બાળ ઠાકરેની પુત્ર-પૌત્રના હિતમાં ભત્રીજાને અન્યાય કરતી અપીલ

03 November, 2012 07:30 PM IST  | 

બાળ ઠાકરેની પુત્ર-પૌત્રના હિતમાં ભત્રીજાને અન્યાય કરતી અપીલ



કલ્પના કરો કે ૧૯૬૪માં જવાહરલાલ નેહરુ દેશની પ્રજાને આમ કહીને ગયા હોત તો : આપને જૈસે મુઝે સંભાલા હૈ ઉસી તરહ મેરી બેટી ઇન્દિરા કો ઔર મેરે પોતે રાજીવ ઔર સંજય કો ભી સંભાલ લેના. અબ મૈં થક ગયા હૂં. અબ તો ચલ ભી નહીં સકતા હૂં ઇસ લિએ આપકે પાસ આ નહીં સકતા. યહ મેરી આખરી ઇચ્છા હૈ. મેં આપકા શુક્રગુઝાર રહૂંગા.

કલ્પના કરો કે ૧૯૫૦માં સરદાર પટેલે આવી કાકલૂદી તેમનાં સંતાન ડાહ્યાભાઈ પટેલ અને મણિબહેન પટેલ માટે કરી હોત તો?

તો જવાહરલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ ન હોત. સરદાર, સરદાર ન હોત. તેમની ગણના વિરાટ વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ તરીકે ન થતી હોત. તેમની ગણના બાળ ઠાકરે સાથે થઈ હોત અને દેશ ક્યારનો તેમને ભૂલી ગયો હોત. શિવાજી પાર્ક ખાતે દર વર્ષે યોજાતી શિવસેનાની દશેરાની રૅલીમાં બાળ ઠાકરેએ ઉપર ટાંક્યા છે એ શબ્દોમાં પુત્ર ઉદ્ધવને અને પૌત્ર આદિત્યને સંભાળી લેવાની કાકલૂદી કરી હતી. ભારતીય રાજકારણમાં હવે ઘરાણાશાહી કોઈ નવી વાત નથી રહી, પરંતુ કોઈ નેતાએ કાકલૂદી કરી હોય એવું આજ સુધી બન્યું નથી. ઘરાણાશાહીનું આ નવું તળિયું છે.

શિવસેનાની સ્થાપના મરાઠીઓને ન્યાય અપાવવા અને દેશને નેહરુપરિવારના વંશવાદથી છોડાવવા માટે થઈ હતી. બાળ ઠાકરેના સામયિક ‘માર્મિક’ના શરૂઆતનાં વર્ષોના અંકો જોશો તો આની ખાતરી થશે. તેઓ એમ માને છે કે મહારાષ્ટ્રમાં અને દેશમાં મરાઠીઓને અન્યાય થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠીઓને અન્યાય પરપ્રાન્તીયો કરી રહ્યા છે અને દેશમાં મરાઠીઓને અન્યાય કૉન્ગ્રેસ કરી રહી છે. તેમનું સરળીકરણ ગળે ઊતરે એવું નથી, પરંતુ મરાઠી માનસમાં આવી ભાવના વ્યાપક હોવાને કારણે બાળ ઠાકરેની દુકાન વગર માલે આટલાં વર્ષો સુધી ચાલી ગઈ છે. હવે ચિંતા તેમને ભવિષ્ય વિશે છે. કોના ભવિષ્ય વિશે? પોતાના સંતાનોના ભવિષ્ય વિશે. જો મરાઠીઓના ભવિષ્યની તેમને ચિંતા હોત તો તેમનો છેલ્લો સંદેશ જુદા પ્રકારનો હોત. છેલ્લો એટલા માટે કે તેઓ ખૂબ બીમાર છે અને ખુદ માને છે કે શિવસૈનિકો માટેનો અને મરાઠી પ્રજા માટેનો આ તેમનો છેલ્લો સંદેશો છે.

મરાઠીઓને અન્યાય ન થવો જોઈએ એવું માનનારા અને એ માટે જીવનભર અન્યોને રંજાડનારા બાળ ઠાકરે કમસે કમ એટલું તો માનતા જ હશે કે એક મરાઠી દ્વારા બીજા મરાઠીને અન્યાય ન થાય. ઓછામાં ઓછું પ્રત્યેક મરાઠીને તો તેઓ એક જ નજરે જોતા હોવા જોઈએ. પોતાના પુત્ર અને પૌત્રને સંભાળી લેજો એવી કાકલૂદી કરીને બાળ ઠાકરે ઉદ્ધવ અને આદિત્યને ન્યાય અપાવી રહ્યા છે કે ભત્રીજા રાજ ઠાકરેને અન્યાય કરી રહ્યા છે? અને અન્યાય પણ કોની સાથે? સગા ભત્રીજા સાથે, જે તેમનું પોતાનું લોહી છે અને જેણે બાળપણથી બાળ ઠાકરેનો સાથ નિભાવ્યો છે. ક્ષમતાની વાત કરીએ તો એ દૃષ્ટિએ પણ રાજ સવાયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉદ્ધવ ઠાકરેનું કોઈએ નામ પણ સાંભળ્યું નહોતું ત્યારથી રાજ ઠાકરે શિવસેનામાં સક્રિય છે. તેમણે રસ્તા પર ઊતરીને પક્ષની બાંધણી કરી છે. લગભગ દરેક શાખામાં તેમણે હાજરી આપી છે અને મહત્વના કાર્યકરોને તેઓ અંગત રીતે નામથી ઓળખે છે. શિવસેનાને મુંબઈ અને થાણેની બહાર મહારાષ્ટ્રમાં વિસ્તારવાનું પણ ઘણું શ્રેય રાજ ઠાકરેને જાય છે. રાજ ઠાકરેના શિવસેનાપ્રવેશ પછીથી જ મહારાષ્ટ્રના રાજકારણમાં સેનાને ગંભીરતાથી લેવાનું શરૂ થયું હતું. રાજ ઠાકરેના રાજકારણ સામે તીવ્ર વિરોધ; વિરોધ નહીં, ચીડ હોવા છતાંય રાજ ઠાકરે વધારે સારા રાજકારણી છે એ કબૂલ કરવું જ જોઈએ.

બાળ ઠાકરે પ્રતાપી ભત્રીજા માટે ગર્વ લેવાની જગ્યાએ પોતાના પુત્રના હિતમાં તેને અન્યાય કરનારી અપીલ કરે છે. શિવાજી પાર્કના મેદાનમાં પુત્ર વળી પિતાની રેકૉર્ડ કરેલી ટેપ શ્રોતાઓને સંભળાવે છે અને એ રીતે આશ્વાસન મેળવે છે. સંતાનમોહ દ્વારા પ્રેરિત દુર્બળતાની આ સીમા છે.

વાત એમ છે કે ન્યાય અને અન્યાય, સમાનતા અને સમાન તક એ આધુનિક પાાત્ય મૂલ્ય છે જે મોટા ભાગના લોકોને પરવડતાં નથી. બંધારણીય રીતે ભારતની પ્રજાતાંત્રિક લોકશાહીમાં મધ્યકાલીન સામંતશાહીના અવશેષો હજી ઘણા પ્રમાણમાં છે. ઘરાણાશાહી આવો એક અવશેષ છે. જ્યૉર્જ ઓરવેલે કહ્યું હતું એમ ઑલ આર ઇક્વલ, બટ સમ આર મોર ઇક્વલ. બધા જ સમાન છે, પરંતુ મારો દીકરો વધારે સમાન છે. બધાને સમાન તક મળવી જોઈએ, પરંતુ મારા દીકરાને વધારે સમાન તક મળવી જોઈએ. દીકરાને, શબ્દ નોંધી લો, દીકરાને. જ્યારે દીકરો અને દીકરી બન્ને મહkવાકાંક્ષી હોય ત્યારે આપણે ત્યાં બાપ-દીકરીને અન્યાય કરીને દીકરાની તરફેણ કરે છે. તામિલનાડુમાં એમ. કરુણાનિધિ પુત્રી કનીમોઝીની જગ્યાએ પુત્ર સ્ટૅલિનની તરફેણ કરે છે. શ્રીમંત શ્રેષ્ઠીઓ પણ આવું જ માનસ ધરાવે છે. વડીલોપાર્જિત સંપત્તિમાં દીકરીને હજી જ્યાં હિસ્સો આપવામાં આવતો નથી ત્યાં વેપારમાં સમાન તકનો તો પ્રશ્ન જ ક્યાં આવ્યો.