કોઈ દીપડો કોઈ ગરોળી

02 December, 2012 07:02 AM IST  | 

કોઈ દીપડો કોઈ ગરોળી


સેજલ પટેલ

ગયા અઠવાડિયે આપણે વાઘ અને ઝિબ્રાના માનવઅવતારો વિશે જોયેલું. આજે પણ આવા જ બીજા બે નમૂનાઓની રસપ્રદ વાતો જાણીએ. આજથી ચાર વરસ પહેલાં સ્કૉટલૅન્ડના સ્કાઇ ટાપુ પર દરિયાકિનારે એક માનવદીપડો રહેતો હતો. ટૉમ લેપાર્ડ નામના રિટાયર્ડ સૈનિકે પોતાનો અડ્ડો આ ટાપુ પર બનાવ્યો હતો. પોતાના નામ પરથી જ તેને લેપર્ડ બનવાની ઇચ્છા હતી. ઇંગ્લૅન્ડના વુડબ્રિજ શહેરમાં જન્મેલા ટૉમ લેપાર્ડે ૧૯૮૬માં પહેલી વાર સ્કાઇ ટાપુ પર પગ મૂકેલો ત્યારે તેને અહીં જ રહેવાની ઇચ્છા થઈ ગઈ અને એકદમ જંગલી પ્રાણીની જેમ એકાંતપ્રેમી જિંદગીનો વિચાર તેને આકર્ષી ગયો. બે વરસ પછી તો તે પોતાના નામ લેપાર્ડ મુજબ લેપર્ડનો અવતાર ધારણ કરીને સ્કાઇ ટાપુ પર જ રહેવા નીકળી પડ્યો.

આખા શરીરે દીપડા જેવી લીલી-પીળી ચામડીની વચ્ચે કાળાં ટપકાંવાળાં ટૅટૂથી તેણે આખું શરીર ભરી દીધું. આંખો બંધ કરે તો દીપડા જેવી જ ચળકતી આંખો દેખાય એ માટે આંખની ઉપરની પાંપણ પર લેપર્ડઆઇનું ટૅટૂ ચિતરાવ્યું. તેના શરીરના એકેએક ઇંચ ભાગને તેણે ટૅટૂઓથી ભરી દીધો હોવાથી ઘણાં વષોર્ સુધી તેણે સૌથી વધુ ટૅટૂ કરાવનાર માણસ તરીકે ગિનેસ બુક ઑફ વલ્ર્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પણ મેળવેલું. દીપડા જેવા તીણા દાંત બતાવવા દાંત અને દાઢ ઘસાવી નાખ્યા હતા. જોકે આ બધું તે કોઈનું મનોરંજન કરવા કે દેખાડો કરીને ગ્રેટ ફીલ કરવા માટે નહોતો કરતો. તેને તો પ્લાસ્ટિકના કટકા ભેગા કરીને બનાવેલા શેડ જેવી તૂટેલીફૂટેલી રૂમમાં એકાંતપ્રેમી દીપડો બનીને જીવવામાં જ મજા આવતી. આ ટાપુ પર તે માત્ર એક અન્ડરવેઅર પહેરીને જ ફરતો, એ પણ લેપર્ડના લુકને મૅચ થાય એવી. દર થોડાક દિવસે તે લાકડાનો તરાપો લઈને પેન્શનના રૂપિયા ઉપાડવા અને દરિયાપાર આવેલા માર્કેટમાં ચીજવસ્તુઓ લેવા આવતો. બાકી, ટાપુ પર ફરવા આવનારાઓને તે જોયા કરતો. જોકે તેનો લુક જોતાં તે લોકોને જોતો એમ કહેવા કરતાં સહેલાણીઓ તેને જોઈને અચરજ પામતાં એમ કહેવું વધુ ઉચિત ગણાશે.

લગભગ વીસ વરસ સુધી આવી તરંગી જિંદગી વિતાવ્યા પછી ૭૦ના દાયકામાં પ્રવેશ થતાં શરીર નબળું પડતાં આખરે ટૉમઅંકલ થાક્યો. ૨૦૦૮માં એક બહુ જૂનો મિત્ર ટાપુ પર આવ્યો અને તેને પોતાની સાથે ગામમાં આવવાનો આગ્રહ કર્યો. ઢળતી ઉંમરને કારણે વારંવાર લાકડાનો તરાપો લઈને સમુદ્રમાં જવાનું હવે ફાવતું ન હોવાથી તેણે આખરે દીપડા જેવી જિંદગીમાંથી સંન્યાસ લઈ લીધો. પેન્શનની બચતમાંથી સ્કૉટલૅન્ડના સ્કાઇ ટાપુ પર જ એક મજાનું ઘર ખરીદીને એક માણસ જેવી કમ્ફર્ટ સાથે જીવવાનું શરૂ કર્યું. જોકે આટલાં વષોર્ સુધી એકદમ સાદગીભરી જિંદગી ગાળી હોવાથી પહેલું એક વર્ષ તો ઘરમાં પોચા ગાદલા કે સૉફ્ટ સોફા પર સૂવા-બેસવામાં પણ તેને મજા નહોતી આવતી. અત્યારે ૭૮ વર્ષની ઉંમરે પણ દાદાના શરીર પર દીપડા જેવા ટૅટૂ હયાત છે, પણ એ જાયન્ટ પ્રાણી જેવું જોમ નથી રહ્યું. પોતાનું કામ જાતે કરી શકે છે, પણ હવે દીપડા જેવા દેખાવાનું ઝનૂન બચ્યું નથી.

લિઝર્ડમૅન

તરંગો માણસને શું-શું કરવા પ્રેરે છે એ જાણવું હોય તો ટેક્સસના ઑસ્ટિન શહેરમાં રહેતા એરિક સ્પ્રિંગ નામના માણસમાંથી ગરોળીમાં કન્વર્ટ થયેલા પ્રાણીને મળવું પડે. સાઇડ શોમાં હેરતઅંગેઝ કારનામાંઓ કરીને લોકોને ચોંકાવવા, ડરાવવા, આશ્ચર્યચકિત કરવા એ એરિકનો શોખ છે. શોખ નહીં, નશો છે એમ કહીએ તોય ચાલે, કેમ કે આ ભાઈ લોકોના મનોરંજન માટે થઈને કંઈ પણ કરવા તૈયાર છે. સ્ટ્રીટ શો જેવા જ સાઇડ શોઝની બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં જબરી ડિમાન્ડ છે ને આ ભાઈ પોતાના દરેક શોમાં લોકોએ એ પહેલાં ન જોયું હોય એવું કંઈક અળવીતરું પ્રેઝન્ટેશન કરતો હોવાનો દાવો કરે છે. અલબત્ત, તે કંઈક અળવીતરું કરે કે ન કરે, તેને જોઈને જ કેટલાકને ચીતરી ચડી જાય છે તો કોઈકને ડર લાગે છે. એરિકનું માનવું છે કે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવું હોય તો કાં તો ખૂબ જ રૂપાળા અને સુંદર બનો, કાં પછી કંઈક ઊબકા આવે એવો ઇરિટેબલ ચહેરો ધારણ કરો. આ માન્યતાને તેણે નખશિખ પોતાના જીવનમાં ઉતારી છે અને માણસ હોવા છતાં ગરોળીનું રૂપ ધારણ કર્યું છે.

ગરોળી જેવાં ઊપસેલાં ચાઠાં દેખાતાં હોય એવા ટૅટૂ અને ડિઝાઇનથી એરિકે આખું શરીર ભરી દીધું છે. તેણે જે કારીગરી શરીર પર કરાવી છે એ જોતાં કહેવાની જરૂર પડે એમ નથી કે આ માણસ સાવ જ ધૂની છે એ છતાં તેણે જોઈને જ મોઢું બગડી જાય એવા ટિપિકલ ગરોળીના રંગની ઇન્કથી બનાવેલા ટૅટૂ સાથે છાતી પર ÒFreakÓ લખેલું મોટું છૂંદણું છૂંદાવ્યું છે.

માત્ર ત્વચા પર જ અત્યાચાર નથી કર્યો, તેણે પેટ ઘસડીને ચાલતા સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ જેવી ડબલ જીભ બનાવવા માટે પોતાની જીભ પણ કપાવી છે. યસ, બરાબર અધવચ્ચેથી તેણે જીભ કપાવી છે. ખાતાં-ખાતાં સહેજ જીભ કચરાઈ જાય તો કેટલા દિવસ સુધી પીડા થાય છે એ તો સૌને ખબર હશે. તો આ તરંગી માણસે જ્યારે જીભના બે ભાગ પડાવ્યા હશે ત્યારે શું થયું હશે એ તો કલ્પના જ કરવી રહી. જીભને વચ્ચેથી કપાવ્યા પછી બે ભાગ એકબીજાથી બરાબર છૂટા રહે અને બન્ને ભાગ વચ્ચે ત્રિકોણ સર્જાય એ માટે બેઉ તરફની જીભના કેટલાક ટિશ્યુ કપાવીને પછી તેણે ટાંકા લેવડાવેલા. જોકે જીભ કપાવવાની સર્જરી તેના માટે જીવલેણ નીવડી શકે એમ છે એવી ડૉક્ટરોની ચેતવણીને પણ તેણે નહોતી ગણકારી. સર્જરી પછી બાર કલાકે તે ભાનમાં આવ્યો એ પછીના ૪૮ કલાક તે ભયંકર પીડાથી કરાંજતો રહેલો અને એક મહિના સુધી કોઈ પણ પ્રકારની ચીજ મોંવાટે ખાઈ-પી શક્યો નહોતો એવું તેની પત્ની મેગ્હૅનનું કહેવું છે. જરા આડવાત કરી લઈએ. એરિકની પત્ની એકદમ નૉર્મલ, રૂપાળી છે અને તેના શરીરે એક નાનું સમ ખાવા પૂરતું ટૅટૂ પણ નથી. તેમને કોઈ સંતાનો થાય એમ ન હોવાથી કેટલાંક પ્રાણીઓ પાળ્યાં છે ને ઘરમાં પણ નાનું ઝૂ જેવું જ ઊભું કરી લીધું છે.

ફરી વાત કરીએ એરિકની હિંમતની. સર્જરીનો ઘા રુઝાવા લાગ્યો એની સાથે તેણે જીભના બન્ને ભાગોને સ્વતંત્ર રીતે હલાવી શકાય એવી એક્સરસાઇઝ કરીને બન્ને ભાગને અલગ-અલગ દિશામાં ફેરવવાની ફ્લેક્સિલિટી પણ કેળવી લીધી.

એ પછીનું પગલું હતું સરીસૃપ પ્રાણીઓ જેવી કપાળ પરની નિશાનીઓ બનાવવાનું. એ માટે તેણે ભ્રમરની ઉપરના ભાગમાં કપાળ પર સબડર્મલ ઇમ્પલાન્ટ્સ ત્વચાની અંદરના ભાગોમાં લગાવડાવ્યા. બે નસકોરાં વચ્ચેની દીવાલને પિયર્સ કરાવી અને કાનમાં જ્યાં બુટ્ટી પહેરવાનું કાણું હોય ત્યાં બાકોરું કહી શકાય એ સાઇઝનાં કાણાં કરાવ્યા. કાનની બૂટના આ કાણાથી એ જાતજાતની ચીજો ઉપાડી બનાવવાનાં કરતબો પણ કરી બતાવે છે. એ ઉપરાંત તલવારો ગળવી, ખીલાની પથારી પર વજન સાથે સૂવું જેવા કરતબો પણ તેના શોઝમાં હોય છે. હાલમાં તે એક રૉકબૅન્ડનો હિસ્સો છે અને દેશ-વિદેશમાં જઈને સંગીત ઉપરાંત જાંબાઝી કરતબો પીરસે છે. ચાળીસ વરસની ઉંમરે તે ડૉક્યુમેન્ટરી શોઝ, ટીવી શોઝમાં દેખાઈ ચૂક્યો છે.

આ માણસ જો અચાનક જ સામે આવી જાય તો ભલભલાના હાથપગ કંપવા લાગે એવો તેનો લુક છે એ છતાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર જોઈશું તો દેશ-વિદેશમાં તેના ચાહકો ફેલાયેલા છે.