પુખ્તતાની પરીક્ષારૂપે વીસ દિવસ ધતૂરાનું ઝેર પિવડાવવામાં આવે

11 November, 2012 07:57 AM IST  | 

પુખ્તતાની પરીક્ષારૂપે વીસ દિવસ ધતૂરાનું ઝેર પિવડાવવામાં આવે



માનો યા ન માનો

આફ્રિકા હોય કે અમેરિકાના અંતરિયાળ આદિવાસી પ્રજા ધરાવતા વિસ્તારો, અહીંની જાતિઓમાં છોકરો લગ્નને લાયક થયો છે એ વાતની સાબિતી માટે જાતજાતની કપરી કસોટીઓ કરાવવામાં આવે છે. ઉત્તર અમેરિકાની ઍલ્ગોન્ક્વિન ભાષા બોલતી આદિવાસી પ્રજામાં એક કિશોરનું એક પુખ્ત પુરુષમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા રૂંવાડાં ખડાં કરી દેનારી છે.

ઍલ્ગોન્ક્વિન પ્રજાના લોકો પોતાના સોળથી સત્તર વર્ષની વયના કિશોરોને ધતૂરાનું ઝેર ધીમે-ધીમે કરીને અઢળક માત્રામાં ચડાવે છે. આ ઝેરથી જબરદસ્ત ભ્રાંતિ પેદા થાય છે. ઊલટીઓ થાય, બેબાકળાપણું થાય અને આખરે વ્યક્તિ અર્ધબેભાનાવસ્થામાં કલાકો સુધી સરી પડે. નવાઈની વાત એ છે કે આ પ્રક્રિયા દરમ્યાન કિશોરને એક પાંજરામાં પૂરી દેવામાં આવે. અહીં તેના સૂવા અને ખાવાપીવા માટેની ચીજો મૂકી દેવામાં આવી હોય. આ પાંજરું ઘરના આંગણામાં રાખવામાં આવે. જેવું ધતૂરાનું ઝેર ઊતરે એટલે ફરી એથી વધુ ડોઝ તેને આપવામાં આવે. કહેવાય છે કે ભ્રાંતિ પેદા કરવા માટે ડ્રગ લવર્સમાં વપરાતા એલએસડી નામના ડ્રગ કરતાં આ ડ્રગ ૧૦૦ ગણી વધુ પાવરફુલ હોય છે. છતાં કિશોરને લગભગ વીસેક દિવસ સુધી આ ડ્રગ આપવાનો સિલસિલો ચાલતો રહે. કિશોર ભ્રામક વિશ્વમાં સરી પડે, કંઈ પણ બબડ્યા કરે અને વીસ દિવસને અંતે લગભગ પાગલ થવાની અણીએ હોય ત્યારે તેને પાંજરામાંથી છોડવામાં આવે.

કહેવાય છે કે પાંજરામાંથી બહાર આવ્યા પછી કિશોરને નૉર્મલ થતાં બીજો એક-દોઢ મહિનો લાગી જાય. આ પ્રક્રિયા દરમ્યાન જો સંભાળીને ધતૂરો ન આપવામાં આવે તો કિશોરનું મૃત્યુ પણ થઈ જાય ને કેટલાય કિશોરો વર્ષો સુધી માનસિક સંતુલન પાછું નથી મેળવી શકતા. એ છતાં આ પ્રજા ખૂબ જ જડતાથી આ રિવાજને હજીયે વળગી રહી છે.

હાથે કરીને દીકરાને પાગલ કરી દેવા મજબૂર કરી દેતી આ પ્રથા પાછળની માન્યતા એ છે કે પુરુષ જ્યારે લગ્ન કરે અને ઘર-પરિવારની જવાબદારીઓ ઉઠાવે ત્યારે તે સંપૂર્ણપણે પુખ્ત થઈ ગયો હોવો જોઈએ. બાળપણની કાલીઘેલી યાદો પણ તેના મનમાંથી નીકળી જવી જોઈએ. જ્યાં સુધી ભ્રાંતિની ચરમસીમા ન અનુભવાય ત્યાં સુધી ભૂતકાળની ઘટનાઓ યાદ રહે છે ને એ પુખ્તતા અને જવાબદારી નિભાવવામાં આડે આવે છે એવું અહીંની પ્રજા માને છે.

વીસ દિવસ સુધી સતત ભ્રાંતિ પેદા કરનારા ધતૂરાના સેવનને જેનું શરીર અને મગજ ખમી જાય એ જ સાચો પુરુષ સાબિત થાય છે ને તેને જ કોઈ પિતા પોતાની દીકરી આપવા તૈયાર થાય છે.