અક્ષમ વ્યક્તિઓની અનોખી ભક્તિ

02 December, 2012 07:05 AM IST  | 

અક્ષમ વ્યક્તિઓની અનોખી ભક્તિ



રુચિતા શાહ

પચીસેક વર્ષ પહેલાં મારા એક મિત્રની ફૅમિલીએ સમેતશિખરજીના સંઘનું આયોજન કરેલું (જૈનોમાં કોઈ વ્યક્તિ સ્વ-ખર્ચે લોકોને તીર્થયાત્રા કરાવવા લઈ જાય એને સંઘ તરીકે ઉલ્લેખવામાં આવે છે). અમારા સંપૂર્ણ પરિવારને પણ આમંત્રણ હતું. જોકે મારા પપ્પાને પગમાં પૅરૅલિસિસ હતો અને તેઓ ચાલી નહોતા શકતા એટલે તેમને સાથે લેવાની મિત્રે ના પાડી દીધી, કારણ કે શારીરિક રીતે અક્ષમ હોય એવા લોકોને સાચવવા મુશ્કેલ પડે છે. તેમની સગવડ જોવા જઈએ તો બીજાનું ધ્યાન ન રખાય એવી તેની ધારણા હતી.

બસ, આ એક પ્રસંગે એક અનોખું કાર્ય કરવાના વિચારબીજને જન્મ આપ્યો : મારા પિતાને હું સાથે હોઉં તો પણ મારો ખાસ મિત્ર સંઘમાં લઈ જવા તૈયાર નથી ત્યારે શારીરિક અક્ષમતા ધરાવતા આવા અનેક લોકો હશે તેમણે શું ઘરમાં જ પુરાઈ રહેવાનું? હું જ્યારે મારી શક્તિ હશે ત્યારે આવા લોકો માટે કંઈક કરીશ.

સાઉથ મુંબઈમાં રહેતા પ્રકાશ અમરચંદ ધાલાવતના જીવનમાં ઉપરોક્ત પ્રસંગ બન્યો ત્યારે તેમણે માત્ર ઉપરછલ્લો વિચાર જ કરેલો. જોકે આ વિચારે હવે કમાલ કરી છે. છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ દર વર્ષે શારીરિક અને માનસિક રીતે અક્ષમ લોકોને ઝારખંડમાં આવેલા સમેતશિખરજીની યાત્રા કરાવવા લઈ જાય છે. તેમની સુવિધા સચવાય એ જ રીતે આખું આયોજન થાય છે.

મંગલ શરૂઆત

સાઉથ મુંબઈના પાયધુનીમાં છેલ્લાં ૧૭ વર્ષથી પોતાની મેડિકલ શૉપ ચલાવતા ૬૦ વર્ષના પ્રકાશભાઈ ૨૦૦૧માં શારીરિક અને માનસિક રીતે અક્ષમ હોય એવા લગભગ ૩૦ લોકોને પહેલી વાર સમેતશિખરજી લઈ ગયેલા. એ અનુભવ વિશે પ્રકાશભાઈ કહે છે, ‘એ વખતે તો મનના વિચારને માત્ર અમલમાં મૂકવાનો હતો. કોઈ અનુભવ નહોતો. આ લોકો સાથે હોય ત્યારે કઈ વિશેષ સગવડ રાખવી પડે, તેમને કેવી બાબતોથી અગવડ પડે એનો કશો જ ખાસ ખ્યાલ નહોતો. અમે તો માત્ર અમારી રીતે અમારી સમજ મુજબ આયોજન કરેલું. કેટલીક જગ્યાએ ખૂબ ડિફિકલ્ટી પણ પડી, કારણ કે અમે ડૉક્ટરની ટીમ સાથે નહોતા લઈ ગયા; વર્કર ઓછા હતા, વ્હીલચૅર-સ્ટ્રેચર જેવાં સાધનો નહોતાં. જોકે ઓવરઑલ સંઘને સારો રિસ્પૉન્સ મળ્યો અને ધીમે-ધીમે લોકો જોડાતા ગયા.’

એ પછી પણ દર વર્ષે યાત્રાનો ક્રમ તો ચાલુ જ રહ્યો. પહેલાં ત્રણ વર્ષ યાત્રાના આયોજનથી લઈને એનો ખર્ચ પણ પ્રકાશભાઈના પરિવારે ઉઠાવ્યો. એ પછી તેમના કામની અનુમોદના કરવા અને કાર્યને હજી વિસ્તૃત બનાવવા માટે તેમના સર્કલના લોકોએ મળીને એક ગ્રુપ બનાવ્યું. એનું નામ છે મણિભદ્રવીર ભક્તિ મંડળ. પ્રકાશભાઈ કહે છે, ‘છેલ્લાં સાત વર્ષથી આ મંડળ વતી યાત્રાનું આયોજન થાય છે. હવે તો અનેક દાતાઓ સામેથી ડોનેશન આપી જાય છે. છેલ્લાં ચાર વર્ષથી રાજસ્થાનના રાણી ગામના વતની જરાવીબહેન ખીમજીરાજજી પુનમિયા પરિવાર જ યાત્રામાં દાન આપી રહ્યો છે. સામેથી ડોનેશન આવે તો ઠીક, નહીં તો મંડળના જ સભ્યો ભેગા મળીને આયોજનનો બધો ખર્ચ ઉઠાવી લે છે.’

શું કાળજી લેવી પડે?

સામાન્ય સંઘ કાઢીએ એના કરતાં આ ખાસ લોકોનો સંઘ કાઢીએ તો એની વિશેષ તૈયારીઓ કરવાની હોય છે. પ્રકાશભાઈ કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષમાં આખા દેશભરમાંથી પોલિયોના ૧૯૫૦ પેશન્ટ, કૅન્સરના ૧૭૨ પેશન્ટ અને સેરિબ્રલ પૉલ્ઝી જેવી માનસિક બીમારી ધરાવતા ૬૬ લોકો આ તીર્થયાત્રામાં જોડાયા છે. શારીરિક રીતે ૫૦ ટકા અક્ષમ હોય એવા લોકોએ એકલા જ જોડાવાનું રહે, પરંતુ તકલીફ એથી વધુ હોય એવા લોકો તેમની સાથે તેમના પરિવારના એક સભ્યને પણ લાવી શકે એ રીતની વ્યવસ્થા ગોઠવી છે. તેમને ઘરથી લેવાની અને પાછા ઘર સુધી મૂકવાની તમામ વ્યવસ્થા અમે કરીએ છીએ. યાત્રામાં ૨૦ સ્વયંસેવી કાર્યકરો, ૪૦ પેઇડ વર્કરો, કપડાં ધોનારા ધોબી, ડૉક્ટરોની ટીમ, નર્સ, સામાન ઉઠાવનારા, અંદર જ ટૉઇલેટ-બાથરૂમ કરી લેનારા બીમાર યાત્રીઓની સાફ-સફાઈ રાખનારા અને આયા અમારી સાથે હોય. એ સિવાય વ્હીલચૅર, ડોળી, સ્ટ્રેચર જેવી યાત્રિકોની જરૂરિયાતની વસ્તુઓ પણ હોય. મોટા ભાગે સંઘમાં લાંબા પ્રવાસને કારણે ઓછા સમયમાં વધુ જગ્યાએ ફરી શકાતું હોય છે, પરંતુ અમારા સંઘમાં તેમની શારીરિક અવસ્થાને કારણે યાત્રિકો જલદી થાકી જતા હોય છે એટલે થોડા-થોડા હૉલ્ટવાળા ટૂંકા પ્રવાસ થાય એ રીતનું આયોજન કરવું પડે છે. એમાં પણ દરેક પ્રવાસીને ભગવાનની સેવા-પૂજા કરાવવી, તેમને રોજ સાંજે ભક્તિભાવનાનાં ગીતો ગવડાવવાં, ગેમ રમાડવી જેવી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.’

શિખરજી જ શા માટે?


સમેતશિખરજીની જ યાત્રાએ લઈ જવા પાછળનું કારણ જણાવતાં પ્રકાશભાઈ કહે છે, ‘સમેતશિખરજી જૈનોનું અતિ પવિત્ર તીર્થધામ છે. કોઈ શારીરિક ક્ષતિ ન હોય એવી વ્યક્તિ માટે પણ સમેતશિખરજી ચડવું કઠિન પડે એવું એનું આકરું ચડાણ છે. ત્યારે આટલા બધા પડકારો જેના જીવનમાં હોય એવા લોકો તો શિખરજી જવાનું ક્યારેય વિચારી જ ન શકે, પરંતુ સપોર્ટ મળે તો તેઓ પણ બધાં જ આકરાં કામ કરી શકે છે એવી હિંમત અમારે તેમનામાં જગાડવી હતી. પવિત્ર તીર્થધામની યાત્રાને કારણે તેમની ધાર્મિક લાગણીને પોષણ મળે એ ઉપરાંત તેમને મનથી ખુશ કરવાનો અમારો આશય છે એટલે કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતાં જૈન ભાઈ-બહેનોને ખાસ શિખરજી અને એની આસપાસનાં તીર્થધામોમાં યાત્રા કરાવવાનું અમે નક્કી કર્યું.’

અનેક અનુભવો


અત્યાર સુધીમાં શારીરિક અને માનસિક રીતે અક્ષમ હોય એવા ૨૨૦૦થી વધુ લોકો આ યાત્રાનો હિસ્સો બની ચૂક્યા છે. એમાં તેમને પોતાની એક નવી દુનિયા મળી છે એમ જણાવીને પ્રકાશભાઈ કહે છે, ‘યાત્રામાં સામેલ થનારા અનેક લોકો એવા પણ હોય છે જેમણે ક્યારેય ઘરમાંથી પગ પણ બહાર નથી મૂક્યો. ઘરમાંથી માત્ર દવાખાના સુધી જ જઈ શકે એવી પરિસ્થિતિમાં હોય એવા લોકો પણ આમાં જોડાય છે. પોતાના જેવા જ લોકોને જોઈને તેમનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવતાં જોયો છે. જુદી-જુદી જગ્યાએથી આવતા લોકોને એકબીજાની સાથે દોસ્તી કેળવતા જોયા છે, જ્યારે છૂટા પડે ત્યારે ચોધાર આંસુએ રડતા જોયા છે. જાણે આ તો તેમનું સામૂહિક મિશન ન હોય એમ એકબીજાની મદદ કરે, કોઈ રડતું હોય તો તેને શાંત પાડે, એકમેકને હસાવે, નાચે-ગાય. ખરેખર તેમને જોનારા લોકો પણ રડી પડે છે.’

રોજગાર અને લગ્ન પણ

આ યાત્રામાં સામેલ થનારા ખાસ યાત્રાળુઓ ભેગા મળીને એકબીજાના સરસ પરિચયમાં આવી જાય છે એમ જણાવતાં પ્રકાશભાઈ કહે છે, ‘યાત્રાને કારણે લગભગ દસેક લોકો અહીં મળ્યાં પછી લગ્નગ્રંથિથી પણ જોડાયા છે. એ સિવાય યાત્રા દરમ્યાન અમે તેમને હિંમત અને સ્વાવલંબી બનવા વિશે વિવિધ વાતો કહેતા રહીએ છીએ અને કોઈને કામ કરવું હોય તો સગવડ પણ કરી આપીએ છીએ. ભાઈંદરમાં રહેતા પંકજ જૈન અત્યાર સુધી ઘરનાં નાનાં-મોટાં કામ કરતા હતા, પરંતુ છેલ્લાં બે વર્ષથી તેઓ ઝવેરીબજારમાં એક ભાઈને ત્યાં કામ કરે છે અને મહિનાના ૧૫,૦૦૦થી ૧૭,૦૦૦ રૂપિયા કમાય છે. આ પહેલાં તેમણે ક્યારેય ભાઈંદરની બહાર પગ પણ નહોતો મૂક્યો.’

તમને પણ છે આમંત્રણ

શ્રી મણિભદ્રવીર ભક્તિ મંડળ દ્વારા ૨૦૧૩ની ત્રીજી જાન્યુઆરીએ શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય એવાં જૈન ભાઈ-બહેનો માટે સમેતશિખરજી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એવી કોઈ વ્યક્તિને આ પ્રવાસમાં જોડાવું હોય તો પ્રકાશ ધાલાવતને ૦૯૮૬૯૬ ૭૨૪૧૭ નંબર પર અથવા prakashdhalawat@gmail.com પર સંપર્ક કરી શકે છે.