સૌથી લાંબા ટીનેજરની લાંબી મગજમારી

02 December, 2012 06:55 AM IST  | 

સૌથી લાંબા ટીનેજરની લાંબી મગજમારી



રેકૉર્ડ મેકર

નવજાત શિશુનો વિકાસદર ખૂબ ઊંચો હોવાથી આપણે ત્યાં કહેવત છે કે બાળક તો દિવસે ન વધે એટલું રાત્રે વધે છે. ખરેખર જો આ કહેવત હકીકત બની જાય તો એનું કેવું પરિણામ આવે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. અમેરિકાના વૉશિંગ્ટનના એલન્સબર્ગ વિસ્તારમાં રહેતા ૧૭ વરસના બ્રેન્ડન ઍડમ્સ નામના ટીનેજરે અત્યાર સુધી આ હકીકતને સાચી પાડી બતાવી છે. ૧૯૯૫માં જન્મેલો આ ટીનેજર જન્મ સમયે તો એક નૉર્મલ બાળક જેવો જ હતો. વજન ત્રણ કિલો અને લંબાઈ ૧૯.૫ સેન્ટિમીટર હતી, પણ દોઢ વરસની ઉંમર પછી તેના શરીરનો વિકાસ એટલી ઝડપે થતો ગયો કે તે જ્યારે ૧૪ વર્ષનો થયો ત્યાં સુધી તો તેની હાઇટ સાત ફૂટ અને સાડાચાર ઇંચ થઈ ગયેલી. એટલે કે અમિતાભે પણ આખું માથું આસમાન તરફ ઊંચું કરીને વાત કરવી પડે એટલી હાઇટ બ્રેન્ડનની કિશોરાવસ્થામાં પહોંચ્યા પહેલાં જ થઈ ગયેલી.



બે વરસનો થયો ત્યારે ખબર પડેલી કે તેના મગજમાં કૅન્સરજન્ય ન હોય એવી સાદી ગાંઠ થઈ છે. જોકે એ મસમોટા ટ્યુમરના પ્રેશરને કારણે તેના ગ્રોથ હૉમોર્ન્સમાં એટલોબધો ઉછાળો થયો કે એને રોકવો મુશ્કેલ બની ગયો. છ વરસે તેને હૃદયની તકલીફનું નિદાન થયું. આટલી નાની ઉંમરે લાંબા શરીરમાં લોહીના ભ્રમણ માટેની પૂરતી ક્ષમતા હૃદયમાં ન હોવાથી એ નબળું પડતું ચાલ્યું. તેને કંઈ પણ થાય તો તરત જ લોહીનો ધોધ વહેવા માંડતો. આઠ-નવ વરસની ઉંમરે છ ફૂટની હાઇટે પહોંચી ગયેલા બ્રેન્ડનને અતિશય મોટા સાંધાઓ અને હાડકાંના વજનને કારણે આર્થ્રાઇટિસ થઈ ગયો. અતિ વિચિત્ર લક્ષણોનો શંભુમેળો થવાથી ડૉક્ટરોને શંકા ગઈ કે કદાચ ક્રૉનિક લ્યુકેમિયા એટલે કે ખૂબ જ ધીમે-ધીમે આગળ વધતું એક પ્રકારનું લોહીનું કૅન્સર તો આ નહીં હોયને? શંકાના સમાધાન માટે બોન મૅરો ટેસ્ટ એટલે કે હાડકાંની વચ્ચેનો માવો કાઢીને એની બાયોપ્સી કરવામાં આવી. લોહીનું કૅન્સર તો ન નીકળ્યું પણ બોન મૅરોમાંથી ખબર પડી કે તેના મૂળભૂત રંગસૂત્રમાં જ ગરબડ હતી, જે વિશ્વમાં એક ટકા વ્યક્તિમાં જ જોવા મળે છે. જોકે બ્રેન્ડનની જેમ બાર નંબરના રંગસૂત્રમાં ગરબડ થઈ હોય એવું હજી સુધી બે જ વ્યãકતઓમાં હોવાનું નોંધાયું છે. એ રીતે જોઈએ તો બ્રેન્ડન ખૂબ જ સ્પેશ્યલ ચાઇલ્ડ કહેવાય. જોકે હાઇટ આ જ ગતિએ વધ્યા કરે તો તેની શારીરિક સમસ્યાઓ ઓર વકરે અને ક્યારેક એ જીવલેણ પણ નીવડી શકે. હાઇટના પ્રમાણમાં આંખના કૉર્નિયાની સાઇઝમાં પણ બદલાવ થવાથી બ્રેન્ડનને જોવામાં તકલીફ પડે છે. જોકે ત્રણેક વારની સર્જરી પછી ૨૦૦૮ની સાલ એટલે કે ૧૪ વર્ષની ઉંમરથી તેની હાઇટ વધવાની ગતિ કન્ટ્રોલમાં છે. એમ છતાં તેના ૧૭મા જન્મદિન સુધી બ્રેન્ડન સાત ફૂટ અને સાત ઇંચની હાઇટ ધરાવતો થઈ ગયો છે.


વિશ્વનો સૌથી ઊંચો ટીનેજર હોવાનો ખિતાબ અંકે કરવાની તેણે જબરદસ્ત મોટી કિંમત ચૂકવી છે. ફૂટબૉલ રમવાનો શોખીન હોવા છતાં બ્રેન્ડન દોડી નથી શકતો. ક્યારેક તો ચાલતી વખતે પણ સાંધાનો દુખાવો વધી જાય છે. તેના સાંધા સૂજેલા જ રહે છે અને હૃદયની ક્ષમતા પૂરતી વિકસિત નથી એમ છતાં તેના ચહેરા પરથી હાસ્ય સુકાતું નથી.

દિનપ્રતિદિન તેનો મેડિકલ ખર્ચ વધતો જ જાય છે એ માટે બ્રેન્ડનના દોસ્તો ક્લાસિક કારનું એક્ઝિબિશન યોજે છે અને એમાં એકઠી થયેલી રકમ તેના તોતિંગ દવાના ખર્ચા પૂરા કરે છે.