ત્રણ પગવાળો દેડકો જોયો છે તમે ક્યારેય?

02 December, 2012 07:07 AM IST  | 

ત્રણ પગવાળો દેડકો જોયો છે તમે ક્યારેય?



જગદીશચંદ્ર ભટ્ટ


પૃથ્વીના પટ પર વિવિધ અને અજીબોગરીબ પ્રકારનાં પ્રાણીઓ, પંખીઓ, પુષ્પો અને લીલીછમ વનસ્પતિ તથા વૃક્ષો છે. કુદરતપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ જાય એવા મજેદાર ન્યુઝ તાજેતરમાં જ પ્રસિદ્ધ થયા છે. સમાચાર છે બ્રાઝિલમાંથી મળી આવેલા ત્રણ પગવાળા દેડકાના.

આ દેડકો જેમને મળી આવ્યો એ બ્રાઝિલના જીવશાસ્ત્રી માઇકલ ગૅરી તેમના રિસર્ચ-પેપરમાં કહે છે, ‘આ ત્રણ પગવાળા દેડકાની યાદગાર શોધ પાંચ વર્ષ પહેલાં ૨૦૦૭ની ૧૪ ફેબ્રુઆરીએ કરી હતી. એ યાદગાર એટલા માટે છે કે આ દિવસે મારો બર્થ-ડે છે અને એ જ દિવસે મને સાઉથ બ્રાઝિલના ઍટલાન્ટિક રેઇન ફૉરેસ્ટમાંથી ત્રણ પગવાળો ફ્રૉગ મળી આવ્યો એટલે મારો આનંદ ખરેખર બેવડાઈ ગયો. હું રીતસર રાજીનો રેડ થઈ ગયો, કારણ કે મેં જે કંઈ જોયું એ ખરેખર ન માની શકાય એવું અને અજીબોગરીબ હતું. એ દિવસે હું અને મારા બે મિત્રો ઍટલાન્ટિક રેઇન ફૉરેસ્ટમાં ટેકરિયાળા વિસ્તારમાં અમારા ખાસ પ્રોજેક્ટના સંશોધન માટે આવ્યા હતા. હું અચાનક એક જગ્યાએ ઊભો રહી ગયો; કારણ કે મેં જે દૃશ્ય જોયું એ ખરેખર અલભ્ય, અનોખું અને ગજબનાક હતું. મેં એક એવો દેડકો જોયો જેની શારીરિક રચના વિશિષ્ટ અને છતાં બહુ વિચિત્ર હતી. વિચિત્ર એટલા માટે કે એ દેડકાને ચારને બદલે ત્રણ પગ હતા. જોકે મારી આંખ અને બુદ્ધિ એ વિચિત્ર પ્રાણીની વિશિષ્ટ શારીરિક રચનાનો સ્વીકાર કરી શકે એ માટે મેં એ દેડકાનું વારંવાર અને બહુ જ ધ્યાનથી નિરીક્ષણ કર્યું. સાથોસાથ મેં મારા મિત્રોને પણ એ દેખાડ્યો. એટલું જ નહીં, મેં એ ત્રણ પગવાળા દેડકાના ઘણાબધા ફોટોગ્રાફ્સ પણ લઈ લીધા.’

બાયોલૉજિસ્ટ માઇકલ ગૅરી તેમના રિસર્ચ-પેપરમાં કહે છે, ‘મેં ત્રણ પગવાળો આ ફ્રૉગ સાઉથ બ્રાઝિલના રેઇન ફૉરેસ્ટની લગભગ ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી ટેકરીઓમાં જોયો હતો. એટલે કે આ ફ્રૉગ ઊંચા અક્ષાંશવાળા હિલટૉપમાં વસે છે. જોકે આવા ત્રણ પગવાળા દેડકાને જોઈને મારા મનમાં ઝાઝાબધા સવાલો પણ ફૂટ્યાં, કારણ કે મેં મારી જિંદગીમાં આ પ્રકારનો ફ્રૉગ ક્યારેય જોયો નહોતો. આવો ત્રણ પગવાળો દેડકો હોય એવી વાત પણ સાંભળી નહોતી કે એ વિશે ક્યાંય વાંચ્યું પણ નહોતું. મારા માટે તો આ થ્રી ફિંગર્ડ ફ્રૉગ અલભ્ય કહી શકાય એવું પ્રાણી જ હતું. જોકે ત્રણ પગવાળો આ દેડકો દેડકાઓની અન્ય પ્રજાતિથી ખરેખર વિશિષ્ટ અને અનોખો છે એવું પુરવાર કરવા માટે મારે ૨૦૧૦-’૧૧માં સતત ૧૮ મહિના સુધી સંશોધન કરવું પડ્યું હતું. મેં બ્રાઝિલના જુદા-જુદા ઝૂના વિવિધ પ્રજાતિના ફ્રૉગ સાથે આ થ્રી ફિંગર્ડ ફ્રૉગનાં લક્ષણોની સરખામણી કરી હતી. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોની મદદ પણ લેવી પડી હતી.’

દેડકાની આ અનોખી પ્રજાતિ વિશે

પ્રાણીઓ-પક્ષીઓ વિશે સંશોધન કરતી એશિયાની સૌથી જૂની બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના ભૂતપૂર્વ પ્રાણીશાસ્ત્રી વરદ ગિરિ Sunday સરતાજને કહે છે, ‘ટ્રાઇડેક્ટિલસ એટલે ત્રણ પગ ધરાવતું કોઈ પણ પ્રાણી. દક્ષિણ અમેરિકાનાં જંગલોમાં સ્લોથ નામનું પ્રાણી જોવા મળે છે જેને ત્રણ અંગૂઠા હોય છે. દેખાવમાં રીંછ જેવું લાગતું આ સ્લોથ બહુ જ આળસુ હોય છે. એ કોઈ એક જગ્યાએ ખાધા-પીધા વગર દિવસો સુધી પડ્યું રહે છે એટલું જ નહીં, બહુ મંદ ગતિએ ચાલે છે. સ્લોથનાં આવાં આળસુપણાનાં અને બહુ મંદ ગતિએ ચાલવાનાં લક્ષણોને કારણે અંગ્રેજીમાં slothful એટલે કે એદી અથવા આળસુ માણસ એવો શબ્દ પણ છે. આમ બ્રાઝિલમાંથી જે ત્રણ પગવાળો દેડકો મળી આવ્યો છે એ પણ આ જ ટ્રાઇડેક્ટિલસ પ્રજાતિનો અને આળસુપણાનાં લક્ષણો ધરાવતો હશે.’

ફ્રૉગને ત્રણ પગ હોવાનું કારણ શું?

જીવશાસ્ત્રી માઇકલ ગૅરી બહુ મહત્વની બાબતનો ઉલ્લેખ કરતાં કહે છે, ‘મોટા ભાગનાં એમ્ફિબિયન્સને ચાર પગ હોય છે, પરંતુ આ દેડકાને ત્રણ પગ છે. હજી હમણાં સુધી એવો મત વ્યક્ત થતો હતો કે ટ્રાઇડેક્ટિલસ પ્રજાતિનાં પ્રાણીઓને એન્વાયર્નમેન્ટલ ઇફેક્ટ્સને કારણે આવા શારીરિક ફેરફાર થયા હોવા જોઈએ. જોકે છેલ્લા અને મજબૂત સંશોધનના આધારે નિશ્ચિત થયું છે કે આ પ્રજાતિનાં પ્રાણીઓના આવા વિચિત્ર પણ અનોખા કહી શકાય એવા શારીરિક ફેરફારોનું કારણ એન્વાયર્નમેન્ટલ ઇફેક્ટ્સ નહીં પણ ઇવૉલ્યુશનરી પ્રોસેસ (ઉત્ક્રાન્તિની ઘટમાળ) છે. ઉત્ક્રાન્તિની હજારો વર્ષની ઘટમાળ દરમ્યાન વિવિધ પ્રાણીઓ અને પંખીઓના આહાર, રહેઠાણ, શારીરિક બાંધો વગેરેમાં પરિવર્તન થતાં હોય છે. ઉપરાંત એમના ડીએનએ (ડીઑક્સિરિબૉન્યુક્લેઇક ઍસિડ)માં સુધ્ધાં ફેરફાર થતા હોય છે. આમ આ બધાં પાસાંના આધારે જે-તે ઍનિમલ કે બર્ડના શારીરિક બંધારણમાં ધરમૂળથી પરિવર્તન થઈ જાય. બ્રાઝિલનો થ્રી ફિંગર્ડ ફ્રૉગ આ બાબતનું સીધું અને ઉત્તમ ઉદાહરણ છે. બ્રાઝિલ ઉપરાંત વિશ્વમાં આવા ત્રણ પગવાળા દેડકાની સંખ્યા ખરેખર કેટલી છે એનો અંદાજ નથી મળ્યો, પણ આ દિશામાં મારું સંશોધન ચાલુ છે.’ 

દેડકા વિશે અવનવું


ફ્રૉગ મૂળભૂત રીતે એમ્ફિબિયન એટલે કે પાણીમાં અને ભૂમિ પર રહી શકતું પ્રાણી છે. હિપોપૉટેમસ, મગર, કાચબા વગેરે આ પ્રકારનાં એમ્ફિબિયન્સ છે. જોકે દેડકાની સૌથી મોટી વિશેષતા એ છે કે કદમાં નાનકડું આ પ્રાણી ચોમાસાના દિવસોમાં જ જોવા મળે છે અને બાકીના મોટા ભાગના સમયમાં જમીન નીચે પોલાણમાં સરકી જાય છે. વળી દેડકાનું લોહી પ્રમાણમાં ઘણું ઠંડું હોય છે એટલે કે દેડકાની શારીરિક રચના અને જીવનશૈલી બહુ અટપટી અને વિચિત્ર હોય છે. આ જ લક્ષણોને કારણે દેડકા જુદી-જુદી પરિસ્થિતિઓમાં પણ સરળતાથી જીવી શકે છે. કુદરતે દેડકાની ચામડીની રચના એવી કરી છે કે એ સૂર્યનાં ઘાતક અને જીવલેણ અલ્ટ્રાવાયલેટ કિરણોથી પણ બચી શકે છે એટલું જ નહીં,

ડ્રાંઉં-ડ્રાંઉં જેવા અવાજ કરતું આ નાનકડું પ્રાણી પર્યાવરણની વિવિધ પરિસ્થિતિ મુજબ એના શરીરનું ટેમ્પરેચર સુધ્ધાં બદલી શકે છે. દેડકાનાં નાનાં બચ્ચાં પાણીમાંની અલ્ગી નામની સૂક્ષ્મ વનસ્પતિનો આહાર કરે છે, જ્યારે મોટા દેડકા જળમાંના જંતુઓ ખાઈને જીવે છે.

એક ખાસ સંશોધન મુજબ ૧૯૮૦ બાદ એમ્ફિબિયન્સની ૧૨૦ કરતાં પણ વધુ પ્રજાતિનો નાશ થઈ ગયો છે અને હજી પણ થઈ રહ્યો છે. એનું કારણ છે પૃથ્વી પર વધી રહેલું ઝેરી પૉલ્યુશન, ક્લાઇમેટ ચેન્જ અને વિવિધ પ્રકારના રોગ.