ યાદવને બચાવવા તેમણે સીબીઆઇના ડિરેક્ટર જોગિન્દર સિંહની બદલી કરી હતી. બીજી ઘટના ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાની ભલામણ હતી. ગુજરાલ સરકારની ભલામણને એ વખતના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને પાછી કરી હતી. કે. આર. નારાયણન ઇન્દર ગુજરાલ જેટલા જ વિદ્વાન અને પ્રામાણિક માણસ હતા અને તેમણે ગુજરાલને અનુચિત કાર્ય કરતા બચાવી લીધા હતા. જોકે બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી.

અપવાદ માફ. એકંદરે ઇન્દર ગુજરાલે ખુદવફાઈ નિભાવી છે. ઇમર્જન્સીના પ્રારંભના દિવસોમાં ગુજરાલ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન હતા. સરમુખત્યારો માટે આ ખાતું કેટલું મહત્વ ધરાવે છે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. ગુજરાલને કારણે સંજય ગાંધી સરકારી માધ્યમોનો દુરુપયોગ નહોતા કરી શકતા. એક વખત ગુજરાલ વિદેશ હતા ત્યારે સંજયે બારોબાર માહિતી અને પ્રસારણ મંત્રાલયને કેટલાક આદેશ આપી દીધા. ગુજરાલે પાછા આવ્યા પછી ઇન્દિરા ગાંધીને સંજયના કારનામાઓ વિશે જે પત્ર લખ્યો હતો એ ગુજરાલ જ લખી શકે. ગુજરાલ જ્યારે ઇન્દિરા ગાંધીને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાને ગયા અને સંજયે તેમનું અપમાન કરવાની ચેષ્ટા કરી ત્યારે ગુજરાલે તેમને જે સણસણતો જવાબ આપ્યો હતો એ ઘટના એ જમાનામાં દિલ્હીમાં ટોક ઑફ ધ ટાઉન હતી. એ પછી શું થયું હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. ગુજરાલનું રાજીનામું માગી લેવામાં આવ્યું અને તેમને મૉસ્કો રાજદૂત તરીકે મોકલી આપવામાં આવ્યા.

આ એ ગુજરાલ હતા જે હજી બે વર્ષ પહેલાં સુધી ઇન્દિરા ગાંધીની કિચન કૅબિનેટના સભ્ય હતા. કિચન કૅબિનેટના પાંચ-છ સભ્યો ઇન્દિરા ગાંધીના આંખ અને કાન ગણાતા હતા. વૃદ્ધ જમણેરી કૉન્ગ્રેસીઓને હાંશિયામાં ધકેલી દેવા ઇન્દિરા ગાંધીને ડાબેરી ચહેરાની જરૂર હતી અને ગુજરાલ એમાં તેમને મદદ કરતા હતા. સમાજવાદી વિચારો ધરાવતા ગુજરાલને એમ હતું કે ઇન્દિરા ગાંધી ખરેખર ગરીબોની ચિંતા કરે છે. આવો ભ્રમ ધરાવનારા બીજા અનેક ગુજરાલ એ જમાનામાં ભારતમાં હતા.

ભારતીય સંસદીય રાજકારણમાં ક્ષમતા કરતાં રાજકીય વગ તેનું કદ નક્કી કરે છે. ઇન્દર ગુજરાલમાં રાજકીય વગનો સદંતર અભાવ હતો. આમ છતાંય આગળ કહ્યું તેમ ભારતની વિદેશનીતિને મૌલિક, નિર્ણાયક અને દીર્ઘકાલીન અસર કરનારી દિશા આપનારા વડા પ્રધાનોમાં ગુજરાલ એક હતા. જવાહરલાલ નેહરુએ ભારતની વિદેશનીતિનો પાયો નાખ્યો હતો. પી. વી. નરસિંહ રાવ અને ઇન્દર ગુજરાલ બન્ને પહેલાં વિદેશ પ્રધાન અને પછી વડા પ્રધાન બન્યા ત્યારે શીતયુદ્ધ સમાપ્તિના આરે હતું અને પછી સમાપ્ત થઈ ગયું હતું. આ સ્થિતિમાં તેમણે બન્નેએ મહાસત્તા નિરપેક્ષ વિદેશનીતિ અંકારવાની હતી. બન્ને સ્વતંત્ર વિદ્વાન હતા અને બન્નેએ ભારતીય ઉપખંડને લાગેવળગે છે ત્યાં સુધી એકબીજાથી તદ્દન વિરુદ્ધ દિશાના ભિન્ન માર્ગ અપનાવ્યા હતા.

પી. વી. નરસિંહ રાવ એમ માનતા હતા કે નવી સ્થિતિમાં નવી તકનો ઉઘાડ થયો છે ત્યારે ભારતે પાડોશી દેશો સાથે વણઊકલી પળોજણમાં પડવાની જગ્યાએ ‘લુક બિયૉન્ડ પાકિસ્તાન ઇન વેસ્ટ ઍન્ડ બંગલા દેશ ઇન ઈસ્ટ’ની નીતિ અપનાવવી જોઈએ. આ બે દેશોની પાર બન્ને દિશામાં આખું જગત છે. અસંખ્ય તક છે. નવાં વૈશ્વિક સમીકરણો આકાર પામી રહ્યાં છે. ટ્રેડ બ્લૉક્સ બની રહ્યા છે. આ સ્થિતિમાં ભારતે પાડોશી દેશો સાથેના જટીલ પ્રશ્નોમાં અટવાઈ રહીને તક ગુમાવવાની જરૂર નથી. નરસિંહ રાવ પાડોશી દેશોને ચૂભે નહીં એ રીતે ડિપ્લોમૅટિકલી એની ઉપેક્ષા કરતા હતા અને પૂર્વ અને પિમના મહત્વના દેશો સાથે સંબંધો જોડાતા હતા.

ઇન્દર ગુજરાલનું નવા ઉઘાડ વિશેનું આકલન અલગ હતું. તેઓ એમ માનતા હતા કે બદલાતા વિશ્વમાં ભારતે પાડોશી દેશો સાથેના દાયકાઓ જૂના પ્રશ્નો ઉકેલીને બને એટલી ઝડપથી બેડીમુક્ત થવું જોઈએ. પડોશીઓ સાથેના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી ભારતનો કદવિસ્તાર થવાનો નથી અને ભારતના દુશ્મનો કદવિસ્તાર થવા દેશે નહીં. વિશ્વસમાજને એમ કહેવાનો મોકો ન મળવો જોઈએ કે ભારતે હજી કેટલુંક શીખવાનું અને અપનાવવાનું બાકી છે. ખાસ કરીને અશાંત સીમાપ્રાન્તોમાં મૂળભૂત નાગરિક અધિકારો અને દેશની એકતા ખાતર સલામતી દળોને આપવામાં આવેલા વિશેષ અધિકારોની વચ્ચે ટકરામણ થતી રહે છે. વિશ્વ સમાજ આ બાબતમાં સંવેદનશીલ છે. ભારત જો પાડોશી દેશો સાથે સંબંધ સુધારી લે તો દેશના સીમાવર્તી પ્રાન્તોમાંના જે પ્રશ્નો છે એ મોળા પડી જાય અને સમય આવ્યે ઊકલી પણ જાય. વીતી રહેલી સદીના પ્રશ્નો ઉકેલી નાખીશું તો આવનારી સદી (૨૧મી સદી) આપણા ગજવામાં હશે. ઇન્દર ગુજરાલના આ અભિગમને ગુજરાલ ડૉક્ટિÿન તરીકે ઓળખવામાં આવે છે.

તમને આ બે અભિગમમાંથી કયો અભિગમ ઉચિત લાગે છે એ પોતપોતાના અભિપ્રાયનો પ્રશ્ન છે. આ બન્ને અભિગમ મૌલિક છે, નિર્ણાયક છે અને દીર્ઘકાલીન અસર કરનારા છે એ કબૂલ કર્યા વિના ચાલવાનું નથી. ઉપર કહ્યું એમ ભારતીય સંસદીય રાજકારણમાં ક્ષમતા કરતાં રાજકીય વગ તેનું કદ નક્કી કરે છે. પી. વી. નરસિંહ રાવ અને ઇન્દર ગુજરાલ બન્નેનું રાજકીય કદ ટૂંકું હતું અને માટે બન્નેના યોગદાનને લગભગ ભૂલી જવામાં આવ્યું છે. સંસદીય રાજકારણમાં લોકપ્રિય નેતા મહાન નેતા બની જતો હોય છે.