ડૉલ્ફિન લઈ રહી છે મિલિટરી ટ્રેઇનિંગ

02 December, 2012 07:08 AM IST  | 

ડૉલ્ફિન લઈ રહી છે મિલિટરી ટ્રેઇનિંગ



સેજલ પટેલ


ડૉલ્ફિનની હયાતી એ જે-તે દરિયાના સૌંદર્યનું એક આગવું અંગ ગણાય છે. લયબદ્ધ શૈલીમાં કૂદકા મારતી એક કરતાં વધુ ડૉલ્ફિનોનો સમૂહ જોવા મળી જાય તો રોમાંચની લહેરખી પ્રસર્યા વિના ન રહે. માનવમિત્ર ગણાતી આ ડૉલ્ફિન્સ જો મારક બની જાય તો? કદાચ ભગવાન કુદરતી રીતે તો એવું નથી કરવાના, પણ માણસોના પ્રયત્નો તો એ દિશાના જ છે. થોડા સમય પહેલાં દરિયાઈ સૃષ્ટિમાં વમળો પેદા કરે એવા સમાચાર વહેતા થયેલા જેમાં જણાયું કે યુક્રેનનું નૌકાદળ એની દરિયાઈ સીમાઓની જાળવણી માટે માનવમિત્ર ગણાતી ડૉલ્ફિનને મિલિટરી ટ્રેઇનિંગ આપી રહ્યું છે. વાત આટલી જ હોત તો કદાચ ઝાઝી ચર્ચામાં ન આવત, પણ જ્યારથી એવું બહાર આવ્યું કે યુક્રેનના ટ્રેઇનરો ડૉલ્ફિનના માથે પિસ્તોલ ફિક્સ કરીને એને માત્ર રક્ષણ માટે નહીં પણ હુમલો કરી શકે એ માટે પણ સક્ષમ બનાવી રહ્યા છે ત્યારે વિશ્વભરમાં એ ચર્ચાનો વિષય બની ગઈ છે.

કાળા સમુદ્રના કિનારે આવેલા સેવાસ્ટોપોલ નામના યુક્રેનના બીજા નંબરના પોર્ટ પર આ મિશન ચાલી રહ્યું છે. અહીં પ્રારંભિક તબક્કે ૧૦ કિલર ડૉલ્ફિન્સ તૈયાર થઈ રહી છે, જેના માથે ચપ્પુ કે પિસ્તોલ ખોસેલી હોય છે. અહીં પિસ્તોલની વાત થઈ છે ત્યારે નૉર્મલી વપરાતી હવામાં ગોળી છોડતી પિસ્તોલ નથી હોતી, કેમ કે સામાન્ય રીતે વપરાતી પિસ્તોલ પાણીના માધ્યમમાં ચાલી નથી શકતી. ડૉલ્ફિનને હાથ નથી હોતા કે એ સમય આવ્યે શૉટ મારી શકે. ડૉલ્ફિન્સ સમજુ અને બુદ્ધિશાળી પ્રાણી હોવા છતાં એની ક્ષમતાઓની પણ એક મર્યાદા છે એટલે જ યુક્રેનના ટ્રેઇનરોએ એને પિસ્તોલ ચલાવતાં શીખવવું પડે એવી ગન્સ નથી આપી. કોઈ પણ ચીજ સાથે ડૉલ્ફિન અથડાય એટલે ગન ફૂટે છે અને સામેવાળી વ્યક્તિ કે ચીજને વાગે છે. જ્યાં સુધી ડૉલ્ફિન દૂર છે ત્યાં સુધી એ દુશ્મનને પણ મારી નથી શકતી.

આ ટ્રેઇનિંગ દરમ્યાન સમસ્યા એ છે કે ડૉલ્ફિન જ્યાં સુધી ગુસ્સે ભરાઈ ન હોય ત્યાં સુધી એ હિંસક બનીને હુમલો નથી કરતી. હા, ગુસ્સે ભરાયેલું આ પ્રાણી ડાઇવર માટે ડેન્જરસ જરૂર છે, પણ ડૉલ્ફિન કો ગુસ્સા જલદી નહીં આતા. એમાંય માણસો સાથે એ કુદરતી રીતે જ ઘણી જ ફ્રેન્ડ્લી હોય છે ત્યારે એને હિંસક બનીને હુમલો કરવાની ટ્રેઇનિંગ આપવી એ પણ જોખમી તો ખરી જ. અત્યારે એની પાસેથી એવી અપેક્ષા રખાઈ રહી છે કે એ દુશ્મનોના ડાઇવર્સને ખતમ કરી નાખે તો ખુફિયા રીતે દરિયાનું ખેડાણ કરતા લોકોને કાબૂમાં લઈ શકાય; પરંતુ દરિયાના આ શાંત, સૌમ્ય અને સુશીલ પ્રાણીને મારક, લડાયક અને ઘાતક બનાવવાની કોશિશો થઈ રહી છે એ બાબતે વિરોધના સૂર ઊઠી રહ્યા છે.

સવાલ એ છે કે શું ડૉલ્ફિનના હાથમાં આ પ્રકારે હથિયારો થમાવી દેવાં યોગ્ય છે? શું એનાથી ખરેખર નૌકાદળની ક્ષમતામાં કોઈ વધારો થશે ખરો? શું ડૉલ્ફિન એટલી ઇન્ટેલિજન્ટ છે કે એ હિંસક બન્યા પછી પોતાના માણસ અને દુશ્મનના માણસનો ભેદ પારખી શકે?

આ બધા સવાલોના હજી કોઈ જવાબ નથી. જોકે પ્રાણીશાસ્ત્રીઓનું માનવું છે કે ડૉલ્ફિનના કાન માણસ કરતાં ૧૦ ગણા વધુ સતેજ હોય છે એટલે ઘણે દૂર થતી હિલચાલનો અંદાજ લગાવી શકે છે. એ કાંઈ પણ નવું શીખવામાં ખૂબ ચપળ હોય છે અને દરિયાનાં ઇન્ટેલિજન્ટ પ્રાણીઓમાં એની ગણના થાય છે એટલે જો એમને યોગ્ય ટ્રેઇનિંગ આપવામાં આવે તો ઘણે અંશે અસરકારક રહી શકે છે.

ડૉલ્ફિનનો ડિફેન્સ માટે ઉપયોગ થઈ શકે કે કેમ એ બાબતે નૈતિક સવાલ ઊઠ્યો છે, પરંતુ આ પ્રાણીઓને તાલીમ આપવાનો આ કંઈ પહેલવહેલો પ્રયોગ નથી. કેટલાય દાયકાઓથી માણસો દરિયાઈ ખોજ-મિશનોમાં ડૉલ્ફિનનો ઉપયોગ કરતા આવ્યા છે અને એ માટે એને ખાસ ટ્રેઇનિંગ પણ અપાઈ રહી છે. ૧૯૬૦ના સમયથી દરિયામાં દુશ્મન-દેશની શિપ કે સબમરીનને આવતી અટકાવવા કે ખતમ કરવા માટે બૉમ્બ જેવા એક્સપ્લોઝિવ્સ વાપરવામાં આવતા હતા જેને નેવલ માઇન કહે છે. અમેરિકન નેવી દ્વારા ડૉલ્ફિનને આવી નેવલ માઇનની શોધ કરવા માટે તેમ જ દુશ્મન-શિપ પર આવા બૉમ્બ ચીપકાવી આવવા માટેની તાલીમ આપવામાં આવેલી. રશિયનોએ પણ દરિયાઈ સુરક્ષા વધારવાના હેતુથી ડૉલ્ફિન અને દરિયાઈ સિંહોને તાલીમ આપવાનું કેન્દ્ર ચલાવ્યું હતું. અજીબ યોગાનુયોગ એ છે કે સોવિયેત ડૉલ્ફિન યુનિટ પણ કાળા સમુદ્રકિનારે આવેલા સેવાસ્ટોપોલ પોર્ટ પર જ હતું. આ પોર્ટ હવે યુક્રેનની માલિકીનું છે. ૨૦૦૦ની સાલથી રશિયાએ પોતાનો મિલિટરી ડૉલ્ફિન પ્રોજેક્ટ ઈરાનમાં ખસેડ્યો છે.

દાયકાઓ સુધી ચાલેલી સઘન ટ્રેઇનિંગમાં ડૉલ્ફિનને બે પ્રકારની ટ્રેઇનિંગ અપાતી આવી છે. સૌથી પહેલી તાલીમ છે દરિયાના ઊંડા પાણીમાં ફરતા સ્વિમરો ક્યાં છે એની માહિતી આપવાની અને બીજા તબક્કામાં હતી દુશ્મનોની નેવલ માઇન એટલે કે દરિયાઈ એક્સપ્લોઝિવ્સની ખોજ કરવાની અને જરૂરપડ્યે વિસ્ફોટકો દુશ્મન-શિપ કે સબમરીન પર ચીપકાવી આવવાની. જોકે આ બધી બાબતો જોઈએ એટલી અસરકારક ન જણાતાં મિલિટરી ડૉલ્ફિન પેદા કરવાની આખીયે કવાયત ઘણી ધીમી પડી ગઈ છે.

દરિયાઈ સિંહો પણ કામ આવે છે

અમેરિકન નેવી દ્વારા ડૉલ્ફિન ઉપરાંત દરિયાઈ સિંહોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સમુદ્રી સિંહોને ટ્રેઇનિંગ આપ્યા પછી એમના માથે ખાસ ક્લૅમ્પ લગાવવામાં આવ્યો હોય છે. એ ક્લૅમ્પ વડે તેઓ કોઈ પણ અજાણ્યા સ્વિમર કે ખતરનાક જણાતી ચીજ સાથે ચીપકી જાય છે. સ્વિમરના પગ પર જ એ ક્લૅમ્પ ચોંટાડી દે છે અને પછી સ્વિમરને પોતાની સાથે ઢસડીને તેને ટ્રેઇન કરનાર માણસ પાસે લઈ જાય છે.