ભારતની ફર્સ્ટ ફૅમિલી બદલી રહી છે વંશવાદનો ચહેરો

03 November, 2012 07:31 PM IST  | 

ભારતની ફર્સ્ટ ફૅમિલી બદલી રહી છે વંશવાદનો ચહેરો



ગયા રવિવારે થયેલી પ્રધાનમંડળની ફેરરચનાએ દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવી અનોખી સ્થિતિ પેદા કરી છે. વડા પ્રધાન માતા સોનિયા ગાંધીના નિયુક્ત કરેલા છે અને હવે ફેરબદલ કરાયેલું પ્રધાનમંડળ પુત્ર રાહુલનું નિયુક્ત કરેલું છે. નિયુક્તિ કરનારા બન્ને સર્વસત્તાધીશ હોવા છતાંય સત્તાની બહાર છે. જગતના કોઈ લોકશાહી દેશમાં આ પહેલાં આવું થયું હોય એવું જોવા મળ્યું નથી.

નવા પ્રધાનોની સોગંદવિધિ પછી વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી પ્રધાનમંડળમાં જોડાય એવું તેઓ ઇચ્છતા હતા, અનેક વખત રાહુલ ગાંધીને આગ્રહ કરવામાં આવ્યો છે; પરંતુ તેઓ પક્ષ માટે કામ કરવા માગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણું કરીને ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પહેલાંની પ્રધાનમંડળની આ છેલ્લી પુનર્રચના હશે. એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધી લોકસભાની આ મુદત દરમ્યાન પ્રધાન નહીં બને. ઘણું કરીને રાહુલ ગાંધીને કૉન્ગ્રેસ પક્ષમાં સત્તાવાર રીતે નંબર ટૂનું સ્થાન આપવામાં આવશે. અત્યારે તેઓ પક્ષમાં જનરલ સેક્રેટરી છે તો હવે પછી તેમને સેક્રેટરી જનરલ બનાવવામાં આવશે.

૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકાર રચાય એવી શક્યતા નહીંવત્ છે. ચૂંટણીનાં પરિણામો જે આવે એ, સવાલ એ છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં કૉન્ગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવાર રાહુલ ગાંધી હશે ખરા? મને હવે એમ લાગવા માંડ્યું છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી કૉન્ગ્રેસ પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં હોય અને કદાચ ક્યારેય નહીં હોય. તેમનાં માતાની માફક રાહુલને પણ સત્તા ભોગવવામાં બહુ રસ હોય એમ લાગતું નથી. હવે પછી જ્યારે પણ કૉન્ગ્રેસ પક્ષને સરકાર રચવાની તક મળશે ત્યારે સચિન પાઇલટ કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાહુલ ગાંધી વડા પ્રધાન તરીકે નિયુક્તિ કરશે, જે રીતે વર્તમાન વડા પ્રધાન મનમોહન સિંહને સોનિયા ગાંધીએ નિયુક્ત કર્યા છે. ભારતની ફર્સ્ટ ફૅમિલી વંશવાદનો ચહેરો બદલી રહી છે. નેહરુ-ગાંધી પરિવાર કૉન્ગ્રેસ પક્ષના પૅટ્રનનો રોલ ભજવશે, દેશના શાસકનો નહીં. સક્રિય રીતે ચૂંટણીનું રાજકારણ કરશે, પરંતુ સીધા સત્તામાં નહીં જાય. સોનિયા ગાંધીનું મૉડલ રાહુલ અપનાવશે એમ લાગે છે.

આવા સંકેત રાહુલ ગાંધી ઘણા સમયથી આપી રહ્યા છે. તેમણે પોતે એક વાર સમાન તકની વકીલાત કરતાં વંશવાદનો વિરોધ કર્યો હતો અને ખુદનો દાખલો આપીને કહ્યું હતું કે તેઓ ખાસ વંશને કારણે એક ડગલું આગળ છે જે ખોટું છે. તેમણે જેટલો રસ પક્ષમાં લીધો છે એટલો સરકારમાં લીધો નથી. તેઓ મોટા ભાગે દિલ્હીની બહાર રહે છે. તેમણે પોતાના વિશ્વાસુ એવા યુવાનોની બે ટીમ બનાવી છે. સચિન પાઇલટ વગેરેની એક ટીમ સરકારમાં છે અને બીજી ટીમ પક્ષ માટે કામ કરે છે. અત્યાર સુધી મનમોહન સિંહના પ્રધાનમંડળમાં ટીમ રાહુલના પાંચ સભ્યો હતા જે હવે વધીને ૧૭ થયા છે. એક રીતે રાહુલ વિના રાહુલ પ્રધાનમંડળ આકાર લઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પક્ષને બેઠો કરવા માટે તેમણે જેટલી મહેનત લીધી છે એટલી આજ સુધી કોઈએ લીધી નથી. એમાં તેમને હજી સુધી સફળતા મળી નથી એ જુદી વાત છે, પરંતુ મહેનતની કદર તો તેમના દુશ્મનો પણ કરે છે.

મને તો એમ પણ લાગે છે કે ટીમ રાજીવ કરતાં ટીમ રાહુલ વધારે પરિપક્વ છે. રાહુલ ગાંધી લાઇન તોડીને બોલતા નથી. જે લોકો સત્તામાં છે તેમને વિના રોકટોક કામ કરવા દેવાની સ્વતંત્રતા આપે છે. તેમણે પસંદ કરેલા કોઈ પ્રધાનો સામે ભ્રષ્ટાચારના કે ઉછાંછળાપણાના આક્ષેપો થયા નથી. તેમણે પસંદ કરેલા પક્ષનું કામ કરનારાઓમાંથી કોઈએ તુમાખીનું પ્રદર્શન કર્યું હોય કે બેફામ ભાષાનો પ્રયોગ કર્યો હોય એવું જોવા મળ્યું નથી. મારી ધારણા જો સાચી હોય અને રાહુલ ગાંધી તેમના અત્યારે નજરે પડતા મિશનમાં ડગ્યા વિના આગળ વધશે તો બે દાયકા પછીની કૉન્ગ્રેસ જુદી હશે. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને જે કૉન્ગ્રેસ વારસામાં મળી હતી એ નેહરુની હતી, જ્યારે રાહુલની કૉન્ગ્રેસ રાહુલની પોતાની હશે. નેહરુનો વારસો તો કૉન્ગ્રેસે ક્યારનોય ગુમાવી દીધો છે.

હું જ્યારે મિત્રો સાથે આ વાત કરું છું ત્યારે કેટલાક મિત્રોનું એમ કહેવું છે કે રાહુલ ગાંધી રણછોડદાસ છે જે જવાબદારીથી ભાગે છે. રાહુલ રાષ્ટ્રીય પ્રશ્ને ઓછું બોલે છે કારણ કે તેઓ ડફર છે, તેમને એ પ્રશ્નો બહુ સમજાતા નથી. પક્ષના ચહેરા વિનાના નાના કાર્યકરો સાથે તેઓ પોતાને વધારે સુરક્ષિત અનુભવે છે. તેઓ લઘુતાગ્રંથિ અનુભવે છે અને દરેક મોટા પ્લૅટફૉર્મ અને મોટા માણસોની વચ્ચે જવાનું ટાળે છે. રાહુલ ગાંધીના વ્યક્તિત્વના આકલનનો આ પણ એક દૃષ્ટિકોણ છે જે મને ગળે ઊતરતો નથી.

રાહુલ ગાંધી એક દાયકાથી સક્રિય રાજકારણમાં છે. તેઓ દેશની ફર્સ્ટ ફૅમિલીના ફરજંદ છે અને વડા પ્રધાનપદના સ્વાભાવિક ઉમેદવાર માનવામાં આવે છે. તેમની દરેક પ્રવૃત્તિ પર લોકોની નજર મંડાયેલી હોય છે અને છતાંય તેઓ પૂરેપૂરા પ્રગટ નથી થયા. તેમનું વ્યક્તિત્વ હજી પણ પકડમાં નથી આવતું. રાહુલ ગાંધી વિચક્ષણ માણસ છે કે ડફર છે એની જાણ આવનારાં વર્ષોમાં થઈ જશે