સમાજના ભ્રષ્ટ ચહેરાની હાંસી ઉડાવતી ફિલ્મ જાને ભી દો યારો

11 November, 2012 08:03 AM IST  | 

સમાજના ભ્રષ્ટ ચહેરાની હાંસી ઉડાવતી ફિલ્મ જાને ભી દો યારો



કેટલીક ફિલ્મો ધીરે-ધીરે લોકપ્રિય થતી હોય છે અને કેટલીક ફિલ્મો ખબર પણ ન પડે એમ નવી કેડી કંડારનારી નીવડતી હોય છે. ૧૯૮૩માં રિલીઝ થયેલી કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’ આ કક્ષાની છે. માત્ર સાત લાખ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી એ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે કોઈએ એને થ્રી સ્ટાર કે ફોર સ્ટાર આપીને વધાવી નહોતી કે કોઈએ એના વિશે ખાસ ચર્ચા નહોતી કરી. ‘જાને ભી દો યારો’ ફિલ્મને ગયા અઠવાડિયે નવેસરથી દેશભરમાં રિલીઝ કરવામાં આવી છે, કારણ કે એ એક સર્વકાલીન કલ્ટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે.

મેં આ ફિલ્મ ૧૯૮૩માં જોઈ હતી. ત્યારે એવું નહોતું લાગ્યું કે આમાં કોઈ વીતેલા યુગની કે આવનારા યુગની વાત કહેવામાં આવે છે. એમાં એ સમયની વાત કહેવામાં આવી છે. વિડંબના એ છે કે એ સમયનું વિકૃત સત્ય આટલા લાંબા સમય સુધી કાલજયી સાબિત થયું છે. ‘જાને ભી દો યારો’ ફિલ્મ સમાજના ભ્રષ્ટ ચહેરાની હાંસી ઉડાવનારી ગંભીર ફિલ્મ છે. ફારસ કરતાં વધુ વિનોદ અને સત્યજિત રાયની ફિલ્મ કરતાં પણ વધુ ગંભીર એવી આ ફિલ્મ છે. રમત-રમતમાં બનાવાયેલી ફિલ્મ રમતવાતમાં કલ્ટ ફિલ્મ બની ગઈ છે. રમેશ સિપ્પી એક જ ‘શોલે’ આપી શક્યા છે અને કુંદન શાહ એક જ ‘જાને ભી દો યારો’ આપી શક્યા છે એ સર્જકતાની ન સમજાય એવી અવળચંડાઈ છે.

‘જાને ભી દો યારો’ ફિલ્મ ભ્રષ્ટાચાર સામેના ઍન્ગ્રી યંગમૅનના એકલવીર વિદ્રોહની સામે જાણે કે ઍન્ટિ-થીસિસ બનીને આવી છે. સ્ક્રીન પર ભ્રષ્ટાચારીઓ સામે વિદ્રોહ કરનાર એકલવીર (અમિતાભ બચ્ચન) સાથે પોતાની ભાવનાના તાર જોડીને ખૂબ ગુસ્સો કાઢ્યો, પરંતુ સમાજ તો બદલાતો જ નથી. જો કેમે કરીને કંઈ બદલાતું જ ન હોય તો એને હસી કાઢો. મરાઠીમાં કહેવત છે : અતી ઝાલે હસુ આલે. એક બાજુ ‘યે સબ ક્યા હો રહા હૈ’ એ કૉમન મૅનનો વ્યવસ્થા સામે સવાલ છે અને બીજી બાજુ સુધીર અને વિનોદ (અનુક્રમે નસીરુદ્દીન શાહ અને રવિ બાસવાની) નામના કૉમન મેન અન્યાયી વ્યવસ્થાની કિંમત ચૂકવે છે. કિંમત તો કોમન મૅને જ ચૂકવવાની છે, પછી ગુસ્સો કરીને ચૂકવો કે હસીને ચૂકવો.

ફિલ્મમાં પૈસા દ્વારા કોઈને પણ ખરીદી શકાય છે, કાયદો હાથમાં લઈને કોઈને પણ રસ્તામાંથી દૂર કરી શકાય છે અને ભલા-ભોળા આમઆદમીને ક્યારેય ફસાવી શકાય છે એની વાત છે. બે બિલ્ડરો (વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વાંચો) વધુ લાભ મેળવવા માટે આપસમાં લડે છે. બન્ને મ્યુનિસિપલ કમિશનર (સાગમટો શાસકવર્ગ)ને ખરીદવાની હોડ બકે છે. પેલો ભ્રષ્ટ અધિકારી હરાજીમાં મુકાયેલી જણસની માફક કોણ મોટી બોલી બોલે છે એની રાહ જુએ છે અને હજી વધુ મોટી બોલી બોલાવડાવવા ઉશ્કેરે છે. બેમાંથી એકની હાર થવાની જ હતી એટલે જે રહી જાય છે એ કાયદો હાથમાં લઈને શાસકની હત્યા કરે છે. પત્રકાર ઘટનાઓ પર નજર રાખે છે. એ ઘટનાઓ તેના માટે કૉમોડિટી છે. છાપવાનો પણ ભાવ અને નહીં છાપવાનો પણ ભાવ. છેલ્લે ક્લાઇમૅક્સમાં આમઆદમી આવે છે. તેને સમજાતું જ નથી કે યે સબ ક્યા હો રહા હૈ.

તમને આ ફિલ્મ જોઈને એમ નહીં લાગે કે તમે બૉમ્બે ટૉકીઝની કે પ્રભાત ટૉકીઝની વીતેલા જમાનાની કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો. જે સ્થિતિ ત્યારે હતી એવી જ આજે છે. વેપારીઓ, શાસકો અને પત્રકારો બદલાયા નથી; વધુ પારંગત થયા છે. ૨૯ વર્ષ પહેલાં આ ફિલ્મ રજૂ થઈ ત્યારે અણ્ણા હઝારે લશ્કરમાં ટ્રક ચલાવતા હતા અને અરવિંદ કેજરીવાલ સ્કૂલમાં ભણતા હતા. વ્યવસ્થા ચ્યુઇંગ-ગમ જેવી હોય છે જેનો શેપ બદલાતો રહે છે પરંતુ જલદી જાન નથી છૂટતી.