સફળતાની એક જ વ્યાખ્યા છે : હાર્ડ વર્ક

11 November, 2012 08:06 AM IST  | 

સફળતાની એક જ વ્યાખ્યા છે : હાર્ડ વર્ક



સક્સેસ માટે અનેક પ્રકારની ફૉમ્યુર્લા હોય છે એવું કહેવાય છે, પણ અમે માનીએ છીએ કે સક્સેસની કોઈ ફૉમ્યુર્લા નથી. સફળતાની એક જ વ્યાખ્યા છે અને એ છે હાર્ડ વર્ક. અમે ભાઈઓએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે ગુજરાતી ફિલ્મોની દશા સારી હતી. ગુજરાતી ફિલ્મો વેચાતી અને જોવાતી હતી. ગુજરાતી ફિલ્મોનું ઑડિયન્સ પણ નવા વિચારો અને નવી માવજતને જોવા ટેવાયેલું હતું. આ કારણે અમે ગુજરાતી ફિલ્મોમાં નવી-નવી વાર્તાઓ અને નવી-નવી રીતભાત લાવવામાં સફળ રહ્યા. એક તબક્કો એવો આવ્યો કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ અમને અપનાવી લીધા. ગુજરાતી ફિલ્મો બનાવતા હતા ત્યારે પણ અમારી ભાઈઓની ઇચ્છા એક જ હતી કે સરસ હિન્દી ફિલ્મો બનાવવી. અમને યાદ છે કે અમે આ બાબતમાં જાહેરમાં બોલતા ત્યારે લોકો અમારી મશ્કરી કરતા. જોકે એમાં સહેજ પણ ખોટું નથી. શક્તિ બહારનું કામ વિચારીએ તો હાંસીપાત્ર બનીએ, પણ અમને અમારી શક્તિ અને આકરી મહેનત કરવાની ક્ષમતાનો અંદાજ હતો એટલે જ અમે એ સપનું જોઈ રહ્યા હતા. અમને યાદ છે કે અમે અમારી પહેલી હિન્દી ફિલ્મ ‘અગ્નિકાલ’નું શૂટિંગ રાજકોટમાં કરતા હતા ત્યારે એના શૂટિંગ માટે લીડ ઍક્ટર રાજ બબ્બર અને માધવી રાજકોટ આવ્યાં હતાં. તેમને જોવા માટે લોકો એવી પડાપડી કરતા હતા કે અમને પણ ધક્કે ચડાવતા હતા. ફિલ્મના વિલન જોગિંદર સિંહને જોવા માટે પણ લોકોની પડાપડી થતી હતી. એક સમયે તો ટોળે વળેલા લોકોને કાઢવા માટે અમારે બન્ને ભાઈઓએ કામે લાગવું પડ્યું તો ટોળાવાળા અમને શહેરીજન ગણીને પાછળ ધકેલવા લાગ્યા હતા.

એ દિવસ અને આજનો આ દિવસ, સફળતા કે નિષ્ફળતાની અમારા પર કોઈ અસર થઈ નથી. અમને અમારા કામ પર, અમારી હાર્ડ વર્ક કરવાની ક્ષમતા પર વિશ્વાસ છે એટલે જ અમે આજ સુધી આ ઇન્ડસ્ટ્રીમાં ટકી શક્યા છીએ. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તો શું, બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય; આગળ કહ્યું એમ સક્સેસની એક જ વ્યાખ્યા છે : હાર્ડ વર્ક. સફળતા માટે કોઈ શૉર્ટ કટ ન હોઈ શકે. બહુ વર્ષો પહેલાં અમિતાભ બચ્ચને એક વાત કહી હતી એ આજે પણ અમને યાદ છે.

કામ કરીએ તો ફળ મળે. કામ કરવાની જવાબદારી આપણી છે, ફળ શું આપવું એ નક્કી કરવાનું કામ ઑલમાઇટીનું છે.

નિષ્ફળતાથી હારવું કે ડરવું ન જોઈએ. નિષ્ફળતા એ તો પોતાના જ કામને રિવાઇવ કરીને જોવાની એક તક છે. અમારી ફિલ્મ ન ચાલે તો અમે ક્યારેય નાસીપાસ નથી થતા. તરત જ અમે એ ફિલ્મમાં કરેલી ભૂલોનું ઍનૅલિસિસ કરીએ છીએ જેથી અમારી ભૂલ અમે જ આગળ રિપીટ ન કરીએ. કામ જ કામને શીખવી શકે એ વાતમાં કોઈ શંકા નથી અને જો કામ પાસેથી શીખવું હોય તો ભૂલ કરવાની તૈયારી અને એ ભૂલ સ્વીકારવાની હિંમત પણ રાખવી પડે.

€ € €

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ગૉડફાધર હોવાની જે વાત છે એ ખોટી છે. વચ્ચેનો એક ફેઝ આખો એવો હતો કે બધા પોતપોતાના ગૉડફાધરની વાત કરતા, પણ અમારી આવડી કરીઅરમાં ક્યારેય કોઈ ગૉડફાધર બન્યું જ નથી એટલે અમે કહી શકીએ છીએ કે અમે જ અમારા ગૉડફાધર છીએ.

ગૉડફાધર સાચા-ખોટાની સલાહ આપી શકે, ગાઇડ કરી શકે અને કોઈની પાસે તમારી ઓળખાણ કરાવી શકે. બસ, એટલું જ; એનાથી આગળ કંઈ નહીં. ક્રિકેટમાં કોઈ કોઈનો ગૉડફાધર બની શકે ખરો? ફૂટબૉલ કે રગ્બીમાં પણ કોઈ ગૉડફાધર હોતા નથી. હા, કોચ હોય. એવું જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં છે. ગાઇડ હોઈ શકે જેની પાસેથી તમે ઍડ્વાઇઝની અપેક્ષા રાખી શકો, પણ ગૉડફાધરની વાત તો બિલકુલ ખોટી છે. આજે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનેક એવા ઍક્ટર છે જેમની પાછળની સાત પેઢીઓએ ક્યારેય ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જોઈ નહોતી અને કદાચ આવતી પેઢીઓ પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવવાની નથી અને એમ છતાં એ ઍક્ટરે અહીં પોતાની જગ્યા બનાવી લીધી છે - કોઈ જાતના સર્પોટ વિના, માત્ર જાતમહેનત પર. આગળ કહ્યું એમ હાર્ડ વર્કથી ઉત્તમ બીજું કંઈ નથી. પછી એ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી હોય, સ્ર્પોટ્સ હોય કે પછી એજ્યુકેશન હોય.

અમે લોકો હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયા ત્યારે અમારી પાસે કોઈ ઓળખાણ નહોતી. અમારો અનુભવ પણ રીજનલ કહેવાય એવી ગુજરાતી ફિલ્મોનો હતો. ગુજરાતના એક પ્રોડ્યુસરે અમારી પહેલી હિન્દી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી એટલે એ રીતે પણ અમારો મુંબઈમાં કોઈ બેઝ બન્યો નહોતો. જો ગૉડફાધર જરૂરી હોત તો આજે અમે અહીં ન હોત. અમને પાકું યાદ છે કે બીજી ફિલ્મ ‘ખિલાડી’ની સ્ક્રિપ્ટ અને અમારી પહેલી ફિલ્મની વિડિયો-કૅસેટ લઈને અમે પ્રોડક્શન-હાઉસની ઑફિસ-ઑફિસ ફરતા અને નવા પ્રોજેક્ટનું ડિસ્કશન કરતા. એ સમયે જે રીતે મહેનત કરી હતી એ આજે કામની દૃષ્ટિએ ખીલી છે એવું કહેવું સહેજ પણ ખોટું નહીં ગણાય. જો એ સમયે અમે કે આજના સમયના ઍક્ટર ગૉડફાધરની રાહ જોઈને બેસી રહ્યા હોત તો કંઈ વળ્યું ન હોત અને આજે પણ અમે ગુજરાતમાં અમારું કામ કરતા હોત. એ કામથી આગળ વધવું હતું એટલે જ અમે હાર્ડ વર્કને શૉર્ટ કટ ગણીને ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયા અને આજે પણ મહેનતને જ સૌથી મહત્વની ગણીએ છીએ. ઇન્ડસ્ટ્રીનો આજનો સિનારિયો પણ એવો જ થઈ ગયો છે. દરેક ઍક્ટર હાર્ડ વર્ક કરે છે. પહેલાંના સમયમાં ઍક્ટર થિયેટરમાંથી આગળ આવતા હતા, હવેના ઍક્ટર કૉન્વેન્ટ અને ફૉરેનની સ્કૂલમાં ભણીને અહીં આવ્યા છે. ઍરકન્ડિશન્ડ સ્કૂલમાં ભણેલા આ ઍક્ટરો પણ એટલી જ મહેનત કરે છે જેટલી મહેનત પહેલાંના ઍક્ટર કરતા હતા. ઇન્ડસ્ટ્રીની બહારના લોકોને લાગતું રહ્યું છે કે અહીં એશઆરામની જિંદગી છે, પણ રિયલિટી જોવી હોય તો કોઈ ફિલ્મના સેટ પર જવું જોઈએ. પાંચ હજાર વૉટની હેલોજનની લાઇટ જ્યારે ચહેરાની ચામડીને બાળતી હોય ત્યારે ખબર પડે કે એ અવસ્થામાં કામ કરવું એ પણ એક પ્રકારનું હાર્ડ વર્ક જ છે.

અબ્બાસ-મુસ્તાન

સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના બાદશાહ ગણાતા બૉલીવુડની ડિરેક્ટર-જોડી અબ્બાસ-મુસ્તાન બર્માવાલા ભાઈઓ છે. બન્ને ફિલ્મ પણ સાથે ડિરેક્ટ કરે છે, સ્ટોરી પણ સાથે ડિસ્કસ કરે છે, ઇન્ટરવ્યુ પણ સાથે આપે છે અને વાતચીત પણ સાથે હોય ત્યારે જ કરે છે. અબ્બાસ-મુસ્તાનમાં અબ્બાસ બર્માવાલા મોટા ભાઈ છે અને મુસ્તાન બર્માવાલા નાના ભાઈ છે. સાત ગુજરાતી ફિલ્મ બનાવીને હિન્દી ફિલ્મ ‘અગ્નિકાલ’થી બૉલીવુડની કરીઅર શરૂ કરનારા અબ્બાસ-મુસ્તાને ‘બાઝીગર’, ‘બાદશાહ’, ‘હમરાઝ’, ‘ઐતબાર’, ‘સોલ્જર’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘નકાબ’, ‘પ્લેયર્સ’ અને ‘રેસ’ જેવી ફિલ્મો બનાવી છે. તેમની સુપરહિટ ફિલ્મ ‘રેસ’ની સિક્વલ ‘રેસ-૨’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.