રંગોની કલાત્મક અભિવ્યક્તિ એટલે રંગોળી

20 October, 2019 03:27 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

રંગોની કલાત્મક અભિવ્યક્તિ એટલે રંગોળી

ગુજરાતનો સાથિયો

ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્ર પ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે આજના મૉડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઑપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે.

દિવાળી અને રંગોળી એકબીજાના પર્યાય છે. ભાતભાતની ડિઝાઇનવાળી રંગોળી વગર દિવાળીની તમામ ઉજવણીઓ ફિક્કી લાગે. જોકે રંગોળી પાડવી આપણે ધારીએ છીએ એટલી સરળ નથી હોં! આ રચનાત્મક કળા છે. તમને યાદ હોય તો નાનપણમાં રંગોળી પાડવા આપણે કાણાવાળો કાગળ વાપરતા હતા. કાગળને પાથરી ચારે બાજુ વજન મૂકતા જેથી કાગળ ખસી ન જાય. પછી ચીરોળીથી ટપકાં મૂકીને ધીમેકથી કાગળ ઉપાડી બિંદુઓને જોડીને ગોળ અથવા ચોરસ રંગોળી પાડ્યા બાદ ઉંબરા પર લક્ષ્મીજીનાં પગલાં ને સાથિયા પાડતાં. આ ઉપરાંત મોરલા ને પોપટ તેમ જ ફૂલો અને વૃક્ષ-પાનની ડિઝાઇનવાળી રંગોળી પણ લોકપ્રિય હતી. તુલસીવિવાહના દિવસે આંગણામાં રંગોળીનો તુલસીનો ક્યારો આપણે સૌએ બનાવ્યો જ હશે.

રંગોળી એ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાનું પ્રતિબિંબ છે. માત્ર દિવાળીમાં જ નહીં, દરેક શુભ પ્રસંગમાં આંગણામાં રંગોળી પાડવાનો રિવાજ છે. એની ડિઝાઇનમાં દરેક રાજ્યનો પોતાનો આગવો અંદાજ છે. મહારાષ્ટ્રની રંગાવલી બંગાળીઓની અલ્પના કરતાં જુદી પડે તો ગુજરાતીઓના સાથિયા અને છત્તીસગઢની ચોકપુરાણાની પૅટર્ન જુદી હોય છે. જોકે હવે સમય બદલાયો છે. રંગોળી બનાવવા માટેનાં સાધનો માર્કેટમાં આવી ગયાં છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી નવા-નવા આઇડિયાઝને લોકો અનુસરવા લાગ્યા છે. તેમ છતાં, આજે પણ અનેક રૂઢિચુસ્ત પરિવારોમાં પરંપરાગત શૈલીથી રંગોળી પાડવાની પ્રથા અકબંધ છે. આપણી અડોશપડોશમાં રહેતા વિવિધ પ્રાંતના લોકોના ઘરની બહાર પાડેલી રંગોળીમાં જોવા મળતી વૈવિધ્યતાની પાછળ કેટલાંક રહસ્યો છુપાયેલાં છે. આજે દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સાથે જોડાયેલી માન્યતાઓ, વૈજ્ઞાનિક કારણો અને જુદાં-જુદાં રાજ્યોમાં એની વિશિષ્ટ ડિઝાઇન વિશે વાત કરીશું, પણ એ પહેલાં રંગોળીના ઇતિહાસ પર એક નજર ફેરવી લઈએ.

ઇતિહાસ

રંગોળીનો ઇતિહાસ અંદાજે ૫૦૦૦ વર્ષ જૂનો છે. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોના જણાવ્યાનુસાર રંગોળીનું આગમન મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિ સાથે થયો છે. તત્કાલીન સંસ્કૃતિના અવશેષોમાં અલ્પના (રંગોળી)નાં ભીંતચિત્રો પ્રાપ્ત થયાં છે. પ્રાચીન વાસ્ત્યાયનના કામસૂત્રમાં વર્ણવવામાં આવેલી ૬૪ કળામાં અલ્પનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શબ્દની ઉત્પ‌િત્ત સંસ્કૃત શબ્દ ઓલંપેન (લીંપણ કરવું) પરથી થઈ છે. બંગાળી ભાષામાં રંગોળીને અલ્પના કહે છે. આમ રંગોળીનો ઇતિહાસ બંગાળની લોકકળા સાથે સંકળાયેલો હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે.

પ્રાચીન સમયમાં રંગોળી પાડવા કોરો અથવા ભીનો ચોખાનો લોટ, રેતી, હળદર, સિંદૂર, ફૂલ-પાન વગેરેનો ઉપયોગ થતો હતો. એ વખતે રંગોળી માત્ર જમીન પર નહીં, ભીંત પર પણ પાડવામાં આવતી હતી. આજે પણ ગ્રામીણ વિસ્તારમાં દિવાલો પર રંગોળીની પૅટર્ન જોવા મળે છે.

શુભ સંકેત

દિવાળીના તહેવાર સાથે એક લોકવાયકા પ્રચલિત છે. કહે છે કે રાવણનો વધ કર્યા બાદ શ્રીરામજી પોતાની પત્ની સીતાને લઈને અયોધ્યા પાછાં ફર્યાં ત્યારે તેમના સ્વાગત માટે અયોધ્યાવાસીઓએ પોતાના ઘરના પ્રવેશદ્વાર પાસે જાત-જાતની સામગ્રીથી રંગોળી પાડી દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળીનો તહેવાર સમસ્ત ભારતખંડમાં ઊજવાય છે. હિન્દુ ધર્મ અનુસાર રંગોળી શુભ સંકેત છે. એનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીની સાથે જ ઘરની અંદર સૌભાગ્યનું આગમન થાય છે એવી માન્યતા છે.

ગુજરાતી પ્રજા રંગોળીને સમૃદ્ધિનું પ્રતીક માને છે. મરાઠી મહિલાઓનું માનવું છે કે રંગોળી પાડવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. તામિળનાડુમાં રંગોળીને મહાબલીના આશીર્વાદ સાથે જોડવામાં આવી છે. રંગોળીમાં વચ્ચે કમળનું ફૂલ દોરવાથી ઘરમાં ભગવાન વિષ્ણુનો વાસ રહે છે એવી આસ્થા પણ જોવા મળે છે. રંગોળી દૂર કરતી વખતે ઝાડુનો ઉપયોગ કરવાથી દેવી-દેવતા નાખુશ થાય છે એથી એને જળથી જ દૂર કરવી જોઈએ એવો ઉલ્લેખ પણ છે.

ફ્લોટિંગ રંગોળી

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ

ધ્વનિ, ગંધ, દૃશ્ય એમ દરેક વસ્તુ તમારા વિચારોને પ્રભાવિત કરે છે એવું સાયન્સ કહે છે. (જોકે આપણા વડવાઓ વિજ્ઞાનના જાણકાર હતા એથી જ પ્રથાઓ સાથે વિજ્ઞાન સંકળાયેલું છે.) આસપાસ સંગીત રેલાતું હોય તો મન આનંદિત થઈ જાય, એ જ રીતે સુંદર દૃશ્યોની (રંગોળીની ડિઝાઇન) પણ તમારા મૂડ પર અસર પડે છે. રંગોળીનો સંબંધ રંગો સાથે છે. જુદા-જુદા રંગોથી એનર્જી મળે છે. શરીરની પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી સકારાત્મક અથવા નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. તમામ નેગેટિવ એનર્જીને જીવનમાંથી દૂર કરવા તેમ જ આવનારા સમયને ખુશીથી ભરી દેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત રંગોળી પાડવાથી કૉન્સન્ટ્રેશન વધે છે અને મગજનો વિકાસ થાય છે.

ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી પાડવાનાં કેટલાંક વૈજ્ઞાનિક કારણો છે. બિંદુઓને જોડીને પાડવામાં આવતી રંગોળીમાં ભૂમિતિ અને ભૌતિકશાસ્ત્રના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ પૅટર્ન ધ્વનિ તરંગોનો સંકેત આપે છે. આંગણે આવનારી વ્યક્તિ જ્યારે આ જ્યોમેટ્રિકલ પૅટર્ન જુએ છે ત્યારે તેના મગજમાં પોઝિટિવ વાઇબ્રેશન થાય છે. આવનારા મહેમાનો પોઝિટિવ એનર્જી લઈને પ્રવેશે એવા ઉદ્દેશથી પ્રવેશદ્વાર પર રંગોળી પાડવામાં આવે છે. 

વૈવિધ્યતા

અત્યારે આપણે રંગોળીમાં ઘણું વેરિયેશન ઍડ્ કર્યું છે, પરંતુ આ પ્રથા ઘણી મોડી-મોડી શરૂ થઈ હતી. વાસ્તવમાં ગુજરાતમાં દિવાળી અને શુભ પ્રસંગોમાં સાથિયા પુરવાની પરંપરા છે. સાથિયા રંગોળીનો જ પ્રકાર છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં સૂર્યોદયના સમયે ઘરની મહિલાએ સૌપ્રથમ આંગણાને ચોખ્ખું કરી, રંગવાલી પાડી, પોતાનાં રોજિંદાં કામો શરૂ કરવા જોઈએ એવો રિવાજ છે. આ પ્રાંતની રંગોળીમાં મુખ્યત્વે હળદર અને ચોખાના લોટનો ઉપયોગ થાય છે.

તામિલનાડુમાં રંગોળીને કોલમ અને આંધ્ર પ્રદેશમાં મુગ્ગુલુ કહે છે. આ પ્રકારની રંગોળીમાં પહેલાં જમીન પર છાણનું લીંપણ કરી ચોક વડે ડિઝાઇન પાડવામાં આવે છે. રાજસ્થાનમાં ઘરના પ્રવેશદ્વાર અથવા ભીંત પર માંડણા પાડવાની પરંપરા છે. લાલ ગેરુ અથવા સ્થાનિક માટીનું લીંપણ કરી ખડી (સફેદ ચૂનાનો પાઉડર) વડે આંગળીથી માંડણા પાડવામાં આવે છે. જોકે આધુનિક જમાના પ્રમાણે હવે પારંપરિક માંડણા ડિઝાઇન પાડવા વાર્નિશ અને બ્રશનો ઉપયોગ થવા લાગ્યો છે.

બિહારની અરિપાન રંગોળી મધુબાની કળાનો એક પ્રકાર છે. જ્યાં રંગોળી પાડવાની હોય એ જગ્યાએ પહેલાં ગાયના છાણનું લીંપણ કરવામાં આવે છે. ત્યાર બાદ ચોખાને પલાળી, વાટીને પેસ્ટ બનાવવામાં આવે છે. આ પેસ્ટને બિહારમાં પિઠાર કહે છે. દિવાળીના દિવસોમાં અહીંની મહિલાઓ પિઠારમાં આંગળી બોળી કલાત્મક અરિપાન બનાવે છે. ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢની મહિલાઓ પારંપરિક લોકગીત ગાતાં-ગાતાં આંગણામાં રંગોળી બનાવે છે જેને ચોકપુરના કહે છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં દ્વારપૂજાની પરંપરા છે. ઓડિશામાં જોટી રંગોળી બને છે. એમાં પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરી પશુ-પક્ષી અને ફૂલની ડિઝાઇન પાડવાની પ્રથા છે. બંગાળની પ્રચલિત અલ્પનામાં સમકાલીન ડિઝાઇનો ઉમેરી કલાત્મક રંગોળી પાડવા ઉપરાંત દેવી-દેવતાની પૂજા કરતી વખતે સિંહાસન તરીકે પણ અલ્પના પાડવાની પરંપરા છે. માત્ર દિવાળીમાં જ નહીં, ઓણમ, ગુડીપાડવા અને દશેરા જેવા પ્રમુખ તહેવારો તેમ જ લગ્નપ્રસંગોમાં રંગોળી પાડવાનો રિવાજ પ્રચલિત છે.

ડેકોરેટિવ અને ટ્રેન્ડી

પારંપરિક રંગોળીમાં જમાના પ્રમાણે ઘણો બદલાવ આવ્યો છે. ઘણા આર્ટિસ્ટો આ લોકકલાને પ્રોફેશન તરીકે અપનાવી રહ્યા છે. રંગોળી કદાચ એકમાત્ર એવી કળા છે જે નવી પેઢીને આકર્ષી રહી છે અને એથી જ હજી સુધી જીવંત રહી શકી છે. સમયની સાથે રંગોળીના કલર્સ અને ડિઝાઇનમાં ઘણું વેરિયેશન આવી ગયું છે. બ્રાઇટ રેડીમિક્સ કલર્સ અને હાથવગાં સાધનોના કારણે રંગોળી પાડવી સરળ બની ગઈ છે. રોજબરોજની વપરાશની ચીજવસ્તુના ઉપયોગથી સુંદર રંગોળી પાડવાના આઇડિયાઝ ઇન્ટરનેટ પર સહેલાઈથી ઉપલબ્ધ છે.

જોકે, સમય અથવા જગ્યાના અભાવે મેટ્રોસિટીમાં હવે આર્ટિફિશ્યલ મટીરિયલમાંથી બનાવેલી રેડીમેડ રંગોળી પૉપ્યુલર બનતી જાય છે. રેડીમેડ રંગોળીની શરૂઆત સ્ટિકરથી થઈ હતી. આજે પણ ઘણાના ઘરમાં તમને રંગોળીની ડિઝાઇનનાં સ્ટિકર ચોંટાડેલાં જોવા મળે છે. દર વર્ષે એમાં નવા-નવા ઑપ્શન ઉમેરાતા જાય છે. મિરરવર્ક, કુંદન, મીનાકારી, મોતી અને લાકડામાંથી બનાવેલી ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીને આંગણામાં, ઘરની અંદર અથવા ટેબલ પર મૂકી શકાય છે. છેલ્લા કેટલાક સમયથી ફ્લોટિંગ રંગોળી પણ ઘણી પૉપ્યુલર બની છે. પાણીની ઉપર તરતી આ રંગોળી દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. એના પર ગોઠવવામાં આવતા રંગબેરંગી દીવા આકર્ષણ જગાવે છે. દિવાળી બાદ આ રંગોળીને બૉક્સમાં પૅક કરી રાખી મૂકો તો વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે, એ જ એની રંગોળીની ખાસિયત છે. જોકે હાથેથી પાડેલી રંગોળી જેવી એમાં મજા તો નથી જ.

આ પણ વાંચો: માથેરાન, મહાબળેશ્વર તો બહુ ગયા, હવે જઈ આવો મહારાષ્ટ્રની આ ઓછી સાંભળેલી જગ્યાઓએ

નેપાલમાં પણ છે રંગોળીની પ્રથા

પાડોશી દેશ નેપાલમાં ઊજવાતો તિહાર મહોત્સવ આપણી દિવાળી જેવો જ પર્વ છે. તિહારનો અર્થ થાય છે પ્રકાશ. કેટલાક નેપાલીઓ પાંચ દિવસના આ તહેવારને દિપાવલી જ કહે છે. પર્વના પ્રથમ દિવસે મૃત્યુના યમદૂત કાગડાની પૂજા કરવાનો રિવાજ છે એથી એને યમપંચક પણ કહે છે. હિન્દુ રાષ્ટ્ર હોવાથી નેપાલની સંસ્કૃતિ અને પરંપરાઓ ભારત સાથે મળતી આવે છે. અહીં પણ લક્ષ્મીપૂજા, ગોવર્ધનપૂજા, દીવા પ્રગટાવવા તેમ જ રંગોળી પાડવાની પ્રથા છે. તિહાર મહોત્સવ દરમ્યાન ઘરની અંદર અને બહાર, ઑફિસમાં, સરકારી કાર્યાલયો, વ્યાવસાયિક કચેરીઓ અને અન્ય સ્થળોએ રંગોળી પાડવામાં આવે છે. રંગોળી પાડવા માટે લોટ, ફૂલની પાંખડીઓ, રંગીન ચોખા અને રેતીનો ઉપયોગ થાય છે. રંગોળીને તેઓ અલ્પોના કહે છે. નેપાલીઓએ આ કળા અને પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે. ભારત અને નેપાલ ઉપરાંત બંગલા દેશમાં પણ રંગોળી પાડવાનો રિવાજ સદીઓથી પ્રચલિત છે. પોહેલા બૈસાખ (નવું વર્ષ) અને મકરસંક્રાંતિના દિવસે અહીં રંગોળી પાડવામાં આવે છે.

diwali weekend guide Varsha Chitaliya