સૌથી વિશાળકાય રંગોળી શિવાજી મહારાજની

11 November, 2012 07:53 AM IST  | 

સૌથી વિશાળકાય રંગોળી શિવાજી મહારાજની



રેકૉર્ડ મેકર

રંગોળી ભારતની આગવી કળા છે. દક્ષિણ ભારતમાં તો લગભગ રોજ સવારે ઘરના આંગણામાં નાની પણ નવી રંગોળી પૂરવાનો રિવાજ હજીય મોજૂદ છે. એવું કહેવાય છે કે  તહેવારોના દિવસોમાં લક્ષ્મીજી નગરચર્યા કરતાં ફરવા નીકળે ત્યારે તેમનાં પગરણ જેના ઘરની બહાર રંગોળી કરી હોય એ તરફ વળે છે. રંગોળીમાં વિવિધ રંગોની કળાત્મક એકસૂત્રતા, સંતુલન અને સર્જનાત્મકતા લક્ષ્મીજીને આકર્ષતી હોવાથી દિવાળી અને અન્ય સુખદ પ્રસંગોએ રંગોળી કરવાનો રિવાજ ભારતમાં પ્રચલિત છે.

રંગોળી હવે તો રંગો ઉપરાંત રંગબેરંગી ચોખા, ધાન, સાબુદાણા, દીવડા જેવી જાતજાતની ચીજો વાપરીને બને છે, પરંતુ ભારતના એક રંગોળી આર્ટિસ્ટે રચેલી એક મહારંગોળીનો રેકૉર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી. ગોવાના નીલેશ નાઈક નામના રંગોળી આર્ટિસ્ટે ગોવાના તિસવાડી વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી ચીતરી હતી, જે ૪૯૦૦ સ્ક્વેર મીટરની એટલે કે પૂરા ૫૨,૭૪૨.૯૫ સ્ક્વેર ફૂટ જેટલી મોટી હતી. આ રંગોળી માટે લગભગ ૩૦૦ કિલોથી વધુ રંગો વપરાયા હતા. સતત અઢાર દિવસ સુધી દિવસના સોળથી અઢાર કલાક કામ કરીને તેણે આ રંગોળી એકલા હાથે બનાવી હતી. એકલા હાથે આટલી વિશાળકાય રંગોળી બનાવવી એ ખરેખર થકવી નાખનારું છે, પણ નીલેશ નાઈકનું આ પૅશન છે. આ ઉપરાંત પણ રંગોળીના ઘણા રેકૉર્ડ્સ તેને નામે છે. તેની રંગોળીમાં મહાનુભાવોને જાણે જીવંત હોય એવા ચીતરવામાં નીલેશની માસ્ટરી છે.

આ પહેલાંનો રેકૉર્ડ પણ ભારતને નામે જ હતો, પણ એ માટે ૨૦૦૫માં તામિલનાડુના હોસુરમાં ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૫૦ સ્ત્રીઓએ ટાઇટન ટાઉનશિપમાં ૪૪૯૫ સ્ક્વેર મીટરની રંગોળી રચી હતી.